Prashant Subhashchandra Salunke

Classics Inspirational

4.5  

Prashant Subhashchandra Salunke

Classics Inspirational

ગુરુવંદના

ગુરુવંદના

14 mins
468


ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર:

ગુરુ સાક્ષાત પરંબ્રહ્મ, તસ્મૈ શ્રીગુરુવૈ નમ:

સૌથી પહેલા મારા ધર્મપિતા અને વડોદરાના ધર્મગુરુ એવા પ.પૂ ૧૦૦૮ શ્રી જ્યોતિઁનાથ મહારાજને સાષ્ટાંગ નમસ્કાર કરી હું મારા વાતની શરૂઆત કરું છું. 

કોઈએ સાચું જ કહ્યું છે કે, ગુરુ વિના નથી થતું જીવન સાકાર. મારા સૌથી મોટા કોઈ ગુરુ હોય તો તે છે મારા માતાપિતા. તેમાંય મારા જીવન ઘડતરમાં મારી સ્વર્ગસ્થ માતાશ્રી સુનંદાબેનનો ફાળો સવિશેષ રહ્યો છે. આજે હું જે કંઈ પણ છું તે તેમના જ આશીર્વાદની કૃપાથી છું. તેઓએ મને જીવનમાં ઘણા બોધપાઠ આપ્યા. હું નાનો હતો ત્યારે મને તેઓ તેમની શૈલીમાં વાર્તા કહી સંભળાવતા. આજે હું જે વાર્તાઓ લખી શકું છું તે ફક્તને ફક્ત તેમની આપેલી તાલીમને કારણે જ શક્ય બન્યું છે.

હું નાનો હતો ત્યારે વાર્તા લખતો અને મારી માતાને કહી સંભળાવતો. મારા માતાશ્રી તે વાર્તાઓ સાંભળી મને તેમાં સુધારો વધારો કરાવતા. આગળ જતા તેમની તાલીમ મને ઘણી કામમાં આવી. મારા અ. સૌ. સ્વ. માતાશ્રી સુનંદાબેનને વાંચનનો જબરો શોખ હતો. મારા બાળપણમાં તેઓ મને ઐતિહાસિક અને પૌરાણિક કથાઓની વાતો કહી સંભળાવતા. શિવાજી, સંભાજીની સાથે તેઓ રામયણ, મહાભારતની વાતો ખૂબ જ રસપ્રદ રીતે વર્ણવતા. ક્યારેક ક્યારેક તેઓ મને મરાઠીની સુપ્રસિદ્ધ રહસ્યમય કથાઓ જેવી કે ઝૂઝાંર કથા અને કાલા પહાડની વાર્તાઓ પણ કહી સંભળાવતા. મને તેમની પાસેથી વાર્તાઓ સાંભળવાનું ખૂબ ગમતું. તેઓની વાર્તા કહેવાની શૈલી ખૂબ જ અદભૂત અને સુંદર હતી. ધીમે ધીમે હું પણ મારા વર્ગ મિત્રોને મારા માતાશ્રીની શૈલીમાં વાર્તાઓ કહી સંભળાવવા લાગ્યો પરંતુ મને બીજા કોઈકની વાર્તાઓ કહેવાને બદલે પોતાની સ્વરચિત વાર્તાઓ પ્રસ્તુત કરવાની વધારે ગમતી.

એકવાર હું મારી માતાશ્રીને વાર્તા કહી સંભળાવતો હતો ત્યારે વચ્ચે જ અટકી ગયો. મેં વાર્તાને આગળ ગોઠવવાનો પ્રયાસ કર્યો પરંતુ મને એ ફાવ્યું નહીં. આ જોઈ મારી માતાશ્રીએ મને કહ્યું કે, “બેટા, પહેલા વાર્તાને વ્યવસ્થિતપણે કાગળ પર લખી લે જેથી તને કોઈકને કહી સંભળાવતી વેળાએ મુશ્કેલી નહીં પડે. આમ મારી માતાશ્રીની પ્રેરણાથી હું વાર્તાઓ લખતો થયો. મેં ફાંસીધર નામે મારી પ્રથમ વાર્તા લખીને મારી માતાને દેખાડી ત્યારે તેઓ ખૂબ ખુશ થયા. વાર્તા વાંચ્યા બાદ તેઓએ મને વહાલથી પૂછ્યું, “બેટા, તેં મરાઠીમાં કેમ વાર્તા લખી છે?”


મેં ગર્વભેર કહ્યું, “માઁ, આપણે મરાઠા છીએ એટલે મેં મરાઠીમાં વાર્તા લખી છે.”

