Bansari Joshi

Classics Inspirational

5  

Bansari Joshi

Classics Inspirational

ઇવા

ઇવા

5 mins
476


સમુદ્રની શીત લહેરો જ્યારે ઈવાના પગને સ્પર્શતી ત્યારે એ દરેક પળમાં ઈવા સમુદ્રની વિશાળતા, સમુદ્રની અમાપ સુંદરતા અને સમુદ્રએ સંઘરી રાખેલી અગોચર સમૃદ્ધિ સાથે કોઈ વિચક્ષણ તાદ્મ્યતા અનુભવતી. મૂળે ઈવા સ્વિત્ઝર્લેન્ડની વતની પણ ઇવામાં વસતો આત્મા કોઈ ભારતીયનો હોય એવું ભાસે. ઈવા સ્વયમ પણ એની અંદર ભારત પ્રત્યે અનુભવાતા ખેંચાણ માટે વિસ્મય અનુભવતી. પુસ્તકો સાથે ઇવાની પાકી મૈત્રી. ભારતીય સંસ્કૃતિને લગતા તમામ પુસ્તક એને હમેશા આકર્ષતા. ઈવાના પિતા જ્યારથી પુસ્તકાલયના અધ્યક્ષ બન્યા ત્યારથી ઈવા પણ પુસ્તકો સાથે સ્નેહથી જોડાતી ગઈ.

પિતા અને પુત્રી સમુદ્રતટની સહેલગાહ કરી રહયા હતાં. ઈવાને પોતાની માતાનું સ્મરણ થઇ આવ્યું. ઈવાના પિતા “હંગેરી” હતાં અને માતા “રુસી” હતી. માતાપિતા બેઉ વિદ્યાલયમાં પ્રાધ્યાપક હતાં. ઈવાના પિતાએ ઈવાના માથા પર સ્નેહથી હાથ ફેરવી કહ્યું. “ઈવા આજે પણ મને યાદ છે જ્યારે તારી માતાએ મારા હાથમાં તને સોંપી હતી. તને પુત્રી તરીકે પામીને અમે ખૂબ જ આનંદિત થઇ ગયાં હતાં. ૨૦ જુલાઈ ૧૯૧૩નો એ દીવસ એક નવી જવાબદારી લઈને આવી જશે એ તો મે કલ્પ્યું પણ નહોતું. તારા જન્મનાં થોડા દીવસ પછી જ તારી માતાનું દુ:ખદ મૃત્યુ થયું અને તારી પૂરી જવાબદારી મારી સિરે આવી ગઈ”

એટલું કહી ઈવાના પિતા પણ સ્મરણોમાં તણાઈ ગયા. પિતાનાં વિષાદને ખંખેરતી હોય એમ ઈવા બોલી,” યુ આર ધ બેસ્ટ ફાધર એવર”

અચાનક ઈવાના પિતાની નજર થોડે દૂર સહેલગાહ કરતાં વિદ્યાર્થીઓ પર પડી. જે મિલિટરી કોલેજના ભારતીય વિદ્યાર્થીઓ લાગતા હતાં. ઈવાના પિતા અને ઈવા બેઉ સહજ એમને મળવા ગયાં. અને ત્યાં તેમનો પરિચય મિલિટરીનાં એક વિદ્યાર્થી વિક્રમ ખાનોલકર સાથે થયો. જે મૂલતઃ ભારતીય હતાં. ઈવાનો આ કોઈ ભારતીય સાથે પ્રથમ પરિચય હતો. બેઉએ પરિચયના અંતે સરનામાની આપ-લે કરી. 

ઈવા અને વિક્રમ વચ્ચે પત્રવ્યવહાર શરૂ થયો. પત્રોનાં આદાનપ્રદાનથી બેઉની મૈત્રી વધુ ગાઢ થઇ ભારતીયતા ઇવાને પ્રથમથી જ આકર્ષતી અને હવે એ એક ભારતીય તરફ પણ સંયોગવાશત ખેંચાઈ રહી હતી. મૈત્રી ક્યારે પરિણયમાં પરવર્તિત થઇ ગઈ એનો ઈવાને ખ્યાલ જ ના રહ્યો. ઇવાને ભારતીય સંસ્કૃતિનાં તમામ પુસ્તક વાંચવાની હંમેશા તાલાવેલી રહેલી પોતાનાં એ વાંચનપ્રેમને કારણે ઈવા વેદ, ઉપનિષદ અને સંસ્કૃતભાષાના અભ્યાસ તરફ પણ સતત વધતી રહી. ઈવા ખૂબ ગહનતાથી અભ્યાસ કરતી. બીજી તરફ વિક્રમ ખાનોલકરનો અભ્યાસ પૂરો થતા એમને ભારતીય સેનામાં પ્રવેશ મેળવ્યો. એમની પહેલી પોસ્ટિંગ ઓરંગાબાદ થઇ. અને ત્યાંથી જ તેમણે ઇવાને ભારતીય સેનામાં પોતાનાં પ્રવેશના શુભ સમાચાર આપ્યા. ઈવા આ સમાચારથી ખૂબ ખુશ થઇ. 

