મારી ગૌરી કલેક્ટર
મારી ગૌરી કલેક્ટર


'રમણભાઈ ગાડી સાઈડમાં ઊભી રાખો! ગૌરીએ બારી બહાર નજર કરતા ડ્રાઈવરને સૂચના આપી.
ડ્રાઇવરે ગાડી એક તરફ ઊભી રાખી.
ગૌરી ગાડીમાંથી ઊતરી રસ્તાની બાજુમાં ધીમા પગલે જઈ રહી છે. તેમના બોડીગાર્ડ પણ તેમની સાથે સાથે આગળ વધી રહ્યો છે. ડ્રાઈવર ગાડી પાસે ઊભો રહી આશ્ચર્યથી જોઈ રહ્યો છે તે અવઢવમાં છે કે સાહેબ ક્યાં જઈ રહ્યા છે!
થોડી દૂર રસ્તાની બાજુમાં એક નટ બે વાંસના થાંભલાઓ રોપીને તેના ઉપર એક મજબૂત રસ્સી બાંધી તે રસ્સી ઊપર નાનકડી છોકરી એક દંડો લઈ બેલેન્સ જાળવતા આમથી તેમ ફરી રહી છે. નીચે ટેપમાં ગીત વાગી રહ્યું છે…'હમ હોંગે કામયાબ… હમ..'.
ત્રણ ચાર નાના બાળકો અને એકલદોકલ માણસો વચ્ચે બાળકીનો પિતા ખેલ જોવા બધાને આમંત્રણ આપતો હોય તે રીતે નાના નાના હાથચાલાકીના ખેલ બતાવી લોકોની ભીડ એકઠી કરવામાં વ્યસ્ત છે!
ગૌરી એકાએક ઊભી રહી ગઈ!
તેમનો બોડીગાર્ડ પણ આશ્ચર્ય સાથે તેમની બાજુમાં ઊભો રહી ગયો.
બાળકી હાથમાં રહેલા દંડાને સહારે બેલેન્સ જાળવી રહી છે! ગૌરી એકીટશે તે તરફ ધ્યાનથી જોઈ રહી… જોતી જ રહી!
તે દિવસે વ્હેલી સવારે તેના ગામની 'વાદી વસાહતમાં' ટીવી ચેનલવાળા આવ્યા હતા. તે સમયે તેની ઉંમર આઠેક વર્ષની હશે ગામલોકો ટોળે વળી કુતૂહલવશ ચેનલવાળા રિપોર્ટર જે કાંઈ પૂછે તેનો જવાબ આપી રહ્યા છે.
રિપોર્ટર; 'શું નામ?
'કરશનિયો સાહેબ.
'શું કરો છો કરશનભાઈ?
'સાહિબ, અતારે તો આમ તેમ ભટકીએ છીએ!
'એટલે કોઈ કામ?!
'સાહિબ, શું કામ કરીએ અમારા હાપ(સાપ), વિહી(વિછું) તો લઈ લીધા હવે શું કરવું' ટોળાંમાંથી કોઈ બોલ્યું!
રિપોર્ટર તે તરફ જઈ…
'શું નામ છે તમારું?'
'કાળીયો સાયેબ'. લાંબા ગુંચડાવાળા વાળને સરખા કરતા બોખા મોં થી હળવેકથી હસતા હસતા કાળીયો બોલ્યો.
'તો કાળુભાઇ, તમે કેટલા સમયથી આ કરો છો?
'અરે… સાહિબ, આતો અમારો બાપદાદાનો ધંધો.. પણ હવેતો...કાળીયો રિપોર્ટર સામે લાચાર ભરી નજરે જોઈ રહ્યો!
'હેલ્લો સર.
ગૌરીની તંદ્રા તૂટી.
'ઓહ… મિસ્ટર દેવ તમે?
'હા સર પણ આપ અહીં? દેવને આશ્ચર્ય થયું.
'હા, બસ આ… ગૌરી વાતને વાળી દેવ સાથે ઔપચારિક વાતો કરી ગાડીમાં આવીને બેસી ગઈ!
ગૌરીએ ગાડીમાંથી તે તરફ ફરી નજર કરી.. પેલી છોકરી હજી પણ બેલેન્સ રાખીને…
ગાડી કલેટર ઓફીસ તરફ આગળ વધી રહી છે તે સાથે સાથે…
રિપોર્ટર; 'તો પછી હવે તમે શું કામ ધંધો કરો છો?
'શુ કરીએ સાહિબ, આ તમારા ટીવી વાળાએ અમારા ધંધા રોજગાર બંધ કરાવી દીધા છે. અને અવે તો આ મોબાઈલ આયો એટલે બધું ઠપ! કોઈ અમારો ખેલ જોવા નવરું નઈ… ને જો અજાણ્યા ગામમાં ખેલ કરવા જઈએ તો ચોર હમજીને ઢીબે ઈ નફામાં! ટોળામાંથી કોઈ વેદના ઠાલવી રહ્યું છે!
રિપોર્ટરએ બાજુમાં ઊભેલા યુવાનનો હાથ પકડી તેના હાથ ઊપર ચિતરાવેલ ટેટુ બતાવી પૂછ્યું; 'તો હવે તમે તમારા સાપ, વીંછીને તમારા હાથ ઊપર ચિતરાવી દીધા છે?!
'શું કરીયે સાહિબ, ધંધો રોજગાર રહ્યો નથી.
'તો હવે તમે શું ઈચ્છા રાખો છો આ સરકાર પાસેથી? રિપોર્ટરએ એક વૃદ્ધ વાદીને માઈક આપતા પૂછ્યું.
'અમ તો હું કઈએ સાહિબ, આ અમારું તો આયખું પૂરું થયું પણ આ બાલબચા હામુ જોઈ કોઈ દિયા કરે તો??! વૃદ્ધની આંખમાં આંસુ આવી ગયા. તે ભવિપેઢીની ચિંતમાં અપાર વેદના સાથે જોઈ રહ્યા!
ત્યાં…
'સાહિબ, અમારે પણ ભણવું છે પણ?!
'અરે વાહ… સાબાસ બેટા. આગળ આવ આગળ શું નામ છે બેટા તારું? રિપોર્ટરને જાણે આ ટોળામાંથી 'રતન' મળ્યું હોઈ તેમ ઉત્સાહિત થઈ પેલી બાળકી સામે માઈક ધર્યું!
'ગૌરી સાહિબ, મારે પણ ભણીને મોટો "કલેક્ટર" થઈ લાલ બત્તીવાળી ગાડીમાં બેસી અમારા આ લોકોની સેવા કરવી છે પણ… તે જુનૂનથી બોલતા તો બોલી ગઈ પણ ટોળામાંથી હાસ્યનું મોજુફરી વળતા તે શરમાઈ ગઈ!
'ખૂબ સરસ બેટા, ક્યુ ભણે છે તું?
'ત્રીજું.'
'બહુ સરસ તારી આ હિંમતને જોતા તું જરૂર એક દિવસે કામિયાબ થશે તારી હિંમત અને ધગશને જોતા તને કોઈ રોકી શકે તેમ નથી. ગૌરીની વાત ઊપર સૌ બજાવો ટાળી રિપોર્ટર બોલ્યો… તે સાથે ટોળામાંથી તાળીઓનો વરસાદ વરસી રહ્યો!
તેની ગુંજ આજે પણ ગૌરીના કાને સંભળાઈ રહી છે!
'સર… ગાડી સર્કિટ હાઉસ કે પછી ઓફીસ લઈ લઉં? રમણભાઈ ના પ્રશ્ને ગૌરીની તંદ્રા તૂટી!
અકારણ જ હસી જતા તે બોલી; 'ઓફીસે લઈ લો રમણભાઈ!
સાહેબના આ વર્તનથી ડ્રાઇવર રમણભાઈ અને બોડીગાર્ડ દઘાઈને જોઈ રહ્યા…
તેમને મન…??!
જ્યારે… ગૌરી માટે.