mariyam dhupli

Tragedy Crime Thriller

4.5  

mariyam dhupli

Tragedy Crime Thriller

લેડીઝ કમ્પાર્ટમેન્ટ

લેડીઝ કમ્પાર્ટમેન્ટ

7 mins
450


પ્લેટફોર્મ ઉપર આવી ઊભેલી ટ્રેન જાણે આખો દિવસ દોડીદોડી થાકી ગઈ હોય એમ એક ઊંડો ઉચ્છવાસ ભરી રહી હતી. મોડી રાત્રીએ ટ્રેનમાંથી આગળના સ્ટેશન ઉપર ઉતરી ગયેલા મોટાભાગના યાત્રીઓ બાદ વધેલા યાત્રીઓમાંથી પણ મોટાભાગના યાત્રીઓ અંતિમ સ્ટેશન પહેલાના સ્ટેશન ઉપર ઉતરી ગયા. ચાની લારી, ફેરિયાઓની હલચલ, પ્લેટફોર્મ ઉપરની જાહેરાતોનો અવાજ શક્ય એટલો પોતાના ડબ્બાઓમાં સમેટી લઈ ધીમે ધીમે ટ્રેન પોતાની અંતિમ મંઝિલ તરફ આગળ વધતી આખરે પ્લેટફોર્મ છોડી ગઈ. 

થોડા સમય પહેલાનો પ્લેટફોર્મની હલચલનો અવાજ ડબ્બાઓમાંથી ધીમે ધીમે બાષ્પીભવન પામ્યો અને પાટા અને ટ્રેનના ઘર્ષણ સિવાય અન્ય કોઈ અવાજનો અવકાશ બચ્યો નહીં. અત્યંત લાંબી ટ્રેનના અત્યંત અંતમાં જોડાયેલો લેડીઝ કમ્પાર્ટમેન્ટ દિવસ દરમિયાન તો કાન ફાડી નાખતા અવાજોથી ખદબદતો રહેતો. પરંતુ રાત્રીના સમયે મૌનવ્રત ધારી બેઠો હતો. સુના, રવવિહીન કમ્પાર્ટમેન્ટમાંથી બધી જ સ્ત્રીઓ નીકળી ચુકી હતી. ફક્ત અંતિમ હરોળની બેઠક ઉપર સામસામે બે શરીર ગોઠવાયેલા હતા. એક સાડીમાં સજ્જ શરીર અને બીજું બુરખામાં વીંટળાયેલું શરીર. સાડીમાં વીંટળાયેલા શરીરના કાન ઉપર ઈયરફોન મઢેલા હતા. હાથમાંનો પર્સ હાથ જેવો જ પ્રાણવિહીન હતો. શરીર આખા દિવસની હાડમારીની ચાડી ખાઈ જતું હતું. આંખો લોકલ ટ્રેનની બારીની બહાર પવન વેગે પસાર થઈ રહેલી અંધકારમાં ડૂબી ગયેલી સૃષ્ટિ ઉપર સ્થિર હતી. એ આંખોની કીકીઓ ધીમે ધીમે આછી આછી ભીંજાવાની શરૂઆત થઈ. નિષ્પ્રાણ હાથમાં થોડો જીવ આવ્યો હોય એમ કાંડાને સીધો કરી એની ઉપર પહેરવામાં આવેલી લેધર બેલ્ટવાળી ઘડિયાળમાં સમયની ચકાસણી થઈ. સામે બેઠા શરીર તરફ દ્રષ્ટિ ઉપર ઊઠી. બુરખાધારી અજાણ્યા શરીરને નિહાળતા જ જાણે લાગણીઓનું દબાવી રાખેલું પૂર આંખોમાં ઉમટી આવ્યું. 

