વિચારોની વિશાળતા
વિચારોની વિશાળતા


માધુભા.
એક જાજરમાન વ્યક્તિત્વ. ગામડું ગામ. કાચા પાકા રસ્તાઓ.. પણ માણસો ખૂબજ લાગણીશીલ, મદદ કરનારા.. સ્ત્રીઓ, પુરુષો બધા એક સમાન રહેવાવાળા.. ગામની ખેતીની ખૂબ સારી આવક, ઢોરઢાંખર ચરી હકે એવું ખૂબ વિશાળ સીમ. જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી માધુભાંની જમીન. બાળકોમાં એકની એક દીકરી નંદિની
નમણી,રુપાળી, હાથ મૂકો ત્યાં છાપ પડે એવી નાજુક. ખૂબ લાડકોડથી મોટી કરેલી દીકરી. એના જેવોજ નમણો યુવાન શોધી કાઢ્યો. ઝટ હાથ પીળા કરીએ એટલે દીકરી ઘરેબારે થાય. યુવાનનું નામ યશપાલ... રંગે ચંગે ધામધૂમથી લગ્ન ઉજવાઈ ગયા. માઘુભાએ નિરાંતનો શ્વાસ લીધો. મનમાં ટાઢક વળી. દીકરીને સારો વર અને ઘર મળી ગયું એથી વિશેષ શું જોઈએ ?
આમને આમ દિવસો વીતી રહ્યા હતા. હજુ નંદિનીના લગ્નને મહિનો પણ ન્હોતો થયોને વાવડ મળ્યા કે નંદિની મૃત્યુ પામી છે.
માધૂભા છાતીએ હાથ દઈ બેસી ગયા..આવું તો કેમ થયું ? બધી વિધિ પૂરી કરવામાં આવી. લોકો ગુસપુસ કરી રહ્યા હતા કે યશપાલ જરાય સારો યુવાન ન્હોતો. દેખાવે સારો લાગે પણ એની રંગત સંગત સાવ ગુંડા જેવી હતી. પૈસાનો ભૂખ્યો. એકધારો મંડ્યો હતો બધી જમીન નામ પર કરાવવા. પણ વહુ એ જરાય મચક ન આપી. આટલો માર અને ત્રાસને કારણેજ કુમળી દીકરી એ આત્મહત્યા કરી.
માઘુભા સમસમી ઉઠ્યા,મારી દીકરી પર હાથ ઉપાડે કે માનસિક ત્રાસ આપે એને નહિ છોડુ. પોતાને ગામ ગયા, પોલીસને બોલાવ્યા. બધા જ માઘુભાનો ખૂબ આદર કરતા, ઇન્સ્પેકટર ને માઘુભાએ બધી વાત કરી. ઇન્સ્પેક્ટર તૈયારજ હતો,આવું સાંભળીને એનું પણ લોહી ક્યારનું ઉકળી રહ્યું હતું. એને પરવાનગી મળી ગયી માધુભાની.
ઇન્સ્પેક્ટર બોલ્યા,"ભા,એને છઠ્ઠીનું દૂધ યાદનો દેવડાવી દઉં તો મારું નામ ભૂલી જજો."
બસ,કોર્ટ કેસ કર્યો,ઇન્સ્પેકટર એ ખૂબ મજબૂત પુરાવાઓ ભેગા કર્યા અને યશપાલને સજા થઈ.
માઘુભા રડી પડ્યા," મારી નંદુને આજ શાંતિ મળી હશે. એની આત્મા ટાઢી પડી હશે."
માધુભા ને રડતા જોઈ આખું ગામ હીબકે ચઢ્યું. માઘુભા એ ઘડીક વિચાર્યું અને કઈક નક્કી કર્યું હોય એમ બોલ્યા," મારા ગામવાસીઓ, ખાસ જાહેરાત આજથી કરું છું. આપણા ગામની દિકરિયું પણ સાંભળે. ગામમાં શાળા,કૉલેજ બનાવીશ, કોઈ દીકરી અભ્યાસથી વંચિત નહી રહે. મારી નંદુને ખબર હોત કાયદાના નિયમો તો કદાચ એણે આત્મ હત્યા ન કરવી પડી હોત. ઝાંસીની રાણીની જેમ પેલા કપાતર સામે રણચંડી બની હોત. હશે હવે જગ્યા ત્યાંથી સવાર. મારી બધી જમીન હું ગામ સેવા માટે આપવા માંગુ છું. દિકરિયું પગભર થશે એને કોઈ કરતા કોઈનું સહન નહિ કરે. મારી મિલકત હું તેમની પાછળ ખર્ચી નાખીશ પણ હવે આપણા ગામની કોઈ દીકરી આપઘાત નહીં કરે. એવી પગભર બનાવીશ કે શહેરના છોકરાવ આવશે એની માટે માંગ લઈને.આજ પછી કોઈ દીકરી પછી નહિ પડે.."
ગામના લોકો માઘુભાની આકાશ જેવી વિશાળતા જોઈ રહ્યા. જેમ વિશાળ આકાશ દરેક એક છત પૂરી પડે તેમ ગામની બધી દીકરીને એક વિશાળ છત મળી ગઈ જે એમને કદી આકરા તડકાનો સામનો નહીં કરવો દે.