Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

mariyam dhupli

Action Crime Inspirational


3.2  

mariyam dhupli

Action Crime Inspirational


જિની

જિની

5 mins 305 5 mins 305

"આ શું કરી રહ્યો છે તું ?" 

મીનાક્ષીની આંખો હેરત અને અચરજ વડે પહોળી થઈ ઊઠી. એનો હાથ અનાયાસે અર્જુનના શર્ટના કોલર સુધી પહોંચી વળ્યો. 

મીનાક્ષીના માલિકીભાવવાળા હાથ અર્જુને એક ઝાટકે પોતાના કોલર પરથી હડસેલી નાખ્યા. બીજીજ ક્ષણે મીનાક્ષીના બન્ને હોઠ અર્જુનના પંજાની પકડમાં કચડાઈ ઉઠ્યા. 

" કેટલી વાર કહ્યું છે ? તારા કામ જોડે કામ રાખ. મારા કામમાં દખલગીરી નહીં કર. " 

અર્જુનના પંજામાંથી છૂટેલા મીનાક્ષીના હોઠ ઉપર પાતળી લોહીની ધાર ઉપસી આવી. 

" હું બે દિવસ પછી આવીશ. એનો ખ્યાલ રાખજે. બે દિવસ પછી હું લઈ જઈશ. "

આદેશાત્મક સ્વર જોડે અર્જુન અતિ ઝડપે પોતાના કોલર ટેવ પ્રમાણે ઉપરની દિશામાં ઊભા કરતો ઘરમાંથી બહાર નીકળી ગયો. મીનાક્ષીએ એક નજર ફરીથી સ્ટોરરૂમની અંદર તરફ નાખી.

" ચંદુ. રસોઈ તૈયાર કર. આજે બેની જગ્યાએ ત્રણ માણસની. "

મીનાક્ષીના અવાજમાં અર્જુન કરતા બમણો ઉપદેશાત્મક લ્હેકો હતો. સ્ટોરરૂમની અંદર ખુરશી જોડે બંધાયેલું યુનિફોર્મ વાળું કન્યાશરીર રડીને રડીને અર્ધમૃત બન્યું હતું. એના મોઢે ઠૂંસાયેલ કાપડ અતિચુસ્ત હતું. આંખો શોકથી અર્ધ મીંચાયેલી હતી. એ દ્રશ્ય તરફથી ધીમે રહી મીનાક્ષીની નજર પોતાના હોઠને સ્પર્શ કરેલ પોતાના હાથની આંગળી ઉપર આવી તકાય. લોહી નિહાળતાંજ એનું માથું ભમ્યું અને ધડામ કરતા એણે સ્ટોરરૂમનો દરવાજો અફાળી બંધ કરી નાખ્યો. 

થોડા કલાકો પછી એ દરવાજો ધીમે રહી ફરીથી ઉઘડ્યો. આ વખતે મીનાક્ષીના હાથમાં જમણની થાળી હતી. ધીમે રહી એણે થાળી જમીન ઉપર ગોઠવી. મોઢામાં દબાવેલો કાપડનો કટકો બહાર કાઢ્યોજ કે તીક્ષ્ણ અવાજથી એનો કાનનો પરદો હાલી ઉઠ્યો. 

" મારે ઘરે જવું છે. મને છોડી દો. મારે મમ્મી પપ્પા પાસે જવું છે...."

એ તીક્ષ્ણ અવાજને પોતાના સખત હાથ વડે મીનાક્ષીએ ફરી ગળા નીચે ઉતારી નાખવાનો પ્રયાસ કર્યો. 

" ચુપચાપ જમી લે. નહીંતર ભૂખે મરીશ. અને અવાજ કર્યો છે તો...."

કન્યાના ચહેરા ઉપર છવાયેલા આજીજીભાવોમાં ભૂતકાળનું કોઈ દ્રશ્ય અચાનકથી વીજળીના ચમકારા જેમ ક્ષણભર માટે ચમકારો મારી ગયું. મીનાક્ષીનો હાથ તરતજ ઢીલો પડી ગયો. ચહેરા ઉપર આછો પરસેવો છવાઈ ગયો. થોડા સમય માટે મગજ જાણે કામ કરતું અટકી પડ્યું. 

" મારે કશું નથી જમવું. મને જવા દો , પ્લીઝ....."

એ રડમસ શબ્દોથી ભાનમાં આવેલી મીનાક્ષી આગળ કાંઈ વિચારે એ પહેલા કન્યાએ બૂમાબૂમ કરવાનો પ્રયાસ કર્યો. 

" હેલ્પ....કોઈ મદદ....."

