કોરી પ્રીત
કોરી પ્રીત
હસતી, રમતી, ખળખળ ઝરણાંની જેમ સતત વહેતી એટલે... ધાની. બધાં સાથે હસીને વાતો કરતી. પડોશમાં રહેતાં સુરેશકાકા સાથે ધાનીના પરિવારને પહેલેથી જ ઘરોબો હતો. લાગે જ નહીં કે બે અલગ પરિવારો છે ! સુરેશકાકાનો જય અને ધાની એક જ શાળામાં સાથે ભણ્યાં. હવે કોલેજોમાં પણ સાથે જ હતાં. એકબીજા સાથે મસ્તી કરવી અને અભ્યાસ પણ સાથે કરવો એ તેઓનો રોજનો ક્રમ હતો.
ધાનીને જય પ્રત્યે દિલમાં એક કૂણી લાગણી હતી, પણ કયારેય બહાર કળાવા દીધું ન હતું. સમય જતાં જય કોલેજમાં આવ્યો. તો ત્યાં પણ ઘણાં મિત્રો હતાં. તેમાં જીવા તેની ખાસ મિત્ર હતી. જય તો ધાનીને માત્ર મિત્ર જ માનતો હતો, પણ તે જીવાને દિલથી પસંદ કરતો હતો.
હવે કોલેજ પૂરી થવા આવી હતી. એક દિવસ જયે ધાનીને કહ્યું. " સાંજે છત પર મળજે."
આ સાંભળી ધાનીની ખુશી તો ક્યાંય સમાતી ન હતી. સાંજે છત પર બંને મળ્યાં. ધાની તો રાહ જોતી હતી કે હમણાં જય તેનાં પ્રેમનો એકરાર કરશે. પણ..... જયે કહ્યું. " ધાની, હું કોલેજમાં મારી સાથે ભણતી જીવા સાથે પ્રેમ કરું છું. તારે આ વાત મારા પપ્પા અને મમ્મીને કરવાની છે. મને મદદ કરીશને ?"
આ સાંભળી ધાની તો ચોંકી. જયના દિલમાં કોઈ બીજી છે એ સાંભળી શકી નહી તે તરત જ ઘરે જતી રહી. જયને પણ નવાઈ લાગી.
બીજા દિવસે ધાની સ્વસ્થ થઈ જયના ઘરે ગઈ. અને જયના માતા પિતાને વાત કરી સૌ રાજી પણ થઈ ગયા. ઘરનાં બધાં ખુશ હતાં. બસ, ધાની ઉદાસ હતી. ધાનીની પ્રીત " કોરી પ્રીત " બનીને રહી ગઈ.

