દેવદાસ
દેવદાસ
આજથી ઈકોતેર વર્ષ કે તે પહેલા સિનેમા રૂપે આપણે દેવદાસને ઓળખતા થયા. એ દેવદાસ શરદબાબુની ઉત્તમ કથારૂપે આજે પણ પ્રશંસનીય છે. કથાની સરળતાને લીધે વાર્તા ખૂબ જ હૃદયસ્પર્શી બની છે. વાર્તાના પાત્રોનો ખૂબ જ પ્રભાવ વાંચકના માનસ પર છોડી જાય છે. સ્ત્રી પાત્રોની હૃદયસ્પર્શી મનોભાવનાં જુદા જુદા વિચાર ચિંતનમાં પ્રસ્તુત થઈ છે.
દેવદાસ જમીનદારનો પુત્ર છે તે જમાનામાં જમીનદારના પુત્રોને ખૂબ જ સરસ એશોઆરામ મળતો. દેવદાસને નાનપણથી જ ઉછેરનાર ધર્મદાસ હતો, દેવદાસ ને ખૂબ જ પ્રેમ ને વ્હાલથી રાખતો. બાળપણનાં વધુ પડતા લાડ તોફાનને કારણે એને અંતે કલકત્તા મામાને ત્યાં ભણવા મોકલવામાં આવ્યો. તે દુઃખી પારોને કહીને ગયો કે પારુ ! પાછો જલ્દી આવીશ જો નહીં આવવા દેતો નાસી આવીશ. રડતી પારોને છોડી ઘોડાગાડીમાં ચાલી ગયો.
પારો પણ ફરી પાછી શાળાએ ભણવા જવા લાગી. દેવા વિના દિવસો શૂના થઈ ગયા. દેવદાસના પત્રોમાં પણ હવે આનંદ નહોતો આવતો, મનમાં તેણે જાણે ધારી લીધું કે દેવદાસને ગૃહ ત્યાગ પોતાને લીધે જ થયો, આ ભાવના દિલના ખુણામાં રાખી, ધીરે-ધીરે દેવદાસ પ્રત્યેનો પ્રેમ ગાઢ થતો ગયો.
ધીરે-ધીરે વર્ષો વીતવા લાગ્યા દેવદાસને સાથે સાથે પારો પણ મોટી થતી ગઈ. દેવદાસમાં શહેરીપણું આવ્યું.વિલાયતી જોડા, સુંદર પહેરણ, ફક્કડ ધોતિયું, સોટી, સોનાની ઘડિયાળ, સોનાનાં બટન આ બધું ન હોય તો તે ક્ષોભ પામતો હવે તે બંદૂક લઇ શિકારે જતો થયો. ચર્ચામાં પણ હવે રાજકારણ ક્રિકેટ કે ફૂટબોલની ચર્ચા ગમતી. રજાઓમાં બહારગામ જતો તાલસોનાપુર જવું ગમતું નહીં. રજાઓમાં ફરવા જતો રહેતો. આમાં તે એક વાર માતા-પિતાને આગ્રહ વસ ગામ આવ્યો ને ફરી માનસપટ પર તેર વરસની કન્યા પારો તેની સમક્ષ આવી. પાર્વતી પારુ/પારો આ વાર્તાનું મુખ્ય નારી પાત્ર. આમ પણ શરદબાબુના નારી પાત્ર વિશે આપણે પહેલાં કહી ગયા છીએ.
મિત્રો, પાર્વતી બાળપણથી દેવદાસ રૂપે દેવાને અંતઃકરણથી ચાહતી હતી. તેર વર્ષની ઉંમરે દાદીએ દેવાની મા આગળ પોતાની પૌત્રીની વાત કરી, તો તેણીની વાત ઠુકરાવી દેવામાં આવી. પાર્વતી પણ દુઃખી થઈ પણ જ્યારે દેવદાસ આવ્યો હતો તેને પોતાના હૃદયની વાત કરવા સમાજથી ડર્યા વગર મધરાતે તેના શયનકક્ષ સુધી પહોંચી ગઈ અને પ્રેમનો એકરાર કર્યો. દેવદાસે તેની હિંમત જોઈ અને બીજે દિવસે મા-બાપને જણાવ્યું, પણ અકૂલિન ઘરની પુત્રી કહી સ્પષ્ટ વિરોધ કર્યો હતો. દીકરીનો વ્યય કરનાર ને પાડોશના પરિવારનો અસ્વીકાર કરી દેવાયો. એક ચિઠ્ઠી પાર્વતીના નામે લખી દેવદાસ ચાલ્યો ગયો,પાર્વતીને દુઃખ તો થયું પણ મક્કમ મન કરી પોતે બીજે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ.
