જાદુઈ પોપટ
જાદુઈ પોપટ
સિંહલગઢ નામના નગરના રાજાની પત્ની અસાધ્ય બીમારીમાં પીડાઈને મૃત્યુ પામી. એ રાણીને એક દીકરી હતી, સોનલ. રાજાએ બીજા લગ્ન કર્યા. નવી રાણીએ દીકરાને જન્મ આપ્યો. રાજા-રાણી ખૂબ ખુશ હતા. રાજા તો જાણે રાણી જે કહે તે જ કરે. નવી રાણીએ રાજાને બધી રીતે પોતાના વશમાં કરી લીધો. હવે આગલી રાણીની દીકરી સોનલની હાલત કફોડી થઈ ગઈ.
એક તો મા વગરની, ઉપરથી ઓરમાન માતા. નવી રાણીએ મહેલના પાછળના ભાગમાં જુના ઓરડામાં તેને રહેવાનું આપ્યું. સગવડ હતી, પરંતુ જાણે વૈભવી કાળ કોઠરી. તેણે ઓરડાની બહાર નીકળવાનું નહીં. તેની બધી જરુરીયાતો દાસીઓ તરફથી પૂરી થતી. થોડા દિવસ તો સોનલને વાંધો ન આવ્યો, પરંતુ ધીમે-ધીમે એ એક જ ઓરડામાં, ચાર દીવાલોની વચમાં ગૂંગળાવા લાગી. ઓરડાની બહાર તાળુ જ રહેતું. ધીમે ધીમે દાસીઓએ પણ ધ્યાન આપવાનું ઓછું કરી નાખ્યું. હવે સોનલ અકળાવા લાગી. ઓરડામાં માત્ર એક બારી. બારી બહાર નજર કરે, પરંતુ સામે જંગલ સિવાય ક્યાંય કંઈ ન દેખાય. ઘણીવાર રાત્રે જંગલ તરફથી આવતા રાની પશુઓના અવાજો તેને ગભરાવતા.
સોનલ ધીમે ધીમે યુવાન થવા લાગી હતી. બાળપણમાં માતાના મુખેથી પરી અને રાજકુમારની વાર્તાઓ ઘણીવાર સાંભળી હતી. સોનલ વિચારતી કે, 'શું એના જીવનમાં પણ કોઈ રાજકુમાર આવશે? શું તે ક્યારેય પણ આ ઓરડામાંથી બહાર નીકળી શકશે ? આમ દિવસો વીતતા હતા. સોનલ હવે નિરાશ થવા લાગી હતી. એક દિવસ તે પલંગ ઉપર સુતા સુતા તેની માતાને યાદ કરીને રડી રહી હતી.
અચાનક તેને 'ટક-ટક' એવો કંઈક અવાજ સંભળાયો. આમ તેમ જોયું, પણ કંઈ નજરે ન પડ્યું. થોડીવારે ફરી એ જ 'ટક-ટક' અવાજ સંભળાયો. તેણે ફરી નજર દોડાવી. બારીએ એક નાનકડું પક્ષી 'ટક-ટક' કરી રહ્યું હતું. પાસે જતાં જ તે ઉડી ગયું. તેણે જોયું તે એક પોપટ હતો. પોપટ તેને થોડો વ્યાકુળ જણાયો. સોનલને થયું, કે લાવને જરા પાણી આપું, કદાચ તરસ્યો થયો હશે. તેણે એક દાબડી ખાલી કરી, તેમાં પાણી ભરી બારીએ મૂકી. જેવી તે બારી પાસે ગઈ, પોપટ ઉડી ગયો. સોનલ ફરીથી પલંગમાં પડી ગઈ. થોડી વારે તેણે જોયું, તો પેલો પોપટ દાબડીમાંથી પાણી પી રહ્યો હતો. હવે તે ખુશ લાગતો હતો અને તેને જોઈને સોનલ પણ. પોપટ ફરીથી ઉડી ન જાય એટલે દૂરથી જ જોઈને હરખાતી રહી. ઘણીવાર માતાના મોઢે સાંભળ્યું હતું, કે પોપટને જામફળ ખુબ ભાવે. તેની પાસે બે જામફળ પડ્યા હતા. તેણે એક જામફળમાંથી નાના કટકા કરી ઢાંકણીમાં ભરી, બારીએ સાચવીને મૂક્યા. પછી એના જ વિચારો કરતાં કરતાં તે ક્યારે સુઈ ગઈ તેને ખબર પણ ન પડી. વર્ષો પછી આજે તે ખૂબ સારી રીતે સુઈ શકી હશે.
