The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

JHANVI KANABAR

Classics Inspirational

4.9  

JHANVI KANABAR

Classics Inspirational

કૈકેયી

કૈકેયી

10 mins
763


કૈકેયી રાજની રાજકુમારી કૈકેયીનું રૂપ જોઈને નયન એક ક્ષણ માટે પણ પલકારો મારવાનું માંડી વાળે. ગૌર વર્ણ, સુંદર ત્રિભંગ ધરાવતી કમરને ઓળંગીને ગોઠણ સુધી લહેરાતા કાળા ભમ્મર કેશ, પાન આકારના તીક્ષ્ણ નયનો, ધનુષ્ય આકારની ભવા, ગુલાબની પંખુડી જેવા અધરો, કમનીય ડોક, સુંદર વળાંક ધરાવતી લાંબી પારદર્શક ડોક. આ ઉપરાંત વ્યક્તિત્વ એકદમ ચપળ, વાચાળ અને છતાં પણ ચહેરા પર હાસ્ય એકદમ નિર્દોષ. આવા આકર્ષક વ્યક્તિત્વ તેમજ રૂપ ઉપરાંત -એક અજબ વાત હતી રાજકુમારી કૈકેયીમાં. એ હતી તેમનાંમાં રહેલી યુદ્ધપારંગતતા, ઘોડેસવારી તેમજ ધનુર્વિદ્યા તેનામાં રહેલી ક્ષત્રિય નારીની ઓળખ આપતી હતી.

કૈકેયીરાજના રાજકુમાર યુધાજિત અને દેવરાજ ઈન્દ્ર સાથે મળીને અયોધ્યાના રાજા દશરથ રાક્ષસો સામે યુદ્ધ કરી રહ્યા હતા. એ સમયે રાજા દશરથ તીરથી ઘાયલ થયા ત્યારે રાજકુમારી કૈકેયીએ એ વિષયુક્ત તીરને ખેંચી કાઢ્યું હતું તેમજ રાજા દશરથની શુશ્રુષા કરી. દશરથ રાજાએ કૈકેયીને પોતાને આપેલા નવજીવન બદલ કંઈક માંગવા કહ્યું, પરંતુ કૈકેયીએ કહ્યું, ‘મહારાજ મેં આવી કશી અપેક્ષાએ આપની સેવા નથી કરી !’ છતાં દશરથના આગ્રહ કરવાથી રાજકુમારી કૈકેયીએ કહ્યું, ‘ઠીક છે, વખત આવ્યે જરૂર માગીશ..’

ઈક્ષ્વાકુ વંશના રાજા દશરથ અયોધ્યાનગરીનું આધિપત્ય ધરાવતા હતા. પ્રથમ રાણી કૌશલ્યા સ્વભાવે મૃદુ, સુંદર, સંસ્કારી, કલાવિદ તેમજ સૌમ્ય હતા. દ્વિતિય રાણી સુમિત્રા ચતુર, રાજનિતિજ્ઞ તેમજ દૂરંદર્શી વ્યક્તિત્વ ધરાવતા હતા. અહીં કૈકેયરાજ્યમાં રાજા દશરથ અને રાજકુમારી કૈકેયી એકબીજાના સંપર્કમાં આવ્યા. રાજા દશરથના શૌર્યથી રાજકુમારી કૈકેયી આકર્ષિત થઈ તો બીજી બાજુ રાજા દશરથ પણ રાજકુમારીના વ્યક્તિત્વથી આકર્ષિત થયા હતાં. રાણી કૌશલ્યા અને રાણી સુમિત્રાને આ વાતની જાણ થતાં, તેઓએ પણ પોતાના રાજ્યના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખી આ સંબંધને સહર્ષ સ્વીકાર્યો. રાજા દશરથ અને રાજકુમારી કૈકેયીના વિવાહ થયાં.

