કૈકેયી ભાગ - ૧
કૈકેયી ભાગ - ૧


કૈકેયીરાજની રાજકુમારી કૈકેયીનું રૂપ જોઈને નયન એક ક્ષણ માટે પણ પલકારો મારવાનું માંડી વાળે. ગૌર વર્ણ, સુંદર ત્રિભંગ ધરાવતી કમરને ઓળંગીને ગોઠણ સુધી લહેરાતા કાળા ભમ્મર કેશ, પાન આકારના તીક્ષ્ણ નયનો, ધનુષ્ય આકારની ભવા, ગુલાબની પંખુડી જેવા અધરો, કમનીય ડોક, સુંદર વળાંક ધરાવતી લાંબી પારદર્શક ડોક.... આ ઉપરાંત વ્યક્તિત્વ એકદમ ચપળ, વાચાળ અને છતાં પણ ચહેરા પર હાસ્ય એકદમ નિર્દોષ. આવા આકર્ષક વ્યક્તિત્વ તેમજ રૂપ ઉપરાંત -એક અજબ વાત હતી રાજકુમારી કૈકેયીમાં. એ હતી તેમનાંમાં રહેલી યુદ્ધપારંગતતા.. ઘોડેસવારી તેમજ ધનુર્વિદ્યા તેનામાં રહેલી ક્ષત્રિય નારીની ઓળખ આપતી હતી.
કૈકેયીરાજના રાજકુમાર યુધાજિત અને દેવરાજ ઈન્દ્ર સાથે મળીને અયોધ્યાના રાજા દશરથ રાક્ષસો સામે યુદ્ધ કરી રહ્યા હતા. એ સમયે રાજા દશરથ તીરથી ઘાયલ થયા ત્યારે રાજકુમારી કૈકેયીએ એ વિષયુક્ત તીરને ખેંચી કાઢ્યું હતું તેમજ રાજા દશરથની શુશ્રુષા કરી. દશરથ રાજાએ કૈકેયીને પોતાને આપેલા નવજીવન બદલ કંઈક માંગવા કહ્યું, પરંતુ કૈકેયીએ કહ્યું, ‘મહારાજ મેં આવી કશી અપેક્ષાએ આપની સેવા નથી કરી !’ છતાં દશરથના આગ્રહ કરવાથી રાજકુમારી કૈકેયીએ કહ્યું, ‘ઠીક છે, વખત આવ્યે જરૂર માગીશ..’
ઈક્ષ્વાકુ વંશના રાજા દશરથ અયોધ્યાનગરીનું આધિપત્ય ધરાવતા હતા. પ્રથમ રાણી કૌશલ્યા સ્વભાવે મૃદુ, સુંદર, સંસ્કારી, કલાવિદ તેમજ સૌમ્ય હતા. દ્વિતિય રાણી સુમિત્રા ચતુર, રાજનિતિજ્ઞ તેમજ દૂરંદર્શી વ્યક્તિત્વ ધરાવતા હતા. અહીં કૈકેયરાજ્યમાં રાજા દશરથ અને રાજકુમારી કૈકેયી એકબીજાના સંપર્કમાં આવ્યા. રાજા દશરથના શૌર્યથી રાજકુમારી કૈકેયી આકર્ષિત થઈ તો બીજી બાજુ રાજા દશરથ પણ રાજકુમારીના વ્યક્તિત્વથી આકર્ષિત થયા હતાં. રાણી કૌશલ્યા અને રાણી સુમિત્રાને આ વાતની જાણ થતાં, તેઓએ પણ પોતાના રાજ્યના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખી આ સંબંધને સહર્ષ સ્વીકાર્યો. રાજા દશરથ અને રાજકુમારી કૈકેયીના વિવાહ થયાં. નવવિવાહિત દંપતિનું સ્વાગત સમ્માન કરવા બંને રાણીઓએ કોઈ જ કમી ન રાખી. રાણી કૈકેયી પણ રાણી કૌશલ્યા અને સુમિત્રા સાથે બહેનોની જેમ ભળી ગઈ.
