ઈલાબેન પી. જોષી

Inspirational

4  

ઈલાબેન પી. જોષી

Inspirational

એકલ માવતર

એકલ માવતર

3 mins
439


સવજીની દીકરીને વળાવતા ગામ આખું હિબકે ચડ્યું હતું. બાપ દીકરીને વિખૂટા પાડવા અઘરું થયું હતું. ગામના આગેવાનોએ સમજાવી પરાણે સવજીને છૂટો પાડ્યો અને તેને ઘરે બેસાડી બધાં પાદર સુધી વળાવવા ગયાં.

સવજી ઘરની ઓસરીમાં આવેલ થાંભલીને ટેકો દઈ બેસી પડ્યો. સામે પોતાની પત્ની અને માતાનાં સુખડના હાર પહેરાવેલા ફોટા સાથે એકાકાર થઈ ટગર ટગર જોઈ રહ્યો હતો.

સવજીએ સવિતાને એક મેળામાં જોયેલી ત્યારથી મનમાં વસી ગયેલી. જ્ઞાતિના આગેવાનને વાત કરી અને રાજી ખુશીથી બંનેનાં લગ્ન થયા.

છમ છમ કરતી સવિતાને હરખથી અને વહાલથી તેની સાસુએ કંકુ પગલા કરાવી વહુને વધાવી. સવિતાએ આવતાવેંત બધું ઘરકામ ઉપાડી લીધું. સાસુ અને પતિની સેવા કરતી. સાસુના પગ દબાવી દેતી તો સાસુ પણ તેને માથામાં તેલ નાખી દેતી હતી. ખૂબ પ્રેમથી ત્રણેયનો સંસાર સરસ રીતે ચાલતો હતો.

સવજીને તેની માએ પારકા કામ કરીને એકલ પંડે મોટો કરેલો. અત્યારે જાણે ભગવાને તેનાં તપનું ફળ આપ્યું હોય તેમ બંનેનો સુખી સંસાર જોઈ રાજી થતી. થોડાક સમયમાં આ ખુશી પણ ડબલ થઈ. દીકરાને ત્યાં કિલકારી કરતી નાનકડી પરીએ પગરણ કર્યા. સવજી પોતાની નાનકડી દુનિયામાં ખૂબ ખુશ હતો.

એક દિવસ દીકરીને તેડી સાસુ વહુ બંને મંદિરે જઈ રહ્યાં હતાં. પાછળ બંબાટ આવતી ગાડીએ તેઓને ઠોકર મારી દીધી. દીકરી ઉછળીને બાજુમાં પડેલાં ઘાસનાં પુળા ઉપર પડી. સાસુ વહુ બંનેનું સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત થયું.  

સવજી આ સમાચાર સાંભળી પાગલ જેવો થઈ ગયો. સવજીએ બંને લાશોને એક એક હાથથી પકડી રાખી પાસેથી ખસતો જ નહોતો. ગામના લોકોએ ખેંચીને તેને દૂર કરી બંનેનાં અગ્નિસંસ્કાર કર્યા.  

સાસુ વહુ બંનેના સ્વભાવને કારણે ગામ આખું હિબકે ચડેલું. ગામ આખામાં કોઈ ઘરે ચૂલો સળગ્યો ન હતો. ગામના વડીલ કંકુમા દીકરીને તેડી પોતાનાં ઘરે લઈ ગયાં. સવજીની હાલત જોઈને કંકુમાએ દીકરી સવજીના ખોળામાં મૂકી. તેને ખિલખિલાતી જોઈ સવજી સફાળો ઊભો થઈ ગયો. ત્રણ દિવસથી જડ થઈ ગયેલો સવજી દીકરીને તેડીને પોકે પોકે રડયો. તેના આંસુમાં જાણે આખું ગામ તણાઈ રહ્યું હતું.  