નવવિવાહિત દંપતિનું સ્વાગત સમ્માન કરવા બંને રાણીઓએ કોઈ જ કમી ન રાખી. રાણી કૈકેયી પણ રાણી કૌશલ્યા અને સુમિત્રા સાથે બહેનોની જેમ ભળી ગઈ. સમય વીતતો ગયો. રાજા દશરથની પુત્રકામના વધતી ગઈ. ઋષિ ઋષ્યશૃંગે દશરથની પુત્રકામના પૂર્ણ કરવા પુત્રકામેષ્ટિ યજ્ઞ શાસ્ત્રોક્ત પદ્ધતિ અનુસાર પરિપૂર્ણ કર્યો. યજ્ઞ પૂર્ણાહુતિ થઈ એટલે ઋષિ ઋષ્યશૃંગે ત્રણેય રાણીઓને અભિમંત્રિત ખીરનો પ્રસાદ આપ્યો. આ યજ્ઞ માટે રાણી સુમિત્રાએ ઋષિ ઋષ્યશૃંગને વિનવણી કરી હતી, જેથી ઋષિ ઋષ્યશૃંગે રાણી સુમિત્રાની વિનમ્રતા અને પોતાના પ્રત્યેની શ્રધ્ધાથી પ્રભાવિત થઈ બચેલી ખીર પુન: રાણી સુમિત્રાને જ આપી, જેથી રાણી સુમિત્રાને બે પુત્રોની માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. રાજ્યમાં હર્ષોલ્લાસ છવાઈ ગયો. ત્રણે રાણીઓના માતૃત્વને અયોધ્યાની પ્રજા વધાવી રહી હતી. આખરે એ કલ્યાણકારી સમય આવી ગયો. રાણી કૌશલ્યાએ રામને જન્મ આપ્યો, એ પછી રાણી કૈકેયીએ પરાક્રમી ભરતને જન્મ આપ્યો. રાણી સુમિત્રાએ સેવાભાવી તેમજ ભાતૃપ્રેમી એવા લક્ષ્મણ અને શત્રુધ્નને જન્મ આપ્યો. ચારે પુત્રોના જન્મથી અયોધ્યાનગરીના લોકો આનંદમાં આવી ગયા અને ઉત્સવ મનાવવા લાગ્યા. સમયનો પ્રવાહ વહેતો ગયો. ચારેય રાજકુમાર શસ્ત્ર-અસ્ત્ર તેમજ ઘોડેસવારી અને રાજનીતિનું જ્ઞાન લેવા લાગ્યા. રઘુકુળના ઉચ્ચ સંસ્કારો અને ત્રણેય માતા તથા પિતાના આશીર્વાદ સાથે રાજકુમારો ઉછરવા લાગ્યા.

હજુ થોડા સમય પૂર્વ રાજા દશરથ પોતાને મળેલ શ્રાપથી વ્યથિત હતા, તે રાજા દશરથ ચારેય રાજકુમારના લાલનપાલન તથા અયોધ્યાની પ્રજાની ઉન્નતિમાં વ્યસ્ત રહેવા લાગ્યા હતા. એવામાં ચારેય રાજકુમાર બધી જ વિદ્યામાં પારંગત બની ગયા ત્યારે રાણી સુમિત્રાએ પોતાની વિચક્ષણ તેમજ દુરંદેશી બુદ્ધિથી રાજા દશરથ સામે એક પ્રસ્તાવ મૂકતા કહ્યું, ‘મહારાજ હવે આપણે ચારેય રાજકુમારો માટે એક મહત્ત્વનો નિર્ણય લેવાનો છે.’

રાજા દશરથે મૂક સંમતિ આપી, રાણી સુમિત્રાએ વાત આગળ વધારતા કહ્યું, ‘ચારેય રાજકુમાર માત્ર આપણા પુત્રોજ નહિ પરંતુ રાજ્યની સંપત્તિ છે. મૂલ્યવાન સંપત્તિ એકસાથે ન રાખવી જોઈએ તેને વિભાજિત રાખવી જોઈએ જેથી સુરક્ષિત રહે. આપણે રાજકુમારોને બે-બેની જોડીમાં વિભાજિત કરવા જોઈએ.’ રાજા દશરથ આ સાંભળી દુઃખી તો થયા પરંતુ રાણી સુમિત્રાની વાત વ્યાજબી હતી. એવામાં મહર્ષિ વિશ્વામિત્રનું અયોધ્યામાં આગમન થયું છે એ સમાચાર સાંભળી રાજા દશરથ તેમના સ્વાગત અને સન્માન વ્યવસ્થામાં લાગી ગયા.

