Prashant Subhashchandra Salunke

Abstract Comedy Inspirational

3  

Prashant Subhashchandra Salunke

Abstract Comedy Inspirational

મિત્રોની મિત્રતા

મિત્રોની મિત્રતા

8 mins
139


ખરેખર સ્ટરીમિરરે ખૂબ સાચું કહ્યું છે કે, મિત્રતા એ એક બંધન છે જે સમય, અંતર અને સંજોગોને પરે છે. "ફ્રેન્ડ્સ ફોરએવર ચેલેન્જ" નિમિત્તે વાર્તા વિચારી રહ્યો હતો ત્યાં એક જૂની ડાયરી હાથ લાગી જેમાં મિત્રતા સાથે જોડાયેલો એક અવિસ્મરણીય પ્રસંગ ટાંકેલો હતો જે હું અહીં પ્રસ્તુત કરું છું.

વાત એમ બની કે....

આજે રજાનો દિવસ હોવાથી થોડી નવરાશનો સમય મળ્યો. હવે કશું ખાસ કામ ન હોવાથી મેં મારા ઘરનું માળિયું સાફ કરવાનું વિચાર્યું. મારા ખ્યાલથી આપણે સહુએ વર્ષમાં એકવાર તો માળિયું સાફ કરવું જ જોઈએ. કારણ આના પરથી આપણને વર્ષ દરમિયાન કરેલા બીન જરૂરી ખર્ચાનો અંદાજ આવી જાય છે.

ખેર મેં પણ મારા ઘરની સાફસફાઈ કરતાં એવી ઘણી વસ્તુઓ મારા હાથમાં આવી જે મેં ઘણા હોંશેહોંશે કે દેખાદેખીથી ખરીદી તો હતી પરંતુ બાદમાં એ વસ્તુઓ ક્યારે માળિયામાં જઈને વસી ગઈ તેનો મને ખ્યાલ જ ન રહ્યો. ખેર સાફસફાઈ દરમ્યાન મારા હાથમાં વર્ષો જૂની એક નોટબુક આવી. તેના જર્જરિત થઈ ગયેલા પૃષ્ઠોને ઉથલાવી જોતા મારા ધ્યાનમાં આવ્યું કે હું સ્કુલમાં ભણવા જતો હતો ત્યારે મારા વર્ગશિક્ષકના આદેશથી મેં આ રોજનીશી બનાવી હતી. બસ પછી શું ! સફાઈ રહી બાજુમાં અને પઢાઈ થઈ શરૂ. જોકે મારા હાથ જે નોટબુક લાગી હતી તેને ડાયરી કહેવી કે નહીં તે તો રામ જાણે ! પરંતુ એટલું ચોક્કસ હતું કે તેમાં મારી બાળપણની યાદો સચવાયેલી હતી. મેં કુતુહલતાવશ તેમાંના લખાણને વાંચી જોવાનો પ્રયાસ કર્યો. અહીં પ્રયાસ શબ્દ પર હું મારા અક્ષરને કારણે ભાર આપી રહ્યો છું. નાનપણથી મારા અક્ષર ખરાબ હતા. શિક્ષકો કાયમ મને અક્ષર સુધારવા માટેની ટકોર કરતા રહેતા. પરંતુ એ બિચારાઓને શું ખબર કે આ મારા સુધારેલા જ અક્ષર હતા. જો ગાંધીબાપુએ મારા અક્ષર જોયા હોત તો તેઓ જરૂર ખુશ થયા હોત. ગર્વભેર મારા નોટબુકની બાજુમાં પોતાના હસ્તે લખેલો કાગળ મૂકી તેઓ બોલ્યા હોત કે, “બેટા, મારા અક્ષર જો કેટલા સરસ છે.”

ચાલો હવે નોટબુકરૂપી ડાયરીમાં એપ્રિલફૂલ નિમિતે લખેલું એક સંભારણું આપ સમક્ષ પ્રસ્તુત કરું છું. નોટબુકના પૃષ્ઠના જમણા ખૂણા તરફ કદાચ મેં તારીખ લખેલી છે. ૧ એપ્રિલ ૧૬૬૫ ! ના... ના... ૧૯૯૫ લખ્યું હોવું જોઈએ.”

નોટબુકનું લખાણ જોઈને મારા ધ્યાનમાં આવ્યું કે તારે જમીનનો ઈશાન અવસ્થી નાનપણમાં ‘ટ’ ને ‘ડ’ વાંચતો અને હું ‘9’ ને ‘6’ લખતો હતો. મેં ઉત્સાહથી ડાયરીના પાનાં ફેરવી જોયા પણ મારા વર્ગ શિક્ષકે ખુશ થઈને મને ઊઠાવી લીધો હોય તેવો એકે પ્રસંગ મારી નજરે ચઢ્યો નહીં.

ખેર હવે પ્રસંગમાં ધ્યાન લગાવીએ નહીંતર તમે કહેશો આ ડાયરી લખવાને બહાને અમને એપ્રિલ ફૂલ બનાવી રહ્યો છે.

*****

અમારા પડોશના ભાડાના મકાનમાં રહેતા એક કાકા દર વર્ષે અમને બાળકોને એપ્રિલફૂલ બનાવતા. અને પછી આખો વર્ષ એ પ્રસંગ અમને યાદ અપાવી ચિઢાવતા રહેતા. હવે કોઈ આપણને ફૂલ બનાવી જાય તે કેવી રીતે ગમે ? બદલો... હું બદલાની આગમાં તપડી રહ્યો હતો. કાકાને સો સુનાર કી, એક લુહાર કીનું જીવંત ઉદાહરણ આપવા માંગતો હતો. અને તેથી જ મેં મારા ગલીના મિત્રો નૈનેશ અને હિરેન સાથે મળીને કાકાને એપ્રિલફૂલ બનાવવાની યોજના ઘડી કાઢી. આ માટે અમે બે દિવસ પહેલાથી તૈયારીઓ કરવા માંડી. યોજના પ્રમાણે અમને એક ભૂતનું મહોરું જોઈતું હતું. સામેની જ દૂકાનમાં તે લટકતું અમે રોજે જોતા હતા. પરંતુ તેને ખરીદવાના પૈસા લાવવાના ક્યાંથી ? વળી મમ્મી પાસે પૈસા માંગવા હું ડરતો હતો. કારણ જો મારી મમ્મીને અમારી યોજના વિષે જાણ થઈ હોત તો તેઓએ જરૂર અમને શિખામણ આપી હોત કે, “બેટા, પડોશના કાકા હાર્ટપેશન્ટ છે. તેમને આમ ડરાવવા જોઈએ નહીં.”

હાર્ટપેશન્ટ છે તો તેમણે પણ ચુપચાપ પોતાના હાર્ટને સંભાળીને બેસી રહેવું જોઈએ ને! આમ બીજાના હાર્ટને તોડવાની શું જરૂર છે ?

હું મહોરું ખરીદવા માટેની તરકીબ વિચારવા લાગ્યો. આમપણ બાળકો માતાપિતાને ફૂલ બનાવતા જ રહેતા હોય છે. આ માટે ૧ એપ્રિલની રાહ કોણ જુએ ? મેં ગાઈડ લાવવાના બહાને મમ્મી પાસેથી દસ રૂપિયા કઢાવ્યા. આમ ૧ એપ્રિલની આગલી રાતે અમારી પાસે મહોરું આવી ગયું હતું.

અમે મિત્રોએ સવારના છ વાગ્યે જોગીંગ પર ન જતા કાકાને એપ્રિલ ફૂલ બનાવવાનું નક્કી કર્યું. હું કાકાને ઊંઘતા જ ઝડપવા માંગતો હતો કારણ જાગૃત અવસ્થામાં તેઓને એપ્રિલફૂલ બનાવવું અઘરું હતું. વળી પહેલો ઘા રાણાનો એ હિસાબે કાકા પહેલા હું તેમને એપ્રિલફૂલ બનાવવા માંગતો હતો.

