આભાસ
આભાસ
આરવ કોલેજનો હેન્ડસમ છોકરો હતો. કોલેજમાં ભણવા નહીં પણ સમય પસાર કરવા અને છોકરીઓ પટાવવી એ જ આરવનું કામ હતું.
એક દિવસ કોલેજમાં નવી છોકરી આવી. તેનું નામ આરવી હતું. આરવી તેનાં પિતાની એકને એક લાડકી અને પૈસાદાર બાપની દીકરી હતી. આરવે તેની બધી જાણકારી મેળવી લીધી. આરવ તેને પોતાની મોહજાળમાં ફસાવી પ્રેમનું નાટક કરવાં લાગ્યો. આરવીનાં પિતાને પેરાલિસિસ હતો. તેની પૂરી જાયદાદ ફક્ત આરવીનાં નામ પર જ હતી.
એક દિવસ આરવ, આરવીનાં ઘરે ગયો. તેનાં પિતા સાથે વાત કરી. લગ્ન માટે મનાવી લીધાં. આરવનાં માતા પિતા પણ આટલું સરસ ઘર મળવાથી ખુશ હતાં. બંનેનાં લગ્ન ખૂબ ધામધૂમથી થયાં. હવે આરવ આરવીનાં ઘરે જ રહેતો. છેલબટાઉ આરવનાં પ્રેમમાં પાગલ આરવીએ બંગલો, કંપની બધી જ મિલકતોમાં પોતાની સાથે આરવનું નામ જોઈન્ટ કરાવી લીધું.
આરવ અને આરવી હનીમૂન માટે માથેરાન ગયાં. આરવનાં પ્રેમમાં આંધળી બનેલી આરવી તેની મીઠી વાતોમાં ભોળવાઈ ગઈ.
બીજાં દિવસે સવારે બંને ફરવા ગયાં. ત્યાં સનસેટ પોઇન્ટ પર આરવ આરવીનાં ફોટા લેતો હતો. આરવીને પહેલેથી જ ફોટા પડાવવાનો શોખ હતો. મોકો જોઈ આરવે, આરવીને ધક્કો માર્યો. માથેરાનની ઊંડી ખીણમાં આરવીની ચીસ ક્યાંય ગુમ થઈ ગઈ. આને એક્સિડન્ટમાં ખપાવી આખરે આરવ તેનાં ધ્યેયમાં કામયાબ થયો.
ઘરે જઈને આરવીનાં પિતા પાસે આરવે મગરનાં આંસું સાર્યા. ધીમેધીમે તેણે બધી મિલકત પોતાને નામે કરી. આરવીનાં પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો. પોતે એશ આરામથી જીવવા લાગ્યો. સમય પસાર થવા લાગ્યો.
હવે આરવ એકાએક ઊંઘમાંથી જાગી જતો. આરવને ખરાબ સપનાંઓ આવતાં. સપનામાં આરવી કહેતી," હું જરૂરથી પાછી આવીશ " બંગલામાં પણ જાણે કયારેક આરવીનાં અવાજો સંભળાતા, તો કયારેક આરવી તેની આસપાસ જ હોય તેવો આભાસ થતો.
આવું ઘણો સમય થતાં અંતે આરવની માનસિક હાલત ખરાબ થઈ ગઈ. તેને એક મેન્ટલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયાં. કોઈકે સાચું જ કહ્યું છે કે.... " કરેલાં કર્મોનાં ફળ, અહીં જ ભોગવવાં પડે છે."
