કઠિયારો
કઠિયારો
રાયગઢ નામના નગરમાં હરિયા નામનો એક સીધો સાદો ગરીબ કાઠિયારો રહે. આખો 'દી તનતોડ મહેનત કરે, સાંજ પડે બે પૈસા લઈ ઘરે આવે. પતિ-પત્ની કામકાજ સિવાયના સમયમાં પ્રભુભક્તિ કરતા. એક વાર હરિયાને રાયગઢના જંગલમાં વૃક્ષો કાપવાનું કામ મળ્યું. સવાર થતાં, ભાથું અને કુહાડી લઇ, હરિયો જંગલ તરફ ચાલી નીકળ્યો. ત્યાં પહોંચીને તેણે તેનું ભાથુ ઝાડની એક નીચી ડાળી પર બાંધી દીધુ, જેથી કોઈ જનાવર ખાઈ ન જાય. આમ તેમ નજર દોડાવતા બે ઘડી મનમાં એને થઈ આવ્યું, 'કે કેવું સરસ જંગલ છે. લીલીછમ વનરાજી, પક્ષીઓનો ચહચહાટ અને સરસ મજાનો ઠંડો પવન. લોકો શા માટે વૃક્ષો કપાવતા હશે ? હશે... મારે શું ? મારે તો આ મારું કામ. વૃક્ષો ન કાપું, તો પેટ કેવી રીતે ભરવું' ? એમ મનોમન બબડતો એ ઊભો થયો અને એક છેડાનું વૃક્ષ જોઇ કુહાડો ચલાવવાનું શરૂ કર્યું.
કામ અઘરું હતું, થોડી વારે થાકે એટલે બીજા વૃક્ષ નીચે આરામ કરી, કામે વળગી જતો. આમ લગભગ બે-ત્રણ દિવસ ચાલ્યું. વેપારીને કામ જલ્દી કરાવવું હતું. એણે એની વાણીયાબુદ્ધિ કામે લગાડી, તેણે હરિયાને કહ્યું, 'તું જેટલા જલ્દી વૃક્ષ કાપશે, હું તને તેટલા વધુ પૈસા આપીશ'. આમ, વેપારી પોતાના મનની લાલચને હરિયાના મનમાં રોપવામાં સફળ થયો. હરિયો વધુ મહેનત કરવા માંડ્યો. વૃક્ષો કપાતા ગયા, તાપ, તડકો વધવા લાગ્યો, પક્ષીઓ બેઘર થવા લાગ્યા. હરિયો મનમાં અફસોસ સાથે વૃક્ષોના શરીર પર કુહાડી ચલાવતો રહ્યો.
થોડા દિવસ થયા, તે મનથી અકળાતો હતો. તેને જંગલને વેરાન કરવું ગમતું નહોતું, પણ શું કરે. બપોર પડતાં સુરજદાદા માથે ચડી આવ્યા, વૃક્ષો કપાઇ ગયા એટલે તાપ વધારે લાગવા માંડ્યો હતો. હવે હરિયો વધારે થાકી જતો હતો. વૃક્ષ નીચે આરામ કરી ફરી કામે લાગી જતો. પણ, આજે કંઈ અજુગતું બન્યું થાકીને હરિયો એક વૃક્ષ નીચે આરામ કરવા આડા પડખે થયો ત્યાં, થોડી જ વારમાં તેના મોઢા પર તાપ આવી ગયો. જાગીને જુએ તો વૃક્ષ ગાયબ હતું. હરિયો કંઈ સમજી ન શક્યો. બીજા ઝાડ નીચે બેઠો તો એ ઝાડ પણ ગાયબ થઈ ગયું. એ ચમક્યો કે આ શું ? ફરી ત્રીજા ઝાડ નીચે બેઠો તો ફરી એ પણ ગાયબ. હવે હરિયો ગભરાયો. તેને પ્રભુને યાદ આવી ગયા. હે પ્રભુ! આ શું તમારી કોઈ લીલા છે ? કે પછી કોઈ ભૂત-પ્રેત હશે? પ્રભુ, પ્રભુ મને બચાવો. પછી હિંમત ભેગી કરી કોદાળી લઈ વૃક્ષ તરફ આગળ વધવા લાગ્યો.
ઘણું ચાલ્યો પણ વૃક્ષ સુધી પહોંચાતું નહોતું. હવે પરસેવે રેબઝેબ થઇ ગયો. વૃક્ષ દૂર જતું જણાયું હવે, હરિયાના પગ ધ્રૂજવા લાગ્યા. તેને ડર લાગ્યો, નક્કી કોઈ ભૂત પિશાચ છે. એણે તો પ્રભુનું સ્મરણ કરવા માંડ્યુ, જોરમાં ભગવાનનું નામ લેવા લાગ્યો. ત્યાં નજર સામે અજવાળું ફેલાયુ, આંખો ખોલીને હરિયો જુએ છે તો સામે ભગવાન ઉભા હતા. હરિયો બે ઘડી તો દિગ્મૂઢ બની ગયો.
