ઘરડાં ગાડાં વાળે
ઘરડાં ગાડાં વાળે
ઘણા વર્ષો પહેલાંની આ વાત છે. ફલું નામે સુંદર અને રૂડું રૂપાળું ગામ. આ ગામની નજીક થી સાબરમતી નદી વહેતી જતી, અને જાણે તેના વહેતા નીર પણ જાણે તેના ઇતિહાસની સાક્ષી પૂરતા વહેતાં જતાં. આ નદીના નીર સપ્તેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરીને અહીથીજ આગળ વધતા. અને અહીં એક ડુંગર પર એક મંદિર છે. જે સીતા ડુંગરી નામે ઓળખાય છે. અહીં નજીક આગલોડ ગામ પણ છે.
અહીં નદીથી ફલું ગામ તરફ આગળ આવતાં એક શંકર ભગવાનનું મંદિર છે. દર શ્રાવણ માસે ગામ ના લોકો દર્શને જાય. કહેવાય છે કે આ મંદિરની આસપાસ પહેલા ના સમયમાં ગામ ત્યાંજ વસવાટ કરતું. અને નદીમાં પૂર આવતાં સહુ સાથે મળીને એક નવું ગામ બનાવીને વસવાટ કરવા લાગ્યા. પહેલા ના સમયમાં આ ગામમાંથી કેટલાક પશુપાલકો ગાય ભેંસ ને ચરાવવા અહીં નદી નજીકના વિસ્તારમાં આવતા. આ ગામમાં સાંજના ટાણે નવા વસાવેલ ગામમાં સૌ કોઈ મંદિરમાં જતા અને ભગવાનની ભક્તિ કરતા. મંદિરનું તમામ સંચાલન ગામના વડીલ વર્ગ અને વૃદ્ધ લોકો કરતા. જેઓ માત્ર ઉંમરની દ્રષ્ટિએ વૃદ્ધ હતા પણ ખૂબજ અનુભવી અને આદર્શ હતા.
એક દિવસ આ ગામના કેટલાક છોકરાઓ નિત્યક્રમ મુજબ ઢોર ચરાવવા માટે ગયા. તેમાં બકો પણ પોતાની ભેંસો લઈને ચરાવવા ગયેલો.
પણ ચોમાસાની ઋતુ હોઈ એ દિવસે ખૂબજ વરસાદ વરસ્યો. મોટા ભાગે બધા છોકરા પોતાનાં ઢોર ને કોતરોથી દૂર રાખવા લાગ્યા. પણ બકાને મન તો પોતાની ભેંસોને કૂણું ઘાસ ખાય તેવી ભાવના હતી. તેથી ભેંસો ખૂબજ દૂર આવી ગઈ હતી. અને વધુ વરસાદ ન કારણે નદીમાં પૂર આવ્યું. અને ભેંસો તેમાં તણાવા લાગી. હવે તે ભેંસોને બચાવે કોણ ?
બકો તો રડતો રડતો ઘરે આવ્યો. અને બધી વાત પોતાના પિતાજી અને દાદા ને જણાવી. ત્યારે રડતા બકાને સાંત્વના આપતા કહ્યું કે,," તું ચિંતા ના કર, તું તો ઘરે આવી ગયો ને ,ભેસો પણ આવી જશે !" ત્યારે બકાએ કહ્યું કે ,"આવી જશે ?" પિતાજીએ કહ્યું કે થોડીક ધીરજ રાખ. અને આમ બે એક કલાક પછી તો વાસમાં ભેંસોનો અવાજ સંભળાયો. . ઑ. . . ઉ. . . અને બકો બેબાકળો બની ને ઘરની બહાર જુએ છે તો સામે ભેંસો આવતી હોય છે. . . અને ખુશ થતો બકો કહે છે,"બાપા, આપણી ભેંસો પાછી આવી ગઈ. . !" તેના આનંદનો કોઈજ પાર ન હતો. અને પિતાજી અને દાદા ને જણાવતાં કહ્યું કે મને ઘનાભા હાચૂજ કહેતા હતા કે"ઘરડાં ગાડાં વાળે". અનુભવથી મોટો કોઈજ ગુરુ નથી.