આ સાંભળી મારી માતાશ્રીએ કહ્યું, “બેટા, આપણે ભલે મરાઠા છીએ પરંતુ આપણને સંભાળ્યું આ ગુજરાતે છે. જેણે આપણને સ્વિકારી સહારો આપ્યો તેનો ઉપકાર ભૂલીને કેવી રીતે ચાલશે ! જન્મભૂમી પર ગર્વ હોવો સારી બાબત છે પરંતુ એ સાથે કર્મભૂમિને વિસરવું ન જોઈએ. જેણે આપણા માટે કંઈક કર્યું છે તેનું કોઈકને કોઈ રીતે ઋણ અદા કરવા આપણે હંમેશા તત્પર રહેવું જોઈએ.”

મેં કહ્યું, “હું સમજી ગયો માઁ, આજ પછી હું ગુજરાતીમાં જ વાર્તાઓ લખીશ.”

આમ મારા માતાશ્રીની પ્રેરણાથી મેં મારી સહુથી પહેલી નવલિકા લખી “રહસ્યમયી કિલ્લો” ત્યારબાદ મેં અમારા વર્ગ માટે એક નાટક “ગામડાની શાળા” પણ લખ્યું હતું. મારી વાર્તાઓને મારા સહપાઠીઓ ખૂબ પસંદ કરતા અને હોંશે હોંશે તેને વાંચતા. મને પણ પ્રત્યેકને અલગ અલગ વાર્તા કહી સંભળાવવા કરતા, વાર્તાને નોટબુકમાં લખીને સહુને એકએક કરીને વાંચવા આપવાનું વધુ સરળ લાગ્યું. ધીમે ધીમે મારી વાર્તા સાથે પાઠકોની સંખ્યા પણ વધવા લાગી. હું છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે મારી વાર્તા “રાજુની સમયસુચકતા” બાળકો માટેના પખવાડીક સામયિક ચંપકમાં છપાઈને આવી હતી. જયારે આ બાબત મેં મારા માતાશ્રીને જણાવી હતી ત્યારે તેઓ ખૂબ ખુશ થયા હતાં. ચંપકમાં છપાયેલી મારી વાર્તા વાંચતા વાંચતા મારા માતાશ્રીના આંખમાંથી હર્ષના અશ્રુ સરી પડ્યા હતાં. હું એ ક્ષણ ક્યારેય ભૂલી શકીશ નહીં. મારા જીવનની એ ક્ષણ સર્વશ્રેષ્ઠ છે કારણ મારા માતાશ્રીના સ્વર્ગવાસ બાદ આજે પણ તે ક્ષણ મને લેખન માટે સતત પ્રોત્સાહિત કરતી રહે છે.

જયારે મારા માતાશ્રીએ મને કહ્યું કે, “આજે પુસ્તકમાં તારું છપાયેલું નામ જોઈ મને ખૂબ ગર્વ થાય છે.” ત્યારે હું ખૂબ ખુશ થયો હતો. ત્યારબાદ હું જયારે પણ કોઈ વાર્તા લેખ, કે કવિતા લખતો ત્યારે તે સહુથી પહેલા મારી માતાશ્રીને કહી સંભળાવતો. આજેપણ જો તેઓ હયાત હોત તો સ્ટોરીમિરર પર આ વાર્તા સબમિટ કરતા પહેલા મેં મારી માતાશ્રીને સહુથી પહેલા એ કહી સંભળાવી હોત. હું જયારે પણ કોઈ વાર્તા સ્પર્ધા જીતતો ત્યારે મારા સર્ટીફીકેટને સહુથી પહેલા મારા માતાશ્રીના ચરણોમાં મુકતો. હવે તેઓ આ દુનિયામાં નથી પરંતુ આજેપણ જયારે હું કોઈ સર્ટીફીકેટ મેળવું છું ત્યારે સહુપ્રથમ તેને મારા માતાશ્રીની તસવીર સામે મુકું છું. મારે મારા માતાશ્રીને હજુ ઘણા સર્ટીફીકેટ અર્પણ કરવાના છે. ખરેખર કહું તો બસ આ જીદ જ હવે મને સતત લખવા માટેની પ્રેરણા આપતી રહે છે. મને એ કહેતા ગર્વની અનુભૂતિ થાય છે કે મારા પ્રથમ કે અંતિમ કોઇપણ લેખન પાછળની પ્રેરણા મારા માતાશ્રી જ છે.

મારી માતાશ્રી મને હંમેશા વ્યસનથી દૂર રહેવાની સોનેરી સલાહ આપતા. વ્યસનને કારણે બરબાદ થયેલા લોકોના જીવન પ્રસંગ સંભળાવી તેઓએ વ્યસન પ્રત્યે નાનપણથી જ મારા ધ્રુણા જન્માવી. આજે ચાર લોકો વચ્ચે મારા ગુણોની જે તારીફ થાય છે તે બધા સંસ્કાર તેઓની જ દેન છે. મારા માતાશ્રી નાની નાની વાતો થકી અમારા ભાઈઓમાં સંસ્કારોનું સિંચન કરતા. મારા આ કથનને સમજાવવા હું એક પ્રસંગ તમને કહીને સંભળાવું છું.

