કૃષ્ણ સુદામાની મિત્રતા
કૃષ્ણ સુદામાની મિત્રતા
શ્રેષ્ઠ મિત્રતાની વાત નીકળે તો બધાને કૃષ્ણ-સુદામાની જોડી યાદ આવ્યા સિવાય રહે જ નહીં. કૃષ્ણ અને સુદામા બંને ગુરુ સાંદીપનિના શિષ્ય હતા. ગુરુ સાંદીપનિને ત્યાં કોઇપણ જાતના ભેદભાવ વગર બધા શિષ્યો સાથે મળીને અભ્યાસ કરતા. ગરીબ કે તવંગરનો ભેદ તેમના આશ્રમમાં જરાયે નહોતો. ગુરુ સાંદીપનિ કોઇપણ ભેદભાવ રાખ્યા વગર તેમના શિષ્યોને ભણાવતા.કૃષ્ણ સુદામાની દોસ્તી ગુરુ સાંદીપનિના આશ્રમમાં જ થઇ હતી. અને દોસ્તી પણ કેવી ? જ્યાં સુદામા હોય ત્યાં કૃષ્ણ હોય અને જ્યાં કૃષ્ણ હોય ત્યાં સુદામા ! કૃષ્ણ ગર્ભ શ્રીમંત હતા જયારે સુદામા રંક. છતાંયે આ વાત તેમની દોસ્તીમાં બાધારૂપ બની નહીં.
એકવાર ગુરુ બહારગામ ગયા હોવાથી ગુરુ પત્નીએ કૃષ્ણ-સુદામાને જંગલમાંથી ઇંધણા લઇ આવવાની જવાબદારી સોંપી. હવે ગુરુ માતાની આજ્ઞા મળતા બંને બાળ મિત્રોએ કુહાડી ઊઠાવી અને જંગલ તરફ ઇંધણા લેવા રવાના થયા. જંગલમાં જઈને તેઓએ લાકડાની બે ભારી બાંધી જ હતી ત્યાં આસમાનમાં વીજળી ઝબૂકવા લાગી. સાથે વાદળો પણ ગરજી રહ્યા. આ જોઈ સુદામાએ કહ્યું, “કૃષ્ણ, વરસાદ શરૂ થાય તે પહેલા આપણે ઝટપટ આશ્રમમાં પહોંચી જવું જોઈએ.”
તેઓ હજુ કંઈ નિર્ણય લે તે પહેલા આસમાનમાંથી વર્ષાના અમી છાંટણા પડવાના શરુ થઇ ગયા. જોતજોતામાં તો મુશળધાર વરસાદ શરૂ થઇ જતા બંને મિત્રો ભીંજાવા લાગ્યા. આ જોઈ કૃષ્ણે કહ્યું, “સુદામા ! વરસાદ થોભે નહીં ત્યાંસુધી આપણે પેલા પલાશના વૃક્ષ નીચે થોડીવાર માટે ઊભા રહીએ.”
કૃષ્ણની વાત સુદામાને ગમી ગઈ. બંને જણા જઈને વૃક્ષ નીચે ઊભા રહ્યા. પરંતુ વરસાદ રોકાવાને બદલે વધુને વધુ જોરથી વરસી રહ્યો.
આ જોઈ સુદામાએ કહ્યું, “મિત્ર, આ વરસાદ તો રોકાશે નહીં. વળી હવે અંધારું પણ થવા આવ્યું છે. જો આપણે આશ્રમમાં પાછા જઈએ નહીં તો ગુરૂમાતા ચિંતિત થઇ જશે. તેથી આપણે વરસાદની ચિંતા કર્યા વગર આશ્રમ પાછા ફરવું જોઈએ.”
બંને જણા આમ ભારે વરસાદમાં આશ્રમ તરફ ચાલવા લાગ્યા. પરંતુ ગાઢ અંધકાર અને મુશળધાર વરસાદને કારણે તેઓ માર્ગ ભટકી ગયા. અહીં સાંજે સાંદીપનિ ગુરુ આવતા ગુરુપત્નીએ તેમને માંડીને વાત કરી,
“સાંભળો છો. ઘરમાં ઇંધણા નહોતા તેથી મેં કૃષ્ણ અને સુદામાને જંગલમાં તે લેવા મોકલ્યા હતા. પરંતુ સાંજ થવા આવી છતાંયે તેઓ ઘરે પાછા આવ્યા નથી. વળી બહાર મુશળધાર વરસાદ પણ વરસી રહ્યો છે. આવામાં જો તેઓને કશું થઇ ગયું તો ?”
સાંદીપનિ ગુરુએ ચિંતિત સ્વરમાં કહ્યું કે, “અરે ! તે એ બાળકોને જંગલમાં મોકલ્યા જ કેમ ?” આમ કહી સાંદીપનિ ગુરુ તેઓના શિષ્યને શોધવા જંગલ ભણી દોડી ગયા. પરંતુ ખૂબ તપાસ કરતા પણ તેઓને કૃષ્ણ કે સુદામા દેખાયા નહીં. બિચારા સાંદીપનિ ગુરુ મુશળધાર વરસાદમાં ભીંજાતા તેમના શિષ્યોને શોધી રહ્યા. તેઓને હવે તેમની ઘણી ચિંતા થઇ રહી હતી. લગભગ સવાર પડવા આવતા વરસાદ રોકાઈ ગયો.
સાંદીપનિ ગુરુ બંનેને શોધતા શોધતા જંગલની મધ્યમાં આવ્યા ત્યાં તેમની નજર કૃષ્ણ અને સુદામા પર પડી. તેઓ બંને માથા પર લાકડાના ભારા મુકીને ચાલી રહ્યા હતા. તેમને જોઈ સાંદીપનિ ગુરુ તેમની પાસે દોડીને ગયા.
ગુરુને આવેલા જોઈ બંને શિષ્યોએ આદરથી તેમને પ્રણામ કર્યા. આ જોઈ ગુરુએ કહ્યું, “બાળકો, તમે આજે ગુરુ માટે જે કષ્ટ સહ્યું છે તે માટે આખું જગત તમને યાદ કરશે. તમારી આ ગુરુ ભક્તિનો કિસ્સો ઘણા કાળ સુધી યાદ કરાશે.”
સાંદીપનિ ગુરુ પાસે રહીને કૃષ્ણ-સુદામાએ તેઓનો અભ્યાસ પૂર્ણ કર્યો. હવે કૃષ્ણ દ્વારકાપૂરી આવી રાજા બન્યા. જયારે સુદામા એક બ્રમ્હાણીના શ્રાપને લીધે ગરીબના ગરીબ રહ્યા. તેઓ એટલા ગરીબ હતા કે તેઓને બાળકોને ખવડાવવા પૂરતા પણ પૈસા નહોતા. આ બાબતે સુદામાની પત્ની કાયમ મ્હેણાં ટોણાં મારતી રહેતી કે, “તમારા મિત્ર કુષ્ણ આટલા મોટા રાજા છે તેનો શો ફાયદો ? આપણા ભૂખ્યા મરે તો આવી દોસ્તી શી કામની.”
આ સાંભળી સુદામાની આંખોમાંથી અશ્રુ આવી ગયા. તેઓ બોલ્યા, “મેં આજદિન સુધી કોઈની સામે હાથ લંબાવ્યો નથી. ત્યારે મારા દોસ્ત આગળ કંઈક માંગતા મારો જીવ ચાલતો નથી.”
“અરે ! તમે કૃષ્ણ પાસે એકવાર જાઓ તો ખરા. તેઓ તમારી પરિસ્થિતિ જોઇને બધું સમજી જશે. મને વિશ્વાસ છે કે તેઓ પાસે તમારે કશું માંગવું નહીં પડે.”
સુદામાને પત્નીની વાત ગમી. તેઓએ દ્વારકા જવાનું નક્કી કર્યું. પરંતુ બીજી જ ક્ષણે તેમને વિચાર આવ્યો કે, “કૃષ્ણ હવે દ્વારકાના રાજા છે. તેમને મળવા કોઈ જાય ત્યારે મોટી મોટી ભેટસોગાદો લઇ જાય છે. ત્યારે આપણી પાસે તેમને આપવા જેવું કશું જ નથી. હવે ખાલી હાથે કૃષ્ણ જેવા રાજા પાસે કેવી રીતે જવું ?”
સુદામાની પત્નીએ આ સમસ્યાનો હલ કાઢતા કહ્યું કે, “તમે કહેતા હતા કે બચપનમાં કૃષ્ણને પૌવા ખૂબ ગમતા. એક કામ કરો આપણા ઘરમાં થોડા પૌવા પડ્યા છે તે લઇ જાઓ.”
