ઝરૂખો
ઝરૂખો
આજે વર્ષો પછી હું થોડોક ખુશ થયો છું. બાકી તો ઉદાસી કાયમી મારો સાથી બની ગઈ છે. હંમેશા મારી સામે ધમાલ મસ્તી રહેતી. દીવડાઓનો ઝગમગાટ જોઈને અને પાયલનો ઝણકાર સાંભળી મારી પ્રસન્નતા ચંદ્રકળાની જેમ ખીલી ઊડતી હતી. કેટલા બધાં સુખ દુઃખ, હાર જીત, મિલન, વિરહ વગેરેનો હું સાક્ષી રહ્યો છું, મારા મિત્ર એવાં વજેસિંહે પોતાની દિલની દરેક વાતો મારી સાથે કરીને તેનાં સુખ દુઃખ, ખુશી ગમ મારી સાથે વહેંચયા છે.
આજે હું સાવ એકલો અટૂલો પડી ગયો છું. મને પણ સમયની એટલી જોરદાર થપાટો લાગેલી છે. જેથી હું પણ મરવા વાકે જીવું છું. આજે મને અત્યંત પ્રસન્નતા થઈ છે. પતંગિયા જેવી ઊડાઊડ કરતી હોય તેવી કેટલી બધી દીકરીઓ તથા સૂટ બુટ યુનિફોર્મમાં જાણે નાનાં નાનાં સિપાહીઓ હોય તેવાં દીકરાઓ આ બધાં મને મળવા આવ્યા છે. આવેલ છોકરાઓમાંથી નયન બોલ્યો; "જુઓ તો કેવો જાજરમાન અને બોલકણો ઝરૂખો છે." નયના તરત જ બોલી; "હા, મને સંભળાય છે તે શું બોલે છે. તે કહે છે કે આજે વર્ષો પછી હું થોડો ખુશ થયો."
