કટોકટી
કટોકટી
ગાડીના આગળના ભાગમાંથી સ્ત્રી અને પુરુષનો સંવાદ સંભળાઈ રહ્યો હતો. વાતોમાં આવેગ હતો. લ્હેકામાં છલોછલ દોષારોપણ. તું મને સમજતો નથી. તું મને સમજતી નથી. વાતાવરણ સ્વાર્થની દુર્ગંધમાં રંગાયેલું હતું. હું શું કામ ? તું કેમ નહીં ? જો હું હોવ તો તું પણ. બધુજ તારું અને મારૂંની વચ્ચે હતું. એમાં કશે દૂર દૂર સુધી પણ કઈ ' આપણું ' ન હતું.
પાછળની સીટ ઉપર બેઠું બાળપણ ડઘાયેલું હતું. આંખોમાં ગ્લાનિ અને હૈયામાં ભયના મોજા ઉછળી રહ્યા હતાં. જે કઈ થઈ રહ્યું હતું એ માટે પોતેજ જવાબદાર હોવાનો અપરાધભાવ નિર્દોષ હૃદયને પીડા આપી રહ્યો હતો. પણ એ પીડા અશ્રુઓ થકી બહાર ઢળી પડતા પણ સંકોચાઈ રહી હોય એમ આંખોના ઝળહળીયા ફક્ત સીમારેખાની અંદરજ ગોંધાઈ બેઠા હતાં. આગળની સીટ ઉપર બેઠા સ્ત્રી અને પુરુષ એ ઝળહળીયાથી તદ્દન અજાણ હતાં. ખુબજ મહત્વની ચર્ચામાં વ્યસ્ત હતાં. બાળકના માથે બંધાયેલા તબીબી પાટા ઉપર જામેલું લોહી ધીરે ધીરે ટાઢું પડી રહ્યું હતું. પરંતુ ગાડીના અંદરનું વાતાવરણ એટલુંજ ઉષ્ણ ખદબદી રહ્યું હતું.
" તું જાણે છે કે આજની મિટિંગ કેટલી મહત્વની હતી !"
" તને પણ ખબર છે મારી પ્રેઝન્ટેશન હતી. "
" એકજ વ્યક્તિનું કામ હતું. નકામા બબ્બે વ્યક્તિએ દોડવાની જરૂર હતી ? "
" મને આચાર્યનો ફોન આવ્યો. માથામાંથી લોહી નીકળ્યું. સાંભળીને જ હું ડરી ગઈ. "
" એને પણ કેટલી વાર કહ્યું છે કે રિસેસમાં ગમે તેમ ભાગમભાગી ન કરવી. ઝપીને ન બેસાય ? પણ નહીં ...."
" મમ્મી પપ્પા તો ફ્રી જ બેઠા છે. કામકાજ છોડીને ડોક્ટરને ત્યાં લઈ જશે. નહીં ? "
" ધીઝ ઈસ ડિસ્ગસટીંગ. ડોક્ટરને ત્યાં નકામો એક કલાક વેડફાઈ ગયો. "
" ને હજુ ટ્રાફિકમાં ખબર નહીં કેટલા કલાક વેડફાશે ? આ'મ ફેડ અપ્પ. "
" તો શું મને અહીં આનંદ આવી રહ્યો છે ? જાતે ડ્રાઈવિંગ કરે તો ખબર પડે કેટલા વિસે સો થાય ? "
" બરાડા પાડવાની જગ્યાએ ડ્રાઈવિંગ વ્યવસ્થિત કરે તો...."
" કેન યુ જસ્ટ કિપ ક્વાઈટ ? મારે સમયસર ઓફિસ પહોંચવાનું છે. "
" હા, મારી ઓફિસ, મારુ કામ તો ટાઈમ પાસ છે. રાઈટ ? "
" તનેજ જોઈતું હતું ને બાળક. હવે લે સંભાળ. "
"તો શું એ તારું બાળક નથી ?"
દોષારોપણ અને બોલાચાલીની ઝડપ વધુ હતી કે કારની ? ખબર નહીં. પણ રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા ગલૂડિયાં માટે તો કારની જ ઝડપ વધુ હતી. પોતાના નાના કદના શરીર વડે સમયસર ભાગવામાં સંપૂણ નિષ્ફ્ળતા સાંપડી અને જોતજોતામાં ગાડીનું એક પૈડું એના નાનકડા પગના સ્નાયુ ઉપરથી સડસડાટ કરતું પસાર થઈ ગયું. બુલેટની ઝડપમાં ભાગી રહેલ ગાડીમાં બેઠા સ્ત્રી અને પુરુષને જાણ પણ ન થઈ કે એમની વજનદાર ભારેખમ ગાડી એક નિર્દોષ જીવનું લોહી વહાવી આગળ વધી રહી હતી.
રસ્તા ઉપરથી તદ્દન ઝડપે આગળ વધી રહેલ વાહનવ્યવહાર માટે એ નાનકડું ગલુડિયું અસ્તિત્વ ધરાવતુંજ ન હતું. પોતાના ઈજાગ્રસ્ત પગને ઘસડી સ્વરક્ષણ કરવું અશક્ય હતું. જીવવાની આશ છોડી સામે તરફથી ધસી રહેલા પ્રચંડ ટ્રકના મહાકાયી પૈડાં ઉપર એની નજર ભય જોડે આવી ટકરાઈ. નાનકડી આંખો મીંચાઈ અને બીજીજ ક્ષણે એનું શરીર હવામાં ઉપર તરફ ઊંચકાયું. શરીર ઉપર વેદનાની જગ્યાએ વ્હાલ અને સ્નેહની વર્ષા થઈ. કુતુહલ જોડે આંખો ઉઘડી. આ શું ? પોતે એક મનુષ્યના ખોળામાં સંપૂર્ણ સુરક્ષિત કઈ રીતે પહોંચી ગયું ?
કઈ સમજાય એ પહેલા પાછળથી એક સ્ત્રીનો અવાજ સંભળાયો.
" પણ સમયની કટોકટી છે. "
લોહીના ઉભરા ઉપર પોતાનો રૂમાલ બાંધી ગલૂડિયાને સાવચેતીથી સ્ત્રીના ગોદમાં થમાવી પુરુષે બાઈકને કિક લગાવી.
" હા, સમયની કટોકટી છે. પણ માનવતાની નથી. "
અને એ નાનકડું ગલુડિયું પોતાના ઈલાજ માટે વેટરીનરી દવાખાના તરફ આગળ વધ્યું.