દેવદાસ પાછો આવ્યો તો તેણે તેનો બહિષ્કાર કર્યો તેના અહંકાર પર દેવદાસે તેના કપાળ પર સોટો ફટકારી દીધો કલંક રૂપી ડાઘને પીડા આપી દીધાં. એ ઘા રૂઝાયો પણ ડાઘ બાકી રહી ગયો. દેવદાસ ચાલ્યો ગયો, પણ પાર્વતીએ હાતીપોતા ગામના જમીનદાર શ્રીભુવનમોહન ચૌધરી સાથે લગ્ન કરી જ નાંખ્યા. ચાલીશથી વધુ ઉંમરના ભુવન બાબુને જોઈ લોકોએ વાતો કરી પણ પાર્વતી શુભદ્રષ્ટિ સમયે હાસ્ય કરી તેમને સ્વીકારી લીધાં. જમીનદાર નારાયણ મુખર્જી દેવદાસના પિતા આજે તેના વાલી બની આવી ગયા. અને પાર્વતીએ ધનાઢ્ય પતિને ત્યાં સાવકા બાળકો સાથે સંસાર માડી બેઠી. દેવદાસ કલકત્તાના ઈડન ગાર્ડનમાં અસહાય બેસી રહ્યો.
અહીં જુઓ મિત્રો, પ્રેમ હતો છતાં એ સમાજ પણ હતો કાયર પુરુષ દેવદાસ પણ હતો સાહસી વીરાંગના પારો એ સમાજને સ્વીકારી જિંદગીની સફરે ઉપડી ગઈ. દેવદાસની હવે દશા શું ? તેણે મોજીલા ચુનીબાબુનો સહારો માંગ્યો. ચુનીલાલે એ આપ્યો.
ત્યાં તેના જીવનમાં ચેતપુરની વેશ્યા ચંદ્રમુખીનો પ્રવેશ થયો. તે ચોવીસ વર્ષની હતી. શરૂઆતમાં તેણીને ઘૃણાયુક્ત વાક્યોથી નવાજી અને ઘૃણિત હોવા છતાં પણ દેવદાસને મનોમન ચાહતી રહી. દેવદાસ વારંવાર કહેતો "હું ક
ંઈ જીરવવાને માટે દારૂ નથી પીતો પણ અહીં રહેવું છે એટલે પીઉં છું." આ અઘટિત વાક્ય સાંભળ્યા છતાં તે દેવદાસને દારૂ પીતા અટકાવતી. દેવદાસના મોઢે લેખકે જ આ નારી પાત્ર જે વેશ્યાવૃત્તિ ચલાવે છે તેને માટે લખ્યા."આહા ! સહિષ્ણુતાની પ્રતિમૂર્તિ લાંછના, તિરસ્કાર, અપમાન, અત્યાચાર અને ઉપદ્રવ સ્ત્રીઓ કેટલા સહન કરી શકે છે ,એનું તમે ઉદાહરણ છો !"
પિતાના મૃત્યુ સમયે ગામમાં ગયેલા દેવદાસને જોઈ તેની મા પારોનાં દાદી તેના ભાઈ ભાભી અપાર દુઃખ પામ્યાં. પિતાજીના હિસ્સામાંથી પા ભાગનો હિસ્સો લઈ તે ફરી ભારત ભ્રમણ કરવા નીકળી ગયો. મિત્ર ચુનીલાલને ત્યાં પહોંચ્યો ત્યારે તાવ ભર્યા શરીરે પહોંચ્યો. ધર્મદાસે માને ખબર આપવાનું કહ્યું તો, પણ પોતાના આ ઘૃણિત ચહેરાને મા સામે લઈ ના જવાય" એમ કહીને ચૂપ કરી દીધો મુંબઈ તરફ પ્રયાણ કર્યું.ત્યાં તબિયત થોડી સારી થઈ ફરી માટને મળવાનું મન થયું છતાં ટાળ્યું. ફરી બરોળના રોગે ઉથલો માર્યો, શરીર માથાથી પગ સુધી રૂક્ષ થઈ ગયું.અંતે ઘર તરફ જવા હુગલીની ટિકિટ કરાવી. પણ દેવદાસને અંતઃકરણથી થઈ ગયું હતું હવે નહીં પહોંચાય ઘરે, પણ છતાં ટ્રેનમાં બેઠા પાંડુઆ સ્ટેશને ધર્મદાસને ઊંઘમાં જ મૂકી તેના કપાળે સ્નેહાળ સ્પર્શ કરી ચાલી નીકળ્યો, ગાડી ઉપડી ગઈ. ઘોડાગાડીવાળા સમક્ષ અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હાતીપોતા ગામે જવા માટે, જ્યાં હૃદય સ્થાને બેસાડેલી પારોનું નિવાસ સ્થાન હતું. ઘોડાગાડી વાળા એ મના કરી તો બળદગાડી કરી આઠ-દસ કોશ ગામ દૂર હતું ને ગાડીવાળાને કહ્યુ,"જરા જલદી લે બાપુ હવે વખત નથી" પાણી માંગી પાણી પીધું. સાંજ પડતાં નાકમાંથી લોહી ટપકવા લાગ્યું, દાંતમાંથી લોહી શરૂ થયું, શ્વાસોશ્વાસ લેતાં મુશ્કેલી પડી. બાર વાગ્યે ગાડી હાતીપોતા પહોંચી. દેવદાસ મૂર્છિત હતો ,ગાડીવાળાએ પીપળાનાં વૃક્ષ નીચે સુવાડ્યો.સભાનતા આવતા ગાડીવાળાને સો રૂપિયા આપ્યા.