સમય વીતતો ગયો. રાજા દશરથની પુત્રકામના વધતી ગઈ. ઋષિ ઋષ્યશૃંગે દશરથની પુત્રકામના પૂર્ણ કરવા પુત્રકામેષ્ટિ યજ્ઞ શાસ્ત્રોક્ત પદ્ધતિ અનુસાર પરિપૂર્ણ કર્યો. યજ્ઞ પૂર્ણાહુતિ થઈ એટલે ઋષિ ઋષ્યશૃંગે ત્રણેય રાણીઓને અભિમંત્રિત ખીરનો પ્રસાદ આપ્યો. આ યજ્ઞ માટે રાણી સુમિત્રાએ ઋષિ ઋષ્યશૃંગને વિનવણી કરી હતી, જેથી ઋષિ ઋષ્યશૃંગે રાણી સુમિત્રાની વિનમ્રતા અને પોતાના પ્રત્યેની શ્રધ્ધાથી પ્રભાવિત થઈ બચેલી ખીર પુન: રાણી સુમિત્રાને જ આપી, જેથી રાણી સુમિત્રાને બે પુત્રોની માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. રાજ્યમાં હર્ષોલ્લાસ છવાઈ ગયો. ત્રણે રાણીઓના માતૃત્વને અયોધ્યાની પ્રજા વધાવી રહી હતી. આખરે એ કલ્યાણકારી સમય આવી ગયો.
રાણી કૌશલ્યાએ રામને જન્મ આપ્યો, એ પછી રાણી કૈકેયીએ પરાક્રમી ભરતને જન્મ આપ્યો. રાણી સુમિત્રાએ સેવાભાવી તેમજ ભાતૃપ્રેમી એવા લક્ષ્મણ અને શત્રુધ્નને જન્મ આપ્યો. ચારે પુત્રોના જન્મથી અયોધ્યાનગરીના લોકો આનંદમાં આવી ગયા અને ઉત્સવ મનાવવા લાગ્યા. સમયનો પ્રવાહ વહેતો ગયો. ચારેય રાજકુમાર શસ્ત્ર-અસ્ત્ર તેમજ ઘોડેસવારી અને રાજનીતિનું જ્ઞાન લેવા લાગ્યા. રઘુકુળના ઉચ્ચ સંસ્કારો અને ત્રણેય માતા તથા પિતાના આશીર્વાદ સાથે રાજકુમારો ઉછરવા લાગ્યા.
હજુ થોડા સમય પૂર્વ રાજા દશરથ પોતાને મળેલ શ્રાપથી વ્યથિત હતા, તે રાજા દશરથ ચારેય રાજકુમારના લાલનપાલન તથા
અયોધ્યાની પ્રજાની ઉન્નતિમાં વ્યસ્ત રહેવા લાગ્યા હતા. એવામાં ચારેય રાજકુમાર બધી જ વિદ્યામાં પારંગત બની ગયા ત્યારે રાણી સુમિત્રાએ પોતાની વિચક્ષણ તેમજ દુરંદેશી બુદ્ધિથી રાજા દશરથ સામે એક પ્રસ્તાવ મૂકતા કહ્યું, ‘મહારાજ હવે આપણે ચારેય રાજકુમારો માટે એક મહત્ત્વનો નિર્ણય લેવાનો છે.’
રાજા દશરથે મૂક સંમતિ આપી, રાણી સુમિત્રાએ વાત આગળ વધારતા કહ્યું, ‘ચારેય રાજકુમાર માત્ર આપણા પુત્રો જ નહિ પરંતુ રાજ્યની સંપત્તિ છે. મૂલ્યવાન સંપત્તિ એકસાથે ન રાખવી જોઈએ તેને વિભાજિત રાખવી જોઈએ જેથી સુરક્ષિત રહે. આપણે રાજકુમારોને બે-બેની જોડીમાં વિભાજિત કરવા જોઈએ.’ રાજા દશરથ આ સાંભળી દુઃખી તો થયા પરંતુ રાણી સુમિત્રાની વાત વ્યાજબી હતી. એવામાં મહર્ષિ વિશ્વામિત્રનું અયોધ્યામાં આગમન થયું છે એ સમાચાર સાંભળી રાજા દશરથ તેમના સ્વાગત અને સન્માન વ્યવસ્થામાં લાગી ગયા.