મારી શ્રેયસ અલંકાર શાળા અમારા ઘરથી ખૂબ દૂર હતી તેથી જયારે હું ત્રીજા ધોરણમાં આવ્યો ત્યારે મારા માતાપિતાએ અમારા ઘરથી નજીક જ આવેલી શ્રેયસની જ બીજી શાખા સમપર્ણમાં મારો દાખલો કરાવ્યો. શાળાના પહેલો દિવસ હોવાથી સ્વાભાવિકપણે હું થોડો વ્યથિત હતો. એક તો જૂનાં મિત્રો ગુમાવ્યાનું દુઃખ ઉપરથી નવો માહોલ કેવો હશે તેનો ડર. આ બંને બાબતો મને ખૂબ વ્યથિત કરી રહી હતી. મેં મારી માતાને જયારે મારા મનનો ડર કહી સંભળાવ્યો ત્યારે તેમણે મને વહાલથી કહ્યું, “બેટા, જે થાય તે સારા માટે જ થાય. પરિસ્થિતિ હંમેશા સરખી રહેતી નથી. તેથી બદલાતી પરિસ્થિતિ સામે તારે લડતા શીખવું જોઈએ. મારી માતાની વાતની સહમતિમાં મેં માથું તો હલાવ્યું પરંતુ મારા નાનકડા મગજમાં હજુપણ “નવી શાળા કેવી હશે ?” “નવા ક્લાસ ટીચર કેવા હશે?” “ત્યાં મારા દોસ્તો બનશે કે નહીં?” જેવા અસંખ્ય સવાલો મંડરાઈ રહ્યા હતા.

સવારે ૭ કલાકે ધબકતા હૈયે જયારે હું મારા વર્ગખંડમાં પહોંચ્યો ત્યારે અચંબો પામી ગયો હતો કારણ મોટેભાગે ત્યાંના વિદ્યાર્થીઓ અમારી અડોશ પડોશના જ હતા. તે સહુને મેં ક્યારેકને ક્યારેક અમારા આસપાસના પરિસરમાં જોયા હતા. આમ નવો માહોલ અચાનક જ મારા માટે જૂનો અને જાણીતો બની ગયો. અમારી બાજુની જ સોસાયટી સ્વમીબાગમાં રહેતો હેમંત મને જોઇને ખૂબ ખુશ થયો. મને જોઈ એ દિવસે જે તે મારી પાસે આવ્યો તે આજદિન સુધી મારાથી દૂર થયો નથી! આ શાળાના ક્લાસ ટીચર પેલી શાળા જેવા કર્કશ નહોતા પરંતુ સ્વભાવે ખૂબ ભલા અને ભોળા હતા. બપોરે બાર વાગતા સુધીમાં તો હું મારી નવી શાળાના રંગમાં રંગાઈ ગયો હતો.

બીજા દિવસે જયારે મારી સાથે શાળામાં જવા માટે હેમંત મારા ઘરે આવ્યો ત્યારે હું ખૂબ ઉમંગથી તેની સાથે જવા નીકળ્યો. આ જોઈ મારી માતાએ વહાલથી પૂછ્યું, “કેમ, હવે જૂની શાળાની યાદ આવતી નથી? બેટા, મેં તને કહ્યું હતું ને કે જૂનાનો મોહ છોડીશ ત્યારે જ તો નવું અને ઉત્તમ પામીશ.” તેમની વાત સાંભળી હું હસી પડ્યો અને હેમંતના ખભા પર હાથ મૂકી મેં ઉમંગથી શાળા તરફ જવા પગ ઉપાડ્યા હતા. આ ઘટના બાદ મને કદી જ નવા પરિસર કે પછી નવા લોકોનો ડર લાગ્યો નહીં. 

૧૨ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ મારા માતાશ્રી સુનંદાનું હાર્ટફેલને કારણે ઓચિંતું અવસાન થયું. આ ઘટના અમારા સહુ માટે આઘાતજનક હતી. મારા માટે મારી માતાજ સર્વસ્વ હતી. તેમના ઓચિંતા થયેલા અવસાનના આઘાતથી હું હતાશાની અવસ્થામાં સરી ગયો હતો. મારી એ અવસ્થામાંથી મને બહાર લાવવામાં પ. પૂ. ૧૦૦૮ શ્રી જ્યોતિઁનાથ મહારાજ, શ્રી હરેન્દ્રભાઈ પુરોહિત તથા શ્રી સંદીપભાઈ શાહ આ ત્રણ મહાનુભવોનો સહુથી મોટો ફાળો રહ્યો છે. એમ સમજો કે તેઓએ મારામાં આશાનું સિંચન કરી મને પુનઃજીવિત કર્યો હતો. ગુરુપુર્ણિમાના દિવસે મારા આ ત્રણે ગુરુઓને યાદ કરી હું ધન્યતા અનુભવી રહ્યો છું. આ સાથે સ્ટોરીમિરરનો પણ આભાર માનું છું કે તેઓએ ગુરુ વંદના આ સ્પર્ધા હેઠળ મારા ગુરુઓનું ઋણ અદા કરવાની મને ઉતમ તક આપી.

