માખણચોર
માખણચોર
શ્રી કૃષ્ણને આપણે ઘણાં નામોથી ઓળખીએ છીએ. મા યશોદા માટે તે નટખટ કાનુડો છે તો નંદબાબા માટે તે નખરાળો નંદકુવર, ગોપીઓ માટે તો મનમોજી કૃષ્ણ કનૈયો છે. યમુના કાંઠે રાસ રમતો કનૈયો બધી જ ગોપીઓનાં દિલ જીતી લે છે. ગોપીઓની સતામણી કરતાં હોવા છતાં પણ બધી જ ગોપીઓ કાળા કાનજીને પોતાનાં હૃદયમાં સમાવીને રાખે છે.
નરસિંહ મહેતા માટે ભીડ ભાંગવાવાળા શામળાજી છે. તો મીરા તો એવી મોહિત થઈ ગઈ છે કે એકતારો લઈને બસ કૃષ્ણનાં ભજનમાં જ લીન થઈ જાય છે. અર્જુન માટે તો કૃષ્ણ તેનાં સારથી બન્યાં છે. જે તેને કર્મનો સિદ્ધાંત સમજાવે છે.
જયારે પણ ગોકુળમાં કોઈ મુસીબત આવી તો તારણહાર બનીને કાનો ગોવર્ધન ટચલી આંગળીએ ઉપાડયો કે પછી કાલીયા નાગનું દમન કર્યું. ધર્મનાં પ્રચારક એવાં કૃષ્ણ અધર્મ કરનાર કંસ કે પૂતનાને પણ નથી છોડતાં.
જગતનાં નાથ એવાં જગન્નાથ જયારે તેનાં પ્રિય સખા સુદામાતેને મળવા આવે છે. તો બધું જ ભૂલીને બસ તેનાં ચરણો પખાળીને તાંદુલ પણ ખાય છે. પોતાનાં હૃદયમાં ન કોઈ રાગ, ન દ્વેશ કે કોઈપણ પ્રકારનાં પદનું અભિમાન નથી. આ નખરાળા નંદલાલને જન્મ ભલે દેવકીએ આપ્યો પણ પાલન પોષણ તો યશોદાએ જ કર્યું છે.તેથી લોકો હંમેશા કાનજીને યશોદા સાથે જ યાદ કરે છે. તો આ જન્માષ્ટમીને દિવસે આ નખરાળા નંદલાલને યાદ કરી એક ગીત રજુ કરૂ છું.
"કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું.
આટલું કેતા ન માનો તો ગોકુળ છોડી દેશુ."
