ઝાઝા હાથ રળિયામણા
ઝાઝા હાથ રળિયામણા
પાલનપુર નામે એક શહેર. આ શહેરમાં બસ સ્ટેન્ડ ની નજીક એક મોટી બિલ્ડીંગ આવેલી હતી. આ બિલ્ડિંગની નજીક કેટલાક વૃક્ષો હતા. આ વૃક્ષો ખૂબ જ સુંદર અને હરિયાળા હતા. આ વૃક્ષો પર ઘણા બધા સરસ મજાના પક્ષીઓ બેસતા, વસવાટ કરતા અને અલકમલકની વાતો કરતાં. આ વૃક્ષો પર સૌથી વધુ પોપટ રહેતા. જોકે આ બધા જ પોપટની વધુ વસ્તી હોવા છતાં શાંતિથી અને મોજથી રહેતા. પણ, માત્ર ખામી એટલી કે તેઓ જે કંઈ ખાવાનું શોધવા જવાનું થાય કે અન્ય કોઈ પણ કામ હોય તો તેમની એકતામાં અભાવ હતો.જોકે આ વૃક્ષો અને અન્ય પક્ષીઓએ તેમને સંપ થી રહેવા ઘણું સમજાવ્યું પણ તેઓ એક ના બે ના જ થયા. આમ ઘણો સમય પસાર થયો. વૃક્ષો તેના પર બેસતા પક્ષીઓના કારણે ખૂબ જ હરખાતા હતા. આ વૃક્ષો પર બેસતા અવનવા પક્ષીઓ અને તેમના સુંદર મજાના કલરવને કારણે વૃક્ષોની શોભા ખૂબ જ અનેરી રીતે નિખરી આવતી. જે બાબતનો વૃક્ષોને પણ ખૂબ જ આનંદ થતો.
કોઈએ સાચું જ કહ્યું છે ને કે," ખુશી લાંબો સમય ટકતી નથી."આમ જાણે કે આ વૃક્ષ પર વસવાટ કરતાં પક્ષીઓની ખુશી પર જાણે કોઈકની ઈર્ષા અને કપટ ભરી તીરછી નજર લાગી ગઈ હોય તેવા ભણકારા વરતાઈ રહ્યા હતા. આ વૃક્ષો પર વસવાટ કરતાં પોપટની સમૂહ ભાવનાનો અભાવ છે તે બાબતનો ખ્યાલ કેટલીક સમાડીઓને આવી ગયો હતો. પોપટના સમૂહની સામે આ સમડીઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં હતી. પણ કદમાં તે ખૂબ જ મોટી અને અભિમાનથી ભરેલી હતી. તેમનું મન આ સરસ મજાના અને સુંદર દેખાતા પોપટોનું નરમ અને સ્વાદિષ્ટ માંસ ખાવા માટે તલપાપડ હતું.
આ સમાડીઓ માટે આ પોપટોની એકતાના અભાવની બાબત ખૂબ જ સારો એવો લાભ અપાવે તેમ હતું. જે બાબતને કારણે આ સમડીઓ દ્વારા હવે તો રોજ કેટલાક પોપટ શહીદ થવા લાગ્યા હતા. એક તરફ સાડીઓ માટે રોજ સુખદ મિજબાની થતી, તો બીજી તરફ પોપટો માટે શોક સભા સમાન પરિસ્થિતિ પેદા થઈ હતી. પોપટ સમુદાયમાં કેટલાક બાળકો માતા-પિતા વિહોણા થયા હતા. આવી વિકટ પરિસ્થિતિમાં ફરીથી વૃક્ષો અને અન્ય પક્ષીઓ એ એક સમૂહમાં રહેવા માટે સમજાવ્યું. અંતે આ પોપટો એ આવનારી વિકટ પરિસ્થિતિમાં એક સાથેજ હિંમત અને સૂઝબૂઝથી રહેવાનો નિર્ણય લીધો. બીજા દિવસે નિત્યક્રમ મુજબ સમડી ઓએ પોપટોને હેરાન કરવાનું શરૂ કર્યું. પણ આ લાલચુ અને કપટ ભરી સમડીઓને શું ખબર કે, આ બધા જ પોપટ હવે સંપીને રહેવા લાગ્યા છે. હવે તો શિકાર કરવા આવેલી આ સમડીઓ ઉપર આ બધા જ પોપટ એક સાથે તૂટી પડયા. કેટલાક પોપટ શહીદ પણ થયા. પણ તેમણે હિંમત હારી નહીં. અને બનતા તમામ પ્રયત્નો કરીને તેમણે આ સમાડીઓને ત્યાંથી તડીપાર કરી નાખી.
અને નાના અમથા આ પોપટોની વિશાળકાય સમડી ઓ સાથેના યુદ્ધ માં થયેલા વિજયના કારણે અન્ય પક્ષીઓ, કેટલાક ઘાયલ થયેલા પોપટો અને અનાથ થયેલા પોપટ બાળમાં પણ જાણે એ કે એક શક્તિનો સંચાર થયો. અને એકતાનો સંદેશ મળ્યો. અને તમામ પોપટો એ સ્વીકાર કરતા જણાવ્યું કે સાચી શક્તિ તો એકતામાં જ રહેલી છે, કોઈએ સાચું જ કહ્યું છે કે," ઝાઝા હાથ રળિયામણા."
