માનવતા
માનવતા


ગણપત આજે પોતાની હદ બહાર નું વર્તી રહ્યો છે. પારુલ ને હજુ હમણાં જ ત્રીજી દીકરી આવી હતી. ખબર નહિ પણ આજે એને પારુલ ને એટલી બધી મારી કે ન પૂછો વાત !!
આજુબાજુ વાળા તમાશો જોઈ રહ્યા હતા પણ કોઈ પારુલ ને બચાવવા ન્હોતું જઈ રહ્યું. એક સ્ત્રી અને પછી હમણાં જ સુવાવડ થયેલી કેટલું સહન કરી શકે. બાજુ માં એની બંને દીકરીઓ રડી રહી હતી.
ગણપત આજે માણસાઈ ભૂલી ગયો,પારુલ અને ત્રણેય દીકરી ને ઘર બહાર કાઢી મૂકી. સૌથી મોટી દીકરી ચાર વર્ષ,બીજી બે વર્ષ અને ત્રીજી પંદર દિવસની. પારુલ નો વાંક ફક્ત એટલો કે એ દિકરો ન આપી શકી. સાચી રીતે જોઈએ તો આમાં પારુલ કઈ કરી શકે એમ નહોતી,પણ કોણ સમજાવી શકે ગણપત ને.
આ વાત હતી વીસ વર્ષ પહેલાની. ખૂબ પછાત વિસ્તાર માં રહેતા હતા પારુલ અને ગણપત. વિચારસરણી કેવી હોય એ વિચારી શકાય !! કોઈકે ગણપત ને એમ કહ્યું કે બીજી પત્ની લઈ આવ, આ તને દિકરો નહિ આપી શકે.
ગણપતના મનમાં આ વાત ઘર કરી ગઈ. અને પારુલને અને પોતાની દીકરીઓને રસ્તે રઝળવા છોડી દીધી.
પારુલ ત્રણેય બાળકીઓને લઈ નીકળી પડી. પણ અસહ્ય માર અને સુવાવડની અશકિત ને કારણે એ રસ્તા પર જ બેહોશ થઈ ગઈ. નાની દીકરીઓ રસ્તે રડી રહી હતી. બિચારી અબૂધ જેવી દીકરીઓ,નાની ઉંમર શું કરે!?
એટલામાં એક કાર ઊભી રહી. પારુલ ને બેહોશ જોઇને અને ત્રણેય દીકરીઓને રડતી જોઈને કોઈને અનુકંપા જાગી હશે અને કાર ઊભી રહી. એમાંથી એક સ્ત્રી બહાર નીકળી.
ખાદી સિલ્કની સાડી, સુંદર લાંબા વાળ, આંખો પર મોટા ચશ્મા અને ચહેરા પર એક પ્રેમાળ સ્મિત. આંખોની આસપાસની કરચલી એમના જીવન અનુભવને વર્ણવી રહી હતી.
કારમાંથી બહાર નીકળીને ડ્રાઇવર ને કહ્યું ," હસમુખ,બહાર આવ. આ બહેનને કારમાં સુવડાવી દે. હું દીકરીઓને બેસાડું છું."
એ સ્ત્રીનું નામ હતું અનુપમા. વર્ષોથી "આશ્રય વિકાસગૃહ" ચલાવી રહી હતી. નિ:સહાય સ્ત્રીઓને પોતાની આવડત પ્રમાણે કામ શીખવાડવામાં આવતું. કોઈ સોયદોરાથી કપડા પર કળા કંડારતુ. કોઈ પાપડ,અથાણાં બનાવતું ને પોતાની રસોઈ કળાનો પરિચય આપતું. કોઈ ભણીગણી ને સંસ્થાની સ્કૂલમાં શિક્ષક તરીકે બાળકોને ભણાવતાં. બસ આમ જ સ્ત્રીઓને સદ્ધર થવાની તક મળતી.
પારુલને સંસ્થામાં લાવવામાં આવી. સંસ્થાની પોતાની હોસ્પિટલ હતી. ત્યાં એને દાખલ કરવામાં આવી. ત્રણેય દીકરીઓને આયા બહેન સંભાળી રહી હતી. બે ત્રણ દિવસ બાદ પારુલ વાત કરી શકે એવી સ્થિતિમાં આવી. અનુપમા બેન પારુલ પાસે વાત કરવા માટે આવ્યા.
અનુપમા બેન ની આભા જ એવી હતી ભલભલા વગર પૂછે પોતાના મનની વાત કરીને હળવા થયું જાય ! આજે પણ એવું જ થયું. પારુલ એમને જોઇને રડી પડી.ખૂબ જ રડી.જેમ ધોધમાર વરસાદ બાદ આકાશ સ્વચ્છ થઈ જાય તેમ!! પારુલ શાંત પડી અને બધી જ વાત જણાવી અને અનુપમા બેન નો આભાર માન્યો.
પારુલ હવે પાછી જવા તૈયાર નહોતી. બસ એણે નક્કી કર્યું હતું કે એ કઈ પણ કામકાજ કરશે ને પોતાની બાળકીઓને મોટી કરશે પણ એ ગણપત ના નરકમાં પાછી નહિ જાય!!! અનુપમા બેને એને સંસ્થાની કામગીરી સમજાવી. પારુલ ખુશ થઇ ગયી અને વચન આપ્યું કે પૂરા ખંત અને મહેનતથી કામકાજ કરશે.
અનુપમા બેન બહાર આવ્યા ત્યારે એમની આંખોમાં આંસુ હતા. એમને એમનો ભૂતકાળ યાદ આવી ગયો હતો. ઘાવ તાજા થઇ ગયા. આ જ કારણ હતું કે એમણે આ સંસ્થાની સ્થાપના કરી. એમને કોઈકે હાથ આપ્યો અને એ હવે બધાને સહારો આપી રહ્યા હતા!
આટલા સમયમાં એમનો અનુભવ હતો કે ખરી માણસાઈ જરૂરતમંદ ને મદદ કરવામાં જ છે. એમના આશીર્વાદથી જીવન તરી જવાય ! આવી તો કઈક સ્ત્રીઓ હશે જે આવા નરકમાં સબડતી હશે!.કોઈક પોતાનું જીવન ટુંકાવતી હશે!! અને કોઈક તરી જતી હશે!
આજે પારુલ આયાબહેન તરીકેની નોકરી કરી રહી છે.
એમની દીકરીઓ પણ ખૂબ સારું ભણીને એક સ્વમાન ભર્યું જીવન જીવી રહી છે. પારુલ અનુપમા બેન ને હૃદયપૂર્વક ના આશીર્વાદ આપી રહી છે..
અને ગણપત,ફરીથી લગ્ન કરીને બીજી ત્રણ દીકરીઓને જેમ તેમ ખરાબ હાલતમાં મોટી કરી રહ્યો છે. શું શિક્ષણ આપશે એ? શું ભવિષ્ય તેઓનું? બીજું બધું તો ઠીક પણ પોતાનું પડખું સેવનાર પત્ની માટે તો કેટલું માન હોવું જોઈએ. માન,પ્રેમ, લાગણી ની વાત જવા દો. એતો માણસાઈમાંથી પણ ગયો. અને એની ખરાબ હાલતનો એજ જવાબદાર છે.
ઘણા માણસો પશુ કરતા પણ બદતર હોય છે. પશુ ખરેખર પશુ ન કહેવાય,પણ માણસો જરૂર પશુ થી ખરાબ કહેવાય... પશુ તો લાગણીશીલ હોય છે. એને એકવાર પ્રેમથી બોલાવો તો તરત તમારી પાસે આવે... વગર કારણ નું કરડે પણ નહિ...પણ માણસ તો... બીજી તરફ અનુપમા બેન જેવા દેવદૂતો પણ હોય છે જે માણસાઈ ના દિવા પ્રગટાવીને ચોતરફ માનવતા ની મહેક ફેલાવતા હોય છે. અને લોકોનું જીવન સુધારતા હોય છે.