ગુલમહોર
ગુલમહોર
આજ ફરીથી વનરાજની યાદ આવી ગઈ.
વંચિતા ગુલમહોરના વૃક્ષની ઓથે બેઠી. આંખો બંધ કરીને ભૂતકાળમાં ખોવાઈ ગઈ.
વનરાજ, નામ એવા જ ગુણ. વનનો રાજા. વૃક્ષો માટે અતિશય પ્રેમ. પ્રેમ એટલો બધો, જેટલો મને પણ ન કરે ! વાળ એવા કે જાણે વડલો. આંખો એવી પાણીદાર જાણે કે વન વચ્ચે ખળખળ વહેતું ઝરણું ! બોલે એવું કે જાણે પારિજાતના ફૂલો ખરતા હોય ! અવાજ પણ એવો મીઠો કે જાણે મોગરાના ફૂલની મીઠી સુગંધ !
એવો ફૂટડો યુવાન કે પરાણે વહાલો લાગે. વનરાજ અને વંચિતા નાનપણના મિત્રો. દોસ્તી ક્યારે પ્રેમમાં પરિણમી કોઈને ખબર ન પડી ! વનરાજનો પહેલો પ્રેમ એના વૃક્ષો અને બીજો હું. વનરાજનો પ્રેમ હવે જીદ બની રહ્યો હતો. એણે એક અભિયાન ચાલુ કર્યું હતું. દરેકને વૃક્ષોની ઉપયોગિતા બતાવતો હતો:
"વૃક્ષોને કારણે હવા સ્વચ્છ રહે છે. વૃક્ષો ઝેરી વાયુ ખેંચી લે છે. વૃક્ષો વરસાદ લાવે છે. વૃક્ષોથીજ આપણું જીવન શક્ય છે. માટે જ તમારા ઘરમાં જેટલા સભ્યો હોય એટલા તો વૃક્ષ વાવવા જ જોઈએ. "
એનો સૌથી વધુ રોષ બિલ્ડરો સામે હતો. તેઓ જંગલની જમીન પરના વૃક્ષો કાપીને એની પર મોટી મોટી ઇમારતો અને હોટલોનું નિર્માણ કરે છે. વનરાજ વંચિતા સાથે બેઠો હોય તો પણ એની આવી જ વાતો ચાલુ હોય. બંને પરણી ગયા. વનરાજે વંચિતાંને લગ્નની પહેલી રાતે ગુલમહોરનો છોડ ભેટ આપ્યો.
"વંચિતા, ગુલમહોરનું વૃક્ષ ખૂબ મોટું હોય છે. મારો પ્રેમ પણ એવો જ છે. જેમ એની પર ફૂલો આવશે એમ જ આપણાં પ્રેમના પણ ફૂલો ઉગશે."
બીજા દિવસે બંને એ ભેગા મળીને છોડ રોપ્યો હતો. વનરાજના ઘરની ફરતે વૃક્ષોજ વૃક્ષો હતા. એણે નાના મોટા, જાતભાતના ખૂબ બધા વૃક્ષો ઉગાડયા હતા. ફળાઉ વૃક્ષો પણ હતા.
વનરાજ કહેતો," વૃક્ષો આપણા ખાસ મિત્રો છે. એની સાથે તમે વાતચીત પણ કરી શકો છો. આપણી વાતચીતની ખૂબ અસર થાય છે તેમના પર. કોઈક વાર એકલું લાગે તો એને ભેટી જોજે. ખૂબ પોતીકું લાગશે"
વંચિતા વનરાજની વાતો સાંભળ્યા જ કરતી.
એક બિલ્ડર હતો, વનરાજ એને આંખના કણની માફક ખૂંચતો. વનરાજનો વિરોધ એના બિઝનેસને આડે આવતો. અને થયું એવું કે વનરાજનો અકસ્માત કરાવીને એને હંમેશા રસ્તામાંથી હટાવી દીધો. વંચિતાના ઉદરમાં વનરાજના પ્રેમનું બીજ રોપાઈ ગયું હતું. વંચિતા એ એને ખૂબ જ પ્રેમ અને જતનથી મોટો કર્યો.
વંચિતા વરુણના અવાજથી વર્તમાનમાં પછી આવી. વંચિતા એ વનરાજને પોતાના આંગણામાં આવેલ દરેક વૃક્ષમાં જીવિત રાખ્યો છે. ખાસ કરીને ગુલમહોરના વૃક્ષમાં. એને જ્યારે પણ વનરાજ યાદ આવે ત્યારે તે ગુલમહોરને ભેટી લે છે.