૧ એપ્રિલના સવારે પોણા છ વાગે અમે મિત્રો ભેગા થયા. ગરમીના દિવસોમાં કાકાને અગાશીમાં સુવાની ટેવ હતી. વળી તેમની અગાશી પર જવા માટેનો રસ્તો બહારથી હોવાથી અમારું કામ સરળ બની ગયું હતું. અમે બિલ્લીપગે અગાશીમાં ગયા ત્યારે કાકા મોઢા પર ચાદર ઓઢી ઘસઘસાટ ઊંઘતા હતા. મેં ભૂતનું મોહરું પહેર્યું અને ઉત્સાહથી સુઈ રહેલા કાકા પર કુદી પડ્યો. મારા બન્ને મિત્રો “હુ... હુ... હા...”નો ભયંકર અવાજ કાઢી રહ્યા. પરંતુ આ શું ? કાકાના શરીરમાં કોઈ હલચલ થઈ નહીં! તેઓ નિસ્તેજ અવસ્થામાં પોઢી રહ્યા. મેં ઘબરાઈને ચાદર હટાવી તો તેની નીચે મુકેલા તકિયા જોઈ હું અચરજ પામી ગયો. હજુ હું કંઈ સમજુ તે પહેલા પાછળથી આવેલો “હુ... હુ... હા...”નો અવાજ સાંભળી હું ડઘાઈ ગયો. પલંગ પરથી કૂદી પડતા હું મુઠ્ઠીવાળી દોડવા માંડ્યો. પરંતુ બીજી જ ક્ષણે કાકાનો હસવાનો અવાજ કાને પડતા મારા પગ થંભી ગયા. મેં રોષથી હોઠ ભીસ્યા કારણ ફરી એકવાર કાકા મને એપ્રિલફૂલ બનાવી ગયા હતા.

મેં અકળાઈને પૂછ્યું, “કાકા, તમે ક્યાં હતા ?”

કાકાએ હસીને કહ્યું, “હું પાણીની ટાંકી પાછળ છુપાઈને તારા આવવાની રાહ જોઈ રહ્યો હતો.”

આ સાંભળી મને ખૂબ રોષ આવ્યો. મારા કાકાએ ખિસ્સામાંથી બે કેટબરી કાઢી નૈનેશ અને હિરેનને આપી. આ જોઈ હું અચરજથી બોલ્યો, “કાકા, આમને કેટબરી કેમ આપી રહ્યા છો ?”

કાકાએ હસીને કહ્યું, “તારી યોજના વિષે આ લોકોએ મને જણાવ્યું હતું એટલા માટે.”

આ સાંભળી હું અકળાઈને તે બંનેને મારવા તેમની પાછળ દોડ્યો. કાકાના હાથમાંથી કેટબરી ખેંચી તેઓ બન્ને મારાથી બચવા ભાગી છૂટ્યા.

મારા કાકાએ હસતા હસતા કહ્યું, “પ્રશાંત, ઊભો રહે તારી કેટબરી તો લેતો જા.”

પણ હું મારા દોસ્તોની જેમ કેટબરીની લાલચે ઈરાદો બદલી દઉં તેવો નહોતો. હું મુઠ્ઠીવાળી તે બંનેને પકડવા તેમની પાછળ દોડી રહ્યો.

મેં મારા દોસ્તોને જુઠમૂઠના માર્યા પરંતુ હકીકતમાં હું જાણતો હતો કે તેઓએ મારા ભલા માટે જ મારી સાથે ગદ્દારી કરી હતી. તેઓ જાણતા હતા કે કાકા હાર્ટના પેશેન્ટ હતા. આવી પરિસ્થિતિમાં મારી મજાક તેમને ભારે પડી ગઈ હોત. જો મારા મિત્રોએ કાકાને અગાઉથી સાવચેત કરી રાખ્યા ન હોત તો તે દિવસે જરૂર હસવામાંથી ખસવું થઈ ગયું હોત.

નોટબુકમાં લખેલો પ્રસંગ વાંચી નાનપણની યાદો તાજી થઈ છે ત્યારે મારે નિખાલસતાથી કબુલ કરવું પડે કે મારા કાકા જ્યાં સુધી પડોશના ભાડાના મકાનમાં રહ્યા ત્યાં સુધી દર વર્ષે અમો બાળકોને એપ્રિલફૂલ બનાવતા રહ્યા. અને એકદિવસ અમને સહુને એપ્રિલ ફૂલ બનાવી તેઓ જતા રહ્યા. અરે ! એક મિનિટ. જતા રહ્યા એટલે બીજે રહેવા જતા રહ્યા.

ખરેખર દોસ્તો સાથે વિતાવેલી એ પળોને યાદ કરી આજના વ્યસ્ત સમયમાં થોડી હળવાશ અનુભવી લેવાય છે. બાકી આજે જીંદગી જે રીતે ફૂલ બનાવી રહી છે તે જોતા કાકા દ્વારા એપ્રિલફૂલ બની જવામાં કંઈક અલગ જ હતી મજા.

ડાયરીના તમામ પૃષ્ઠો મારા દોસ્તો સાથેની ખાટીમીઠી વાતો સાથે જ સંકળાયેલા હતા. તેમાંથી એક બીજો પ્રસંગ હું વાંચી ગયો...

દુનિયામાં અદભૂત અને સુંદર કોઈ ભેટ હોય તો એ છે મિત્રો અને ઈશ્વરે મને તે ભેટ સચિન, હેમંત, નૈનેશ, અને હિરેન જેવા ચાર મિત્રોના સ્વરૂપે આપી છે. મારા નાનપણના આ ચાર મિત્રો આજે પણ મારી સાથે હોય ત્યારે હું તમામ દુઃખ ભૂલી મજાકમસ્તીના મિજાજમાં આવી જઉં છું. 'મિત્રો સાથે હોય તો દુનિયા રંગીન છે અને તેમના વગર ગમગીન.' આ ઉક્તિને તેઓએ વારંવાર સાચી સાબિત કરી છે. તેમાં પણ એમની સાથે પ્રવાસ પર જવાની વાત હોય ત્યારે તેનો રોમાંચ કેટલો અદભૂત હોય તે તમે વિચારી જ શકો છો.

એકવાર ઉનાળાના વેકેશનમાં અમે મિત્રો રાજસ્થાનના સિરોહી જિલ્લા સ્થિત પ્રસિદ્ધ હિલ સ્ટેશન એવા માઉન્ટ આબુ પર ફરવા જવાનું નક્કી કર્યું. એ જ સાંજે સચિનની કારમાં બેસી આખા રસ્તે “યહ દોસ્તી હમ નહીં છોડેગે” જેવા ગીતો ગાતા ગાતા અમે વહેલી સવારેજ માઉન્ટ આબુ પહોંચ્યા હતા. એક દિવસ માટે મિત્રો સાથે માણેલી એ પ્રાકૃતિક સુંદરતા, સુર્યાસ્ત સમયે નિહાળેલા એ હર્યા ભર્યા પહાડો, ભારતની એકમાત્ર કૃત્રિમ ઝીલ એવી નખી ઝીલની મનોરમ્યતા આંખ સામેથી આજેપણ ખસવાનું નામ લેતી નથી. જૈનોના પ્રસિદ્ધ તીર્થ સ્થાનોના કરેલા દર્શન હજુપણ મારા શરીરમાં એક અનોખી ઉર્જા અને શક્તિનો સંચાર કરતા રહે છે. ત્યાંથી ખરીદેલી નાની લાકડાની સુંદર મૂર્તિ ઘણા વર્ષો સુધી મારા ટેબલની શોભા બની રહી હતી. ટૂંકમાં મિત્રો સાથે માઉન્ટ આબુ પર વિતાવેલો એ આખો દિવસ મારા જીવનનો યાદગાર પ્રસંગ બનીને રહ્યો છે.