સૌથી પહેલા વાત કરું મારા ધર્મપિતાશ્રી એવા પ. પૂ. ૧૦૦૮ શ્રી જ્યોતિઁનાથ મહારાજની. હું જયારે મારા જીવનમાં એકલો અને અસહાય થઇ ગયો હતો. આવા સમયે તેઓએ મારા જીવનમાં ઉત્સાહની નવી ચેતના પ્રગટાવી. તેઓએ મને જીવનના બોધ આપી દુઃખ પર વિજયી થવાની કેળવણી આપી. તેઓએ મને ગુસ્સા પર કાબુ રાખવાની તાલીમ આપી. તેઓના ચરણમાં જતા હું મોહ માયા અને આડંબરથી દૂર થતો ગયો. હું એ દિવસ ક્યારયે ભૂલી શકું નહીં કે જયારે મારા ગુરુશ્રી પ.પૂ. ૧૦૦૮ શ્રી જ્યોતિઁનાથ મહારાજે મને પુત્ર માની મને દીક્ષા આપી તથા મારું યોગી પ્રશાંતનાથ જ્યોતિઁનાથ નાથબાવા એવું નામાભિકરણ કર્યું.

ખરેખર ગુરુ જ છે સફળ જીવનનો આધાર. વળી મારા ગુરુની તો વાત જ શું કરવાની. તેઓ કંઈ ન બોલતા જીવનને સુધારી દે છે. તેઓ ખોટી વાતો કહેવાને બદલે સાચા અનુભવો કરાવીને માર્ગદર્શન આપે છે. મારા ગુરુમાં વણબોલ્યે કોઈના જીવનમાં બદલાવ લાવી દેવાની તાકાત છે. કેટલીકવાર ગુરુ આદેશ થકી આપણું જીવન સુધરી જતું હોય છે. તેવી જ એક ઘટનાથી હું આપ સહુને અવગત કરાવવા જઈ રહ્યો છું.

આ વાત એ સમયગાળાની છે જયારે હું સંપૂર્ણપણે હતાશ થઇ ગયો હતો. ખરેખર કહું તો જીવન જીવવામાં મને કોઈ રસ જ રહ્યો નહોતો. ઈ.સ. ૨૦૧૭માં મારી માતાશ્રીના અકાળે થયેલા અવસાનથી હું ઘણો વ્યથિત હતો. પરંતુ મારી પત્ની દીપાને સારા દિવસો રહેતા મારું હૈયું થોડું હળવું થયું હતું. મારા મનમાં એ આશા બંધાઈ હતી કે, પુત્રી સ્વરૂપે અમારા માતા અમારા ઘેર જરૂર પાછા આવશે. કહેવાય છે ને કે આશા અમર છે. આશામાંને આશામાં એ ત્રણ મહિના અમે ખૂબ આનંદમાં વિતાવ્યા હતા. પરંતુ કુદરતનો ખેલ પણ ગજબ હોય છે. કોઈ બાળકને રમાડ્યા બાદ અચાનક તેના હાથમાંથી રમકડું આંચકી લઈએ તો તેની કેવી હાલત થાય ? બસ કંઈક એવી જ હાલત કુદરતે અમારી કરી દીધી હતી.

દીપાના ત્રીજીવારના મિસ કેરેજ બાદ માતાશ્રીને પાછા મળવાની અમારી આશા પર ઓચિંતું પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. છ છ મહિનાના અંતરાળે વજ્રઘાત સમાન બે આઘાત સહી શકે એટલું કઠણ હ્રદય મારું નહોતું. હતાશાના ઘેરા કાળા વાદળા મને ઘેરી વળ્યા હતા. હું સતત નિરાશાના અંધકારમાં ધકેલાઈ રહ્યો હતો. વળી કુદરત સામે ઘૂંટણ ટેકી મેં તેમાંથી બહાર નીકળવાના પ્રયત્નો કરવાના પણ છોડી દીધા હતા. દીપા પાસે આ છેલ્લો મોકો હતો જે કુદરતે મિસ કેરેજ સ્વરૂપે તેની પાસેથી છીનવી લીધો હતો. ઊફ! હવે જીવવું તો કોના માટે?

મારી ઉદાસી જોઇને મારા ધર્મપિતાશ્રી પ. પૂ. ૧૦૦૮ શ્રી જ્યોતિઁનાથ મહારાજે મને કહ્યું, “દીકરા, એકવાર નર્મદા પરિક્રમા કરીને આવ.”

