ઈલાબેન પી. જોષી

Inspirational

3  

ઈલાબેન પી. જોષી

Inspirational

બાળપણની મોજ

બાળપણની મોજ

2 mins
153


આજે વર્ષો પછી હું મારાં બાળપણમાં ડૂબકી લગાવી આવી. મારાં ભત્રીજાએ મને પૂછ્યું ? ગરિયો એટલે શું ? ગરિયો એટલે ભમરડો. એટલું બોલતા તો હું ચાલીસ વર્ષ પહેલાની અમારી બાળ રમતોમાં પહોંચી ગઈ.

 તે સમયે આબલી પીપળી,

નદીપર્વત, પકડદાવ, ઓપિંગો બેઠીગો, ગરિયોજાળી , સંતાકુકડી, મોઈડાડીયો, થપ્પો, હુતુતુ , નારગોલ, લંગડી આંધળોપાટો , ખોખો, દોરડાં કુદવા આવી કેટલી બધી રમતો અમે રમતાં તે યાદ આવી ગયું. 

 અમે છોકરા-છોકરીઓ બધાં સાથે બધી રમતો રમીએ. આંબલીપીપળી હોય કે લંગડી. હોય હુંતુંતું કે પછી મોઈદાંડિયા.હું દરેકમાં આગળ જ હોઉ.

તેમાં ગરિયોજાળીની રમતનો એક પ્રસંગ મારાં માટે યાદગાર બની ગયો હતો. તે યાદ કરતા આજ પણ મન પુલકિત થઈ ઊઠે છે. ગરિયો મારી પાસે નહોતો. માટે મારે બીજા છોકરાઓ પાસે માગવો પડે.એકવાર એક છોકરાએ મને ના પાડી.

 મારાં સર્જનાત્મક મગજે વિચાર્યુ. પછી તો એક મોટી ખિલ્લી ગોતી તેની આર અને માટીને ટીપી ટીપીને ગરિયો બનાવ્યો. બીજાનાં લાકડાનાં ગરીયા પાસે પણ મારો ગરિયો વધારે મજબૂત અને સુંદર લાગતો હતો. બધાને બતાવું. પણ આપું નહિ.તારી જાળી આપતો ફેરવીને બતાવું. પછી તો બધાં છોકરાઓ કહે મને રમવા દે ને! મને રમવા આપને !

આપણાં તો માન વધી ગયાં. પછી ઘરમાંથી બાને ખબર ન પડે તેમ ગોદડામાંથી ઘણાં બધાં દોરા ખેંચી લીધા.તેને વળ ચડાવી જાળી એટલે કે દોરી બનાવી. મારાં ગરિયાજાળીનું નામ થઈ ગયું. દોરા કાઢવા માટે માર ખાવો પડ્યો હતો જોકે. માર ખાવો તો અમારાં માટે સામાન્ય હતું. પણ અલગ અને જાતે બનાવવાનો આનંદ અવર્ણનીય હતો. મારું બાળપણ વૈવિધ્યપૂર્ણ અને ભવ્ય રહ્યું છે. આજનાં બાળકોનાં નસીબે આ બધું કયાં ? તેઓની બધી રમતો મોબાઈલમાં જ. મેદાની રમતો તો જાણે લુપ્ત થઈ ગઈ છે. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational