વ્યસન
વ્યસન


સુમિત્રાબેન, ખૂબ જ સામાન્ય પરિવારના સદસ્ય. છ વ્યક્તિનો પરિવાર. સાસુમા,પતિ,બે દીકરીને એક દીકરો.
એમના સાસુ કડિયાકામ કરે. પતિ ઓછું ભણેલો એટલો છૂટક મજૂરી કરે. ઓછા પૈસા માં પણ સરસ રીતે ગુજરાન ચાલતું હતું. સુમિત્રાબેન ભલે સામાન્ય પરિવારના પણ એમના પપ્પાએ એમને ખૂબ લાડકોડથી મોટા કરેલા. કદી કોઈ કામકાજ માટે બહારના જતાં. સાસરે પણ એવીજ રીતે રહેતા. ઘરનું કામકાજ ને બાળકોની પરવરિશ કરે. શાંતિથી ને સુખેથી દિવસો પસાર થઈ રહ્યા હતા.
એક દિવસ એમના પતિ વિજયભાઈ એ કહ્યું કે 'મારા ગાલ માં કંઇક ચાંદા કેવું લાગે છે. સરકારી દવાખાનામાં બતાવવા ગયા. ડૉક્ટર ખૂબજ નિષ્ણાંત હતા, તરતજ જ પારખી ગયા.ભાઈ, આતો કેન્સરનું ચાંદુ લાગે છે. એમની ટેવો વિશે જાણ્યું. પાનમાવાની કુટેવ હતી, ખૂબ નાની ઉંમરથી. અને એનું પરિણામ આજે સામે આવ્યું. એમના પરિવાર માથે તો આભ તૂટી પડ્યો.
ડોક્ટરે ઓપરેશનની સલાહ આપી. પ્રાથમિક તબક્કામાં છે એટલે ઓપરેશનથી મટી જશે. કેમોથેરાપી પણ નહિ લેવી પડે. સુમિત્રાબેને વિજયભાઈ ને કહ્યું કે 'ઓપરેશન તો પ્રાઇવેટ હોસ્પિટલમાં જ કરાવીશું.'
ઘરે જઈને પરિવારમાં વાત કરી. સૌ જાણીને ખૂબ રડયા, પણ પછી આ તકલીફનો સામનો કરવાનું નક્કી કર્યું. સુમિત્રાબેને પોતાના દાગીના વેચી દેવાની વાત તેમના સાસુને કરી. સાસુ ખાનદાન હતા.એમને ના પડી. કહ્યું કે 'પૈસા ઉધાર લીધેલા ચૂકવી દેવાશે પણ દાગીના ફરી નહિ બનાવી શકીએ.'
સગાસંબંધી પાસે
પૈસા ભેગા કરીને વિજયભાઈનું ઓપરેશન કરાવ્યું. હવે ફકત કમાવવામાટે તેમના સાસુજ હતા. એક ને માથે છ જણનો ભાર. સુમિત્રાબેને ઘરકામ કરવાનું વિચાર્યું. પહેલા તો એમના પતિ અને સાસુએ ના પાડી. કહ્યું કે 'તું કદી બહાર પણ ગઈ નથી, ઘરકામ કેમ કરીશ.' સુમિત્રા બેન ને અંદરખાને રડવું આવતું પણ ત્રણ બાળકો સામે જોઈને પાછા મક્કમ બની જતા.
ધીરે ધીરે કપડા, વાસણ ને પોતાનું કામ ચાલુ કર્યું. ત્યારબાદ રસોઇકામ માટે પણ જવા લાગ્યા. દોડાદોડી તો ખૂબ થતી પણ પરિવાર માટે કરવું પડ્યું. ત્રણે બાળકોને ભણાવવા માટે કરવું પડતું. મહિને છ હજાર પાડી લેતા. હવે તો વિજયભાઈની તબિયત પણ સુધારા પર છે. ઘણીવાર એમની દીકરીઓ પણ કામકાજ કરવા જાય છે. ભણવાની ઉંમરે દીકરી સાથે સાથે ઘરકામ પણ કરે છે. આખો પરિવાર કામકાજ કરે ત્યારે બે છેડા ભેગા થાય છે.કેમકે ઓપરેશનમાં ખૂબ ખર્ચો થયેલ છે.
મને એવો વિચાર આવે કે વ્યસન શું પરિવારથી ઉપર છે ? શું વ્યસનના પરિણામ દરેક ને ખબર નથી ? કેમ સારી ટેવો નું વ્યસન નથી થતું અને ખરાબ ટેવો જ આકર્ષે. હજુ નાના બાળકની વાત હોય તો સમજાય, પણ એક વ્યક્તિ થઇને, અને એક પિતા થયા પછી પણ શું સમજણ ન પડે. બાળકોનો પણ વિચાર ન આવે. એતો પ્રભુની કૃપા કે એમને ઓપરેશનથી જ ફરક પડી ગયો, બાકી આનું ગંભીર પરિણામ પણ આવી શકે છે. બાળકોના માથે થી છત છીનવાઈ જાય એવું પણ બને.
પરિવારજ આપણા માટે સર્વસ્વ હોય છે, તેથી સ્વસ્થ રહો ને સુખી રહો.