mariyam dhupli

Abstract Thriller

4  

mariyam dhupli

Abstract Thriller

મારું ઘર

મારું ઘર

4 mins
452


મારુ પણ એક ઘર હતું. 

સુંદર, સુશોભિત. જેમ સૌનું હોય છે. એ ઘરનો એક એક ખૂણો ઊભો કરવામાં મેં મારું લોહી વહાવ્યું હતું. જેમ સૌ વહાવતા હોય છે. 

ઘરની જરૂર શા માટે હોય છે ? આદિમાનવનાં સમયમાં તો ઘર હતાંજ નહીં. ત્યારે પણ સૌ જીવતા હતા. તો પછી ઘરની જરૂરિયાત ઊભીજ શા માટે થઈ ? વિકાસ અને પ્રગતિ જોડે ઘરનો વિચાર શા માટે આકૃતિ પામતો ગયો ? 

ઉત્તર એકજ હોય શકે.

સુરક્ષા.

આપણી અને આપણા કરતા પણ વધારે આપણા પરિવારની. એક એવું રહેવાસ જ્યાં આપણા બાળકો ગમે તેવા જોખમ સામે સુરક્ષિત હોય. બહાર તરફના આક્રમણ એમને સ્પર્શી પણ ન શકે. તાપમાનના પારા તોડનારી, શરીરની ચામડીને દઝાડનારી, આકરા તાપવાળી અસહ્ય ગરમી હોય કે ઠૂંઠવી નાંખનારી બરફ સમી ઠંડી હોય. હૈયું કંપાવનાર વાદળોના ભયંકર ગડગડાટ હોય કે ગજબનાક તૂટી પડનારો મુશળાધાર વરસાદ હોય. પોતાની સાથે તાણી જનાર પૂર હોય કે તબાહી મચાવનાર જીવલેણ વાવાઝોડું. ઘરની આંતરિક હૂંફ વચ્ચે આપણે જે શાંતિ અનુભવીએ એ શબ્દો થકી ન જ વર્ણવી શકાય. જીવતા શરીર માટેનું એક મજબૂત સુરક્ષાકવચ હોય છે ઘર. એ ફક્ત ચાર તરફ ઘેરાયેલ આવરણ હોતું નથી. 

આખા દિવસના પરિશ્રમ પછી સૌને ઘર પરત ફરવાની આટલી ઉતાવળ શા માટે હોય છે ? બહારના વિશ્વમાં નીકળવું તો પડતુંજ હોય છે. અસ્તિત્વ માટે, જીવન ટકાવી રાખવા માટે, બે ટંકનું ભોજન મેળવવા માટે. કેટલી માથાકૂટ ! કેટલી તાણ ! કેટલા સંઘર્ષો ! કેટલી દોડભાગ ! પણ જે ક્ષણે તમે ઘરે પહોંચો છો એ બધીજ ગડમથલ કશે દૂર પાછળ છૂટી જાય છે. તમે એક ઊંડો નિરાંતનો દમ ભરો છો. એવું લાગે છે કે તમે ફક્ત કામ કરતું એક નિર્જીવ યંત્ર નથી. પણ એક શ્વાસ ભરતું જીવ છો. જે અનુભવે છે, જેને સંવેદનાઓ છે, જે પ્રેમ કરે છે અને જે પ્રેમ મેળવે છે. એ ઘરમાં તમારું પરિવાર, તમારા બાળકો તમારી રાહ જોતા બેઠા હોય છે જે ઘરમાં સવારે કામ પર નીકળતી વખતે તમે એમને સુરક્ષિત છોડી ગયા હતા. તેઓ હેમખેમ છે એ નિહાળતાંજ તમારા ચહેરા ઉપર એક મોટું સ્મિત ફરકી જાય છે. તમે ઈશ્વરનો આભાર માનો છો અને ઘરના એ હૂંફાળા આવરણમાં નિયત કાર્યો વચ્ચે પ્રેમની અનન્ય ઉજવણી કરો છો. 

પણ સાહેબ એક ક્ષણ માટે આંખો મીંચી વિચારો. તમે ઓફિસેથી પરત થાઓ છો. જેવો તમે તમારા ઘરમાં પ્રવેશવાનો વિચાર કરો છો કે આંખો સામે અંધારા છવાઈ જાય છે. આંખ આગળનું દ્રશ્ય તમારા મસ્તિષ્કમાં તમ્મર ચઢાવી નાખે છે. તમારું ઘર ભોંય ભેગું કરી દેવામાં આવ્યું છે. એનો એક પણ અંશ બચ્યો નથી. બધુજ સમાપ્ત. તમારા બાળકો એ ઘરની જોડેજ ભસ્મીભૂત થઈ ગયા છે. તમારા પ્રેમના એ મંદિરના ચૂરેચૂરા કરી દેવામાં આવ્યા છે અને તમે કશુંજ કરી શકતા નથી. આ વિશાળ સૃષ્ટિ ઉપર તમને આમજ પરિવાર અને ઘર વિના ભટકતા છોડી દેવામાં આવ્યા છે. 

શું થયું ? પરસેવો છૂટી ગયો ? ફક્ત એક કલ્પના થકી ?

જે તમારી કલ્પના હતી એ મારા જીવનની સાચી હકીકત છે. એ દિવસે હું દરરોજ જેમ ઘરે હતી. મારુ નવજાત બાળક નિરાંતે પોઢી રહ્યું હતું. એનો નિર્દોષ ચહેરો મારી આંખો આગળ નિંદ્રાધીન હતો. મારાં મનનું વાત્સલ્ય જગત ખુશીનાં હીલોળા લઈ રહ્યું હતું. એ ઘરમાં મારી પાસે સુરક્ષિત હતું એ વિચારથી મન અત્યંત નિરાંત હતું. બહાર તરફથી સુંસવાટા મારતો પવન ખરાબ આબોહવાની આગાહી આપી રહ્યો હતો. મને ખુબજ ભૂખ લાગી હતી. સવારથી પેટમાં કઈ પડ્યું ન હતું. મારા બાળકનું ભરણપોષણ મારી એકલીના ખભા પર હતું. તેથી હું પોતાના સ્વાસ્થ્યને લઈ થોડી આળસુ બની ગઈ હતી. જોકે મા બન્યા પછી શરીર હવે પહેલા કરતા વધુ ઊર્જાની માંગણી કરતું થયું હતું. ભૂખ અસહ્ય બનતા જમણની વ્યવસ્થા અનિવાર્ય બની હતી. બહારનું વાતાવરણ ધીમે ધીમે વધુ ખરાબ થઈ રહ્યું હતું. વરસાદ શરૂ થાય એ પહેલાજ હું જમણની વ્યવસ્થા કરી ઘરે પરત થઈ જવા ઈચ્છતી હતી. મારા નિંદ્રાધીન બાળક તરફ મેં એક અમીભરી દ્રષ્ટિ નાખી અને શીઘ્ર ઘરની બહાર નીકળી ગઈ. 

બહાર બહુ સમય વેડફ્યો નહીં. પેટ ભરવા પૂરતી વ્યવસ્થા થઈ કે તરતજ ઘરની વાટ પકડી. જયારે હું ઘરે પરત થઈ ત્યારે ઘર જ ન હતું. 

મારુ ઘર ક્યારે જમીન દોસ્ત કરી નાંખવામાં આવ્યું, મારા બાળકના શબની શી દશા થઈ. હું કશુંજ જાણી ન શકી. એ સ્થળે ફક્ત એક મોટી જાહેરાતનું પાટિયું હતું. 

થોડા મહિનાઓ પછી જયારે હું એ સ્થળે પરત થઈ ત્યારે એ સ્થળે એક મોટો શોપિંગ મોલ ઊભો હતો. અગણિત લોકો પોતાના પરિવાર જોડે, બાળકો જોડે હર્ષાનંદની ઉજવણી કરી રહ્યા હતા. કેટલાક બાળકોના હાથમાં રમકડાં હતા તો કેટલાકના હાથમાં રંગીન ફુગ્ગાઓ. એ બાળકોને નિહાળી રહેલા માતાપિતાની આંખોમાં વાત્સલ્યનું પૂર ઉભરાઈ રહ્યું હતું. 

મને મારુ બાળક યાદ આવ્યું. ગળામાં ડૂમો બાઝી ગયો. 

મોલમાંથી બહાર નીકળી રહેલ માતાપિતા પોતપોતાની આર્થિક પરિસ્થિતિ અનુસાર જુદા જુદા વાહનવ્યવહાર થકી બાળકોને પોતપોતાના ઘરોની હૂંફભરી સુરક્ષા તરફ લઈ જઈ રહ્યા હતા. 

મારું મનોજગત ડામાડોળ થઈ ઊઠ્યું. મારી નીતરી રહેલી આંખોમાંથી બદદુઆની ધાર ફૂટી નીકળી. 

' હે માનવી ! જે રીતે તેં તારા નિરજાનંદ માટે વૃક્ષ જોડે આ પંખીનો માળો વેરવિખેર કર્યો ઈશ્વર કરે કે તારું ઘર પણ તારા બાળક જોડે.......' 


Rate this content
Log in

Similar gujarati story from Abstract