“પિતાશ્રી, હાલ ઈશ્વર સામે મનમાં આક્રોશ છે એવામાં આ તીર્થયાત્રાએ જવાની મને ઈચ્છા નથી.”

મારા ગુરૂજીની એક આદત છે. તેઓ કોઈની સાથે દલીલ કરતા નથી કે કદીયે પોતાનો નિર્ણય થોપવાનો પ્રયાસ કરતા નથી. વ્યથિત મનની વેદનાને તેઓ સારી રીતે જાણી શકે છે.

“કંઈ નહીં તો સજોડે હનુમંત પરિક્રમા કરીને આવ.”

આપ સહુને કદાચ ખબર જ હશે કે, હનુમંત પરિક્રમામાં નર્મદા નદીને ઓળંગવાના કોઈ નિયમો હોતા નથી. સાચા શ્રદ્ધાળુઓ તો આને પરિક્રમા માનતા જ નથી. હવે ધર્મપિતાશ્રીને વારંવાર ના પાડવું એ યોગ્ય નહીં. વળી આજદિન સુધી તેમની કોઈ આજ્ઞાનું મેં ઉલ્લંઘન કર્યું નથી. તેઓનો આદેશ મારા માટે સર્વસ્વ રહ્યો છે.

”કુદરતના ખોળે જઈ આવીશ તો મન શાંત થશે.”

મેં હકારમાં માથું હલાવ્યું.

      આ ઘટનાના ત્રણ દિવસ બાદ ફુરસદ મળતા મેં દીપાને લઈને નર્મદા કિનારે ફરવા જવાનું વિચાર્યું. અહીં ફરવા ગયો એ કહેવું જ ઉચિત છે કારણ ભાવ વગરની ભક્તિનો કશો અર્થ હોતો નથી. હું નર્મદા પાસે માત્ર મારા ધર્મપિતાના આદેશથી જ જવાનો હતો.

મોડી બપોરે અમે નર્મદા કિનારે પહોંચ્યા. જોકે હાલ તિથીવારે શ્રદ્ધાળુઓની જેટલી ભીડ રહે છે તેટલી ભીડ પૂર્વે જોવા મળતી નહોતી. અમે હતાશાથી ધીમે પગલે કિનારે કિનારે ચાલવાનું શરૂ કર્યું. અમારી જમણી બાજુ નર્મદા ઠેકડા મારતી ને ઉછળતી વહી રહી હતી. તેની ગતિ જોઈ આપમેળે મારા મનમાં રેવા નામનું રટણ થવા લાગ્યું. નર્મ કહેતા આનંદ થાય તેવી નર્મદા નદીના કિનારે અમે ચાલી રહ્યા હતા. જોકે જેમના મનમાં મણ મણનો ભાર હોય તેને કણ કણમાં વસતા શિવનું ભાન ક્યાંથી હોય.

“દીપા, મને ખબર પડતી નથી કે આગળ શું થશે?”

“આ વખતે મને ખૂબ આશા હતી. તમે પણ મારી કેટલી સારસંભાળ લેતા હતા. એવામાં આ...”

દીપાનું ધ્રુસકું પવનના સુસવાટામાં દબાઈ ગયું. અમે ચુપચાપ નર્મદા કાંઠે ચાલી રહ્યા. દીપાએ પાછલા દિવસોમાં ઘણી વેદના સહન કરી હતી. એવામાં બિન જરૂરી વાતો કરી તેને વધુ દુઃખી કરવું મને યોગ્ય લાગ્યું નહીં. નર્મદાના શાંત વાતાવરણમાં મને ડોકટરે કહેલી સુચના યાદ આવી, “મિસ્ટર પ્રશાંત, તમારી પત્નીને ત્રીજીવાર મિસ કેરેજ થતા તેને ઘણો આઘાત લાગ્યો છે. તમારે તેને ખૂબ સાચવવી પડશે. નહીંતર...”

દીપા ચુપચાપ મારી પાછળ ચાલી રહી. નર્મદાના નીરમાં દૂર આવેલી નાવડીને હાલક ડોલક થતી હું જોઈ રહ્યો.

“આઉચ.”

“શું થયું?”

       “આ પથ્થર પર પગ લપસતા મારો પગ મચકોડાઈ ગયો. આહ. ખૂબ દુ:ખાય છે.”

મેં દીપાને ટેકો આપી નજીક આવેલા પથ્થર પર બેસાડવાનો પ્રયત્ન કર્યો.

“ઈશ્વરે લાગે છે મને દર્દ આપવાનું જ ઠાની લીધું છે.”