એકાએક સવજી ઊભો થયો પત્નીનાં ફોટા પાસે જઈ જાણે કંઈ કહી સ્વસ્થ થઈ ગયો. કંકુમાની મદદથી દીકરીને પાળી પોષી લાડકોડથી મોટી કરી. છોકરી નિશાળે જતી થઈ ત્યાં સુધી તેણે તેને એક મિનિટ પણ છૂટી નહોતી મૂકી. છોકરી નિશાળે જાય એટલો સમય તે ખેતરે જઈ ભાગીયાને જરુરી સૂચના આપી પાછો આવી જાય.

આજે કાળજાના કટકાને સાસરે વિદાય કરવાનો વસમો દિવસ આવી ગયો હતો. ગામનાં પાદરે બધાં દીકરીને વળાવી સવજીના ઘરે આવ્યાં. મુખીએ સવજી ને સાદ દીધો. સવજી કંઈક વિચારમાં લીન હતો. તેણે સાંભળ્યું નહીં. કંકુમાએ સવજી ના ખભે હાથ મૂક્યો.

 સવજી ઝબકીને એકદમ ઊભો થઈ ગયો. આવો આવો બધાં બેસો. કંકુમાં એ બધાં માટે ચા બનાવડાવી. બધાં સવજીની દીકરીની વાતો કરી રહ્યાં હતાં.

 સવજીએ ચા પીતા પીતા જાહેર કર્યું. જુઓ મુખી ! આવડું મોટું વગડા જેવડું ઘર મારી દીકરી વગર મને ખાવા દોડે. ગામની બધી દીકરીઓ મારી દીકરીઓ જ છે ને. તો ભલે એ બધી છોકરીઓથી આ ઘર ગુંજી ઊઠે.  

સવજી તો શું કહેવા માંગે છે ? કંઈ સમજાયું નહીં. કંકુમાં બોલ્યા; મુખી ! તમે કહેતાં હતાં ને કે તાલુકેથી આપણી દીકરીઓને જુદી જુદી તાલીમ આપવા માટે નિષ્ણાત બહેનો તાલીમ આપવા માટે આવે છે. પણ આપણી પાસે જગ્યા નથી. હા, પણ તેનું શું છે ?

હું રહ્યો એકલો માણસ. આ વગડા જેવડાં મકાનમાં જુદા જુદા ઓરડાઓ બનાવી દઉં. આપણાં ગામની આંગણવાડીમાં એક જ રૂમ છે ને બાળકો હેરાન થાય છે. એટલે એક બાજુનો આખો પટ્ટો આંગણવાડી માટે આપી દઉં.  

મારી જમીન પણ સોનાની લગડી જેવી છે. મારાં પૂરતી અઢી વીઘા રાખી. બીજી બધી વહેંચી દઉં. મારી દીકરીની એક એફ ડી બનાવી લઉં. બાકી બચેલ પૈસામાંથી મારી પત્ની અને મારી બા ના નામે સદાવતી દવાખાનું ખોલાવું. તેઓને મારાં તરફથી શ્રધ્ધાજંલી.

મારી દીકરીનાં નામે આ બધાં ક્લાસીસ અને આંગણવાડી જે મારી દીકરીની યાદી બનશે.  

હું તો રહ્યો એકલો માણસ વાડીએ પડ્યો રહીશ. ગામનાં મુખી અને હાજર તમામ ગામવાસીઓ એ સવજીની આ વાતને તાળીઓના ગડગડાથી વધાવી લીધી ને કહ્યું; 

સવજી!તું ખરેખર એક મુઠ્ઠી ઉંચેરો માણસ છો. એકલ પંડે માવતર બની તે તારી દીકરીને તો મોટી કરી અને વળાવી. આજે ગામની દીકરીઓનો પણ તું માવતર બન્યો છે. તને ખૂબ ખૂબ ધન્યવાદ ! ગામ હંમેશા તારું ઋણી રહેશે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational