કૂતરાની પ્રામાણિકતા
કૂતરાની પ્રામાણિકતા
ઘણા મહિના પહેલાની આ વાત છે. સોરઠ પ્રદેશની વાત નીકળે ત્યારે આપણને સિંહની અચૂક યાદ આવે. સોરઠ પ્રદેશ એટલે જાણે કે પ્રકૃતિના ખોળે હસતો ખેલતો પ્રદેશ. અહીંના લોકોને સિંહ સાથે તો જાણે કે ઘર જેવો સંબંધ. એક તરફ સિંહ સ્વરૂપે હિંસક જિવ તો બીજી તરફ માનવ દેહે અહિંસક ! તેમ છતાં બંને વચ્ચેના પ્રેમની અનેરી જ માયા.
ગિરના જંગલમાં વસતા માલધારીઓ પોતાનાં ઢોર ચરાવવા વહેલી સવારે નીકળી પડે. હાથમાં માત્ર એક લાકડીને ચા પીવાનું પાત્ર હોય. ઢોર ચરતા હોયને સિંહોની ત્રાડ પણ સંભળાતી હોય. તેમ છતાં મુક્ત મને ઢોર પોતાના માલિકની આડમાં તાજું ઘાસ ચરે. પણ ક્યારેકજ અણસંજોગે સિંહ ભક્ષણના ખરાબ અનુભવ થાય. એવો સિંહ અને અહીંના લોકોની માયા.
આવા વાતાવરણ વચ્ચે એક દિવસ માન્યામાં ના આવે તેવો પ્રસંગ બની ગયો. અહીંના માલધારી લોકોને પોતાના ઢોરના રક્ષણ માટે કૂતરો પાળવાની ટેવ. એકદિવસ માલધારી પરિવાર પોતાના કામ કાજથી ઘરની બહાર ગયેલ. અને ઘરે એક સ્ત્રી પોતાના નાના જન્મેલા શિશુને સાચવવા રહી હતી. અને સાથે એક પાલતું કૂતરો પણ ઘરે જ હતો. બાળકને ઘોડિયામાં સૂતેલું રાખીને પેલી સ્ત્રી કરગઠીયા લેવા ગઈ. અને તેજ સમયે એક સિંહ ખોરાકની શોધમાં ત્યાં આવી પહોંચ્યો. અને તેની નજર પેલા ઘોડિયામાં સૂતેલા બાળક પર પડી. તેનું મન લલચાયું. તેણે તે બચ્ચાને પોતાનો ખોરાક બનાવવાનું વિચાર્યું, પણ તેજ સમયે ઘરે રહેલ પેલા કૂતરાની નજર સિંહ પર પડી અને તેની સામે ખૂબ જોર શોરથી ભસવા લાગ્યો.
એક તરફ તેને પોતાના મોતનો ભય હતો તો બીજી તરફ પેલા ઘોડિયામાં સૂતેલા બાળકને બચાવવાની ચિંતા. આવડા મોટા હિંસક સિંહ સામે પોતાનું શું ગઝું ?તેમ છતાં તેણે પોતાનાથી બનતો પ્રયાસ ચાલું રાખ્યો અને એટલામાં તેના અવાજથી પેલી સ્ત્રી ઘર તરફ પાછી વળી.આ દ્રશ્ય જોઈને તેને લાકડીના સહારે સિંહની સામે હોંકારો કર્યો. અને પછી સિંહ ત્યાંથી ભાગી ગયો. અને કૂતરાએ ભસવાનું બંધ કર્યું.
પેલી સ્ત્રી એ પોતાના બાળકને તેડીને વ્હાલ કર્યું, અને પોતાના બાળકને બચાવનાર કૂતરાને પણ ભેટી પડી.
