મનોબળ
મનોબળ
વિક્રમ, તને લાઈટનું બિલ ભરવાનું કીધું હતું ને!?" સુમનબેન તાડૂકી ઊઠ્યાં..
"આ છોકરો ક્યારે જવાબદાર બનશે? શું થશે આનું? બબડાટ કરતા બંકિમ ભાઈ પાસે ગયા.
"લો આ બિલ ભરી દેજો, આપણો સુપુત્ર ભૂલી ગયો છે." સુમન બેન ગુસ્સામાં હતા.
બંકિમ ભાઈ ખડખડાટ હસી પડ્યા..
"એની ઉંમર છે નફિકરા બનવાની, પછી આપણી જેમ જવાબદારી નિભાવવાની જ છે. ફરવા દે, એન્જોય કરવા દે, લાવ હું ભરી દઈશ." બંકિમ ભાઈ બોલ્યા.
વિક્રમ ડાહ્યો હતો, સંસ્કારી હતો પણ હજુ સુધી એણે કોઈ લક્ષ્ય નક્કી નહોતું કર્યું. થશે, કરીશું એવી બેફિકરાઈ હતી. પપ્પાની સારી જોબ હતી એટલે પૈસેટકે કોઈ તકલીફ ન્હોતી. એના જ કારણે વિક્રમને કોઈ ચિંતા ન્હોતી.
દિવાળીનો સમય હતો. બધા પોતાની તૈયારીમાં હતા. અને અચાનક બંકિમ ભાઈ ઢળી પડ્યા...
સુમનબેન હેબતાઈ ગયા. વિક્રમ દોડતો દોડતો આવ્યો અને ફટાફટ હોસ્પિટલ લઈ ગયા. વિક્રમ ભાઈને પેરેલીસીસનો એટેક આવ્યો હતો. અડધું અંગ નકામું થઈ ગયું.
દિવાળીની ખુશીઓ દુઃખમાં ફેરવાઈ ગઈ. હોસ્પિટલ ના ખર્ચમાં ઘણીખરી બચત વપરાઈ ગઈ. આવક આવતી બંધ થઈ ગઈ. હવે શું કરવુ એની ચિંતા મનને કોરી રહી હતી.
વિક્રમને આ બધું જોઈને ખૂબ આંચકો લાગ્યો હતો. કૂદતો રમતો યુવાન ધીરગંભીર થઈ ગયો. બંકિમ ભાઈની આવી હાલત જોઈને વિક્રમે એક લક્ષ્ય નક્કી કર્યું. એવી નોકરી કરું કે પૈસાની કોઈ કમી જ ન રહે. પપ્પાની સારામાં સારી સારવાર કરીને એમને પહેલાની જેમ સાજા સારા કરીશ.
વિક્રમ અભ્યાસ માટે દિવસના અઢાર કલાક અભ્યાસ કરતો. ખૂબ જ ઓછી ઊંઘ લેતો. બસ નજર સામે એક જ સપનું હતું. સારી જોબ અને પપ્પાની સારવાર..
વિક્રમ પહાડ જેવો નિર્ણય કરી બેઠો હતો. જેમ પહાડ કોઈ પણ સંજોગોમાં હલે નહિ, ડોલે નહિ. બસ અડીખમ ઊભા રહેવું ગમે તેવી કપરી પરિસ્થિતિમાં.
મહેનત રંગ લાવી... એક ખાનગી કંપનીમાં ખૂબ જ ઊંચા પગાર ધરાવતી જોબ મળી ગઈ. બંકિમ ભાઈની સારવાર ખૂબ જ સારી રીતે ચાલી રહી હતી.... અને બંકિમ ભાઈ હવે હરી ફરી શકતા હતા. સુમનબેન અને બંકિમ ભાઈને વિક્રમ પર ખૂબ ગર્વ છે. આખરે વિક્રમે વિક્રમ કરી દેખાડ્યો હતો.