મહર્ષિ વિશ્વામિત્ર રાજા દશરથની વિનમ્રતા અને આદરભાવથી અભિભૂત થયા. રાજા દશરથે વિશ્વામિત્રને પધારવાનું પ્રયોજન પૂછ્યું. મહર્ષિ વિશ્વામિત્રે કહ્યું, ‘હે રાજા, મારા આશ્રમની આસપાસ ગીચ જંગલોમાં રાક્ષસી તાટકાનો ત્રાસ વધી ગયો છે, જે મારા યજ્ઞમાં વિધ્ન નાખે છે. એ રાક્ષસી તાટકાનો વધ કરવા મને તમારા જ્યેષ્ટ પુત્ર રામની આવશ્યકતા છે.’ રાજા દશરથ આ સાંભળતા જ વ્યથિત થઈ ગયા પરંતુ મહર્ષિ વિશ્વામિત્રને ના પાડવી એ યોગ્ય ન લાગતા રાજા દશરથે આ માંગણીનો સ્વીકાર કર્યો. આખરે નિર્ણય લેવામાં આવ્યો કે રાજકુમાર રામ અને લક્ષ્મણ મહર્ષિ વિશ્વામિત્ર સાથે જાય.
મહર્ષિ વિશ્વામિત્રના માર્ગદર્શન હેઠળ રાજકુમાર રામ અને લક્ષ્મણે તાટકાનો વધ કર્યો. યશકીર્તિ પ્રાપ્ત કર્યા. મહર્ષિ વિશ્વામિત્રએ તેઓને અનેક માયાવી શસ્ત્રો આપ્યા. આ જ સમય દરમિયાન મિથિલાના રાજા જનકે પોતાની જ્યેષ્ઠ પુત્રી સીતાનો સ્વયંવર યોજ્યો. મહર્ષિ વિશ્વામિત્રના આદેશથી રામ અને લક્ષ્મણ સ્વયંવરમાં પધાર્યા. ત્યાં અનેક રાજાઓ શિવધનુષ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યાં. આ રાજાઓમાં લંકાપતિ રાવણ પણ ઉપસ્થિત હતાં. તેઓ પણ અહંકારને વશ થઈ શિવધનુષ ઉઠાવવામાં અસફળ રહ્યાં. રાજકુમાર રામ શિવધનુષ ઉઠાવી દેવી સીતાને પામ્યા. અયોધ્યામાં રાજકુમાર રામની કીર્તિ તેમજ સીતા સ્વયંવરની યશોગાથા વાયુવેગે પ્રસરી ગઈ. પિતા દશરથ અને ત્રણેય માતાઓનો હરખ માતો નહોતો. રાજા દશરથ મિથિલા નરેશ જનકને મળવા મિથિલા ગયા. રાજા જનકની અન્ય ત્રણ પુત્રીઓ ઊર્મિલા, માંડવી અને શ્રુતકીર્તિથી રાજા દશરથ અત્યંત પ્રભાવિત થયા.
રાજા દશરથે રાજા જનકને ચારેય પુત્રીઓને અયોધ્યાની કુળવધુ બનવા માટે વિનંતી કરી. રાજ્યમાં હર્ષોલ્લાસ છવાઈ ગયો. ચારેય રાજકુમારો પોતાની અર્ધાંગિની સાથે અયોધ્યા પધાર્યા. દેવરાજ ઈન્દ્રને પણ ઈર્ષ્યા આવે એવી અયોધ્યાનગરી લાગતી હતી. પ્રજાજનો પોતાના રાજા અને સુખસુવિધાથી સંતુષ્ટ હતી. ચારેકોર ખુશહાલી હતી. પિતા દશરથ, માતાઓ, ચારેય રાજકુમાર તથા ચારેય રાજવધુ એક સુખી સંસારની વ્યાખ્યા બની રહ્યા હતા. મહારાજા દશરથ પોતાના જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ પુત્ર રામના રાજતિલકની યોજના કરી રહ્યા હતા. પ્રજા પણ રામને ખૂબ જ પ્રેમ કરતી હતી, રામને પોતાના રાજા બનાવવા પ્રજા પણ ખૂબ ઉત્સુક હતી, પણ......
આજે આ અયોધ્યા કંઈક અલગ જ દીસતી હતી.. શું થવાનું હતું આજે ? નિયતિ આજે અયોધ્યાને કયો નિર્ણય લેવાની ફરજ પાડવાની હતી ? કાળા વાદળો આજે અયોધ્યાની ભૂમિ પર દુઃખની વર્ષા થઈ વરસવાના હતા.. સમગ્ર પ્રજાજનોના હૈયામાં સુખની જગ્યા દુઃખ અને હાસ્યની જગ્યા અશ્રુઓ લેવાના હતા..
ક્રમશ: