કવચ
કવચ
ગામમાં સોપો પડી ગયો. સમાચાર ફરી વળ્યા કે રમલીની દીકરી મંજુ વિધવા થઈ ! એના ધણીને એરુ આભડી ગયો.
થોડા દિવસ ખૂબ રોકકળ ચાલી. સાસરિયાં પક્ષે દીકરીને પિયર મોકલી દીધી. રમલીની આંખોની ઊંઘ ઊડી ગઈ હતી. મંજુ માત્ર ઓગણીસ વરસની હતી. રમલી ખુલી આંખોની રાતોમાં બસ ભૂતકાળ વાગોળતી રહેતી.
કેવા રંગેચંગે લગ્ન કર્યા હતા મારી મંજુ ના. મંજુ હતી ય એવી ! એય ને રૂપાળી અને નમણી. જોનાર ઘડીભર જોતા જ રહી જાય. એની માટે ઘરવાળો પણ એવો જ શોધ્યો હતો. રામ સીતા જેવી જોડી હતી બેઉં ની ! રામ જાણે કોની નજર લાગી ગઈ. રામજી ગયો ખેતરે ને એરુ આભડી ગયો !
રમલી પોતાને દર્પણમાં જોતી ને એને કંઇક અજુગતું લાગતું. પોતે ચૂડી ચાંદલો કરતી ને પોતાની દીકરી સાવ બેરંગ સફેદ સાડલામાં ! હૃદય ઉપર જાણે કોઈએ દાતરડું ફેરવ્યું એવી પીડા થતી.
થોડા દહાડા વીત્યા ને બાજુમાં રહેતી કડવી ડોશી આવ્યા રમલી પાસે. "એય રમલી ! કયાં ગઈ?"
રમલી આવી. કડવી ડોશી નામ પ્રમાણે બોલ્યા. " જો રમલી મંજુ વિધવા થઈ એ ગમે તેટલી નાની ઉંમરની હશે તો પણ એને બીજવર જ મળશે. મારા ધ્યાનમાં છે એક છોકરો. બે દીકરા છે એને. ઉંમર ફક્ત પાંત્રીસ વરસ છે. હજુ જુવાન જ છે. વિચારીને કહેજે. " કડવી ડોશી ડામ પર મરચું ભભરાવી ચાલતાં થયા.
"ગમે તેટલી નાની ઉંમર તોય બીજવર જ મળશે." આ વાક્ય રમલીના હૃદય સોંસરવું ઉતરી ગ્યું. એવી તો પીડા ઉપડી કે ન રડી શકે અને ન કોઈને કહી શકે. રમલી જ્યાં રહેતી એ ગામડું ગામ હતું. જૂના રિવાજો અને પરંપરાઓ ઓઢીને બેઠું હતું.
રમલી એ રાતે પોતાના પતિ અરજણ ને વાત કરી. રમલી ભારે હૈયે મંજુ સાથે સુવા ગઈ. જ્યારથી મંજુ પાછી આવી હતી ત્યારથી રમલી એને પોતાની પાસે જ રાખતી અને સુવડાવતી. એને જરાય ઓછું ન આવે એનું ધ્યાન રાખતી. એક ખાટલામાં મંજુ સૂઈ ગઈ હતી. અને પાસેના ખાટલામાં રમલી જાગતી પડી હતી. પોતાની દીકરીને નીરખી રહી હતી. કેવી નાજુક ફૂલ જેવી દીકરી છે મારી. એને વ્હાલ ઉભરાઈ આવ્યું. પોતાની દીકરી ને ચૂમી લીધી. એના માથે હાથ પસવારતા એણે મનોમન નિર્ણય લીધો. "ભલે અમરી દીકરી આજીવન મારે ઘરે પડી રહે પણ હું એને બીજવર સાથે તો નહિ જ પરણાવું. "
બસ,હવે રમલી થોડી હળવી થઈ ગઈ હતી. ઘણા લોકો વાતો લાવતાં. રમલી બીજવર હોય તો જરાય વાત આગળ વધવા ન દેતી. ઘણા મંજુ વિધવા હોવાથી વાંધો ઉઠાવતા. રમલી દરેક ને સણ
સણતો જવાબ દેતી. રમલી એ ગામમાં દરેકને કહી રાખ્યું હતું કે બીજવર ની વાત હોય તો કોઈએ પોતાના ઘરનું પગથિયું પણ ન ચઢવું. એટલી ખુમારી બતાવતી હતી કે કોઈ આજુબાજુ ફરકતું પણ નહિ.
જાણે એણે મંજુ ની આજુબાજુ એક કવચ ચણી લીધું હતું. કોઈ ને પણ પરવાનગી નહોતી કે મંજુ ને તકલીફ પણ આપી શકે.
એવામાં જીગર નામનો એક યુવાન એ ગામની પ્રાથમિક શાળામાં નિમાયો. શાળા સરકારી હતી એટલે જીગરની અનિચ્છા છતાંય એને આવવું પડ્યું. નામ તો હતું એનું જીવણ પણ કૉલેજમાં જઈ જીગર કરી નાખ્યું.
સમય વહેતો ગયો. એકવાર જીગરની નજર મંજુ પર પડી. એને સફેદ સાડલા માં જોઈ જીગર પરિસ્થિતી પામી ગયો. મંજુની આંખની ઉદાસી એને હચમચાવી ગઈ. એક તો આટલી નાની ઉંમર અને એમાં કુદરતની થપાટ !
જીગર એ મંજુ વિશે જાણકારી ભેગી કરવાનું શરૂ કર્યું. જેમ જેમ એને જાણ થતી ગઈ એમ એમ તેને મંજુ પ્રત્યે સહાનુભૂતિ વધવા લાગી. અને ત્યારબાદ આ સહાનુભૂતિ પ્રેમમાં કયારે પલટાઈ એ જીગર ને ખબર ના પડી. એક દિવસ નક્કી કરી જીગર રમલી ને મળવા ગયો.
રમલી જીગર ને ઓળખાતી હતી. જીગર ને આવકારો આપ્યો. ખાટલો ઢાળી આપ્યો. જીગર ખાટલે બેઠો. રમલી એ એને પાણી પાયું. જીગર ની નજર ઘરમાં બધે ફરી રહી હતી. કયાંય મંજુ નહોતી દેખાતી.
એવાં જીગરે હળવેકથી રમલી ને કહ્યું," મારી વાત ધ્યાનથી સાંભળજો. તમને યોગ્ય લાગે તો હા પાડજો. હું મંજુને ચાહું છું. અને એની સાથે લગ્ન કરવા ઈચ્છું છું. મને એના ભૂતકાળ વિશે બધુંજ ખબર છે. હું એને પૂરા સન્માન સાથે અપનાવવા માંગુ છું. જો તમારી પરવાનગી હોય તો !"
રમલી ને તો ઘડીક પોતાના કાન પર વિશ્વાસ નહોતો બેસતો. સાક્ષાત્ પ્રભુ એને દર્શન દેવા આવ્યા હોય તો એવું એને લાગ્યું. રમલી પણ જીગર ને ઓળખતી હતી. ઘણા સમયથી એ શિક્ષક તરીકે પોતાના ગામમાં નોકરી કરી રહ્યો હતો. .રમલી એ મંજુ ને વાત કરી. અને બંનેના લગ્ન ધામધૂમથી કર્યા. બંને આજે સુખી છે.
હવે સવાલ એ કે રમલી પોતાની દીકરી માટે અડગ ન રહી હોત તો મંજુ નું શું થાત? એનાથી વધારે ઉમરની પતિ અને એની પહેલી પત્નીના બાળકો ! જીગર સાથે જેવી એની જિંદગી છે શું એવી પેલા યુવાન સાથે હોત? કેટલાંય સમાધાન કર્યા બાદ પણ એને જોઈએ એ મુજબની દરજ્જો, પ્રેમ અને સન્માન ન મળ્યું હોત.
ધન્ય છે રમલી જેવી મા ને જે પોતાના બાળકોના ભવિષ્ય માટે ઢાલ બનીને ઊભી રહે છે.