ઈલાબેન પી. જોષી

Inspirational

3  

ઈલાબેન પી. જોષી

Inspirational

વતનની હવામાં

વતનની હવામાં

4 mins
193


ખેતી વિષયક અનેક સફળ પ્રયોગો કરી ત્રણેય સિઝનમાં ખૂબ સરસ પાક ઉતારવા તથા આ સરળ,સફળ ઓર્ગેનિક પદ્ધતિ વિષે અન્ય ખેડૂતોને સમજાવી અમલ કરાવવા બાબતની નોધ સરકારે પણ લીધી. ખેતીવાડી અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તથા અન્ય ખેડૂતોની હાજરીમાં વડાપ્રધાનના હસ્તે મળેલ શીલ્ડ અને પ્રમાણપત્ર પિતાની છબી પાસે મૂકી કેશવ પિતાની શીખ વતન અને વતનની માટીની સુગંધને ન સમજી શકનાર પોતાની અણસમજ માટે પસ્તાવો કરી મા ના ખોળામાં માથું રાખી રડી રહ્યો હતો. તેની માએ ધ્રુજતા હાથે તેના માથા ઉપર મૂક્યો.  

કેશવ ભૂતકાળમાં સરી પડયો તાલુકાથી છ કિલોમીટર દૂર ત્રિભેટે તપસ્વીની જેમ ઊભેલું નાનકડું એવું ગામ. ગામને પાદર વિશાળ વડલો, વડલા નીચે મોટો પાકો ઓટલો તે જ ગામનો ચોરો. ચોરે સાંજે દસ બાર ભાભલાઓ બેઠાં જ હોય.

ગામમાં પ્રવેશ કરતાં જ જમણી બાજુ બસસ્ટેન્ડ અને ડાબી બાજુ સબસેન્ટર ગામની રોનક વધારતું. બાજુમાં જ મહાકાલેશ્વર મહાદેવ ગામની રક્ષા કરતાં બેઠાં હતાં. ગામમાં પ્રવેશ કરતાં એક બાજુ પ્રાથમિક શાળા અને બીજી બાજુ ગ્રામ પંચાયતની કચેરી શોભી રહી હતી. નાનકડુ છતાં ગામ રમણીય તો હતું. એની કેશવને શહેરમાં ગયાં પછી અહેસાસ થયો.  

વીસ વર્ષ પહેલાનાં પોતાનાં ગામની સ્મૃતિ કેશવના મનમાં સાવ તાજી થઈ રહી હતી. એકાએક પોતે વીસ વર્ષનો બટક બોલો કેશવ બની ગયો.

પિતાની ઈચ્છા હતી ખેતીવાડી કરવી અને કેશવની ઈચ્છા હતી શહેરમાં વસવું. પિતાની લાગણી ન સમજી તે પોતાની જિદથી પિતાને દુઃખ પહોંચાડી પિતાને કશું કહ્યા વગર પહેરેલ કપડે ઘરેથી નીકળી ગયો. સદનસીબે તેને સજ્જન શેઠ મળી ગયાં. તેની પ્રામાણિકતા, ધગશ, અને બુધ્ધિને ઓળખી શેઠે તેને તૈયાર કર્યો. શેઠે મા બાપનું પૂછતાં નથી તેવું ખોટું બોલ્યો.

સાથે કામ કરતી લુસી સાથે પ્રેમ થતાં લગ્ન પણ કરી લીધાં. લુસીને બધી સાચી વાત પણ કરી. કેશવ હંમેશાં અફસોસ કરતો. કાશ પિતાએ પ્રેમથી હા પાડી હોત તો પોતે કેટલો સુખી હોત. મરજી મુજબ ગાડી બંગલો ધંધો રોજગાર બધુ મળ્યું પણ મા બાપ વગરના આ બધું નકામું લાગતું હતું. મનમાં તે હિજરાયા કરતો હતો. લુસી સમજી ગઈ. ગામડે જવાની હઠ પકડી.  

પત્નીની ઈચ્છા અને આગ્રહથી દસ વર્ષે તે પોતાનાં વતન જઈ રહ્યો હતો. એકદમ ટાયરના ઘસાવાથી ઝડપથી બ્રેક લાગતા કેશવ તંદ્ગામાંથી જાગ્યો. ગાડી ગામનાં પાદરે આવી ઊભી રહી. તેની પત્નીએ તેનો હાથ પકડી માનસિક સધિયારો આપ્યો.  