આમ ફાટેલી પોટલીમાં સુકા પૌવા લઇ સુદામા દ્વારકા જવા ઊપડ્યા. હવે દ્વારકાની જાહોજલાલી જોઇને સુદામા આભા થઇ ગયા. આખી દ્વારકા નગરી સોનાની હતી. અહીની પ્રજા ખૂબ સુખી હતી. સુદામા પૂછતા પૂછતા કૃષ્ણના મહેલ પાસે ગયા.
હવે બાવા જેવા સુદામાને જોઇને દરવાને તેમને પૂછ્યું, “એય, ઊભો રહે. આમ મહેલમાં ક્યાં ચાલ્યો ?”
સુદામાએ ડરતા ડરતા કહ્યું, “હું કૃષ્ણને મળવા આવ્યો છું. તેઓને જઈને કહો કે તમારો મિત્ર સુદામા મળવા આવ્યો છે.”
દરવાનને તો સુદામાની વાત સાંભળીને હસવું આવી ગયું. તેમ છતાં રમુજ ખાતર તે આ વાત કહેવા ભગવાન કૃષ્ણ પાસે ગયો અને કૃષ્ણને સઘળી વાત કહી. સુદામાનું નામ સાંભળતા જ કૃષ્ણ સિંહાસન પરથી ઊભા થયા અને ઉઘાડા પગે તેઓને મળવા દોડી પડ્યા. તેઓને આમ દોડતા જોઈ દરવાન તો અવાચક જ થઇ ગયો. બધા આ દ્રશ્યને આશ્ચર્યથી જોઈ રહ્યા. ક્યાં રાજા અને ક્યાં રંક !
કૃષ્ણએ સુદામાની આગતાસ્વાગતા કરી અને તેમને મહેલમાં લઇ ગયો. ત્યારબાદ તેઓએ અલકમલકની વાતો કરી. સુદામા કૃષ્ણની શ્રીમંતાઈ જોઈ શરમાઈ ગયા અને હાથમાંની પૌંઆની પોટલીને સંતાડવા લાગ્યા. આ જોઈ કૃષ્ણએ તેમના હાથમાંથી પોટલી ખેંચી લીધી અને તેમાંથી પૌંઆ કાઢી ખાવા માંડ્યા. પૌંઆ ખાતાં ખાતાં શ્રીકૃષ્ણ બોલ્યા, "આવો અમૃત જેવો સ્વાદ મને પંચ પકવાનમાં પણ મળ્યો નથી."
એ પછી બંને મિત્રો જમવા બેઠા. સુદામાને સોનાની થાળીમાં પીરસવામાં આવ્યું. ઘેર બાળકોને પુરતું ખાવાનું નથી અને પોતે અહીં પંચ પકવાન આરોગી રહ્યો છે તે ધ્યાનમાં આવતા તેની આંખમાંથી અશ્રુ સરી આવ્યા. પરંતુ કૃષ્ણ પાસે માંગવું તો માંગવું કેવી રીતે ? આખરે શ્રી કૃષ્ણની ત્રણ દિવસની મહેમાનગતિને માણીને સુદામા ઘરે આવવા માટે નીકળ્યા. આ વેળાએ શ્રીકૃષ્ણ સુદામાને ભેટ્યા અને તેમને મુકવા માટે થોડે સુધી ચાલીને આવ્યા.
હવે ઘરે જતા જતા સુદામા પત્નીને શો જવાબ આપવો તે અંગે વિચારવા લાગ્યા. તેઓ આખા માર્ગમાં ચિંતિત હતા. પરંતુ ઘરે પહોંચતા જ તેમના આશ્ચર્યની કોઈ સીમા ન રહી. તેઓની ઝૂંપડીના સ્થાને હવે સુંદર મજાનું ઘર હતું. તેમની પત્ની અને બાળકો સુંદર વસ્ત્રોમાં સજ્જ હતા. તેઓના શરીર પર મોંઘા આભૂષણો ચમકી રહ્યા હતા.
સુદામાને આવેલો જોઇને તેની પત્નીએ કહ્યું, “જોયું શ્રી કૃષ્ણનો પ્રતાપ ? શ્રી કૃષ્ણે કશું કહ્યા વગર જ આપણા સર્વ દુઃખોને હરી લીધા.”
સુદામાની આંખોમાં આ સાંભળી હર્ષના આંસુ આવી ગયા. તે મનોમન પોતાના જીગરી મિત્ર એવા કૃષ્ણનો આભાર માની રહ્યા.
