આઘાત
આઘાત
યુવાની હોય છે જ એવી રંગીન ! દુનિયા રંગીન લાગવા માંડે છે. દિલમાં અરમાનોનાં પતંગિયાઓ ઉડાઉડ કરે છે. મન કોઈનો પ્રેમ ઝંખે છે. આવી જ હતી કિરા ! ખળખળ વહેતાં ઝરણાં જેવી હંમેશા ખુશ રહેતી કિરા, કોલેજમાંથી મનાલી ટ્રેકિંગમાં આવી હતી.
મનાલીમાં દિલ્હીથી કોઈ કોલેજનાં છોકરાઓ પણ આવ્યાં હતાં. તેમાં ક્રિશ પણ તેનાં મિત્રો સાથે હતો. ક્રિશને વાત વાતમાં શરત લગાવવાની આદત હતી. રૂપાળી કિરાને જોઈ ક્રિશના મિત્રો તેને કહે. "છોકરી તો ફટાકડી છે, પણ જો ક્રિશ તું તેને પટાવી લે તો, બોસ તને અમે હોંશિયાર કહીએ."
ક્રિશ પણ તેની આદતથી મજબૂર હતો. તે ટ્રેકિંગ દરમ્યાન કોઈને કોઈ બહાને કિરાને મદદ કરતો રહ્યો. ડેલહાઉસી ટુર દરમ્યાન કિરા આખરે ક્રિશને પસંદ કરવા લાગી. બંને એટલાં નજીક આવી ગયાં કે વાત કિસ સુધી પહોંચી ગઈ. બસ તરત જ નજીકમાં છૂપાયેલ તેનાં મિત્રો આવ્યાં, અને ક્રિશને શરત જીતવા માટે અભિનંદન આપ્યાં. કિરા તો આ બધું જોઈ દંગ રહી ગઈ. પ્રેમને એક શરત સાથે જોડી દીધો ! કિરા, ક્રિશને એક જોરદાર તમાચો મારી ત્યાંથી નીકળી ગઈ.
આ વાતને બે વર્ષ થયાં. કિરા પણ ધીમે ધીમે આ હાદસાને ભૂલી આગળ વધી. કિરાને એક સારાં ઘરનું માગું આવ્યું અને કવન તેને પસંદ પડયો. બે, ચાર મુલાકાત પછી લગ્ન પણ થયાં. કવન ખૂબ સમજુ અને સરળ છોકરો હતો. કિરાને પ્રેમ કરતો હતો.
આજ સવારથી જ ઘરમાં બધાં કંઈક તૈયારીઓ કરતાં હતાં. તે જોઈ કિરાએ પૂછ્યું તો કવને કહ્યું, તેનો નાનો ભાઈ એટલે કે માસીનો દીકરો આવવાનો છે. કવન પહેલેથી જ તેને સગા ભાઈથી વિશેષ રાખતો હતો. કિરા પણ તૈયારીમાં જોડાઈ ગઈ. સાંજ થતાં જ કવન તેને એરપોર્ટ પરથી ઘરે લઈ આવ્યો.
કિરા આરતી લઈને દરવાજા પાસે આવી. કવનની સાથે ક્રિશને જોઈ કિરાનાં હાથમાંથી આરતીની થાળી પડી ગઈ. આઘાતથી કિરા પણ બેહોશ થઈ પડી ગઈ. ક્રિશ પણ આમ અચાનક કિરાને બેહોશ જોઈ ગભરાઈ ગયો.
થોડીવાર થતાં જ કિરા ભાનમાં આવી. તેની આસપાસ પરિવારનાં બધાં સભ્યો ઊભા હતાં. ક્રિશ પણ હતો. બંનેની નજરો મળી, ક્રિશને એમ કે કિરા હમણાં બધાને જણાવી દેશે, પણ કિરા કંઈપણ ન બોલી.
બીજા દિવસે કિરાને એકલી જોઈ ક્રિશે પોતાનાં કાન પકડીને માફી માંગી. યુવાનીનાં કેફમાં તેનાથી ભૂલ થઈ ગઈ હતી. કિરાએ પણ ભાભી બની ક્રિશને માફ કર્યો.

