હમસફર
હમસફર
માઇક મારી પ્રશંશાના ફૂલ વેરી રહ્યું હતું. એક પછી એક સહકર્મચારી ઊભા થઇને મારા સદગુણોને યાદ કરી કરીને રજુ કરતા હતા. જેમાંના કેટલાક સદગુણની મને પોતાને ય ખબર નહોતી, ને હા, દરેક બોલનાર અચૂક મારી ઇમાનદારીના ભરપેટ વખાણ કરતા હતા. અચાનક અમારી ઑફિસનો પટાવાળો પાંડુ ઊભો થયો. કહે,”સાહેબ, મારે ય મહેતા સાહેબ વિષે થોડું કહેવું છે’’ તેના હાથમાં માઇક આપવું કે કેમ તે હજુ તો મારા સાહેબ નક્કી કરે તે પહેલા જ પાંડુએ ઊભા થઇ માઇક હાથમાં લઇ લીધું. પાંડુને થોડી છાટોપાણીની આદત. બે વાર મેં તેની નોકરી બચાવી હતી, ને તેને આ આદત છોડાવવા પ્રયત્ન કરેલ એ ઉપરાંત તેની પત્નીની બિમારી વખતે મેં તેને આર્થિક મદદ કરેલ, તેની વાત પાંડુએ એક પણ શબ્દ ચોર્યા વિના આંખમાં આંસુ સાથે કરી. છેલ્લે પાંડુ બોલવા જતો હતો કે નક્કી મહેતા સાહેબનું ખૂન થઇ ...હજુ તો તે વાક્ય પુરું કરે તે પહેલા જ તેના હાથમાંથી માઇક લઇ લેવામાં આવ્યુ, ને સાહેબે બાજી સંભાળી લીધી.પાછળ થોડો ગણગણાટ થતો હતો. હું એ તરફ ગયો, સ્ટેજ પર જે મારા વખાણ કરતો થાકતો નહોતો તે દેસાઇ મને બેફામ ગાળ દેતો હતો, મારો સહકાર્યકર જેના પર મને સૌથી વધુ ભરોસો હતો તે શેખર ધીમેથી બોલતો હતો, “સારું થયું મહેતાનું ખૂન થઇ ગયું, વેદિયો ન પોતે ખાય, ન કોઇને ખાવા દે ...
અરે એને રાધેશ્યામ બિલ્ડરે ન માર્યો હોત તો ક્યારેક મારા જ હાથે...”હું આગળનું સાંભળી ન શક્યો.છેલ્લી હરોળમાં ગયો, જ્યાં મારી ઓફિસની બહેનો બેઠી હતી. મારી સ્ટેનોગ્રાફર રીતુ કહેતી હતી. મિસિસ મહેતાના હાર ને કંગન જોયા? હવે જ મારું ધ્યાન મારી પત્ની વિભા તરફ ગયું, રાધેશ્યામભાઇની બાજુની જ ખુરશીમાં સફેદ સાડી પહેરીને વિભા બેઠી હતી. તેના હાથમાં બગસરાના કંગનને સ્થાને સોનાના રત્નજડિત કંગન અને ગળામાં નાજુક પણ સાવ સાચા હીરાનો હાર હતો. ને મને યાદ આવ્યું, આ એ જ આભૂષણ છે જે અમે એક વાર સીતારામ જ્વેલર્સને ત્યા જોયા હતા. વિભાનું ધ્યાન તે વખતે આભૂષણ તરફ ને મારું ધ્યાન વિભા તરફ હતું,મને દુઃખ થતું હતું કે હું તે આભૂષણ તેને અપાવી શકતો ન હતો તેના હતા તે ય ઘરેણા એક પછી એક મારી ઇમાનદારીની પાવક જ્વાળામાં ભસ્મીભૂત થઇ ગયા હતા.આમ તો મારો પગાર સારો હતો. પણ વચ્ચે પિતાજીની બિમારી અને એ પછી તેમના મૃત્યુ પછીની વિધિમાં ખાસ્સો ખર્ચ થયો.... એમાં હવે આ મકાનની લોનના હપ્તા, આ કારમી મોંઘવારી.... એ તો વિભાની ઘર ચલાવવાની આવડતને લીધે ખાસ તકલીફ નહોતી પડતી....
અત્યારે તે વારંવાર પોતાના કંગન પર હાથ ફેરવતી હતી. મારા જવાનું કોઇ જ દુઃખ તેના ચહેરા પર નહોતું એટલામાં મારો પુત્ર ચિન્ટું ત્યાં આવ્યો ને મમ્મીના ખોળામાં બેસી ગયો તેના હાથમાંય સોનાની એક લકી હતી. રીતું આગળ બોલી, “બિચારા મહેતા સાહેબ.”.હું ત્યાથી ખસી ગયો.