દીપા જેવી આસ્તિકને નાસ્તિકતા તરફ સરતા જોઈ મારું મન વ્યથિત થઇ ગયું. નર્મદા નદીના શીતલ જલનો તેના પગ પર થોડીવાર સુધી છંટકાવ કરી મેં પૂછ્યું, “હવે કેવું લાગે છે?”

“હા હવે દરદ થોડું ઓછું થયું.”

“આગળ ચાલી શકીશ?”

“દીપાએ હકારમાં માથું હલાવ્યું.

મેં દીપાની બાજુમાં બેસતા કહ્યું, “કમાલ છે નહીં?”

“કેમ શું થયું?”

 “જે દરદ આપે છે તે ઈલાજ પણ કરે છે.”

અમે બંને ચુપચાપ નર્મદા નદીને વહેતી જોઈ રહ્યા.

અહીં આવ્યા બાદ આ પહેલી ક્ષણ હતી જયારે અમે નર્મદા નદી સામે આંખ ઊઠાવીને જોયું હતું. નર્મદાના નિર્મળ જળથી જાણે અમારા મનની પીડા ધોવાઈ રહી. શાંત એ વાતાવરણમાં નર્મદાના પાણીનો ખળખળાટ અમારા હૈયાને પ્રફુલિત કરી રહ્યો.પવનનો સૂસવાટો અમારા હૈયાને ટાઢક આપી રહ્યો. માતાના ખોળામાં આવ્યા બાદ બાળકો દુઃખી કેવી રીતે રહી શકે ? ત્યાંના પવિત્ર વાતાવરણમાં મનનો દ્વેષ ધીમે ધીમે ઓસરી રહ્યો. મારી આંખ સામે નર્મદા નદીનું નીર ખળખળ કરતું વહી રહ્યું હતું. મારા જીવનને એક નવી જ દિશા તેના પ્રવાહે મને આપી.

“દીપા.”

“શું?”

“ઈશ્વરે આપણને એક વસ્તુ આપી નહીં તેમાં તો આપણે તેની સામે ઢગલો ફરિયાદો કરવા લાગ્યા. પરંતુ આ કરતા પહેલા આપણે એ ભૂલવું ન જોઈએ કે ઈશ્વરે અગાઉ આપણને ઘણું બધું આપ્યું છે.”

દીપા પ્રશ્નાર્થ નજરે મારી તરફ જોઈ રહી.

“એવું તો ઈશ્વરે શું આપ્યું છે?”

મેં દીપાનો હાથ મારા હાથમાં લેતા કહ્યું, “આપણને એકબીજાનો સાથ.”

આ સાંભળી દીપા મલકાઈ.

“જાઓ ને હવે.”

મેં શાંત ચિતે કહ્યું, “દીપા આપણે ઈશ્વર પાસે એ માંગીએ છીએ જે આપણને ગમતું હોય પરંતુ ઈશ્વર આપણને એ આપે છે જે આપણને જરૂરી હોય છે.”

દીપાએ મારા ખભા પર માથું ટેકવી દીધું. એકબાજુ નર્મદા નદીના નીરથી મારા પગ અને બીજીબાજુ દીપાના અશ્રુથી મારા ખભા ભીંજાઈ રહ્યા.

“કદાચ તમે સાચું કહો છો.”

“આ નર્મદાના નીરના ખળખળાટને ધ્યાનથી સાંભળ.”

અમે થોડીવાર સુધી તેના ખળખળતાં પ્રવાહમાં ખોવાઈ ગયા.

“ખળખળ કરતી નર્મદા નદી આપણને શું સંદેશ આપી રહી છે તેં તું જાણે છે?”

“શું?”

“સદીયોથી જેમ તે સૃષ્ટિના ઉદ્ધાર માટે નિસ્વાર્થ ભાવે ઉછળતી કૂદતી વહી રહી છે. તેમ જ આપણે પણ આપણું જીવન લોકકલ્યાણ માટે જીવવું જોઈએ. શું આ ધરતી પરના બાળકો આપણા બાળકો નથી? શું આપણે તેમના જીવનને હસીખુશીથી ભરી શકતા નથી? નર્મદા નદી પાસેથી મને આ સંદેશ લેવા માટે જ મારા ધર્મપિતાશ્રીએ મને અહીં મોકલ્યો છે.”

***

આ ઘટના બાદ અમને અમારા જીવનને નવી દિશા મળી. અમે ગરીબ બાળકોના ઉદ્ધાર માટે નિતનવા પ્રયત્નો કરવા લાગ્યા. મેં વડોદરામાં આવેલ બે આંગણવાડીઓ દત્તક લઇ ત્યાંના બાળકોને નીતનવી સેવાઓ આપી. ભૂતકાળમાં જે દીપા એક બાળક માટે દુઃખી હતી આજે તેના ખોળામાં અસંખ્ય બાળકો રમે છે. એક ગુરુ આજ્ઞાના પાલન થકી અમારા દંપતિનું જીવન સુધરી ગયું છે.