શરીર પરનાં કપડાં, સાલ અને ગજવાના બે પત્રો અને હાથમાંની વીંટી અને છુંદણા પરથી કળાયું કે વ્યક્તિ તાલસોનાપુર ગામનાં દેવદાસ મુખર્જી હતાં. બ્રાહ્મણ કુટુંબનો પુત્ર પણ કોઈ અડકવા તૈયાર નહીં. છેવટે ભંગીઓ ઉપાડી ગયાં. સૂકા તળાવને કાંઠે અડધો પડધો બાળી ફેંકી દીધો, કાગડા ગીધ ઉપર આવી બેઠાં. શિયાળ કુતરા મડદા માટે લઢવા તૈયાર થયાંને લોકોના મોઢે શબ્દો જ રહ્યાં,ઓહ! ભદ્રલોક ! મોટો માણસ ! ભુવનબાબુ અને મહેન્દ્રે ઘરમાં જાણકારી આપી ને પાર્વતી દેવદાસની પારો હા જાણતા જ દોડી પણ મોટા ઘરની વહુ દરવાજે પણ ન પહોંચી શકી. બેભાન બની પડી રહી મૂર્છા ઉતરતા જાણ થઈ પૂછ્યું "રાત્રે આવ્યા હતા ? ને આખી રાત ? વાક્ય અધૂરું રહ્યું, પાર્વતી સહિષ્ણુતાની મૂર્તિ ચૂપ થઈ ગઈ.
આ હતી શરદબાબુની સહિષ્ણુતાની મૂર્તિ સમી નાયિકા લેખકનો આ અંત લોકોને હચમચાવી ગયો લેખક પોતે બોલી ઉઠ્યા."જે સાચો પ્રેમ રાખે છે તેજ સહન કરી શકે છે ! પારો હોય કે ચંદ્રમુખી ! લાંછના, તિરસ્કાર, અપમાન, અત્યાચાર અને ઉપદ્રવ સહન કરનારી સહિષ્ણુતાની સાક્ષાત પ્રતિમાઓ ! શરદબાબુની કરુણાંતક કરુણાભરી નવલકથા એટલે "દેવદાસ"
મેં જે ભાવ સમજ્યો તે મિત્રો આપ સમક્ષ અર્પણ કર્યો છે ,એટલું જ કહીશ કે આવો કરુણ અંત માનવીને પ્રેમમાં કદી ના મળે. દેવદાસ પારોને ચંદ્રમુખીનાં અસિમ પ્રેમને દર્શાવતી આ નવલકથા એટલે બે પ્રેમીઓને ના ભેગા થયાંનો કરુણ અંજામ. શરદબાબુના બીજીવારના પત્નીને જ્યારે દેવદાસ માટે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તમારા દાદા આવું કેમ લખતા હશે ? કે જે વાંચીને બે જુવાન છોકરા છોકરીએ આપઘાત કર્યો ! એકવાર તેઓ નવલકથા વાંચી રહ્યાં હતાં ત્યાં શરદબાબુ પહોંચ્યા ને તેમણે આંખમાં આંસુ સાથે કહ્યું કે આવું કંઈક લખો કે વાંચીને રડવું આવી જાય. મિત્રો વધુ કાંઈ નહીં કહું ઇચ્છું છું કે તમને મારો આસ્વાદ ગમશે જ ચાલો વધુ એક નવલકથા સાથે આપણે આગલી શ્રેણીમાં ફરી મળીશું.
અસ્તુ.