વાક્ય આગળ વધે એ પહેલાજ મીનાક્ષીએ કાપડનો કટકો પૂર જોશમાં ફરીથી મોઢામાં ઠુંસી નાખ્યો. એક વેધક નજર એ આંખોમાં નાખતા એણે થાળી ફરી હાથમાં ઊંચકી લીધી. 

" તે મર ભૂખી. "

તાળું લટકેલા સ્ટોરરૂમની ડાબી તરફના બેઠકખંડમાં આવી ગોઠવાયેલી મીનાક્ષીની આંખો સામેની દિશામાં ટીવી ઉપર સ્થિર હતી. જમવાની થાળી ક્યારની એની રાહ જોઈ રહી હતી. મન ન હોય એ રીતે આખરે પહેલો કોળિયો એણે મોઢામાં નાખ્યો અને રીસ જોડે રાડ પાડી. 

" આમાં મરચું કેમ નથી ?" 

શેઠાણીના પગ તરફ ભોંય ઉપર બેઠા ચંદુએ પોતાના મોબાઈલની સ્ક્રીનમાંથી બહાર નીકળી શેઠાણીની નજરમાં નજર મેળવી.

" ખબર નહીં ? એ મરચું ખાતી હોય, ન હોય...."

વર્ષો જૂના ઘરના એ વફાદાર સેવકની નજર સ્ટોરરૂમની દિશા તરફ વળી. 

મીનાક્ષીનું લોહી ઉકળવા માંડ્યું. એનો બરાડો ચંદુને ધ્રુજાવી ગયો. 

" આ ઘર એનું છે ? એ મહેમાન છે અહીં ? તારી સગી થાય છે ? "

શેઠાણીના પ્રશ્નોથી ઝંખવાળો પડેલો ચંદુ નજર નીચે ઢાળી ગયો. 

" ભૂલ થઈ ગઈ મેમસા'બ ! " 

લાલધૂમ ચહેરા જોડે મીનાક્ષીની નજર ફરીથી ટીવીના પરદા ઉપર સ્થિર થઈ. એજ સમયે ચંદુના મોબાઈલમાંથી દરરોજ ગૂંજતી ધારાવાહિકની નિયમિત ધૂન ધીમા સાદે મીનાક્ષીના કાન સુધી પહોંચી. મીનાક્ષીના નિષ્ક્રિય મગજમાં સ્થાન બનાવી ચૂકેલ એ ધૂન મીનાક્ષીનું ધ્યાન પોતાના તરફ આકર્ષી રહી. થોડા સમય પહેલા સ્ટોરરૂમની અંદર આંખો સામે ઝપકી ગયેલું ભૂતકાળનું દ્રશ્ય ફરીથી આંખો આગળ ઉપસી આવવા પ્રયત્ન કરવા લાગ્યું. એ પ્રયત્ન સફળ થાય એ પહેલાજ મીનાક્ષીએ પોતાનું ધ્યાન ચાલાકી જોડે અન્ય દિશામાં ફેરવવા ચંદુ જોડે વાતનો સેતુ રચ્યો. 

" આ શું જોયા કરે છે દરરોજ ? "

શેઠાણીને પોતાના રસમાં રસ પડ્યો હતો એ જાણી હરખમાં આવી ગયેલા ચંદુએ પોતાનો મોબાઈલ સીધો શેઠાણીના હાથમાં થમાવી દીધો. 

" જિની "

શેઠાણીએ એક હાથમાં મોબાઈલ થામી ત્રાંસી આંખે ચંદુ તરફ જોયું. 

" જિન ! એટલે કે ભૂત ? પ્રેત ? "

શેઠાણીની ગેરસમજ દૂર કરતા ચંદુના ચહેરા ઉપર હળવું હાસ્ય ઉપજી આવ્યું. 

" નહીં , નહીં. મેમસા'બ ! આ જિની તો બહુ સીધોસાદો છે. ભૂત-પ્રેત જેવો નથી. "

શેઠાણીના જિની અંગેના અજ્ઞાનને દૂર કરતા ચંદુએ પોતાના ગમતા ધારાવાહિકની વાર્તા સંક્ષેપમાં સમજાવવા મથામણ કરી. 

" આ જિની તો છે ને હજારો વર્ષોથી એક દીવડામાં કેદ હોય છે. એને એ દીવડામાંથી આઝાદ થવું હોય છે. પછી એક દિવસ એક માનવીએ દીવડાને ઘસ્યો ને જિની આખરે આઝાદ થઈ જાય છે. "

કથા સાંભળી રહેલી મીનાક્ષીની આંખો એક ક્ષણ માટે શૂન્યાવકાશમાં સ્થિર થઈ કે તરતજ જાતને ઢંઢોળી એણે પોતાની નજર ચંદુના મોબાઈલની સ્ક્રીન ઉપર બળજબરીએ લાદી દીધી. સ્ક્રીન ઉપર ભજવાઈ રહેલા દ્રશ્યોથી મીનાક્ષીના ચહેરા ઉપર અવિશ્વાસના ભાવો ડોકાઈ ઉઠ્યા. 

" તું તો કહેતો હતો કે જિની ભૂત-પ્રેત જેવો નથી. બહુ સીધોસાદો છે. પણ જો તો ખરો.એ તો કેવા આડા - અવળા માર્ગે છે. લોકોને નુકશાન પહોંચાડી રહ્યો છે. " મીનાક્ષીની નજર હજી પણ મોબાઈલની સ્ક્રીન ઉપરના દ્રશ્યોમાં ડૂબેલી હતી. 

જિનીનો પક્ષ લેતા એના વકીલ માફક ચંદુએ એના પક્ષમાં દલીલ રજૂ કરી. 

" જિની આઝાદ થયો એટલે હવે એને આઝાદ કરાવનાર એનો 'આકા' બની ગયો. હવે એને એના આકાને તાબે રહેવું પડે. એ જે કહે એ કરવું પડે. એના દરેક આદેશનું અચૂક પાલન કરવું પડે. એનો બદનિયત આકા એને નિયઁત્રણમાં રાખી પોતાના ખરાબ ઈરાદાઓ પૂરા કરવામાં એની સહાય લે છે. જિની બિચારો મજબુર છે. "

મીનાક્ષીની આંખો ભાર જોડે સ્ક્રીનમાંથી બહાર આવી ઊઠી. એણે ચંદુની આંખોમાં આંખો પરોવી ધબકતા હૃદયે પૂછ્યું. 

" ને જો જિની આકાનો હુક્મ ન માને તો...." 

થોડી ક્ષણોના મનોમંથન પછી ચંદુએ માથુ ખજવાળતા ઉત્તર આપ્યો. 

" તો બિચારાને ફરીથી દીવડામાં ગોંધાઈ જવું પડે. "

મીનાક્ષીએ અતિ ગંભીર હાવભાવ જોડે ચંદુને મોબાઈલ પરત કર્યો. ચંદુ ખૂબજ રસ લઈ પોતાના ગમતા ધારાવાહિકના તાજા એપિસોડમાં ફરીથી તલ્લીન થઈ ગયો. 

" જો હુકમ મેરે આકા...."

મોબાઈલમાંથી ધીમા સાદે સંભળાઈ રહેલા ધારાવાહિકના સંવાદ મીનાક્ષીના કાન ઉપર ઝીલાઈ રહ્યા. પોતાનું શરીર સોફા ઉપર ટેકવી મીનાક્ષીની નજર છતને અવિરત તાકી રહી. 

બે દિવસ પછી ઘરે પરત થયેલી અર્જુનની નજરમાં લોહી ઉભરાઈ આવ્યું. ક્રોધથી વીફરેલું એનું શરીર પોતાના ઘરના રસોડા તરફ ધસી ગયું. 

" મીનાક્ષી ક્યાં છે ? "

માલિકના ક્રોધથી થરથરતા ચંદુએ હકીકત બયાન કરી. 

" મેં પૂછ્યું હતું કે આપ ક્યાં જાઓ છો ? એમણે એટલુંજ કહ્યું ,ત્યાંજ જ્યાંથી આવી હતી. "

અર્જુનના ગરમ હાથ મુઠ્ઠીમાં વળ્યાં અને એ સીધો એ દિશા તરફ દોડ્યો જ્યાંથી બે વર્ષ પહેલા મીનાક્ષીને ઘરે લઈ આવ્યો હતો. 

સ્ટોરરૂમની અંદર ખાલી ઊભી ખુરશી ઉપર પાછળ છૂટેલું દોરડું અને કાપડનો કટકો બંને છાનામાના પડ્યા હતા. 

મીનાક્ષી એના જૂના રહેઠાણના આછા અજવાસવાળા બહુમાળી ઈમારતના એજ ઓરડામાં ઘરેણાંથી શણગાર સજી અતિ ચુસ્ત સલવારમાં સજ્જ પોતાના પગમાં ફરી ઘૂંઘરું બાંધી રહી હતી. આજે એ કોઠાની નર્ક લાગતી ભીંતો પણ સ્વર્ગ લાગી રહી હતી. 

ઘરે કામથી નવરો પડેલો ચંદુ ફરીથી મોબાઈલમાં પોતાના ગમતા ધારાવાહિકનો તાજો એપિસોડ નિહાળતા બબડી પડ્યો. 

" ઓ તારી ! આ જિની તો ફરી દીવડામાં ગોંધાઈ ગયો. " 


Rate this content
Log in

More gujarati story from mariyam dhupli

Similar gujarati story from Action