નવી નકોર બ્રિજા ગાડી ગામની પાદર આવીને ઊભી રહી. ચોરામાં બેઠેલાં બધાં ભાભલાઓ આંખે નેજવું કરી ગાડીમાં આવનારને જોઈને ઓળખવા કોશિશ કરવા લાગ્યાં. ગાડીમાંથી ઉતરી કેશવ એ પાદરે બેઠેલાં બધાને હાથ ઊંચો કરી રામરામ કર્યા.

અવાજ જાણીતો લાગ્યો પણ સાથે ગોરી મેડમને જોઈ મુખીએ પૂછ્યું ; "મહેમાન ક્યાંથી આવો છો ? કોના ઘરે જવું છે ?" મુખી બાપા પરસોતમભાઈ પારખીયાને ત્યાં જવું છે. હું એનો દીકરો કેશવ છું મને ન ઓળખ્યો ? "

 ચોરે બેઠેલાં બધાં એકબીજા સામે જોઈ ગંભીર થઈ ગયાં. મુખી બાપાએ એક છોકરાને ઘરે દોડાવ્યો. જા તારી કાકીને કહે કે મુખી બાપા અને મે'માન આવે છે. કેશવ તેની પત્ની અને મુખી બાપા ઘરે જવા રવાનાં થયાં. ચોરે બેઠેલા બધાં મૂંગા મંતર થઈ ગયાં.

 મુખી બાપા તેની પાછળ જઈ અને બોલ્યા તમે બંને મારા ઘરે બેસો. મુખી બાપા મારાં મા બાપુને પહેલાં મળી લઉં. વાળુ પાણી કરી પછી તમારાં ઘરે જજો ને મળી લેજો. મુખી બોલ્યાં. બંને મુખી બાપાનાં ઘરે ગયાં.

 પોતાનાં વતનની હવામાં શ્વાસ લેતાં લેતાં કેશવને જાણે કે સંતોષને ઓડકાર આવ્યો. મુખી બાપા અને તેનાં પત્નીએ કેશવને બધી વાત કરી. દીકરા તારાં બાપા રોજ તારી કાગડોળે રાહ જોતાં હતાં. રોજ ટપાલીને પૂછતા હતાં. તારાં વિરહમાં તારી મા પણ અડધી થઈ ગઈ હતી. તારી ખાસ જરૂર હતી ત્યારે તું તેની પાસે નહોતો.

કોરોનાના સમયમાં ચિંતા અને તારાં વગરનાં આ બંને ખૂબ દુઃખી થઈ ગયેલાં. તારાં પિતા કોરોનામાં કાળનો કોળિયો બની ગયાં. તારાં મા અડધાં પાગલ જેવા થઈ ગયાં.  

આજ સુધી અમે તારી મા ને સાચવ્યા છે. હવે તું આવ્યો તો તારી માની સેવા કર. અહીં ન રહેવું હોય તો સાથે લેતો જજે. તારાં બાપાનું મોત તો બગડ્યું પણ તારી મમ્મીનું મોત સુધરી જશે. એ તને ઓળખશે કે કેમ એ પણ સવાલ છે.

કેશવ આ બધું સાંભળી જડ જેવો થઈ ગયો. ન બોલી શક્યો ન રડી શક્યો. તેની મા આવી અને તે મા ના ખોળામાં માથું મૂકી દીધું. મા મેં બહુ મોટી ભૂલ કરી છે. મારાં બાપુની ઈચ્છા હતી કે ખેતીવાડીનું ભણી અને તેનો લાભ ગામને આપવો પણ પૈસા પાછળ મેં દોટ મૂકી.

તમને લોકોને કંઈ પણ કહ્યા વગર નિરાધાર મૂકી અને ચૂપચાપ હું જતો રહ્યો. ગયાં પછી ક્યારેય પાછું ફરીને જોયું નહીં. મને એક શેઠ તેને ત્યાં લઈ ગયાં. મારી મહેનત અને બુદ્ધિથી તેણે મને મેનેજર બનાવ્યો.

મારી સાથે નોકરી કરતી આ ગોરી મેડમ મારાં પ્રેમમાં પડતાં અમે બંનેએ લગ્ન કરી લીધાં. મા એને પણ મા બાપુના પ્રેમની જરૂર હતી. મને ધરારથી અહીં લાવવા માટે તૈયાર કર્યો. મને તો મારાં બાપુ સામે આવવાની હિંમત જ નહોતી થતી. મને શું ખબર મા કે મારા બાપુ આવી રીતે આપણને મૂકીને જતાં રહેશે. મને માફ કરજે મા હું અભાગિયો છું. બોલતાં બોલતાં મા નો સાડલો ભીજવી દીધો. મા સ્વસ્થ થઈ.  


Rate this content
Log in

Similar gujarati story from Inspirational