ઈવા એ વળતા પત્રમાં વિક્રમને પોતે ભારત આવી જવા ઈચ્છે છે એ અંગે સમાચાર આપ્યા. પત્ર પહોંચે એ પહેલા ઈવા પિતાની આજ્ઞાથી ભારત આવી પહોંચી અને વિક્રમને લગ્નગ્રંથીથી જોડાવા માટે પ્રસ્તાવ મૂક્યો. બેઉ સાહચર્યની અનંત વાટ પર ચાલવા રાજી જ હતાં. પણ વિક્રમના ઘરેથી થોડો વિરોધ થયો. પણ બેઉના દ્રઢ નિર્ધાર સામે અંતે સૌ રાજી થઇ ગયાં અને પછી મરાઠી પરંપરા અનુસાર વિક્રમ અને ઈવા લગ્નની પવિત્ર ગાંઠે જોડાઈ ગયાં.

એક સ્વિસ યુવતી પૂર્ણતઃ મરાઠી મુલગી બની ગઈ. લગ્નના તુરંત બાદ ઇવાએ પોતાનું નવું નામ ધારણ કર્યુ. “સાવિત્રી ખાનોલકર”. ઈવા ૯ ગજની મરાઠી સાડી પણ ખૂબ હેતથી પેહરતી. એણે શુધ્ધ મરાઠી, હિન્દી અને સંસ્કૃત ભાષાઓ પર ઘણું પ્રભુત્વ મેળવી લીધું. ઈવા સંપૂર્ણપણે શાકાહારી પણ બની ગઈ. ભારતીય સંસ્કૃતિના આ અનૂઠા ખેંચાણને કારણે ઇવા હવે ઇવા મટી સાવિત્રીબાઈ ખાનોલકરમાં પરિવર્તિત થઇ ગઈ હતી અને આને આ કોઈ જ ફરજીયાતની પરંપરા હેઠળનું પરીવર્તન નહોતું. આ ઈવાનું જ જાણે કોઈ પૂર્વાનુંબંધ હતું.

આ અરસામાં વિક્રમ ખાનોલકરની બઢતી થઇ તે હવે કર્નલ થઇ ગયાં અને એમની પોસ્ટિંગ પટનામાં થઇ. ત્યાંના વિદ્યાલયો સાવિત્રીને ખૂબ ગમી ગયાં અને સાવિત્રીના વેદ,ઉપનિષદ અને સંસ્કૃત પરત્વેના પ્રેમ અને ગહન અભ્યાસને જોતાં તેમને પટનાનાં વિશ્વવિદ્યાલયમાં પ્રવચન માટે આમંત્રણ મળ્યું અને એમણે તે સહર્ષ સ્વીકાર્યું. આ સિવાય સાવિત્રીએ ચિત્રકલા અને રેખાચિત્રોમાં પણ મહારથ હાંસલ કરી લીધી. એમણે બે પુસ્તક પણ લખ્યા જે અંગ્રેજીમાં હતાં. સાવિત્રી અને વિક્રમ બે મટી હવે એ ત્રણ થવા જઈ રહયા હતાં. વિક્રમ અને સાવિત્રીને પુત્રીરત્ન પ્રાપ્ત થયો. કમળના છોડ જેવી કોમળ પોતાની પુત્રીનું નામ સાવિત્રીએ “મૃણાલિની” રાખ્યું. 