હવે વાત કરું સ્વર્ગસ્થ શ્રી હરેન્દ્રભાઈ પુરોહિતની. મારા માતાના અવસાન બાદ તેઓએ મને દીકરાની જેમ સાચવ્યો હતો. તેઓએ મને સાહિત્ય ક્ષેત્રે એક નવી જ દિશા દેખાડી. તેઓ વારંવાર મને મારી વાર્તાઓ ઊપર શોર્ટફિલ્મ બનાવવાનું સૂચન કરતા રહેતા પરંતુ મને ફિલ્મોમાં કોઈ રસ ન હોવાથી હું તેમની વાતને ટાળતો રહેતો.

પ.પૂ ૧૦૦૮ શ્રી જ્યોતિઁનાથ મહારાજના આશીર્વાદ કૃપાથી મારું મન તો શાંત થયું પરંતુ મારા પિતાજી હજુ પણ વ્યથિત હતા. મારી માતાના અવસાન બાદ તેઓ ખૂબ ઉદાસ રહેવા લાગ્યા હતા. આમ સ્વભાવે તેઓ ખૂબ કડક તેથી કોઈને કશું કહેતા નહોતા. બસ પોતાનીજ દુનિયામાં તેઓ ખોવાયેલા રહેતા. કોઈની સાથે કશું બોલવું નહીં, ક્યાંયે જવું નહીં. બસ એકાંતમાં જાણે દુનિયાની કશી ફિકર ન હોય તેમ તેઓ એકલા એકલા રહેવા લાગ્યા. વાત વાતમાં તેઓ બોલતા થયા કે હવે મારે કેટલું જીવવાનું છે. હું અને મોટાભાઈ સમજી ગયા કે માતાશ્રીના દેહાંતને લઈને પિતાજી ખૂબ જ હતાશ થઈ ગયા છે. અમે તેમને સમજાવવા માંગતા હતા પરંતુ તેમની સામું બોલવું કેવી રીતે ? જેમ હું મારા માતાશ્રીનો વહાલો હતો તેમ મોટાભાઈ પિતાજીના વહાલા છે. તેમની ઉદાસી જોઈ મોટાભાઈ પણ ચિંતિત રહેવા લાગ્યા.

એક રાતે મેં સ્વપ્નમાં મારા પિતાજીને ઘરના એક ખૂણે ખૂબ ઉદાસ બેઠેલા જોયા. હું તેમની બાજુમાં બેઠો હતો. તેઓ બોલ્યા, “બેટા, હવે મારું આ દુનિયામાં શું કામ ? શું મારે જીવવું જરૂરી છે ?”

સ્વપ્નમાં મેં જોયું કે પિતાજીની વાત સાંભળી મારું મોઢું ઉતરી ગયું હતું. પરંતુ બીજીજ ક્ષણે મેં ઘરમાં આવેલી તમામે તમામ જૂની વસ્તુઓ ઉઠાવીને બહાર ફેંકવા માંડ્યો. આ જોઈ મારા પિતાજીએ ગુસ્સાથી મને પૂછ્યું, “બેવકૂફ આ શું કરે છે ?”

મેં કહ્યું, “પિતાજી, આ બધી વસ્તુઓ જૂની થઇ ગઈ છે. એટલે હવે તે આપણા માટે નકામી છે બસ એટલે જ તેમને ઘરમાંથી કાઢી બહાર ફેંકી રહ્યો છું.”

સ્વપ્નમાં દેખાતા મારા પિતાજી આ સાંભળી બોલ્યા, “આ બધી વસ્તુઓ જૂની છે એટલે જ તો કિંમતી છે. ઓલ્ડ ઈઝ ગોલ્ડ... પેલી જૂની તસવીરની કિંમત તું જાણે છે ?”

મેં હસીને કહ્યું, “પિતાજી, ઓલ્ડ ઈઝ ગોલ્ડ એ હું સારી રીતે જાણું છું. પરંતુ શું તમે એ વિષે જાણો છો ? માતાશ્રીના અવસાન બાદ આ ઘરને... આ પરિવારને... તમારી તાતી જરૂરિયાત છે. તમે જ જો હતાશ રહેશો તો કેવી રીતે ચાલશે ?”

આ સાંભળી મારા પિતાજી સ્તબ્ધ થઇ ગયા અને મને વળગીને તેઓ રડી પડ્યા.

