ઝરુખે જોશ
ઝરુખે જોશ
રસીલાને હોશ આવી ગયો. બીજી છોકરીઓની બુમાબુમ સાંભળી ડોકટરે ચિંતાનું કોઈ કારણ નથી એવું કહી શાંત રહેવા કહ્યું. શિક્ષકોને હાશ થયું. રસીલા સુંદર, નમણી, સુશીલ, સંસ્કારી.મહેનતુ અને શારીરિક રીતે સુડોળ અને શક્તિશાળી પણ ખરી. પ, તે જ્યારે પણ અરીસામાં જુએ ડાબી આંખ ઉપર કપાળમાં જન્મથી જ મોટા ઘાનું નિશાન હતું. તે તેને જરાય નહોતું ગમતું. ક્યારેક ક્યારેક તેના ડાબી બાજુના મસ્તકમાં અસહ્ય સણકા ઉપડતા હતા. દવા આપી તેની મમ્મી તેને સુવડાવી દેતી હતી.
જ્યારે જ્યારે આવું બનતું તેને સપનામાં એક ઝરૂખો દેખાતો દેખાતો હતો. તેને એ નહોતું સમજાતું કે આ સુંદર ઝરૂખો તેને કેમ આકર્ષિત કરે છે. તે ક્યાં હશે ? શું મારે તે સ્થળ શોધવું જોઈએ ? પણ તે શું કરી શકે ? તેની પાસે કોઈ જવાબ નહોતો.
એકવાર સ્કૂલ પ્રવાસમાં બધાં ઐતિહાસિક સ્થળો જોવા માટે ગયેલા. તેમાં એક સુંદર મજાની હવેલી પણ હતી. એક દાદા સાફસુફી કરે ને તેનું ધ્યાન રાખે. તો વળી ક્યારેક ક્યારેક આવી રીતે આવી ચડનાર પ્રવાસીઓથી આ હવેલી ગુંજી ઉઠી હતી. રસીલાને આ હવેલી જાણે પરિચિત હોય તેમ તે બધાને અહી આ છે. અને ત્યાં તે છે કહેવા લાગી. શિક્ષકોને લાગ્યું કે તે પહેલા કદાચ અહીં આવી ચૂકી હશે એટલે જ તેને બધી ખબર છે. ફરતા-ફરતા તે એક સુંદર ઝરૂખામાં પહોંચી ત્યાં પહોંચીને જાણે મુર્તિ બની ગઈ હોય તેમ સ્થિર થઈ ગઈ.જાણે કે બીજા લોકમાં ન જતી રહી હોય ! તેની સામે એક દૃશ્ય ભજવાઈ રહ્યું હતું.
ઘણા ઘોડાઓ સાથે કોઈ તેનું નેતૃત્વ કરતુ હતું. કદાચ કોઈ યુદ્ધનું દ્રશ્ય હતું. તે નેતૃત્વ કરનારે ઘણાને ભોય ભેગા કરી દીધેલા. દુશ્મનમાંથી કોઈનું તીર ઘોડાના પગમાં લાગ્યું. ઘોડાએ સંતુલન ગુમાવ્યું. અને ઘોડેસવાર નીચે પડ્યો. માથા પર બાંધેલો સાફો છૂટી ગયો. અને જોયું તો નાગ જેવા લાંબા કાળાં ભમ્મર વાળ નીચે સરી પડ્યા. અરે ! આતો કોઈ છોકરી હતી. છતાં યુદ્ધ ચાલુ રાખ્યું. ચારે બાજુ દુશ્મનોથી ઘેરાયેલી તેણે ખુબ જ બહાદુરીથી યુદ્ધ કર્યું. દુશ્મનો ને મહાત કર્યા.પણ દુશ્મનના તલવારનો એક ઘા તેના માથાને ચીરતો કપાળ ઉપર થઈ જોરદાર લાગ્યો. અને પગમાં તો તે ઘાયલ હતી જ.સંતુલન ગુમાવતાં તે નીચે પડી ગઈ. લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું. પણ મરતા મરતા પણ તેણે તેને મારનારને મારી નાખ્યો.
પછી તેની આજુબાજુ રહેલા સૈનિકો, ઘોડેસવારોએ રાજકુમારી રૂપવતીની જય ! રાજકુમારી રૂપવતીની જય બોલાવી જયકાર સાંભળતા સંતોષ સાથે તેણે શ્વાસ છોડયાં. ને તેની આંખો મીચાઈ ગઈ. બધા તેને દરબારમાં લઇ આવ્યા. દરબારમાં આવી અને તેને શહીદી માટેના બહુમાન માટે ૨૧ તોપોની સલામી આપી. શાહી રીતે તેનો અગ્નિ સંસ્કાર કર્યો.અને લોકોએ રાજકુમારી રૂપવતીની જય ! રાજા વજેસિંહની જય! ના નારા લગાવ્યાં. રસીલા જોઈ રહી હતી કે તે તો આબેહૂબ પોતે હતી. તે પડી ગઈ અને બેહોશ થઈ. શિક્ષકો તેને દવાખાને લઈ ગયા.