મહર્ષિ વિશ્વામિત્ર રાજા દશરથની વિનમ્રતા અને આદરભાવથી અભિભૂત થયા. રાજા દશરથે વિશ્વામિત્રને પધારવાનું પ્રયોજન પૂછ્યું. મહર્ષિ વિશ્વામિત્રે કહ્યું, ‘હે રાજા, મારા આશ્રમની આસપાસ ગીચ જંગલોમાં રાક્ષસી તાટકાનો ત્રાસ વધી ગયો છે, જે મારા યજ્ઞમાં વિધ્ન નાખે છે. એ રાક્ષસી તાટકાનો વધ કરવા મને તમારા જ્યેષ્ટ પુત્ર રામની આવશ્યકતા છે.’ રાજા દશરથ આ સાંભળતા જ વ્યથિત થઈ ગયા પરંતુ મહર્ષિ વિશ્વામિત્રને ના પાડવી એ યોગ્ય ન લાગતા રાજા દશરથે આ માંગણીનો સ્વીકાર કર્યો. આખરે નિર્ણય લેવામાં આવ્યો કે રાજકુમાર રામ અને લક્ષ્મણ મહર્ષિ વિશ્વામિત્ર સાથે જાય.

મહર્ષિ વિશ્વામિત્રના માર્ગદર્શન હેઠળ રાજકુમાર રામ અને લક્ષ્મણે તાટકાનો વધ કર્યો. યશકીર્તિ પ્રાપ્ત કર્યા. મહર્ષિ વિશ્વામિત્રએ તેઓને અનેક માયાવી શસ્ત્રો આપ્યા. આ જ સમય દરમિયાન મિથિલાના રાજા જનકે પોતાની જ્યેષ્ઠ પુત્રી સીતાનો સ્વયંવર યોજ્યો. મહર્ષિ વિશ્વામિત્રના આદેશથી રામ અને લક્ષ્મણ સ્વયંવરમાં પધાર્યા. ત્યાં અનેક રાજાઓ શિવધનુષ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યાં. આ રાજાઓમાં લંકાપતિ રાવણ પણ ઉપસ્થિત હતાં. તેઓ પણ અહંકારને વશ થઈ શિવધનુષ ઉઠાવવામાં અસફળ રહ્યાં. રાજકુમાર રામ શિવધનુષ ઉઠાવી દેવી સીતાને પામ્યા. અયોધ્યામાં રાજકુમાર રામની કીર્તિ તેમજ સીતા સ્વયંવરની યશોગાથા વાયુવેગે પ્રસરી ગઈ. પિતા દશરથ અને ત્રણેય માતાઓનો હરખ માતો નહોતો. રાજા દશરથ મિથિલા નરેશ જનકને મળવા મિથિલા ગયા. રાજા જનકની અન્ય ત્રણ પુત્રીઓ ઊર્મિલા, માંડવી અને શ્રુતકીર્તિથી રાજા દશરથ અત્યંત પ્રભાવિત થયા. રાજા દશરથે રાજા જનકને ચારેય પુત્રીઓને અયોધ્યાની કુળવધુ બનવા માટે વિનંતી કરી. રાજ્યમાં હર્ષોલ્લાસ છવાઈ ગયો. ચારેય રાજકુમારો પોતાની અર્ધાંગિની સાથે અયોધ્યા પધાર્યા.

દેવરાજ ઈન્દ્રને પણ ઈર્ષ્યા આવે એવી અયોધ્યાનગરી લાગતી હતી. પ્રજાજનો પોતાના રાજા અને સુખસુવિધાથી સંતુષ્ટ હતી. ચારેકોર ખુશહાલી હતી. પિતા દશરથ, માતાઓ, ચારેય રાજકુમાર તથા ચારેય રાજવધુ એક સુખી સંસારની વ્યાખ્યા બની રહ્યા હતા. મહારાજા દશરથ પોતાના જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ પુત્ર રામના રાજતિલકની યોજના કરી રહ્યા હતા. પ્રજા પણ રામને ખૂબ જ પ્રેમ કરતી હતી, રામને પોતાના રાજા બનાવવા પ્રજા પણ ખૂબ ઉત્સુક હતી, પણ...

આજે આ અયોધ્યા કંઈક અલગ જ દીસતી હતી.. શું થવાનું હતું આજે ? નિયતિ આજે અયોધ્યાને કયો નિર્ણય લેવાની ફરજ પાડવાની હતી ? કાળા વાદળો આજે અયોધ્યાની ભૂમિ પર દુઃખની વર્ષા થઈ વરસવાના હતા.. સમગ્ર પ્રજાજનોના હૈયામાં સુખની જગ્યા દુઃખ અને હાસ્યની જગ્યા અશ્રુઓ લેવાના હતા..