'' મારે ઘરે નથી જવું. આઈ રિયલી ડોન્ટ વોન્ટ ટુ ગો હોમ. " 

અચાનકથી સામેની સીટ પર ફાટી પડેલી અજાણી સ્ત્રીની અણધારી રૂદનધારથી ઝબકી ઉઠેલી બે આંખો હિજાબમાંથી ઝાંખતી સહેમી ઊઠી. 

" મારાથી હવે સહેવાતું નથી. "

એ રુદનની ધારમાં હતાશા, લાચારી, હૃદયભગ્નતા સંમિશ્રિત છલકાઈ પડી. એક ક્ષણ મૂંઝવણમાં પસાર થઈ. ત્યારબાદ સામે તરફથી હાથના કાળા મોજા અંદરથી આંગળીઓએ કેટલીક મુદ્રાઓ ધારણ કરી.

આંગળીઓની એ ભાષા અંગે આંસુ વહાવી રહેલા શરીરને કોઈ જાણકારી ન હતી. આમ છતાં એટલું તો કળી જ શકાયું કે સામે બેઠું એ અજાણ શરીર પોતાની જેમ બોલી શકવા કે સાંભળી શકવા સમર્થ ન હતું. એ દુઃખની વાત હતી, એવા હાવભાવો તો રડતી આંખોમાં ડોકાયા પણ મનને થોડી રાહત પણ થઈ હોય એમ એ સીટ ઉપરથી ઊભી થઈ સામેની સીટ પર નિઃસંકોચ જઈ ગોઠવાય. અનાયાસે એનું માથું બુરખા ઉપર ઢળી પડ્યું. ટ્રેનની ગતિ જોડે અજાણ્યા ખભા ઉપર હળવા હળવા હિંચકા ખાઈ રહેલું માથું જાણે કોઈ સ્પા પાર્લરની અંદર મસાજ લઈ રહ્યું હોય એમ કીકીઓની વિહ્વળતા ધીરે રહી ઓગળી ગઈ. કોઈ સાઈકિયાટ્રિસ્ટની કેબીનના સોફા ઉપર લંબાઈ હોય એમ વર્ષોથી અંતરમાં દાંટી દીધેલી એની બધી જ વેદનાઓ સપાટી પર ઉપસી આવી.

" ના, એવું નથી કે હું એને ચાહતી નથી. ખુબ ચાહું છું એને. ખુદથી પણ વધુ. અરેન્જ મેરેજ થયા હતા અમારા. પરંતુ જયારે મારા ઘરે એ પહેલીવાર આવ્યો હતો ને ત્યારે પહેલી નજરમાં જ હું એના પ્રેમમાં પડી ગઈ હતી. કદાચ એના માટે એ અરેન્જ મેરેજ હોય પણ મારા માટે તો એ લવ મેરેજ જ હતા. કેટલા બધા સ્વપ્નો જોયા હતા એની જોડે મારા ભવિષ્ય અંગેના. એમ પણ નથી કે એ સ્વપ્નાઓ પુરા થયા નહીં. આજે મહાનગરીમાં અમારું પોતાનું એક ઘર છે. બે બાળકો છે. બાળકો સારી શાળામાં ભણે છે. બાળકોની દરેક નાનામાં નાની અને મોટામાં મોટી જરૂરિયાતો પુરી કરવા એ સદા તત્પર રહે છે. મારે કહેવું જ પડે કે મારો દીપ એક આદર્શ પિતા છે. મારી પણ દરેક રીતે કાળજી રાખે છે. મારા પ્રત્યેની દરેક ફરજ અચૂક નિભાવે છે. પણ જયારે..." અજાણ્યા ખભા પરના બુરખાનું કાપડ અનાયાસે ભીંજાવા લાગ્યું.

