વસુધા
વસુધા


વસુધા એક સંસ્કારી સ્ત્રી. બાળકો અને પતિની જવાબદારી બખૂબી નિભાવે. પણ કાળ નું ચક્ર એવું ફર્યું કે સંપતિ અને પતિ બંને ગુમાવ્યા.
બધી જવાબદારી માથે આવી પડી. ઘર ચલાવવાની તેમજ બંને બાળકોને મોટા કરવાની.
રાત દિવસ એક કરીને જે મળે એ કામ કરતી. એક જગ્યા એ આખા દિવસ નું ઘરકામ ,રસોઈ, બીજા પરચુરણ કામ કરવાની નોકરી મળી ગઈ. ઘણો સારો પગાર મળતો પણ બાળકોનું સરખું ધ્યાન ન રાખી શકતું.
સમય વીતતો ગયો. બાળકો ને સારી સ્કૂલમાં ભણાવી રહી હતી. એવી આશા હતી કે બાળકો સારી નોકરી કરશે અને પોતાને આરામ આપશે. બાળકો મોટા થઇને વટવૃક્ષ જેવા બની ગયા.
ખૂબ સારી જગ્યાએ ઊંચા પગારવાળી નોકરી મળી ગઈ. પણ બંને દિકરા વસુધા સાથે રહી શકે એમ નહોતા. બંનેમાંથી એક ને વડોદરા અને બીજા ને અમદાવાદ શહેરમાં નોકરી હોવાથી બંને જતા રહ્યા. વસુધા ને કહ્યું કે ત્યાં બધું સેટ કરીને પછી એને બોલાવશે.
વસુધા મન માં ને મન માં ખુશ થતી રહેતી. સમય પાણીની જેમ વહી રહ્યો હતો. વસુધા ને થતું કે હજુ બંને માંથી કોઈને ઘર નહિ મળ્યું હોય ! મારા બાળકો હેરાન થતાં હશે !
વસુધા જયાં કામ કરતી હતી એ બંને પતિ પત્નીને એક દિવસ અમદાવાદ સંબંધી ને ત્યાં જવાનું થયું. થયું એવું કે એ સંબંધી જ્યાં રહેતા હતા ત્યાં જ વસુધાનો એક દિકરો તેઓને મળ્યો. આમતેમ વાતો કરીને જતો રહ્યો. બંને પતિ પત્નીને નવાઈ લાગી. કેમકે એ વિસ્તાર ખૂબ પૉશ ગણાતો. ખૂબ જ સારી નોકરી હોય તો જ ત્યાં રહી શકાય.
બંને પતિ પત્ની એ એમના સંબંધી ને કહ્યું ત્યારે ખબર પડી કે એને તો નોકરી ને છોકરી બંને મળી ગયા છે. અહીંયા વસુધા બાપડી આખું જીવન ઘસી નાખ્યું બંનેને ભણાવવામાં.
હવે વસુધા ને વાત કેમ કરવી ! બંને પતિ પત્ની એ તપાસ કરી તો બીજા દિકરા એ પણ એવું જ કર્યું હતું.
એમને વસુધા ને પાસે બોલાવી. આખું જીવન વસુધા એ એ ઘરને ખૂબ સારી રીતે સાંભળ્યું હતું. એટલે એના માટે બંને પતિ પત્નીને ખૂબ લાગણી હતી.
વસુધા ને પાસે બેસાડીને વાત ચાલુ કરી. જો વસુધા તારા બંને દિકરા એ મકાન,નોકરી અને લગ્ન બધું પતાવી દીધું છે. પણ તને જાણ નથી કરી. આતો અમે અમદાવાદ ગયા એટલે ખબર પડી.
વસુધા થોડીવાર તમ્મર ખાઈ ગઈ. સૂનમૂન કેટલોય સમય બેસી રહી ! શું વાંક હતો એનો? બસ આખું જીવન બાળકોને સવલતો આપી એ?
આપણે શું કરી રહ્યા છીએ? આપણી મા,આપણી ધરતી મા ને આવી રીતે જ દુઃખ આપી રહ્યા છીએ. એણે આપણને કઈ કેટલું આપ્યું અને હજુ પણ આપી રહી છે. આપણે કઠોર દિકરાની જેમ બધું લઈને એને તો કઈ સારું નથી આપી રહ્યા. હજુ સમય છે થોડા બદલીએ,થોડું ધરતી માતાને પાછું આપીએ. થોડી એની તકલીફ ઓછી કરીએ.