***

આજે અચાનક રાણી કૈકેયી પોતાના કક્ષમાં મૂર્છિત થઈ ગયા હતાં ! રાજકુમાર રામ, રાણી સુમિત્રા, રાણી કૌશલ્યા તેમજ મંથરા ત્યાં ઉપસ્થિત હતા.

રાણી કૈકેયીની આ દશા થવાનું કારણ હતો મંથરાનો એ ભયાનક સંદેશ. મંથરાએ રાણી સુમિત્રા, રાણી કૌશલ્યા, રાણી કૈકેયી તથા યુવરાજ રામને મળવાની ઈચ્છા પ્રકટ કરી. રાણી સુમિત્રા સમજી ગયા કે મંથરા પાસે કંઈક ગુપ્ત સંદેશ હોવો જોઈએ કારણકે મંથરા સિંહલદ્વીપના રાજવૈદ સુષેણના પુત્ર મહિષેણને પરણી હતી, જે રાક્ષસરાજ રાવણની નિકટ હતા. પતિ મહિષેણ દ્વારા મંથરાને રાવણની આ ગુપ્ત યોજનાની જાણ થઈ હતી જેથી તે આર્યવર્તને સજાગ કરવા અને આ સંદેશ પહોંચાડવા આવી હતી. રાણી સુમિત્રાએ રાણી કૈકેયીના કક્ષમાંજ મળવાની યોજના કરી. ત્રણેય રાણી અને યુવરાજ રામની ઉપસ્થિતિમાં મંથરાએ વાત શરૂ કરી....

‘હે રાજમાતાઓ ! હે પુત્ર રામ ! લંકાપતિ રાવણ વધતી જતી રાક્ષસજાતિને વસવા માટે ભૂમિ પ્રાપ્ત કરવા માંગે છે. આ માટે તેમણે કાળભૈરવની સાધના કરી.’

‘આગળ કહો માતા...’ રામે મંથરાને ઉત્સુકતાવશ પૂછ્યું...

મંથરાએ વાત આગળ વધારતાં કહ્યું ‘કાળભૈરવે રાવણની માંગણી પણ સંતોષાય અને અન્ય જાતિઓ માટે થોડો સમય શાંતિ પણ બની રહે એ માટે વરદાન આપતા કહ્યું... “જો તું ચૌદ વર્ષ સુધી સાત્ત્વિક રીતે રહીને કોઈ પર પણ આક્રમણ ન કરવાનું અનુષ્ઠાન કરીશ તો તને ત્રણે ભુવનનું રાજ્ય પ્રાપ્ત થશે.” મંથરાએ વાત પૂરી કરતાં કહ્યું..

‘શું ચૌદવર્ષ સુધી શક્તિથી ફાટફાટ થતો રાવણ શાંત બેસી શકશે ?’ રામે સંદેહ કરતાં પૂછ્યું...

‘જો તેને ત્રિભુવન પર રાજ્ય કરવું હોય તો તેણે આમ કરવું જ પડશે, પરંતુ ડર એ છે કે તે પોતાના ભાઈ કર્ણ કે પુત્ર દ્વારા આક્રમણ કરાવી શકે. પોતે યુદ્ધથી દૂર રહે. આ માટે આપણે સમગ્ર આર્યવર્તને સજાગ તો કરવું જ પડે.’ મંથરાએ ચિંતિત સ્વરે કહ્યું.

‘વળી રાવણને બ્રહ્મા અને શિવ તરફથી અશક્ય મૃત્યુનું વરદાન છે. આ ઉપરાંત એક સમયે દેવોને રાવણે બંદી બનાવ્યા હતા. તેમને મુક્ત કરવાની શરત સ્વરૂપ ઈન્દ્રદેવે રાવણને વચન આપ્યું હતું કે, “માનવો સામેના એના (રાવણના) ભાવિ સંભવિત અભિયાનમાં દેવો કદી માનવોને સહાયતા નહિ કરે.” જેથી દેવો તરફથી આર્યવર્તને કોઈ જ સહાયતા મળશે નહિ.’ મંથરાએ કહ્યું.

‘હવે તો એક જ માર્ગ છે – ગુપ્ત રીતે અનાર્યો અને આર્યો સુધી આ સંદેશ પહોંચાડવો અને તેઓને સંગઠિત કરવા. આર્યસંસ્કૃતિની રક્ષા કાજે સજ્જ કરવા.’ રામે ઉપાય સુજાડતા માતા કૈકેયીનો મત જાણવા તેઓની સામે જોયું.