સવાર થયું, સોનલને તો ચેન નહોતું પડતું. પોપટ દેખાતો ન હતો. થોડી-થોડી વારે બારીએ જુએ પણ તેની નજર નિરાશ થતી, આખરે બપોર પડતા પોપટ બારીએ આવી પાણી પીવા લાગ્યો. જામફળ જોઈ જાણે ખુશ થયો. કુદરડી ફરતો જાય અને જામફળ ખાતો જાય. આમ બે-ત્રણ દિવસ ચાલ્યું. હવે જામફળ પૂરું થઈ ગયું. સોનલ નિરાશ થઈ ગઈ. ચોથે દિવસે પોપટને પાણી આપી પોતે આંસુ સરવા લાગી. પોપટ તેના દુઃખને જાણે સમજી ગયો હોય તેમ બારીની એક તરફ લપાઈને બેસી ગયો. બંને ગુમસુમ થઇ ગયા. થોડીવાર એ સોનલને જાણે કોઇ બોલાવતું હોય તેવું લાગ્યું.
"સો..ન..લ, સો..ન..લ."
સોનલ તો વિચારવા લાગી, આ કોણ બોલાવે છે ? તેણે જંગલ તરફ નજર દોડાવી ઉપર-નીચે, આજુબાજુ, ઉપર નીચે, પણ કોઈ ન દેખાયુ. ફરી બૂમ પડી,
"સો..ન..લ.." તેણે જોયું કે, નકકી આ પોપટ જ બોલે છે. પોપટને ઉદ્દેશીને પૂછ્યું,"પોપટ, તું મારું નામ બોલે છે ?" પોપટે ડોકી હલાવી હા પાડી. પોપટને માણસોની ભાષા આવડે છે તે જોઈ સોનલ ખુશીથી તાળીઓ પાડી નાચવા લાગી. આખરે તેને પણ કોઈ મળી ગયું, કે જેની સાથે વાતો કરી શકે. હવે તો તે ખુશ રહેવા લાગી. રોજ સવાર-સાંજ એ ને પોપટ. બંને રૂમમાં ધમાચકડી કરે, વાતો કરે અને જાણે ઉડાઉડ કરે. સોનલની ખુશી તેના ચહેરા પર દેખાવા લાગી હતી. તેનો વાન વધુને વધુ નીરખવા લાગ્યો. આખરે દસ દિવસ પછી પોપટે સોનલ ને કહ્યું,
"સોનલ, મારે તને એક વાત કહેવી છે. તુ ગભરાઇશ નહીં. હું કોઈ પક્ષી નથી. હું તો એક રાજકુમાર છું. જંગલમાં જાદુઈ રાક્ષસે મને પોપટ બનાવી દીધો છે. ગમે તેમ કરી હું એની કેદમાંથી તો ભાગી છૂટ્યો છું, પરંતુ તને મળીને હવે મારું મન આ પોપટના શરીરમાંથી છુટવા તલપાપડ થઈ ગયું છે."
સોનલ પોપટની વાતો ધ્યાનથી સાંભળતી રહી. પોપટે વાત આગળ વધારી.
"સોનલ, તું મને આ કેદમાંથી આઝાદ કરાવીશ ?"
સોનલ,"પણ, હું પોતે અહીં કેદ છું. તને કેવી રીતે આઝાદ કરાવું ?"
પોપટ,"હું એ રાક્ષસ સાથે રહીને થોડા જાદુ શીખી ગયો છું. હું કહું તેમ તું કરે, તો મને મુક્તિ મળી શકે એમ છે. જો હું મુક્ત થઈ જાઉં તો, હું તને પણ અહીંથી મુક્ત કરાવી શકું."
બીજા દિવસે બંનેએ મુક્ત થવા માટે પ્રયત્ન કરવાનું નક્કી કર્યું. પોપટના કહ્યા મુજબ સોનલે પોપટને પોતાના બંને હાથની હથેળીઓ ભેગી કરી ખોબામાં બેસાડી, આંખો બંધ કરી દીધી. પળવારમાં બંને જંગલની અંદર એક ગુફાના દ્વાર પર પહોંચી ગયા. ત્યાં પહોંચી પોપટે સોનલને કહ્યું, "જો અત્યારે દિવસનો મધ્યભાગ છે. આ દરમિયાન રાક્ષસ અહીં આવતો નથી. આ ગુફાની અંદર જતાં એક ટેકરો આવશે, એ ટેકરા પર ચડીને તું બીજી તરફ ઉતરી જજે. ત્યાંથી ડાબી બાજુએ ચાલશે, તો એક મોટો પેટારો દેખાશે. એ પેટારામાં એક લાલ રંગની શીશી હશે. એ શીશી તું મારી પાસે લઇ આવ. પણ આ કામ તારે ઝડપથી અને ડર્યા વગર કરવાનું છે. રાક્ષસ આવે એ પહેલા, નહિતર મારી સાથે તું પણ એનો શિકાર બની જશે."
સોનલ થોડી ડરી તો ગઈ, પણ પોપટે તેને સમજાવી કે આ માત્ર મારી આઝાદી નથી, તારી પણ આઝાદી છે.
સોનલે વિચાર્યું કે, 'હા વાત તો બરાબર છે. હું પણ તો આઝાદ થઈશ',
"ચાલ તું અહીં પહેરો ભર, હું ઝડપથી શીશી શોધીને લાવુ."
આમ કહી સોનલ ઝડપભેર ગુફામાં જવા લાગી. ગુફામાં અંધારું ઘણું હતું, ચામાચીડિયા ઉડાઉડ કરતા હતા. સોનલને ડર લાગતો હતો, પરંતુ તે હિંમતભેર આગળ વધતી ગઈ. આગળ જતાં ટેકરી પર ચડી. બીજી તરફ ઉતરવા લાગી, ત્યાં તેને કોઈ પ્રાણીનો અવાજ સંભળાયો. ગભરાઈને સોનલ ટેકરી પરથી નીચે ગબડી ગઇ. ઝડપથી ઊભી થઈ, કપડા ખંખેર્યા, તેણે હિંમત રાખી ડાબી બાજુ ચાલવા માંડ્યું. સામે ખૂણામાં તેને એક પેટારો દેખાયો. ખુશ થઈ ગઈ. જેવી તે આગળ વધવા લાગી.
અચાનક વાતાવરણમાં એક ગજબની ઠંડક પ્રસરી ગઈ. તેના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. ક્યાંકથી પવનના સૂસવાટા આવવા લાગ્યા. રાની પશુઓના અવાજો સંભળાવા લાગ્યા. વાતાવરણ બિહામણું થઈ ગયું. આવુ બધું બનશે એવો તો તેને કોઈ ખ્યાલ જ નહોતો, પરંતુ પોતે પણ તો આઝાદ થવું હતું, એ વિચાર એને હિંમત આપતો હતો. હિંમત રાખી તેણે પેટારો બળપૂર્વક ઉઘાડી નાખ્યો. પેટારો ખોલતા જ તેમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. સોનલ ગભરાઈને દૂર ખસી ગઈ. બીજી જ ક્ષણે તે ફરી પેટારા તરફ ધસી ગઈ અને તેણે અંદરથી લાલ રંગની શીશી હાથમાં લઇ લીધી. જેવી શીશી તેના હાથમાં આવી. અચાનક બધુ તોફાન શમી ગયું. ગુફામાં અજવાળું થઈ ગયું. સોનલે શીશીને ખેસની અંદર મૂકી, બરાબર કમરે બાંધી અને મુઠ્ઠીવાળી ગુફાની બહાર તરફ દોટ મૂકી. પોપટ તેની રાહ જ જોતો હતો. બહાર આવતાં તેણે સોનલને કહ્યું, "શીશી કૂવામાં ફેકી દે, શીશી કૂવામાં ફેંકી દે."
