કૂકડાઓનો પ્રયાસ
કૂકડાઓનો પ્રયાસ
એક સરસ મજાનું ગામ હતું. આ ગામમાં અનેક શેરીઓ હતી. તે પૈકી બે શેરીમાં માણસોની સાથે કૂકડાઓ પણ રહેતા હતા. એક શેરીમાં રહેતા કૂકડાઓ અંદરો અંદર ઝગડ્યા કરતા હતા અને એકબીજાની વચ્ચે કોઈ જ એકતા હતી નહીં. એકબીજા સાથે સારા સંબંધો પણ ન હતા. તો બીજી શેરીમાં રહેતા બે કૂકડાઓ હળીમળીને રહેતા હતા.
આમને આમ દિવસો પસાર થયા કરતા હતા. એક દિવસ આ ગામમાં એક ડાઘીયો કૂતરો આવી ચડ્યો. આ ડાઘીયા કૂતરાને પેલા કૂકડાઓને મારીને ખાવાની લાલચ જાગી. જે કૂકડાઓ એકબીજા સાથે ઝઘડતા હતા તે કૂકડાઓમાંથી એક પણ કૂકડો બચ્યો નહીં. બધા જ કૂકડાઓને તે ડાઘીયો કૂતરો મારીને ખાઈ ગયો. હવે તે શેરીમાં એક પણ કૂકડો બચ્યો ન હતો. એટલે તેણે બીજી શેરીમાં જઈને પેલા બે કૂકડાઓને પણ મારી નાખીને ખાઈ જવાનું વિચાર્યું, આ ડાઘીયા કૂતરાને જોઈને તે બંને કૂકડાઓમાંથી એક કૂકડો ડરી ગયો અને તેણે બીજા કૂકડાને કહ્યું, કે "ભાઈ હવે આપણો વારો છે. આ કૂતરો આપણને પણ ખાઈ જશે."એટલે પેલા કૂકડાએ કહ્યું કે ભાઈ જો મરવાનું તો બધાએ છે જ તો આપણે બંને એક થઈને પ્રયત્ન કરીશું તો જીવી જઈશું. અને પ્રયત્ન કરવાથી સફળતા ચોક્કસ મળે છે. આમ પેલો ડાઘીયો કૂતરો આ બંને કૂકડા ઉપર હુમલો કરવાનું વિચારતો હતો પણ આ બંને કૂકડાએ હળીમળીને આ કૂતરાને હેરાન કરવાનું શરૂ કરી દીધું. કૂકડાઓ ઘાયલ પણ થયા પણ તેમણે પોતાનો પ્રયાસ છોડ્યો નહીં. બંને કૂકડાઓ એકબીજાની વિરુદ્ધ દિશાથી તે કૂતરાને હેરાન કરવા લાગ્યા. હવે તો તે કૂતરો ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયો હતો. અને તે કૂતરો આખરે તે શેરી છોડીને નાસી ગયો. અને બંને કૂકડા ફળીથી ખુશખુશાલ રહેવા લાગ્યા.