કૈકેયીએ પણ રામની સાથે સંમત થતા કહ્યું, `માનવસંસ્કૃતિના રક્ષણ કાજે આ પગલુ તો ભરવું જ રહ્યું.’

રામે માતાઓને ઉદ્દેશી કહ્યું, `હે માતા ! મારુ સૂચન આપ સૌને ગમશે નહિ પરંતુ મારે અયોધ્યાનું રાજ નથી જોઈતું.’

કક્ષમાં ઉપસ્થિત ત્રણેય માતાઓ તથા મંથરા વિચલિત થઈ ઉઠ્યા. `શા માટે રામ ? અયોધ્યાના રાજપદને સ્વીકારી તું આ કાર્ય સારી રીતે કરી શકીશ પુત્ર…’ માતા કૌશલ્યાએ કહ્યું.

‘નહિ માતા ! રાજપદ સ્વીકારી માત્ર રાજ્યની પ્રજાનું સંરક્ષણ અને પાલનપોષણ જ મારું સર્વપ્રથમ દાયિત્વ બની રહે. માતાઓ ! મારે રાજ્ય માટે નહિ પણ રાષ્ટ્ર માટે, આર્યવર્ત માટે જ સજ્જ થવું જોશે. રાજપદના બંધનમાં બંધાવું ન જોઈએ.’ રામે સમજાવતા કહ્યું.

`હે પુત્ર રામ ! તારા માર્ગદર્શન હેઠળ તારા ત્રણેય ભાઈઓ સમસ્ત આર્યવર્તમાં આ સંદેશો લઈ જશે. તમામ આર્યરાજાઓને સંગઠિત કરશે. તું અયોધ્યાનું રાજપદ સ્વીકારીને પણ આ કાર્ય કરી શકીશ.’ રાણી કૈકેયીએ માર્ગ કાઢતા કહ્યું.

`ના માતા ! હું રાજ્ય ભોગવું અને મારા ભાઈઓ વિચરણ કરે એ મારા માટે સહ્ય નથી.’ રામે લાગણીસભર સ્વરે કહ્યું.

`હે માતા ! મને મારા જીવનકર્તવ્યના પથ પર જતાં ન રોકો. આજે આર્યસંસ્કૃતિ જ નહિ, પરંતુ માનવસંસ્કૃતિના ઉચ્છેદનની આકાંક્ષા સેવતા રાક્ષસરાજ રાવણને જો એના શક્તિશાળી સૈન્ય સાથે પરાજિત કરવા કોઈપણ માનવ શક્તિમાન હોય તો એ હું છું. અન્ય કોઈ નહિ. મને મારા જીવનકર્તવ્યને પરિપૂર્ણ કરવા અનુજ્ઞા આપો.’ કહેતાં રામની આંખમાં અદમ્ય તેજ અને સ્વરમાં ધનુષ્યનો ટંકરાવ થઈ રહ્યો હતો.

ત્રણે માતાઓએ સૌમ્ય અને શાંત રામનું આવું વ્યક્તિત્વ પ્રથમ વાર નિહાળ્યું હતું. માતાઓએ એકબીજાની સામે જોયું, ત્રણેય માતાઓના ચહેરા પર આનંદ છલકાઈ રહ્યો હતો.

‘પુત્ર રામ ! અમે સ્વીકારીએ છીએ કે, આર્યવર્તમાં તારા જેવો યુદ્ધવીર કોઈ જ નથી. રાવણ જેવા મહાભયને દૂર કરવા માત્ર તું જ શક્તિમાન છે. અમે ત્રણેય માતાઓ પણ આ માટે સંમતિ આપીએ, પરંતુ મહારાજ દશરથ અને અયોધ્યાની પ્રજાને કેવી રીતે આ માટે મનાવવા ? કેવી રીતે મહારાજની અનુજ્ઞા લેવી ? એ પણ રાવણની સામે આપણે કરેલી યોજના છતી ન થાય એ રીતે. કારણકે જો એમ થાય તો રાવણ સજાગ થઈ જાય. તે અન્ય રીતે પ્રહાર કરે...’ કૈકેયીએ ચિંતા દર્શાવતા કહ્યું.