" એને કદાચ જાણ ન હોય... પણ જયારે ...એ ભીડભાડની વચ્ચે કોઈ સ્ત્રીને તકનો લાભ લઈ જાણીજોઈ સહેજ સ્પર્શી લે એની હું નોંધ લઉં છું. હું જાણું છું કે મારી જોડે ચાલુ બસે વાર્તાલાપમાં વ્યસ્ત હોવા છતાં એની આંગળીઓ આગળની સીટ પર ગોઠવાયેલી સ્ત્રીના શરીરને અછડતી છેડી લેવા તત્પર રહે છે. મારી બહેનને મશ્કરીના બહાને વારેવારે પીઠ થપથપાવવાથી એને અંતરમાં જે લાલસા સભર આનંદ મળે છે એને હું બરાબરથી અનુભવી શકું છું. રવિવારે કે રજાના દિવસે હું મંદિરે ગઈ હોઉં કે સખીઓને મળવા ત્યારે એ કલાકો બારીમાં ઊભો રહે છે ને સામે ઓટલે બેસતી સ્ત્રીના સાડી નીચેથી દેખાતા ઢીંચણને, મહોલ્લામાં રમતી બાળકીઓના શરીરના અંગોને વસ્ત્રોના આવરણો ભેદીને છુપા વરુ માફક નિહાળતો રહે છે. એ વાતથી પણ હું અજ્ઞાત નથી. ઘરે કામ કરવા આવતી બાઈ ઝાડુ પોતું કરતી હોય ત્યારે એની આંખો સમાચાર પત્રની સરહદ ચોરીછૂપે વટાવી ક્યાં ક્યાં ફરતી હોય એ અંગે હું તદ્દન માહિતગાર છું. ખરીદી કરતી વખતે સેલ્સગર્લસ જોડે એકાંતમાં બીભત્સ જોક કે ડબલ મીનિંગ હ્યુમર સર્જવાની એની કલા મારી દ્રષ્ટિથી છુપી રહી નથી. એ કોઈ બાળકીને પણ ગોદમાં બેસાડે તો મારું હૈયું જોર જોર ધબકી ઊઠે છે. "

આંખોની ધાર હાથ વડે સાફ કરતા એણે પોતાની અરાજક્તાભરી જાતને સંભાળતા માથું અજાણ ખભા ઉપરથી ધીમે રહી હટાવી લીધું. બારી બહારનું અંધકારભર્યું જગત હજી પણ એકધારી ઝડપે પાછળ છૂટી રહ્યું હતું. એની કીકીઓ ફરીથી એ ભાગતા જગતમાં ઊંડે સ્થગિત થઈ ગઈ.

" ઘણી વાર થાય છે કે હું એને સીધેસીધું કહી દઉં કે હું સૌ જાણું છું. બસ કર હવે. આવું ગંદુ વર્તન તને શોભતું નથી. અને કોઈને પણ કેમ કરી શોભે ? જો તું આ બધું બંધ નહીં કરે ને તો હું ...

ને અહીં જ અટકી પડું છું. મારા બાળકોના નિર્દોષ ચહેરા આંખ આગળ તરી આવે છે. જો એમને જાણ થઈ કે એમના વ્હાલા પપ્પા ... શું વીતશે એમની ઉપર ? કેવો સદમો લાગશે એ નિર્દોષ મનોજગતને ? લોકોને શું કહેશે કે એમના પપ્પા ...નહીં, નહીં ...ને આમ એને છોડી કઈ રીતે દઉં ? હું જાણું છું. એ ક્રિમિનલ નથી. એ ફક્ત બીમાર છે. વિકૃત માનસિકતા એક પ્રકારની માંદગી જ તો છે. એ પીડિત છે. એને સજાની નહીં, પણ ઈલાજની જરૂર છે. એ ધારે તો એમાંથી બહાર નીકળી શકે છે. હું મદદ કરવા તૈયાર છું ...પણ...

એ માટે પહેલા એણે જાતે એ વાત સ્વીકારવી પડે. શું હું કહું તો એ સ્વીકારશે ખરો ? ડરું છું. આ બધા પ્રયાસો આદરવામાં ક્યાંક એને ગુમાવી તો ન દઉં ? મારા બાળકો, મારું પરિવાર બધું જ એક ઝાટકે વિખરાઈ ગયું તો ? નહીં, એ મારાથી ન પોષાય. પ્રેમ કરું છું એને. ઘરે તો જવું જ પડશે... "

આખા દિવસની લાંબી મજલ કાપ્યા બાદ આખરે ટ્રેન એના અંતિમ પડાવ ઉપર આવી શ્વાસ નિતારવા લાગી. સામેની સીટ પરથી પોતાનો પર્સ ઝડપથી ઉઠાવી, સાડીનો પાલવ વ્યવસ્થિત ગોઠવતી એ પ્લેટફોર્મ ઉપર પોતાની ધૂનકીમાં એ રીતે ઉતાવળે ઉતરી પડી જાણે પાછળ ડબ્બામાં છૂટી ગયેલી સ્ત્રી વિશે એને કોઈ સ્મૃતિ રહી ન હોય.

*************

એ રાત્રીએ એક અંધકારભરી ઓરડીની અંદર બે આંખો બહાર તરફથી ઓરડીની છત ઉપર વીજળીના થાંભલા વડે ફેંકાઈ રહેલા પ્રકાશને નિર્જીવ કીકીઓ જોડે એકીટશે એ રીતે તાકી રહી હતી જાણે કોઈ જીવતુંજાગતું મડદું પડ્યું હોય. ભોંય ઉપર પાથરેલા જર્જરિત ગાદલા પર પડેલા એ શરીરની પડખે અન્ય એક જુના ગાદલા ઉપર બે બાળકો મેલાઘેલા વસ્ત્રોમાં ગાઢ નીંદરમાં પોઢી રહ્યા હતા. ઓરડીના સૂના, મૌન વાતાવરણને ભેદતું ઓરડીનું બારણું અત્યંત કર્કશ અવાજ વડે ખુલ્યું. એ અવાજની જોડે છત પર ચોંટેલી કીકીઓમાં પ્રાણ આવ્યો અને અવિશ્વાસના હાવભાવ દ્વારા આંખની નીચેના કાળા કુંડાળાઓ ઝડપી ગતિ જોડે ઓરડીની ડાબી દિશાના ખૂણામાં પડેલી સેકન્ડહેન્ડ એલાર્મ ક્લોક ઉપર ફરી વળ્યાં. સમયની અતિઝડપી ચકાસણી બાદ શીઘ્ર આંખોને એ રીતે ચુસ્ત મીંચી દેવામાં આવી કે ઓરડીમાં પ્રવેશેલા શરીરને એવી ભ્રાંતિ થાય કે ભોંય પર પડેલું શરીર ક્યારનું ગાઢ નીંદરમાં હતું. 

ઓરડીમાં પ્રવેશેલા પુરુષે પોતાનું શરીર ગાદલા પર લંબાયેલા શરીર પડખે લંબાવી દીધું. બન્ને શરીર એકબીજાથી વિરુદ્ધ દિશામાં કમરની પડખે હતા. થોડી ક્ષણો પછી પુરુષે ધીમે રહી ફરી પડખુ ફેરવી શરીરને સપાટ કર્યું. એની કીકીઓ છત પર ઝીલાઈ રહેલા બાહ્ય પ્રકાશના સ્ત્રોત ઉપર સ્થિર થઈ.

" ઝુબેદા, હું જાણું છું. તું ઊંઘી નથી. જાગે છે. "

પડખું ફેરવેલ શરીર એ જ સ્થિતિમાં જડ પડી રહ્યું. ઉચ્ચારવામાં આવેલા શબ્દોને કોઈ પણ પ્રતિક્રિયા આપ્યા વિના આંખો ચુસ્ત મીંચાયેલી જ રહી.