આ સ્વપ્ન જોઈ મેં સંતોષથી આંખો ખોલી. મને મારા પિતાજીને સાચો માર્ગ દેખાડવાની દિશા મળી ગઈ હતી પરંતુ સ્વપ્નને વાસ્તવિકતામાં બદલવું કેવી રીતે ? જો સ્વપ્નની જેમ હું ખરેખર ઘરની જૂની વસ્તુઓ ફેંકવા માંડું તો મારા પિતાજી મને ઘરમાંથી ઊંચકીને બહાર ફેંકી દે ! અચાનક મારા મગજમાં એક ઝબકારો થયો. હું મારા મસ્તિષ્કમાં સ્ફૂરેલી યોજના અંગે વિચારીજ રહ્યો હતો ત્યાં વડીલશ્રી હરેન્દ્રભાઈ મારા ઘરે આવ્યા. મને આમ વિચાર કરતો જોઈ તેમણે મને પૂછ્યું, “માય ડીઅર બોય, નવી વાર્તા વિષે વિચારે છે કે શું ?”

હરેન્દ્રભાઈને જોતા જ મારા મસ્તિષ્કમાં ચમકારો થયો. અગાઉ તેઓએ સુચવેલી દિશાને કારણે આજે મને માર્ગ જડી ગયો હતો.

મેં ઉસ્તુકતાથી કહ્યું, “કાકા નવી વાર્તા વિષે નહીં પરંતુ શોર્ટ ફિલ્મ વિષે વિચારી રહ્યો છું.”

“અરે વાહ! આખરે તેં મારું કહ્યું માન્યું ખરું. પણ તારી શોર્ટફિલ્મનો વિષય શું છે?”

હું તેમના ચરણસ્પર્શ કર્યા અને રાતે જોયેલા સ્વપ્ન અંગે તેમણે જણાવતા કહ્યું, “કાકા, હું મારા સ્વપ્ન પર એક શોર્ટ ફિલ્મ બનાવવા માંગું છું. મારા પિતાજી જો એ ફિલ્મ જોશે તો આપમેળે મારી વાતને સમજી જશે.”

“પરંતુ તારા પિતાજી શોર્ટ ફિલ્મમાં કામ કરવા તૈયાર થશે ?”

“ફિલ્મમાં મારા પિતાજીનો રોલ તમે કરી રહ્યા છો.”

“અરે વાહ! બેટા, તેં તો મારા મનની મુરાદ પૂરી કરી દીધી. હવે ખૂબ મજા આવશે.”

બસ પછી તો શું... મેં તરત સ્વપ્નમાં જોયેલી ઘટનાની સ્ક્રીપ્ટ તૈયાર કરી. ત્યારબાદ ઘણા દિવસો શુટિંગની તૈયારીઓ ચાલી અને આખરે મારી પહેલી શોર્ટ ફિલ્મ “શું જીવવું જરૂરી છે ?” ૩ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ યુટ્યુબ પર પ્રદર્શિત થઇ. મારા પિતાજી એ જયારે તે જોઈ ત્યારે ફિલ્મ બનાવવાનો મર્મ સમજી ગયા. તેઓ કંઈ બોલ્યા નહીં પરંતુ માથે વહાલથી હાથ મુકીને કહ્યું, “ખૂબ સરસ ફિલ્મ બનાવી છે.”

હરેન્દ્રકાકાના પ્રોત્સાહન થકી મેં બીજી પાંચ શોર્ટ ફિલ્મ બનાવી અને તે નાનીમોટી સ્પર્ધાઓમાં વિજયી પણ થઇ. હાલ યુટ્યુબ પર મારી એ તમામ શોર્ટફિલ્મ ઉપલબ્ધ છે.

શ્રી સંદીપભાઈ શાહ વિષે કહું તો તેઓ નાનપણમાં મારા ટીચર હતા. મને એ કહેતા ગર્વની લાગણી થાય છે કે આજે આટલા વર્ષો બાદ પણ તેઓ મારા સાથેને સાથે જ છે. તેઓ દરેક કાર્યમાં મને પ્રોત્સાહન સાથે માર્ગદર્શન પૂરું પાડે છે. તેઓના સ્વભાવને કારણે તેઓ આજદિન સુધી મારા પ્રિય રહ્યા છે. તેઓની મીઠી વાણી મારામાં ફક્ત ઉત્સાહનો સંચાર જ કરતી નથી. પરંતુ મારા માતાના અવસાન બાદ આ દુનિયામાં મારું કોઈ છે તેની પ્રતીતિ પણ કરાવે છે.

ગુરુપુર્ણિમા નિમિત મારા આ સર્વે ગુરુઓને યાદ કરીને હું ધન્યતા અનુભવી રહ્યો છું. આ સિવાય વિશ્વમાં જે કોઈ પણ વ્યક્તિ આપણને જે કાંઈ પણ શીખવે છે,

તે દરેક વ્યક્તિ આપણા માટે “ગુરુ” સમાન હોય છે. અંતે મારા આવા નાનામોટા સહુ ગુરુઓને વિનંતી કે સહર્ષ સ્વીકારે મારી આ ગુરુવંદના. 


Rate this content
Log in

Similar gujarati story from Classics