Mulraj Kapoor

Classics Fantasy

4  

Mulraj Kapoor

Classics Fantasy

હનુમાન ચાલીસા

હનુમાન ચાલીસા

3 mins
425


સંત કવિ તુલસીદાસે જે હનુમાનજીની ગાથાની રચના કરી છે તે ચાલીસ પદોમાં આવેલી છે એટલે તે હનુમાન ચાલીસા કહેવાય છે. સંકટમોચન હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા સરળ સ્તુતિ છે તે આજે પણ ભક્તો અને શ્રદ્ધાળુને પરચા પુરા પાડે છે.

લગભગ ઈ. સ.1550 થી 1600ની આ વાત છે. એક એવી પ્રચલિત કથા મુજબ કહેવાય છે એકવાર તુલસીદાસજી મથુરા જઈ રહ્યા હતાં. ત્યારના સમયે મુસાફરી માટે સુખ સગવડભર્યા સાધનો ઉપલબ્ધ ન હતાં. મુસાફરીમાં ઘણો સમય લાગતો હતો. મુસાફરીમાં વચ્ચે વિશ્રામ કરવા તેઓ આગ્રામાં રોકાઈ ગયા. તે સમયે તેમની નામના ચારેકોર ફેલાઈ ગઈ હતી. લોકોને જેવી ખબર પડી કે તુલસીદાસ આગ્રામાં રોકાયા છે તો તેમના દર્શન અર્થે લોકોની ભીડ ઉમટવા લાગી હતી અને બધે તેમનીજ ચર્ચા થતી હતી.

તે સમયે અકબરનું શાસન ચાલતું હતું. તેને પણ આ વાતની જાણ થઇ. અકબરે બીરબલને આ બાબત પૂછ્યું, "આ તુલસીદાસ કોણ છે, જેને જોવા લોકોની આટલી ભીડ થાય છે ?"

બીરબલે કહ્યું "તુલસીદાસ ભગવાન રામચંદ્રજીના પરમભક્ત છે અને મોટા કવિ પણ છે તેમણે રામજીની ઘણી કાવ્ય રચનાઓ કરી છે તેમાં  'રામચરિતમાનસ ' ખુબ જ લોકપ્રિય છે. હું પણ તેમના દર્શન કરી આવ્યો છું."

અકબરના મનમાં એક અદમ્ય ઈચ્છા ઉત્પન થઇ. જો કવિ તેના વ્યક્તિત્વ પર રચના લખે તો તેની ખ્યાતિમાં ચારચાંદ લાગી જાય. પોતાનો વિચાર બીરબલને જણાવ્યુ પણ તેમાં તેણે સંમતિ આપી નહીં. રાજા પોતાની ઈચ્છા પુરી કરવા માટે તુલસીદાસને રાજદરબારમાં હાજર થવા ફરમાન મોકલાવ્યું. રાજાના માણસોએ તુલસીદાસ પાસે જઈને બાદશાહે તેમને દરબારમાં બોલાવ્યા છે તે વાત જણાવી. તુલસીદાસે વિનમ્રભાવે રાજાના આમંત્રણને અસ્વીકારતા કહ્યું,

"મારા માટે મારા રામજીથી વિશેષ કાંઈ નથી હું તેમની જ ભક્તિ આરાધના કરું છું, બીજા કોઈ દરબારમાં હાજરી પુરાવવાની કાંઈ જરૂર નથી".

રાજાના માણસો પાછા ફરી બધી વાત કરી જેને સાંભળીને અકબરને લાગ્યું કે તેનો અહં ઘવાયો છે, તેનું અપમાન થયુ છે, એવા વિચારથી એ ખુબ ગુસ્સે થઈ સૈનિકોને આદેશ કર્યો કે "જાઓ તુલસીદાસને પકડીને મારી સામે હાજર કરો ".

બિરબલને આ વાત અયોગ્ય લાગી અને આમ ન કરવા કહ્યું રાજા માન્યો નહીં. રાજાના સૈનિકોએ તુલસીદાસને આજ્ઞાનુસાર કેદ કરી અકબર સામે હાજર કરવા લઈ આવ્યા. રાજા અહંકારમાં ડૂબેલો હતો. તુલસીદાસ ને કહ્યું કે "તમે તો ભગવાનના ભક્ત છો, ચમત્કાર કરી શકો છો તો ચમત્કાર કરીને બંધનથી મુકત થઇ ને દેખાડો, નહીં તો મારા માટે ગુણગાન કરતી કાવ્ય રચના કરો."