સોનલ તરત સમજી ગઈ. તેણે તરત જ ગુફાની સામે આવેલા કૂવા તરફ દોડી જઇ શીશી કૂવામાં ફેંકી દીધી. જેવી શીશી કૂવાના પાણીમાં પડી, કૂવામાંથી પાણીનો મોટો ફૂવારો ઉડ્યો અને તેમાંથી એક સોહામણો રાજકુમાર આવીને ઊભો રહ્યો. તેને જોઈને સોનલ તો આભી જ બની ગઈ. તે તો ઊંધું ફરી પોપટને શોધવા લાગી. ત્યાં જ પેલા રાજકુમારે હસીને કહ્યું,"સોનલ, હું જ તારો પોપટ છું. હું મુક્ત થઈ ગયો." સોનલ તો બે ઘડી અચંબિત થઈ ગઇ. તે બે ઘડી સ્તબ્ધ થઈ ગઈ. તેની તંદ્રા ભંગ કરતા રાજકુમારે કહ્યું,"સોનલ, બીજી બધી વાત પછી કરું. ચાલ, જલ્દીથી આપણે ભાગવું પડશે. રાક્ષસ આવે એ પહેલા આપણે આ જંગલમાંથી બહાર નીકળી જઈએ, નહીંતર ફરી બંને કેદ થઈ જઈશું".
સોનલ, "પણ, આપણે આટલું જલ્દી જંગલમાંથી બહાર કેવી રીતે નીકળી શકીશુ ?"
રાજકુમારે મૂંછમાં હસીને કહ્યું, "મારો ઘોડો પણ અહીં કેદ છે."
તેણે ગુફાની બહાર એક પથ્થર નીચે છુપાવેલી શીશી કાઢી, તેને ખોલીને તેમાંનું પ્રવાહી ત્યાં જ બાજુના પથ્થર પર છાંટયું, તરત એક સરસ મજાનો સફેદ ઘોડો પ્રગટ થઈ ગયો. સોનલ તો આભી જ બની ગઈ. તેના મોઢામાંથી એક પણ શબ્દ નીકળતો નહોતો. આખરે રાજકુમારે સોનલને ઊંચકીને ઘોડા પર બેસાડી અને પોતે પણ ફટાક દઈને ઘોડા પર બેસી ગયો. ઘોડો પવનવેગે બંનેને પળવારમાં જંગલની બહાર લઈ ગયો. બંને રાજ્યની સીમા પર પહોંચી ગયા. રાજાને સમાચાર મળ્યા કે રાજકુમાર મળી ગયા છે. ગાયબ થયાને ઘણો સમય વીતી ગયેલો, આમ અચાનક રાજકુમાર પાછા આવતા રાજા રાણી તો જાણે ઘેલા બની ગયા. બંનેના હરખનો પાર ન હતો. વળી, સાથે આવેલી પરી જેવી સુંદરી જોઈ એ લોકોની ખુશી બેવડાઈ ગઈ. થોડા જ દિવસોમાં રાજાએ ચડાઈ કરી સિંહલગઢ જીતી લીધું. રાજા-રાણીને કેદ કર્યા અને સોનલને પોતાના પુત્ર સાથે પરણાવી. અંતમાં સૌએ ખાધું,પીધું ને રાજ કર્યું.