રાણી કૌશલ્યા, રાણી સુમિત્રા અને મંથરાએ કૈકેયીની વાતમાં સૂર પુરાવ્યો..

‘આપ ત્રણેય માતાઓ મહારાજને અવશ્ય સમજાવી શકશો એવી મને શ્રદ્ધા છે.’ રામે કહ્યું.

‘ના પુત્ર. મહારાજનો પુત્રપ્રેમ, વિશેષ કરીને તારા પ્રત્યેનો અનુરાગ એટલો બધો છે કે એ આ માટે તૈયાર નહિ થાય. એમને હવે એમને મળેલા અભિશાપનો પણ ભય લાગી રહ્યો છે. રામ તારો વિયોગ સહી શકે એવી માનસિક શક્તિ જ ગુમાવી બેઠા છે.’ કૈકેયીએ કહ્યું.

‘માતા ! હવે તમે જ માર્ગ કાઢી શકશો. મારે ત્વરિત આ સંગઠન કરવા રાજ્યનો ત્યાગ કરવો પડશે. કોઈપણ યુક્તિ, પ્રયુક્તિ કરો અને ભરતને રાજપદ સોંપી મને આર્યવર્તની રક્ષા કાજે મુક્ત કરો.’ રામે કહ્યું.

મહારાજ અને પ્રજાથી આ યોજના કઈ રીતે છુપાવવી ? અને કઈ રીતે રામને આ સંગઠન કાર્ય માટે અયોધ્યાથી દૂર મોકલવા ? કક્ષમાં ઉપસ્થિત બધા જ વિચારણા કરવા લાગ્યા.

રામને અચાનક કંઈક સૂઝ્યું હોય એમ ત્રણેય માતાઓને ઉદ્દેશીને કહ્યું, `હે માતા.. અયોધ્યાનું રાજ્ય ભરતને સોંપવા માટે તથા મને અયોધ્યાની બહાર નીકળવા માટે માતા કૈકેયી જ મદદ કરી શકે એમ છે, ’

ત્રણેય માતાઓ એકબીજાની સામે આશ્ચર્યથી જોવા લાગી.

રામે પોતાની યોજના આગળ વધારતા કહ્યું, `મહર્ષિ વશિષ્ઠથી મને જાણવા મળ્યું છે કે માતા કૈકેયીને પિતાશ્રીએ બે વચનો માંગવા કહ્યું હતું, જે માતા કૈકેયીએ આજ સુધી માંગ્યા નથી.’

`હા પુત્ર, સત્ય છે, પણ એથી શું ?’ કૈકેયીએ પ્રશ્નાર્થ નજરે રામની સામે જોયું.

`એ વચનોમાંથી એક વચન તમારે મહારાજ પાસે એવું માંગવુ પડશે કે, રામને સ્થાને યુવરાજ ભરતને અયોધ્યાનું રાજ્ય સોંપવામાં આવે.’ રામે માતા કૈકેયીની સામે જોઈ કહ્યું.

`પરંતુ આમ કરવાથી તમને મહારાજ તરફથી ધૃણા અને પ્રજા તરફથી અપકીર્તિ, તિરસ્કાર જ મળશે. ઈતિહાસ તમને દ્રોહી અને સ્વાર્થી કહેશે...’ કહેતા રામ પોતાના અશ્રુ છુપાવવા નીચું જોઈ ગયા.

‘ઓહ મારા પુત્ર રામ ! બસ આટલી જ વાત ? હું મારી આ માતૃભૂમિ માટે ગમે તે સહવા તત્પર છું. અપકીર્તિ મળતી હોય અને એથી જો આર્યવર્તનું સંરક્ષણ થતું હોય તો હું એ માટે તૈયાર છું. તારા જેવો પુત્ર આર્યવર્તમાં પૂજનીય બને એથી વધારે ગર્વ લેવા જેવું શું હોય એક માતા માટે ?’ રાણી કૈકેયીએ આર્યવર્તના હિત માટે પોતાની તૈયારી બતાવતા અદમ્ય તેજ સાથે કહ્યું.

`હું જાણતી નથી કે ઈતિહાસ તને કઈ રીતે મૂલવશે પરંતુ આર્યવર્ત પર તારુ આ ઋણ રહેશે..’ રાણી સુમિત્રાએ નતમસ્તક થઈ કહ્યું.