ઇમાનદારીનું આ ભૂત મને ક્યાંથી વળગ્યુ, એ જ મને ખબર નથી. કદાચ મને ગળથૂથીમાં જ પાઇ દેવામાં આવ્યું હતું. મારી મા ગાંધીજીની પરમ ભક્ત ને તેના જ રાહે ચાલનારી અને અમને સૌને તે માર્ગે ચલાવનારી. જો કે માને તે માર્ગે ચાલવામાં એટલી તકલીફ નહી પડી હોય જેટલી મને પડી. અધૂરામાં પૂરુ હુ સિવિલ એન્જીનિયર થયો ને ડગલે ને પગલે હવે મારે ભાગે લડવાનું આવતું. પોતાનું ટેન્ડર પાસ કરાવવા મને ઢગલો રુપિયાની ઓફર થતી, સામ, દામ, દંડ, ભેદ તમામ રીતો મને ચળાવવા અજમાવાતી ક્યારેક મનથી સ્હેજ ચળી પણ જતો પણ આંખ સામે માનો ચહેરો આવી જતો ને તેની નજર સામે નજર મેળવવાની હિંમત ન થતી ને ફરી એજ માર્ગે ચાલવા કદમ ઉપાડતો. આ જીવનની સફર તો જો કે હવે પૂરી થઇ હતી ઇશ્વર મારા કર્મોને કઇ રીતે તોળશે,ખબર નહોતી પણ મારી શોકસભાએ મારી આંખ ઉઘાડી નાખી હતી. હું જાગી ગયો ને બાજુમાં મૂકેલું એલાર્મ વાગ્યું. બાજુમાં મારી પત્ની સૂતી હતી, એ જ બગસરાના કંગન પહેરીને. મેં વારંવાર આંખ ચોળી. તો શું આ સ્વપ્ન હતું?
વિભા ય જાગી ગઇ હતી. અચાનક મેં વિભાના કંગન પકડીને કહ્યું,” આજે આપણે સીતારામ જ્વેલર્સમાં જશું, તારા માટે કંગન અને હાર લેવા.’’ “તમને લોટરી લાગી છે કે શુ” વિભાએ હસતા હસતા કહ્યુ. મેં વિભાને રાધેશ્યામ બિલ્ડર્સની વાત કરી ને કહ્યું, ‘આજે હું રાધેશ્યામ બિલ્ડર્સની ઓફર સ્વીકારી લઇશ’ અચાનક ઝટકો લાગ્યો હોય તેમ વિભા બેઠી થઇ ગઇ. “આજે તમને આ શું થઇ ગયુ!” વિભા આંખમાં આંસુ સાથે બોલી,” મેં ક્યારેય તમારી પાસે કશું માંગ્યું? હું ખુશ છું એટલુ જ નહીં, મને તમારા માટે ગર્વ છે. એક લાંચિયા એન્જીનિયરની પત્ની બનવા કરતા, મરવાનું હું વધારે પસંદ કરીશ. ખબરદાર જો આજ પછી આવો વિચાર પણ કર્યો છે તો....’’. મારી આ સફરમાં મારી સાથે હાથમાં હાથ રાખીને ચાલતી વિભાને હું અહોભાવથી જોઇ રહ્યો, માએ જ વિભાને મારી જીવનસંગીની તરીકે પસંદ કરી હતી ને મેં માની તસ્વીર સામે જોઇને વિભાનો હાથ હાથમાં લઇને કહ્યુ, ‘હવે મને કોઇની પરવા નથી’ હું નાહીધોઇને ચા નાસ્તો કરીને ઓફિસે જવા તૈયાર થઇ ગયો.એટલામાં શેખરની કારનુ હોર્ન વાગ્યું હું શેખર,દેસાઇ અમે સૌ ઓફિસે એક જ કારમાં જતા. હજુ મારા મન પરથી સ્વપ્નની અસર દૂર નહોતી થઇ.મેં શેખર અને દેસાઇને તાવી જોવા કહ્યું, “હું આજે રાધેશ્યામ બિલ્ડર્સની ઓફર સ્વીકારી લઇશ’’ શેખર હસતાં હસતાં બોલ્યો, “અરે ભાઇ, પહેલી એપ્રિલ ક્યારની જતી રહી છે” “ના હું સિરિયસલી કહુ છુ,’’ દેસાઇ બોલ્યો,”કેમ અચાનક શું થયુ?” “ સાચું કહું તો હવે હું આ રોજની ધમકીથી કંટાળી ગયો છુ,વળી ઉપરની આવક મળતી હોય તો ખોટું શુ છે’’શેખર બોલ્યો “ખરેખર કહે છે? તું તો માટી પગો નીકળ્યો! અમે તો તને અમારો આદર્શ માનતા હતા.અરે અંકલની બિમારીમાં ય તે આવા પૈસા લેવાને બદલે તારુ બાપદાદાનું મકાન વેંચવાનું પસંદ કર્યું, ભાભીના ઘરેણા ય વેચી દીધા ને હવે આ રસ્તો... જો ભાઇ તારે જે કરવું હોય તે કરજે અમને સંડોવતો નહીં’’ દેસાઇએ પણ સંમતિ પૂરતા કહ્યું “અમે આજે સુખી હોઇએ તો તે તારા રસ્તે ચાલવાથી જ..બાકી પૈસા તો ઘણાં મળી રહેત પણ એ હરામની કમાણીની બાળકો પર શું અસર થાય છે તે આપણે નજરે જોયું જ છે ને.પેલો કિરીટ... કિરીટના એકેય છોકરા લાઇને છે?ને એ પોતેય રિબાઇ રિબાઇને મર્યો.” મેં કહ્યું, “હું તો ખાલી ખાલી કહેતો હતો” ને મે તેમને મને આવેલા સપનાની વાત કરી.શેખર સ્હેજ ગુસ્સે થઇ ગયો,” અરે, પણ હું તારું ખૂન કરવાનું વિચારું? તને આવું સપનું આવી જ કેમ શકે? ..મે કહ્યું “સપના પર મારો થોડો કાબુ છે?” એટલામાં ઓફિસ આવી ગઇ, મને અહેસાસ થયો કે મારી આ સફરમાં હું એકલો નહોતો.