ચીસ
ચીસ
ભીલવાડાનાં નાનાં એવાં ગંગસરમા ઠાકોર સાહેબની મોટી હવેલી હતી. વરસોથી ઠાકોર સાહેબની જાહોજલાલી હતી. ઠાકોર સાહેબનો કુંવર અજય સિંહ પિતાનાં મોભાનો ફાયદો ઉઠાવી પૂરાં ગામ પર હક જમાવતો. શરાબ, સુંદરી એ કુંવર અજય સિંહની કમજોરી હતી.
ઠાકોર સાહેબની હવેલીમાં વરસોથી સતુબા કામ કરતાં પણ આજ તેની તબિયત સારી ન હોવાથી પોતાની દીકરી કજરીને હવેલીમાં કામ કરવાં મોકલી હતી.
આજે ધૂળેટીનો ઉત્સવ હતો. હવેલીનાં પ્રાંગણમાં જોરદાર ડી. જે. પાર્ટી હતી. લાલ, લીલા, પીળા રંગોની છોળો ઊડતી હતી. ગીત વાગતું હતું,
" ચોલીકે પીછે ક્યાં હૈ...ચોલીકે પીછે....."
અજય સિંહ અને તેનાં મિત્રો હાથમાં શરાબનાં ગ્લાસ લઈને ગીતનાં તાલે ઝૂમતા હતાં. કજરી બધાંનાં ગ્લાસમાં શરાબ રેડતી હતી. આભલાં ભરેલો કમખો, ઘેરદાર ઘાઘરો, અણીયાળી આંખોવાળી કજરીનું મદમસ્ત યૌવન, તેનાં ઉભરેલા સ્તનો પર પહેલેથી જ અજય સિંહની નજર હતી. આજ મોકો જોઈ કુંવરે તેનાં મિત્રો સામે આંખ મીંચકારી. તેમાથી એકે કજરીને અંદર રૂમમાંથી વસ્તુ લેવાં મોકલી. પાછળથી કુંવર અને તેનાં મિત્રોએ ધડામ કરતો દરવાજો બંધ કર્યો.
બહાર ...." રંગ બરસે ભીગે ચુનરવાલી....રંગ બરસે....." ડી.જે. પર ગીત વાગતું હતું. તો અંદર બધાં હેવાનો કજરીનાં કુંવારા સપનાંઓને કચડતાં હતાં. ડી.જે. નાં અવાજમાં કજરીની ચીસો ઓગળી ગઈ. કેટકેટલાય રંગીન સપનાંઓ સાથે જીવતી કજરીનું જીવન બેરંગ બની ગયું.