`હજુ પરિસ્થિતિનો પૂર્ણ ઉકેલ આવ્યો નથી. મારે ચૌદ વર્ષ સુધી અયોધ્યાથી દૂર રહેવું પડશે. અનાર્યોને સંગઠિત કરવા વન-વન ભટકવું પડશે. આર્યોને એક્ત્રિત કરવા રાજ્ય-રાજ્ય વિચરણ કરવું પડશે. આ બધું જ રાક્ષસરાજ રાવણથી ગુપ્ત રાખવું પડશે. મહારાજ કે પ્રજાને પણ આનો અણસાર ન આવે એવી રીતે કાર્ય કરવું પડશે. એ માટે માતા કૈકેયીએ પિતાશ્રી પાસે બીજુ વચન માંગવું પડશે.’ કહેતા રામ કૈકેયીના ચરણો પાસે બેસી ગયા. તેમનો કંઠ રૂંધાઈ રહ્યો.

`પુત્ર રામ ! વ્યક્તિગત લાગણીઓ તારા આ મહાન કર્તવ્યપંથમાં વિધ્ન બની શકે છે. મહારાજ કોઈનાય સમજાવ્યા સમજે એમ નથી. એમને જો વચનબદ્ધ કરવામાં આવે તો જ એનો અનિચ્છાએ સ્વીકાર કરે એમ છે. હું સમજું છું, તારા રાજત્યાગનું સાચું કારણ રાવણ ન જાણી જાય એ માટે ગુપ્ત રાખવું પડશે. રામને અયોધ્યા છોડીને જવું પડે એ બેય વાત પ્રજા સામે એવી રીતે મુકવી પડે જેથી શંકાને કોઈ સ્થાન ન રહે.’ પરિસ્થિતિને સમજતા કૈકેયીએ પુત્ર રામને ઊભા કર્યા, તેમને શાંત્વન આપ્યું.

`માતા કૈકેયી ! હું હું તમને આમ કરવાનું ભારપૂર્વક નથી કહેતો, પણ...’ કહેતા રામ ભાવુક થઈ ગયા.

`બોલ પુત્ર ! આર્યવર્તની રક્ષા કાજે મારૂં સમગ્ર અસ્તિત્વ સમર્પિત છે !’ કૈકેયીએ કહ્યું.

`તો માતા ! તમારે પિતાશ્રી પાસે બે વચનો માંગવા પડશે : ભરતને અયોધ્યાનું રાજ્ય આપે અને રામને ચૌદ વર્ષનો વનવાસ આપે.’ રામે ભારે હ્રદયે વાક્ય પૂર્ણ કર્યું.

`રામને વનવાસ’ આ શબ્દો કૈકેયીને કાને પડ્યા અને એક ચીસ નાખતી કૈકેયી મૂર્છિત થઈને ઢળી પડી.

આજે એટલે જ કાળા વાદળો અયોધ્યાને ઘેરી વળ્યા હતા. મમતા આજે કલંકિત થવાની હતી. એક માતાનું વાત્સલ્યભર્યું હ્રદય તિરસ્કાર પામવાનું હતું. ઈતિહાસ કૈકેયીને સ્વાર્થી અને દ્રોહી જેવા ઉપનામોથી નવાજવાનું હતું. રામને વનવાસ આપનાર ક્રૂર માતા, પતિની હત્યારણ અને પુત્ર ભરત તરફથી સ્વાર્થી માતાના કલંક લાગવાના હતા એ જાણવા છતાં મહારાણી કૈકેયીએ આર્યવર્ત માટે એક અદભૂત બલિદાન આપ્યું હતું.

શું યુગપુરૂષને જન્મ આપવા માટે માત્ર યોગ્ય માતાની કૂખ જ જવાબદાર છે ? ના. રામ જેવા યુગપુરૂષના અસ્તિત્વને ખરી દિશા તરફ વાળવા કૈકેયી જેવી માતા પણ અનિવાર્ય છે. ધન્ય છે ! આર્યવર્તની નારી કૈકેયીને. જગતમાં પોતાની આવી બદનામી કરાવીને આર્યસંસ્કૃતિને બચાવનાર ક્ષત્રિયાણીને હું નતમસ્તક વિરમુ છું. તમારા બલિદાનને જગત આખું બિરદાવે એ જ અભિલાષા.

(ગૌતમશર્મા કૃત અભિનવ રામાયાણના સૌજન્યથી)


Rate this content
Log in