તુલસીદાસજી એ કહ્યું "હું તો ફકત ભગવાન રામનો ભકત છું, કોઈ ચમત્કારી માણસ નથી. રહી સ્તુતિની રચના તે હું મારા ભગવાન સિવાય કોઈની કરતો નથી."

આ સાંભળીને રાજા વધારે ગુસ્સે થયો, અને સૈનિકોને આદેશ કર્યો કે "તુલસીદાસને બેડીઓ સહિત અંધારી કોટડીમાં પુરી દેવામાં આવે."

તુલસીદાસ રામચંદ્ર ભગવાનના પરમ ભક્ત હતાં. કેદમાં રહી પ્રભુનું સ્મરણ કરતાં રહ્યા અને કેદમાંથી મુક્ત કરાવવા ભગવાનને આજીજી કરવા લાગ્યા. રામચંદ્રના દૂત જે કોઈ પણ બંધનથી છોડાવી શકે છે એવા હનુમાનજીનું સતત સ્મરણ કરવામાં તલ્લીન થઇ ગયા અને આવી રીતે રોજ એક પદની ચમત્કારી રીતે રચના થતી ગઈ. આમ કરતાં ચાલીસ દિવસ થઇ ગયા અને હનુમાનજીની ચાલીસ પદોની સ્તુતિ તૈયાર થઇ ગઈ.

બીજે દિવસે અચાનક જ ઘણા બધા વાંદરાઓએ રાજાના મહેલ, અને જેલ પર હુમલો કરી બધું અસ્તવ્યસ્ત કરી તોડફોડ કરવા લાગ્યા.

રાજા એ બિરબલને બોલાવીને પુછયું કે "આ બધુ અચાનક જ શું થવા લાગ્યું છે ?"

બિરબલે કહ્યું કે "મહારાજ, તમને આ બાબત જાણ કરી હતી. તુલસીદાસને કેદમાં નાખશો નહીં પણ આપ માન્યા નહીં તેનું આ પરિણામ લાગે છે"

અકબરને પોતાની ભુલ સમજ આવી અને આદેશ આપીને તુલસીદાસજીને જેલમાંથી બહાર કાઢીને તેમની માફી માંગી.આ બાજુ બધુ તરત જ શાંત થઈ ગયુ. તુલસીદાસજી એ બિરબલને કહ્યું કે

"મને વિના અપરાધે સજા થઈ છે, મેં જેલમાં ચાલીસ દિવસો રડતા રડતા ભગવાન શ્રી રામ અને હનુમાનજીની આરાધના કરતો રહ્યો. ચમત્કારીક રીતે મારા હાથે ચાલીસ પદોની સ્તુતિ લખાતી ગઈ. જેવી રીતે હનુમાનજીએ મને પ્રેરણા કરીને મારા દ્વારા "હનુમાન ચાલીસા"ની રચના કરાવી અને આવી પડેલા ભયાનક સંકટમાંથી મુકત કરાવ્યો છે, એજ રીતે પૃથ્વી લોક ઉપર કયારે પણ જો કોઈ વ્યક્તિ સંકટમાં હશે અને આ "શ્રી હનુમાન ચાલીસા"નું મન વચનથી પઠન કરશે, તો હનુમાનજી એ વ્યક્તિને જરૂર સંકટમાથી ઉગારી લેશે. આ લેખન હવે "શ્રી હનુમાન ચાલીસા"ના નામથી દુનિયામાં પ્રચલિત થશે" 

અકબરે ખૂબ માનપૂર્વક આદરથી અને પૂરા સંરક્ષણ સાથે તુલસીદાસજીને મથુરા મોકલ્યા. આ વાત કેટલી સત્ય છે એ તો ખબર નથી પણ હનુમાન ચાલીસા આજે પણ એટલી જ પ્રભાવશાળી રીતે ભક્તોને પરચા પુરે છે.


Rate this content
Log in

Similar gujarati story from Classics