માનવતા
માનવતા
ઘણા વર્ષો પહેલાં ની આ એક વાત છે. એક સરસ મજાનું ગામ. ફલુ એનું નામ. આ ગામમાં સૌ હળી મળીને રહેતા અને મોટા ભાગે અહીં ના લોકો ખેતી કરીને ગુજરાન ચલાવતા.
આ ગામમાં રઘુ અને જગુ નામે બે ભાઈ રહે. બંને
ખેતી કરીને જીવન નિર્વાહ કરે. બંને ના ખેતર પાસ પાસે હતા.ખેતર માં સીઝન પ્રમાણે સારો એવો પાક થતો. એક સવારે રઘુભાઈ ના ખેતર માં એક હરાઈ ગાય ઘાસ ખાતી નજરે પડી. તો તેઓ જઈને તે ગાય ને ત્યાંથી દૂર ને દૂર ગૌચર વિસ્તારમાં મૂકી આવ્યા. જેથી આસપાસ ના કોઈપણ ખેડૂત ના ખેતર નો પાક ના બગડે. અને ગાય ભૂખી પણ ના રહે. અને આમ ઘરે આવીને હાશકારો અનુભવે છે.અને ઘરે આવીને શાંતિથી જમવા બેસે છે. અને બપોર પડતાં ઘડીક આરામ કરે છે.
આરામ કરીને જાગે છે, અને ખેતરમાં જુએ છે તો પેલી હરાઈ ગાય ફરીથી ખેતરમાં શાંતિથી અને મોજથી ઘાસ ખાતી હોય છે. અને રઘુભાઈ તેને ત્યાંથી કાઢે છે તો તે જગુભાઈના ખેતરનું ઘાસ ચરવા લાગે છે. અને પછી રઘુભાઈ તેને પાછી ત્યાંથી દૂર મૂકી આવે છે. આમ ગાય માટે તો જાણે આ નિત્યક્રમ બની ગયો હોય છે.અને હવે તો જાણે બંને ભાઈઓની ઊંઘ હરામ થઈ ગઈ હોય છે.
હવે જો રોજ આમ થાય તો તેમના પાકનું ખૂબજ નુકસાન થાય. અને તેમના પરિવાર નું શું ? બંને ભાઈ અને આસપાસ ના ખેડૂતો ભેગા મળીને આ હરાઈ ગાયથી પોતાના ખેતરનો પાક બચાવવાની, અને તે ગાય ને પણ ખાવાની સગવડ મળી રહે તેની ચર્ચા વિચારણા કરે છે. અને આ ગાય ને પરાણે પકડે છે. અને તેને રોજ ઘાસ પૂરો નાખે છે.આમ ઘણા દિવસો પસાર થાય છે.
હવે ગાય ને ક્યાં મૂકવા જવી...!.? કારણ કે ગાય તો માતા કહેવાય.
આમ, ફરી બધા આસપાસના ખેડૂત મિત્રો ભેગા મળીને ચર્ચા વિચારણા કરે છે. અને બીજે દિવસે તે ગાય ને ટ્રેકટરમાં ઘાસ પૂરો નાખીને દસેક કિલોમીટર દૂર ગૌચર વિસ્તારમાં મૂકવા જાય છે. અને આસપાસ ગાય ને ખાવાની સગવડ ચકાસીને ગાયને પ્રેમથી ત્યાં નીચે ઉતારવામાં આવે છે. રઘુ અને જગુ ને મનથી સંતોષ થાય છે કે, હવે ખેતરનો પાક પણ નહિ બગડે અને ગાય ને ભૂખ્યા પણ નહિ રહેવું પડે. પણ, થોડીક જ વારમાં આ સુખદ વિચાર એક સમસ્યાનું સ્વરૂપ લે છે. અને તે વિસ્તારનો એક જાગીરદાર વ્યક્તિ કોઈક બાતમી ને આધારે ત્યાં આવીને ઊભો રહે છે. અને ગાય પ્રત્યે ના ભક્તિભાવથી અજાણ તે ઊંચા અવાજે ગુસ્સે થાય છે. અને ત્યારે રઘુભાઈ તે સમયે પ્રેમથી અને સમજાવટથી વાત કરે છે. પણ જગુભાઈ અને ટ્રેકટર ચાલક તે જાગીરદાર પર ખૂબજ ગુસ્સે થઇ જાય છે. પરિણામે બને છે એવું કે તે સ્થાનિક વ્યકિત હઠ પકડી ને બેસે છે કે ,"ગાય ને પાછી પકડી આવો.!" અને અંતે તે રઘુ અને જગુ બંને ભાઈ અને અન્ય ખેડૂત મિત્રો તે છોડી મુકેલી ગાય ને પાછી પકડી લાવવા નીકળે છે.પણ તે જાગીરદાર વ્યક્તિ રઘુભાઈના પ્રેમ ભર્યા સ્વભાવથી ખુશ થઈ ને પોતાની સાથે આવવા કહે છે. અને જગુભાઈ ના સ્વભાવથી નારાજ થઈને તેમને ગાય પકડી લાવવા કહે છે.
બીજી તરફ રઘુભાઈ અને તેમના પૌત્ર ને પોતાની સાથે લઈ જાય છે. અને તેમને પાણી પાય છે અને ચા પણ પીવડાવે છે. અને ત્યાર સુધીમાં જગુ ભાઈ અને અન્ય ખેડૂત મિત્રો તે ગાય ને પકડી લાવે છે. અને ત્યાર પછી બધા ભેગા મળીને ગાય ને ટ્રેકટરમાં લઈને ત્યાંથી આગળ નીકળે છે. અને રસ્તામાં ગાય માટે ઘાસ ચરી શકે તેવી સારી જગ્યાએ ઉતારે છે. અને ફરી સંતોષ મને ઘરે જાય છે. અને જમીને પરિવાર જનો સાથે બધી વાતો કરે છે. અને બધા સુખ મય મને સુઈ જાય છે.અને બીજી સવારે શાંતિથી ઊઠે છે.અને રઘુભાઈ ખેતર તરફ નજર કરે છે તો આ શું?..!..?.
પેલી જ ગાય ખેતરમાં ચરતી હોય છે.
અને રઘુ ના મોઢામાંથી અચાનક બૂમ સરી પડે છે, " અલ્યા જગુ...." જગુ ભાઈ પણ આગળના દિવસ ના થાક ને લીધે ઊંઘ્યા હોય છે.અને રઘુની બૂમ સાંભળતા બહાર આવે છે અને ગાય ને જોઈને તેઓ પણ વિચારમાં પડી જાય છે કે," ગાય ને આટલે બધે દૂર મૂકી આવ્યા હતા, છતાં તે પાછી આજ ખેતરમાં આવી ગઈ...? ના હોય...!.."
અને ફરી પાછા બધા ભેગા થાય છે અને અંતે ગાય ને ગૌશાળામાં મૂકી આવે છે. અને ઘરે આવે છે.
બીજા દિવસે રઘુ ફરી ખેતરમાં જુએ છે તો આ શું..?.
રઘુ ને ખેતરમાં તે ગાય જોવા નથી મળતી. પણ, ચહેરા પર હર્ષ ને સ્થાને જાણે ઉદાસી એ વાસ કર્યો હોય છે... અને વિચારે છે કે, " ગાય ઘાસ ખાઈ જતી તોપણ ઉદાસી હતી, અને આજે ગાય નથી તો પણ મન ઉદાસ છે..!."