ત્યાં પ્રભુ બોલ્યા,"વત્સ! મને ન ઓળખ્યો ? રાત દિવસ મને યાદ કરતો હોય છે, આજે તારી સામે છું તો આખો બંધ રાખે છે".
હરિયો, "પ્રભુ ! તમે ? મને ભરોસો નથી થતો મારી આંખો પર, પ્રભુ ! મને માફ કરો. હું તમને ઓળખી ન શક્યો, પ્રભુ. મને અહીં કોઈ ભૂત-પ્રેત હોય એવું લાગે છે, બચાવો પ્રભુ, મને બચાવી લો".
પ્રભુ, "અહીં મારા સિવાય કોઈ નથી. એ તો મારી જ લીલા હતી. તું વૃક્ષો શા માટે કાપી રહ્યો છે? વૃક્ષો કાપવાથી જંગલની રમણીયતા ખરાબ થઈ ગઈ છે, પક્ષીઓ બેઘર થઈ ગયા, વાતાવરણની અહલાદકતા પણ જતી રહી."
હરિયો, "પણ પ્રભુ ! આ તો મારું કામ છે. હું કઠિયારો, માત્ર આ એક જ કામ જાણું. પેટ ભરવા મારે તો વૃક્ષો કાપવા જ પડે ને ! કઠિયારાને તો કર્મ અને ધર્મ જે કહો તે આ જ છે. તમે જ કહો પ્રભુ વૃક્ષો ન કાપું, તો શું કરુ ?"
પ્રભુ, "વત્સ! તારી વાત બરાબર છે, પરંતુ વૃક્ષો ધરતીનો શણગાર છે, વસ્ત્ર છે. વૃક્ષો કાપીને તું ધરતીને નવસ્ત્ર કરી રહ્યો છે. તને જ પાળતી-પોષતી ધરતીનું તું અપમાન કરી રહ્યો છે."
હરિયો, "પ્રભુ, વૃક્ષો કપાશે, તો એ લાકડામાંથી લોકોના ઘર બનશે, નદી પર પુલ બને, ઘરમાં રાચરચીલું, રસોઇ કરવા ચૂલામાં લાકડાં જોઈએ. અરે! માણસ મરી જાય ત્યારે ચિતામાં પણ લાકડાની જરૂર પડે. જો હું વૃક્ષ ન કાપુ તો, આ બધી જરૂરિયાતો.કેવી રીતે પૂરી થાય? પ્રભુ, હું મૂઢમતિ, મને માફ કરો. આપ જ કોઈ રસ્તો બતાવો".
પ્રભુ, "વત્સ, હવે મારી વાત શાંતિથી સાંભળ. જીવન જરૂરિયાત પૂરી કરવા વૃક્ષો કાપવા જરૂરી છે, તારી વાત સાચી. પરંતુ, આમ આખે આખુ જંગલ કાપી નાખશો, તો કેમ ચાલશે ? માણસ ધરતી પાસેથી બધું લે છે, પણ તેને પાછું કશું આપતો નથી. તું એક વૃક્ષ કાપે એની સામે બીજા બે વૃક્ષની વાવણી પણ કર. વૃક્ષો કાપવા જેટલા જરૂરી છે એટલું જ જરૂરી વૃક્ષો વાવવાનું પણ છે. વિચાર, તું વૃક્ષ કાપતો રહ્યો અને થાકીને આરામ કરવા પાછો વૃક્ષનો જ છાંયડો શોધતો રહ્યો કે નહીં ? વૃક્ષ વાવવા ખૂબ જરૂરી છે, સમજ્યો"
હરિયો, "પ્રભુ,પ્રભુ! હું તમારી લીલાને હવે સમજ્યો. હવેથી વૃક્ષો કાપવાની અને એની સામે વૃક્ષો વાવવાનું પણ શરુ કરી દઈશ. વૃક્ષો વાવવા હવેથી અમારા પતિ-પત્નીના જીવનનો ઉદ્દેશ્ય બનશે."
પ્રભુ તો આશીર્વાદ આપી અંતર્ધ્યાન થઈ ગયા. ઘરે આવી હરિયાએ પત્નીને બધી વાત કરી. બીજા દિવસથી ફાજલ સમયમાં હરિયાની પત્નીએ પણ ઘરની આજુબાજુના વિસ્તારમાં બી વાવી તેની માવજત કરવાનું શરૂ કરી દીધું.
