પ્રેમનો રંગ
પ્રેમનો રંગ
માધુરી આજ અરીસા સામે બેસી તૈયાર થતી હતી. પોતાનો જ ચહેરો અરીસામાં જોઈ મનોમન મલકાતી હતી. આજે પંચાવન વરસે પણ માધુરી પચ્ચીસની લાગતી હતી. ગોળ ચહેરો, નિખાલસ હાસ્ય, મોટી કામણગારી આંખો જોઈ એમ જ લાગે કે હજુ તે યુવાન છે. અમેરીકામાં પતિ મલય સાથે હજુ હમણાં સેટ થઈ હતી. ત્યાંજ વસતાં કોઈ મલયના મિત્રનાં ઘરે આજે ધૂળેટીની મહેફિલ રાખી હતી. તો બંનેને ખાસ આમંત્રણ હતું. ત્યાંજ મલયનો અવાજ આવ્યો.
મલય : "હેલ્લો, જાન, તૈયાર થઈ કે નહીં ! અરે ! તું તો જાનું મેકઅપ વગર પણ સુંદર લાગે છે ડિયર..."
મલય હંમેશની જેમ માધુરીને જાન કહેતો. મલય માધુરીને ખૂબ જ પ્રેમ કરતો હતો. બંને કાર લઈને નીકળ્યાં.
અમેરીકામાં પણ એક ગુજરાતી સમાજ વસે છે. તે લોકો સાથે મળીને બધાં જ ગુજરાતી તહેવારો ઉજવે છે. ફૂલોથી પુરૂ ઘર શણગારેલુ હતું. સુમધુર સંગીત વાગતું હતું. મલય અને માધુરી અંદર ગયાં. મલયના મિત્રની પત્નીએ બંનેને નમસ્તે, કરી આવકાર આપ્યો.
" , હું આનંદની વાઈફ અમી..."
અમી મોર્ડન હતી. બોયકટ વાળ, સફેદ ટોપ અને જીન્સમા ખૂબ સરસ લાગતી હતી. મલયે આનંદ વિષે પુછ્યું...તો અમીએ કહ્યું તે રેડી થાય છે. આવે જ છે. ત્યાં જ આનંદ આવ્યો.
આનંદ : "હેલ્લો, એવરીવન, અરે ! મલય કેમ છે ! તારી વાઈફ ક્યાં ? અમને મુલાકાત તો કરાવ ભાઈ.."
મલય આનંદને માધુરી પાસે લઈ ગયો. માધુરીને જોઈ આનંદ ચોંકી ગયો !માધુરી પણ આમ અચાનક આટલાં વર્ષો પછી આનંદને જોયો. પણ બંને કશું બોલ્યાં નહીં. એકબીજાને નમસ્તે કર્યા. કાર્યક્રમ શરૂ થયો પણ માધુરી ભૂતકાળમાં સરી પડી.
નવી, નવી કોલેજમાં આવેલી માધુરી ઘણાં બધાં સપનાંઓ સાથે લઈને આવી. કોલેજ એટલે મોજમજા, આનંદ કરવાનાં દિવસો, એવું ઘણુંય સાંભળ્યું હતું. એક દિવસ માધુરી લાયબ્રેરીમાં ગઈ અને બુકો લઈ આવતી હતી તો કોઈની સાથે ટકરાણી. બધી બુકો નીચે પડી, આંખો ઊંચી કરી જોયું તો જાણે તેનાં સપનાંનો રાજકુમાર તેની સામે છે. માધુરી તો તેની આંખોમાં ખોવાઈ ગઈ. થોડીવાર થતાં જ પોતાની જાતને સંભાળતી શરમાઈને ત્યાંથી જતી રહી. પછી ખબર પડી કે તે કોલેજનો હોટ ફેવરિટ બોય આનંદ હતો. ઊંચો બાંધો, ખડતલ શરીર અને વાતોમાં પણ હોશીયાર આનંદ પર પૂરી કોલેજની છોકરીઓ મરતી હતી. કોલેજમાં તે બધી છોકરીઓ સાથે મસ્તી, મજાક કરતો અને ફલટિગ પણ કરતો. માધુરી સીધી, સાદી હતી, પણ લાખો દિલની ધડકન એવાં આનંદને તો માધુરી દિલમાં વસી ગઈ હતી.
હવે તો લાયબ્રેરી, કેન્ટિંગ બધી જગ્યાએ માધુરી અને આનંદની જુગલ જોડી પૂરી કોલેજમાં જાણીતી થઈ ગઈ. બંને પ્રેમ પંખીડા કોલેજમાં તો સાથે જ હોય, પણ કોલેજ પછી પણ બહાર પણ સાથે જ હોય.
એકવાર આનંદનો બર્થ ડે હતો. આનંદે બધાં મિત્રોને એક મોટી હોટલમાં પાર્ટી આપી. સાંજે પાર્ટી પૂરી થતાં જ બધાં મિત્રો ગયાં. આનંદે આજ હોટલમાં એક રૂમ પણ બુક કરેલો હતો. તે માધુરીને લઈ રૂમમાં ગયો. લાલ ફુગ્ગાઓ અને કેન્ડલથી પૂરો રૂમ શણગારેલો હતો. માધુરી તો ખુશ થઈ ગઈ. તેણે આનંદને એક કિંમતી વોચ પણ ભેટમાં આપી. ત્યાં જ આનંદે મ્યુઝિક ચાલું કર્યું. આનંદે માધુરીનો હાથ ખેંચી આલિંગનમાં લઈ લીધી. મધુર સંગીત, આછા મીણબતીના પ્રકાશમાં માધુરીના દિલની ધડકનો પણ વધી ગઈ. યુવાન હૈયાઓ મનથી તો મળી ગયાં હતાં, હવે શરીરથી પણ એક થઈ ગયાં. એકબાજુ માધુરી આનંદને પોતાનું સર્વસ્વ સોંપી આનંદની ભાવી પત્ની બનવાનાં સપનાં જોઈ રહી હતી અને બીજીબાજુ આનંદ માટે માધુરી માત્ર ટાઇમપાસ હતી .
એકબીજા સાથે સાથે કોલેજના ત્રણ વર્ષ પણ પૂરાં થયાં. એક દિવસ માધુરીને ખબર પડી કે પોતે પ્રેગનેટ છે. તેનાં પગ નીચેથી ધરતી સરકી ગઈ. એ જમાનામાં અને તેમાં પણ તેનો રૂઢિચુસ્ત પરિવાર આ વાત જાણશે તો શી હાલત થશે એ વાતથી દુઃખી માધુરી આનંદને મળી અને વાત કરી. તો આનંદે કહ્યું.
આનંદ : "ડિયર, મારે તો હજુ ઘણું આગળ વધવું છે. હું આ લગ્નનાં ચક્કરમાં પડવાં નથી માંગતો, મારે અમેરિકા જવું છે. મારી કારકિર્દી બનાવવી છે "
આનંદનો જવાબ સાંભળી દુઃખી માધુરી ઘરે આવી. એજ સમયમાં એક ખૂબ સારાં ઘરનું માગું આવ્યું. જાણે ડૂબતાંને કિનારો મળી ગયો પ્રતિકુળ સંજોગોમાં જાણે એક અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરી ઈશ્વર પણ માધુરીને મદદ કરી રહ્યા હતાં. પરંતું મધરાત થતાં થતાં માધુરીનું મન શંકા આશંકા અને અનેક વિચારોનાં મનોમંથનમાં ગરકાવ કરી ગયું, એ વિચારવાં લાગી લગ્ન જેવાં પવિત્ર સંબંધનો પાયો એક દગા, એક વિશ્ર્વાસઘાત પર ટકી શકે ? ના, લગ્ન પછી જો મારા જીવનની આ વરવી વાસ્તવિકતાં સામે આવશે તો શું આ સંબંધ ટકી શકશે ? પોતાની જાત સાથે મનોમંથન કરતાં એણે એક દ્રઢ નિર્ણય લીધો. આવતી કાલે જોવાં આવનાર પાત્રને પોતાની આ વાસ્તવિકતાં જણાવી દઈશ જો એમને યોગ્ય લાગશે તો મને અપનાવશે નહીં તો આ સમાજ સાથે લડીને પણ બાળકને જન્મ આપીશ.
બીજા દિવસે જોવાં આવેલાં મલયને માધુરીએ પોતાનાં પ્રેમ, પ્રેગ્નન્સી વિષે બધી જ વાત કરી દીધી. સરલ સ્વભાવના મલયને માધુરીની સાદગી અને પ્રામાણિકતાં ગમી ગઈ. સંબંધનો આધાર વિશ્વાસ હોય છે. માધુરીએ પહેલી જ મુલાકાતમાં મલયનો વિશ્વાસ અને દિલ બંને જીતી લીધાં હતાં. મલયે કોઈપણ જાતનાં સવાલ વગર માધુરી સાથે લગ્ન કર્યા. તે પછી વેદનો જન્મ થયો. સમય જતાં મલય અને માધુરી વેદને ભણાવી અને અમેરીકામાં સેટલ કર્યો. હવે પોતે પણ અહીં આવ્યાં.મલયે વેદને કયારેય પરાયો માન્યો ન હતો. અચાનક જ મલય હાથમાં ગુલાલ લઈ માધુરીના ગોરા ગાલને રંગી દીધાં.અને મધુરી ભૂતકાળમાંથી પાછી ફરી. ત્યાં જ આનંદ અને અમી પણ આવ્યાં. એકબીજાને રંગ લગાવી ધૂળેટીની શુભકામનાઓ આપી. ત્યાં જ ગીત વાગવા લાગ્યું......
"રંગ બરસે ભીગે ચુનરવાલી, રંગ બરસે......"
મલય માધુરીનો હાથ પકડીને સંગીતનાં તાલે નાચવા લાગ્યો. આનંદનાં મોંઢા પર કોઈ પસ્તાવો દેખાતો ન હતો. માધુરી પણ પોતાનાં ભૂતકાળને દિલમાં સંઘરી મલય સાથે રંગોની છોળો વચ્ચે રંગાવા લાગી. જૂના રંગો તો કયારના તેનાં આંસુઓથી ધોવાઈ ગયાં હતાં. બસ, હવે તો પ્રેમનાં, વિશ્વાસના રંગે માધુરી, મલય સાથે રંગાવા માંગતી હતી.