ભારત સ્વત્રંત્ર થઇ ચૂક્યું હતું. નવું સંવિધાન પણ બની રહ્યું હતું. આ અરસામાં ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં શૌર્ય દાખવવા બદલ ભારતીય સૈનિકોને પદકથી સન્માનવામાં આવે એવું નક્કી થયું. એ સમયે હીરાલાલ અટલ મેજર હતાં અને એમણે તો પદકના નામ પણ વિચારી રાખેલા પણ એનું રૂપાંકન કોણ કરે ? મેજર અટલ એવું પણ ઈચ્છતા હતાં કે પદકની રૂપરેખા એવી હોય જેમાં ભારતનું ગૌરવ પ્રદર્શિત થાય. અને અંતે એમણે આ પદકની રૂપરેખા કરવા માટે સાવિત્રી ખાનોલકરને પસંદ કર્યા જે સાવિત્રી માટે ખૂબ ગૌરવપ્રદ વાત હતી. 

સાવિત્રીએ પણ મેજર અટલને બિલકુલ નિરાશ ન કર્યા અને ભારતીયસંસ્કૃતિ તથા વેદ,ઉપનિષદનાં ગહન અભ્યાસને સાથે રાખી એક શ્રેષ્ઠ પદક “પરમવીર ચક્ર”ની ડિઝાઈન તૈયાર કરી. એમણે પરમવીર ચક્રની ડિઝાઈન માટે ઇન્દ્રના પૌરાણિક હથિયાર “વજ્ર”ની પસંદગી કરી. “વજ્ર” જે ઋષિ દધિચીના અસ્થિમાંથી બનાવામાં આવેલું. “વજ્ર”નું નિર્માણ કરવા ઋષિ દધિચીએ પોતાનાં જીવનનું બલિદાન આપેલું અને ભારતીયસેના અને સેનાનું શૌર્ય પણ એ જ સમર્પણ અને બલિદાનનું સૂચક બની રહે તે હેતુથી તેની રૂપરેખા તૈયાર કરી. પરમવીર ચક્ર પર ચાર વજ્ર અને મધ્યમાં રાષ્ટ્રીયચિહ્ન અશોક્ચક્રની પસંદગી કરવામાં આવી. ઉપર જાંબુડી રંગની રીબીન લગાવામાં આવી. અને પાછળ કમળનું ચિહ્ન. આ પરમવીર ચક્ર ખૂબ જ આદરથી માન્યતા પામ્યું. માત્ર આટલું જ નહી એ પછી સાવિત્રીએ “અશોકચક્ર” “મહાવીરચક્ર’ “કીર્તિચક્ર” “વીરચક્ર” અને “શૌર્યચક્ર”ની પણ ડિઝાઈ અને રૂપાંકન કર્યુ. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦માં પ્રથમ “પરમવીર ચક્ર” એનાયત થયું. 

પોતાનાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનાં અદમ્ય સ્નેહે સાવિત્રીને એક અદભૂત સર્જનની હકદાર બનાવી. આગળ જતા જીવનની યાત્રામાં સાવિત્રીનાં પતિ વિક્રમ ખાનોલકરનું અવસાન થયું. સાવિત્રી સંસ્કૃતિપ્રિયા તો હતી જ પણ હવે આધ્યાત્મિકતાનો માર્ગ પણ એમણે જીવનમાં ગ્રહણ કરી લીધો હતો. પતિના દેહાંત પછી સાવિત્રીબાઈ આધાત્મિકમાર્ગ તરફ જ વળી ગયા. અને “રામકૃષ્ણ મિશન”નાં આશ્રમમાં પોતાની પુત્રી મૃણાલિની સાથે સ્થાયી થયા. આ યાત્રામાં થોડા વર્ષો બાદ એમણે પણ નશ્વર દેહ ત્યાગ્યો પણ દરેક ભારતીય સૈનિકનાં અપ્રતિમ શૌર્યને બિરદાવતા પરમવીર ચક્રમાં તે પોતાનાં હાથની અમીટ છાપ છોડી ગયાં. આજ સુધી બિરદાવામાં આવેલા એ ૨૧ પરમવીર ચક્રનાં ધારણકર્તા શૌર્યવાન ભારતીય સૈનિકોને પ્રાપ્ત થતા એ પદકની રૂપરેખા પાછળ પૂર્વ અને પશ્ચિમનું અદ્ભૂત સમન્વય ધરાવતી એક સ્વિસ યુવતી ઇવાથી રૂપાંતરિત બનેલી ભારતીય સન્નારી સાવિત્રીબાઈ ખાનોલકરનાં હાથનો બેજોડ સ્પર્શ હશે એવું કોણે ધાર્યું હશે ?  


Rate this content
Log in

Similar gujarati story from Classics