મિત્રો સાથે ધીંગામસ્તી કરતા કરતા માણેલી કુદરતી સૌન્દર્યતાની અનુભૂતિ કંઈક અનોખી જ હતી પરંતુ આ વાત ફક્ત મજાની નથી. માઉન્ટ આબુ પર સૂર્યાસ્ત જોઈ પાછા ફરતી વખતે એક ઢોળાવ પર મારો પગ લપસી પડતા તેમાં મોચ આવી. પીડા ખૂબ ભયંકર હોવાથી મિત્રોની સહાયતાથી જેમ તેમ કરીને હું અમે જે જગ્યાએ રોકાણ કર્યું હતું તે સ્થળે આવી પહોંચ્યા હતા. રાતે બધા મિત્રોએ જમવા માટે બહાર જવાનું નક્કી કર્યું. મને સખત દુઃખાવો થતો હોવાથી મેં તેમની સાથે જવાની ના પાડી. મને એમ કે જો હું ના પાડીશ તો તેઓ જિદ કરશે અને કહેશે કે તું નહીં આવે તો અમે પણ નહીં જઈએ. પરંતુ એવું કશું થયું નહીં ! તેઓ “ઠીક છે...” એમ કહી નફફટની જેમ મને એકલો મુકીને હોટેલમાં જમવા નીકળી ગયા. એ દિવસે મને જીવનનું સત્ય સમજાયું કે આ દુનિયામાં આપણે એકલા આવ્યા છીએ અને એકલા જ જવાના છીએ ! જ્યાં સુધી સુખ છે ત્યાં સુધી સઘળા સાથે છે પરંતુ દુઃખની ઘડીએ આપણે જ આપણી જાતને સંભાળવાની હોય છે. મને હવે ઘરની ખૂબ યાદ આવવા લાગી. જો મારી માતા મારી સાથે હોત તો તેણે મારી કેટલી કાળજી લીધી હોત.

થોડીવારમાં જ બધા મિત્રો પાછા આવ્યા. મને થોડું આશ્ચર્ય થયું. મેં તેઓને પૂછ્યું, “આટલી જલદી હોટેલમાં જમીને પાછા પણ આવી ગયા ?”

મારી વાત સાંભળીને નૈનેશ બોલ્યો, “પાગલ થયો છું ? તને મુકીને અમે હોટેલમાં જમવાના હતા ? અમે આપણા પાંચે જણાનું ભોજન ત્યાંથી પેક કરાવીને લાવ્યા છે.”

સચિન બોલ્યો, “ટોણપા, તારા વગર જમ્યા હોતને તો સવારે અમારા પેટમાં દુઃખ્યું હોત.”

હિરેન આ સાંભળી ખડખડાટ હસી પડ્યો.

નૈનેશ હોટેલમાંથી લાવેલું પેકેટ ખોલી જમવાની પાંચ થાળી તૈયાર કરતા કરતા બોલ્યો, “હવે જમવા આવીશ કે એમાં પણ તારો પગ દુઃખાશે ? હું તને ના પાડતો હતો તોય તારે આમ કુદકા મારતા ટેકરી ઉતરવાની જરૂર હતી ?”

મારી આંખમાંથી અશ્રુ વહી પડ્યા. એ દિવસે મને જીવનનું બીજું સત્ય સમજાયું કે આ દુનિયામાં મિત્રો વગર બીજું કઈ નથી. મેં ચાદરને એક તરફ ફંગોળતા કહ્યું... “લવ યુ મિત્રો...”

એ જોઈ હેમંત તાડૂક્યો, “જો... જે... નહીંતર બીજો પગ પણ તોડી બેસીશ...”

મારા દોસ્તો હસાવતા હસાવતા રડાવી ગયા હતાં. અને મને પ્રેમપૂર્વક સમજાવી ગયા અસલી જીવનનું સત્ય. મિત્રો સિવાય આ જીવનમાં સૂનકાર છે. એ મિત્રો જ છે જે દૂર કરે અંધકાર છે. ખરેખર મારા જીવનમાં ખૂબ જ અમૂલ્ય છે મારા મિત્રોની મિત્રતા.


Rate this content
Log in

Similar gujarati story from Abstract