માવતર
માવતર
નામઠામ બદલીને આજે વાત કરીશ. એ શું વ્યવસાય કરે છે એ પણ નહિ કહેવાય!
નામ એમનું સનત ભાઇ. ધંધો સારો એવો ચાલે. એ અને એમની પત્ની ખૂબ શાંતિથી રહે. સનતભાઇ સ્વભાવે ખૂબ જ સાલસ. જ્યારે પણ મળો ત્યારે ખૂબ શાંતિથી બધું સમજાવે. કદીયે ગરમ ન થાય.
ખૂબ જ સજ્જન પણ ભગવાનને એને શેર માટીની ખોટ આપી હતી. મનમાં ઊંડે એવો વિશ્વાસ ખરો કે ભગવાન જરૂર એમની સામે જોશે.
આમને આમ સમય વીત્યે જતો હતો. અને જોતજોતામાં એક અણબનાવ બની ગયો. એમની બહેન અને જીજાજી કોઈક કામસર જઈ રહ્યા હતા. અકસ્માત થયો અને બંને ઘટના સ્થળેજ મૃત્યુ પામ્યા. એમની બહનેને બે બાળકો હતા. એક દિકરો અને દીકરી.
સનતભાઇ નું હૃદય ચિરાઈ ગયું. હવે આ બંને ફૂલ જેવા કુમળા બાળકોનું શું થશે? સાસરિયા ના ભરોસે ન બેસાય. બાળકોનું જીવન બગડી જશે. મનોમન કંઇક નિર્ણય કર્યો. એમના પત્નીએ મંજૂરીની મહોર લગાવી.
સનત ભાઈ બંને બાળકોને પોતાને ઘરે લઈ આવ્યા. મનમાં એક નિર્ધાર કર્યો કે મારી બહેને જે પણ સપનાં જોયા હતા બંને બાળકો માટે એ હું ચોક્કસ પૂરા કરીશ. એમની બહેનને અભ્યાસ પ્રત્યે ખૂબ લગાવ હતો. સનતભાઇ એ પોતાની જવાબદારી ખૂબ બખૂબી નિભાવી. બાળકોને માતાપિતાથી વિશેષ પ્રેમ આપ્યો. બંને બાળકો ખૂબ સારું ભણ્યા અને ઊંચી પોસ્ટ પર બંનેને નોકરી મળી.
સનતભાઈ હજુ પણ એમનો ધંધો ચલાવે છે. બાળકો પાસેથી કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર. શું બાળકને પોતે જન્મ આપ્યો હોય તો જ માતાપિતા કહેવાઈએ? બાળકોને સારું શિક્ષણ અને સંસ્કાર આપીએ. ખૂબ સારી માવજતથી મોટા કરીએ. શું આ માતપિતાની ફરજ નથી? સનતભાઇ અને એમની પત્નીએ ખરા અર્થમાં માતાપિતા બની બતાવ્યું છે. એ બંને બાળકોએ એમના માતપિતાને આજ સુધી યાદ નથી કર્યા ! એનાથી વિશેષ માતાપિતાનો પ્રેમ કેવો હોઈ શકે?