હળવી વાત હળવેકથી ૨૫
હળવી વાત હળવેકથી ૨૫
ભારતમાં કોરોના વાયરસની હજી શરૂઆત થઈ. ત્યાં એક રાતે હું મારાં મિત્ર સાથે વાતો કરી રહયો હતો. ત્યાંજ મિત્રનાં મોબાઈલ ફોન પર કેનેડાથી વિડિયો કોલ આવતાં આ બંને મિત્રો વચ્ચે થયેલી વાત સાંભળી અમે ઔપચારિક વાતો કરી છૂટાં પડ્યાં. ઘરે આવ્યો અને ડાયરી લખવી શરૂ કરી અને સર્જન થયું.
વિક્રમ; 'એ હાય અમિત, કેમ છો ?
અમિત: 'યે… વિક્રમ, આઈએમ ફાઈન. શું સમાચાર ?
'આજે ઈન્ડિયાના સમાચાર જાણી થોડી ચિંતા થઈ. ગુજરાતમાં એક જ દિવસમાં ૯૫ કેસ, અમદાવાદના જ ૫૮ અમદાવાદમાં ૨ મોત, ગુજરાતમાં કુલ પોઝીટીવ કેસ ૨૮૧ થયા અને મૃત્યુઆંક: ૧૮ સમાચાર ચિંતા જનક છે.'
'હા, પણ અહીં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપેલ લોકડાઉનને કારણે પરિસ્થિતિમાં અન્ય દેશની સરખામણીએ સ્થિતિ સારી છે.'
'હા… પણ ન્યુઝ પ્રમાણે ૧૬ દિવસમાં ૧૦૦ કેસ, જ્યારે ગુરુવારે એક જ દિવસે ૯૫ કેસ સામે આવ્યા છે. અમદાવાદની પરિસ્થિતિ થોડી વધારે ચિંતા જનક જણાય છે. એટલે તને હેરાન કરું છું.'
'હા તારી વાત સાચી છે પણ હાલ તંત્ર દ્વારા જે પગલાં લેવામાં આવી રહયા છે અને લોકોનો જે સહકાર મળી રહ્યો છે. તે જોતા પરિસ્થિતિ કાબૂમાં આવી જશે તેવી આશા છે.'
'હા યાર...વર્લ્ડની પરિસ્થિતિ ખરાબ છે. અમારે અહીંયા પણ લોકડાઉનની સ્થિતિ સર્જાઈ છે. પણ અહીં માણસો પોતાની રીતે આનો અમલ કરવામાં માને જ્યારે આપણે ત્યાં પોલીસની મદદ લેવી પડે છે.'
'વિક્રમ, અહીં અમદાવાદની જ તને વાત કરું તો મ્યુનિસિપલ કમિશ્નર તરીકે વિજય નહેરા સાહેબની કામગીરી ખૂબ જ સારી છે. અને ખૂબ અનુભવી અને હોશિયાર અધિકારી તરીકે જે તબક્કાવાર પગલાં ભરી રહ્યા છે તે જોતા તેમજ પબ્લિક પણ તેમને સહકાર આપી રહી છે એટલે કદાચ અહીં પરિસ્થિતિ ઝડપી નિયંત્રણ હેઠળ આવી શકે તેમ જણાય છે.'
'અમિત આ નહેરા સાહેબ તો આપણે ત્યાં પહેલા કલેકટર તરીકે હતા એ જ છે ?'
'હા, અમદાવાદ કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી એટલે જ તો તેમનો આ અનુભવ હાલનાં આ સંજોગોમાં અમદાવાદને મળી રહ્યો છે. આજે જે એક જ દિવસે ૯૫ કેસ સામે આવ્યા તે માટે તેમનું કહેવું છે કે,'સેમ્પલ વધુ લેવાને લીધે કેસની સંખ્યા વધી શકે, ગભરાવાની જરૂર નથી. અત્યારે એક કેસ પોઝિટિવ શોધીશું તો સંખ્યાબંધ કેસ આવતા અટકાવી શકીશું. આ અંગે જ્યાં જરૂરી છે તે કોટ વિસ્તારમાં ક્લસ્ટર કવોરંટાઈન કરાયા છે તે વિસ્તારમાં રહેતા લોકો અને ડોર ટુ ડોર સર્વેની પ્રક્રિયા ચાલુ છે. આમ વિક્રમ, આ સાહેબ દ્વારા લેવાતી અગમચેતી તેમજ જન-જાગૃતિ, સરકારના તમામ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ખાસ આરોગ્યવિભાગ, પોલીસખાતુ અને આપણું છૂપા ગણોતિયા જેવું રેવન્યુ તંત્રની કામગીરીને લીધે આ આવી પડેલ સંકટમાંથી જલ્દીથી બહાર નીકળી જઈશું તે આશા સાથે ઇશ્વરને પ્રાથના કરીએ.'
'હા યાર, હાલ તો આ રીતે લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવામાં આવે અને તંત્રમાં આવા અધિકારીઓ પણ આગોતરા પગલાં ભરે તો દેશમાંથી સંકટ ટાળી શકાય. આ ક્ષણે તો આવા અધિકારી, કર્મચારીઓની સેવાઓ મળી રહે તે માટે આ તંત્રના તમામ અધિકારી, કર્મચારીઓ તેમજ ઈશ્વરનો આભાર માનવો જ રહ્યો.
'બસ તો તબિયત સાવજો અને ઘરે બધાને અમારી યાદ આપજે…'
'ત્યાં તમે પણ સાંભળીને રહેજો અને આતરે-દિવસે ફોન કરતો રહેજે… બાય…'
'બાય…'
ડાયરી બંધ કરી આ અચાનક આવી પડેલી મહામારી અને તેમાં જેમણે પોતાનાં સ્વજનો ગુમાવ્યા હતાં તેમનાં વિશે હું વિચારતો રહ્યો.