" એક વાત પૂછું ? "

એક નજર પડખે વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા શરીર તરફ નાખી ફરી નજર છત ઉપર પ્રતિબિંબિત પ્રકાશ ઉપર સ્થિર થઈ ગઈ. કીકીઓમાં વિચિત્ર વિહ્વળતા છવાઈ ઊઠી.

" તું મને બરદાસ્ત કઈ રીતે કરે છે ? કેમ છોડીને જતી નથી રહેતી ? "

પડખું ફરેલા શરીરની આંખો એક ક્ષણ માટે ઉઘડી. ઘેરાઈ આવેલા ઝળઝળ્યા વચ્ચેથી કીકીઓમાં નજીક પોઢી રહેલા બે બાળકો ધૂંધળા જેવા દેખાયા જ કે આંખો ફરીથી ચુસ્ત મીંચાઈ ગઈ. આંખોના ખૂણામાંથી પાણીની ધાર ચૂપચાપ સરી પડી. મૌન ઓરડીમાં છતને તાકી રહેલી વિહ્વળ કીકીઓ જાણે એ પ્રકાશના પ્રતિબિંબિત સ્ત્રોતમાં પોતે પૂછેલા પ્રશ્નનો ઉત્તર અસહ્ય બેચેની જોડે શોધવા લાગી.

**********

પ્લેટફોર્મ ઉપર આવી થોભેલી ટ્રેન ગઈકાલ જેમ જ થાકેલી દેખાતી હતી. અત્યંત લાંબી ટ્રેનનો અંતિમ ડબ્બો પ્લેટફોર્મના અંતિમ છેવાડા ઉપર અંધકારભર્યા ખૂણામાં આવી હાંફી રહ્યો હતો. ઘર જવા માટે લાંબા સમયથી પ્લેટફોર્મ ઉપર રાહ જોઈ રહેલી દરેક સ્ત્રીઓ એ અંતિમ ડબ્બાના લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં ચઢી ચૂકી હતી. ટ્રેન ઉપડવાના સિગ્નલ જોડે કાળા રંગના હેન્ડ ગ્લોવ્સમાં મઢાયેલ હાથ તરત જ કમ્પાર્ટમેન્ટમાં ચઢી જવા આગળ લંબાયો કે બુરખાધારી શરીરના કાનમાં ગઈ કાલે આજ કમ્પાર્ટમેન્ટના સૂના ડબ્બામાં સાડીધારી શરીર વડે ઉચ્ચરાયેલા શબ્દો પડઘાયા.

" એ ક્રિમિનલ નથી. એ બીમાર છે. વિકૃત માનસિકતા એક પ્રકારની માંદગી જ તો છે. એને સજાની નહીં, પણ ઈલાજની જરૂર છે. એ ધારે તો એમાંથી બહાર નીકળી શકે છે."

એ શબ્દોની જોડે જ ડબ્બાની અંદર તરફ પ્રવેશવા તત્પર શરીર ઠંડુ પડી ગયું અને હાથ પાછળ ખેંચાઈ ગયો. ડબ્બામાં ચઢવા માટે આગળ વધેલો પગ બે ડગલાં પાછળ ખસી ગયો. એ સાથે જ લોકલટ્રેન ધીમે ધીમે ગતિ પકડતી આંખો આગળથી ઓઝલ થઈ ગઈ. પ્લેટફોર્મ ઉપર એકલા છૂટી ગયેલા બુરખાધારી શરીરે ચહેરા ઉપરથી હિજાબ હટાવ્યો. એક રાત્રી પહેલા અંધકારથી ભરેલી ઓરડીમાં છતને તાકી રહેલ પુરુષનો ચહેરો એમાંથી બહાર નીકળ્યો. નજર સામેથી અદ્રશ્ય થઈ ગયેલા લેડીઝ કમ્પાર્ટમેન્ટના ગમનની દિશામાં વિહ્વળ કીકીઓ હજી પણ સ્થિર હતી. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy