STORYMIRROR

Vrajlal Sapovadia

Classics

4  

Vrajlal Sapovadia

Classics

ગુજરાત કોલેજની ભવ્યતા

ગુજરાત કોલેજની ભવ્યતા

6 mins
624


1972ની પહેલી જૂને 15 વરસની ઉંમરે ઉચ્ચ અભ્યાસ માટે કાપડની મિલો, ગરમી અને કરકસરીયા શહેર તરીકે જાણીતા અમદાવાદમાં રાજકોટથી આવતી સૌરાષ્ટ્ર મેલમાં પ્રવાસ કરી સાંજના પ્રવેશ કર્યો ત્યારે કલ્પના પણ નહોતી આ મુલાકાત કઈ ઊંચાઈએ લઇ જશે.


બીજા દિવસે સવારે કાલુપુરથી એલિસબ્રિજ ચાલતા ચાલતા સવારના પહોરમાં ગુજરાતની પ્રથમ અને ભવ્ય એવી ગુજરાત કોલેજમાં પ્રિ સાયન્સના વર્ગમાં પ્રવેશ માટે આવ્યો ત્યારે સ્વર્ગમાં પ્રવેશવા જેટલો રોમાંચ થયો. કોઈ શહેરી એટીકેટ, શરમ કે સંકોચ વગર બેગ બિસ્તરા સાથે જ પ્રિન્સિપાલની ચેમ્બરમાં દાખલ થઈ વિદ્વાન અને ઉદારદિલ પ્રો વી. જે. ત્રિવેદી સાહેબને જાણે બકાલું લેવાનું હોય તેટલી સહજતાથી મેં પ્રવેશ માટે વાત કરી તો એમને સહેજ મલકીને કહ્યું બાજુમાં ઓફિસમાં ક્લાર્કને મળી ફોર્મ ભરી દે. પ્રવેશ ટકાવારી ઉપર મળશે અને નોટિસ બોર્ડ ઉપર લિસ્ટ મુકાય પછી ફી ભરવાની રહેશે, મેં પૂછ્યું નોટિસ બોર્ડ ક્યાં છે?  પ્રિન્સિપાલ સાહેબને દયા આવી કે કદાચ મને કઈ કોલેજ કે પ્રવેશ અંગે ગતાગમ નથી લાગતી એટલે એસ.એસ.સી.માં કેટલા ટકા છે એમ પૂછ્યું ને મેં ટકા કહ્યા એટલે પટાવાળાને બોલાવી ફોર્મ મંગાવી એડમિશન ઓ.કે. કરી તરત જ ફી ભરાવી દીધી ને મારા વતન અંગે પૃચ્છા કરી જાણી લીધું કે હોસ્ટેલમાં પણ પ્રવેશ લેવાનો છે. રેક્ટર ભટ્ટ સાહેબને બોલાવી રૂમ પણ ફાળવી દીધો. મારી પાછળ આવેલ મારા કેટલાક ઓળખીતા મિત્રોને કોલેજમાં એડમિશન ના મળ્યું તો કેટલાકને હોસ્ટેલમાં ના મળ્યું એટલે છોડીને જતા રહ્યા.


હજી ઝેરોક્ષનો પણ વ્યાપક પ્રવેશ નહોતો થયો એટલે માર્કશીટ અને સ્કુલ લિવિંગ સર્ટિફિકેટના કોરા ફર્મા મળે તેમાં માર્ક્સ અને વિગત હાથથી લખી ને કે ટાઈપ કરી પ્રિન્સીપાલની સહી કરાવી ટ્રુ કોપી કરવી પડતી. ક્યાંક ક્યાંક ઝેરોક્ષની દુકાન મળે તો પોસાય નહિ. મારી પાસે માર્કશીટની કોપી હતી પણ સ્કુલ લિવિંગ સર્ટિફિકેટની કોપી નહિ. ક્લાર્કે માંગી ને મેં ઓરિજિનલ આપી દીધી તે એની ગેરહાજરી આજ દિન સુધી સાલે છે! આજની જેમ ફોટા ન તો પ્રવેશ વખતે માંગતા કે ના તો પરીક્ષામાં. એ વિશ્વાસ નો જમાનો હતો કેમ કે લોકો ચોરી નહોતા કરતા.  


1860 આસપાસમાં સ્થપાયેલી અને 40 એકરમાં ફૅલાયૅલી કોલેજ બ્રિટિશ રાજમાં બંધાયેલી અને તેનું વિક્ટોરિયા કાળનું સ્થાપત્ય અતિ ભવ્ય એમ એનો ગૌરવવંતો ઇતિહાસ રહેલો છે. કોલેજની જમીન અને મકાન બનવવા સખાવત સર ચિનુભાઈ માધવલાલ સાહેબે આપેલી. કોલેજના મુખ્ય દરવાજેથી જ બંને બાજુ વિશાળ વૃક્ષ અને ફૂલછોડથી હાર ચાલુ થઇ જાય. થોડું ચાલો એટલે સામે જ ઓફિસનો બ્લોક અને બંને બાજુ મકાનોની હારમાળા દ્રશ્યમાન થાય. પ્રિન્સીપાલની ઓફિસ પહેલા માળે અને ચડવા માટે વિક્ટોરિયા સ્ટાઈલની સર્પાકાર સીડી.


એ સમયમાં કોલેજમાં સાયન્સ, આર્ટસ અને પ્રિ મેડિકલના વર્ગ ચાલે અને મુખ્ય દરવાજા સિવાય ત્રણ નાના દરવાજા હતા. મુખ્ય મકાનથી 300-400 મીટર દૂર 1910 આસપાસ બંધાયેલી બે માળની હોસ્ટેલ. સાયન્સના દરેક વિષય માટે એક અલાયદો બ્લોક જેમાં થિયેટર ટાઈપના વર્ગો, લેબોરેટરી અને નાના નાના લેક્ચર માટેના રૂમો. પિરિયડ બદલાય એટલે વચ્ચે 10 મિનિટનો સમય ગાળો જેમાં વિદ્યાર્થીઓએ એક બ્લોકમાંથી બીજા બ્લોકમાં જવાનું. આ વ્યવસ્થાથી કંટાળો દૂર થઇ જાય. એક એક વિષય માટે 5-6 પ્રોફેસર અને દરેક વિષયનો અમુક જ ભાગ ભણાવે. પ્રિ સાયન્સના બે વર્ગ અને દરેકમાં 150-160 વિદ્યાર્થી. દરેક ક્લાસના નાના ગ્રુપ બનાવી વધારાના ટ્યૂટોરિઅલ ક્લાસ લેવાય જેમાં જુનિયર પ્રોફેસર ભણાવે અને કોઈ મુશ્કેલી હોય તો દૂર કરે. ટ્યૂટોરિયલ માટે વળી જુદો જ બ્લોક. સવારનો પહેલો વર્ગ પ્રાર્થનાથી થાય અને ગીતાના શ્લોકની કેસેટ વાગે ને કોલેજનું વાતાવરણ મધુર બની જાય.


કોલેજને વિશાળ મેદાન જેમાં ક્રિકેટ અને બીજી રમતો રમાય તે ઉપરાંત બહારની ટીમો પણ રમવા આવે. નાના મેદાનમાં એન.સી.સી. ની પરેડ અમને પ્રો જે. જે. દેસાઈ કરાવે જે અમને બાયોલોજી ભણાવે તથા 1995માં ગુજરાત કોલેજમાં પ્રિન્સિપાલ પણ બન્યા હતા.


ગુજરાતની પ્રથમ કોલેજ હોવાના નાતે તે સમયના નામાંકિત લોકો ગુજરાત કોલેજના વિદ્યાર્થી રહ્યા તો એના અધ્યાપકો પણ પ્રથમ પંક્તિના કવિઓ, આગેવાનો અને

વૈજ્ઞાનિકો રહ્યા. કોલેજમાં ઉમાશંકર જોશી જેવા મહાન કવિ ભણેલા તો વિક્રમ અને અંબાલાલ સારાભાઈ, ઇન્દુલાલ યાજ્ઞિક, શેઠ કસ્તુરભાઈ લાલભાઈ, ભારતના લોકસભાના પ્રથમ સ્પીકર માવલંકર, કવિ નાનાલાલ, આનંદશંકર ધ્રુવ, વિદ્યાગિરિ નીલકંઠ પણ ગુજરાત કોલેજના વિદ્યાર્થી.


1942માં હિન્દ છોડો આંદોલનમાં ગાંધીજીએ અહીં જાહેર સભા કરેલી અને અનેક વિદ્યાર્થીએ સક્રિય ભાગ લીધેલો જેમાં વિનોદ કિનારીવાલા શાહિદ થયેલ જેમનું પૂતળું આજ પણ લો ગાર્ડન વાળા રોડ તરફ પડતા નાના દરવાજા પાસે મોજુદ છે. આ પૂતળાની નજીક મારા જીવનની એક યાદગાર પળ જોડાયેલી છે. 1973ના માર્ચમાં અમારી વાર્ષિક પરીક્ષા હતી. મારો પરીક્ષા આપવાનો નંબર સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં હતો. ત્યારે એ.એમ.ટી.એસ. ની બસો બહુ માર્યાદિત રૂટ ઉપર ચાલે અને રીક્ષા અમને પોસાય નહિ એટલે પરીક્ષા દેવા બધા ચાલતા જ જાય. કોઈ વળી સાયકલ ભાડે રાખે પણ આખી કોલેજમાં કોઈ પાસે વાહન નહિ. અમારા પ્રિન્સિપાલ કાળા રંગની 5207 નંબરની ફિયાટ લઇને આવે તો એમનો વટ ગવર્નર જેવો પડે. મોટા ભાગના પ્રોફેસર સાયકલ ઉપર આવે. તે સમયમાં ગુજરાતમાં પાણીના પરબ ઠેર ઠેર જોવા મળે પણ મને પહેલું પેપર આપવા જતી વખતે નવા જ પરબના દર્શન થયા. ગરમીમાં ચાલતો જેવો હું વીર વિનોદ કિનારીવાળાની ખાંભી પાસે પહોંચ્યો ને એક અજાણ્યા સજ્જને મને રોક્યો અને પૂછયું તારો નંબર ક્યાં છે? મેં બીતા બીતા કહ્યું સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં. સજ્જને કહ્યું સ્કૂટરમાં બેસીજા હું તને ઉતારી દઈશ અને હું આ સેવા માટે જ અહીં ઉભો છું! આ હતું ત્યારના ગુજરાતનું ખમીર. 


કોલેજના મુખ્ય દરવાજા સામે કોલેજીઅન રેસ્ટોરન્ટ અને થોડે દૂર મહેતા રેસ્ટોરન્ટ જે આખી રાત ખુલ્લું રહેતું એટલે રાતે જાગીને વાંચવા વાળા અને ચાના બંધાણી રાતે મહેતા રેસ્ટોરન્ટ આવતા જતા રહે. શહેરની વસ્તી હજુ માંડ 5 લાખ હતી અને શહેરમાં 70 મિલો રાત દિવસ ધમ ધમે છતાં નહિ ટ્રાફિક કે ઘોંઘાટ. દરેક ચૂંટણી ની મત ગણતરી ગુજરાત કોલેજમાં થતી.


હોસ્ટેલની બાજુમાં નાની લાઈબ્રેરી અને રેડિયો જ્યાં વિદ્યાર્થી ક્રિકેટનો કોમેન્ટ્રી સાંભળે. હજુ ટી.વી. નો પ્રવેશ નહોતો. વિદ્યાર્થી જ જમવાની મેસ સંભાળે, જેમ  ટી.વી. નહોતા એમ ભ્રષ્ટાચાર પણ નહોતો જેથી અમારું એક મહિનો જમવાનું બિલ આવતું રૂપિયા 60. ગુજરાત કોલેજના વિદ્યાર્થી હોકીમાં અવ્વલ કહેવાતા તો ગુજરાતના તે સમયના રણજી ટ્રોફીના ક્રિકેટરો કોઈ ને કોઈ રીતે ગુજરાત કોલેજ સાથે સંકળાયેલ હોય. ગાંધી હોલમાં આર્ટ્સના વિદ્યાર્થી નાટક શીખે અને નાટકો ભજવાય પણ ખરા. તે સમયની અમદાવાદની અને ગુજરાતની શ્રેષ્ઠ કોલેજ હોવાના નાતે, પરીક્ષા વખતે અને દર વર્ષે પરિણામ આવે એટલે કોલેજ છાપામાં ચમકે ત્યારે ન તો ઈન્ટરનેટ હતું ન તો કમપ્યુટર તેથી કોલેજના પરિણામ દરેક મુખ્ય છાપામાં આવે. છાપું લેવું પોસાય નહિ એટલે અમે ફેરિયા આગળ છાપું જોઈ, કિંમત પૂછી, પરિણામ જોઈ ને છાપું પાછું આપી દઈએ.


ઘણા બધા પ્રોફેસર નામાંકિત હતા તેમાં એક નામ ફિઝિક્સના પ્રોફેસર ઈ. એમ. બલસારા સાહેબનું લેવું પડે. ભણાવવામાં ખુબ સરસ અને એટલા રમુજી કે બીજા ક્લાસની 'નો મૂડ સ્ટ્રાઇક' હોય તો પણ સાહેબ નું લેક્ચર ફૂલ જાય. એટલું જ નહિ થોડા ઘણા તો બહારના વિદ્યાર્થી ક્લાસમાં બેસી જાય. ગણિતના પ્રો સ્વામિનારાયણ એ જમાનામાં ખુબ વિદ્વાન ગણાય અને એ પણ એટલા જ રમુજી. સાયન થિટા ને કૉસ થિટા ભાણવતા મુન્શી સાહેબ ને બાયોલોજીના ગુપ્તે સાહેબને પણ યાદ કરવા પડે. ઉમાશંકર જોશી નિવૃત થયા પછી પ્રિન્સિપાલ ત્રિવેદી સાહેબ થોડો ટાઈમ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ રહ્યા. તેઓ અંગ્રેજીનાં અધ્યાપક હતા અને ઘી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં કટાર લેખક હતા. ટી.વી. ની એંસીના દાયકામાં શરૂઆત થઇ ત્યારે ત્રિવેદી સાહેબ અનેક ચર્ચામાં ભાગ લેતા અને તેમની પ્રવાહી અંગ્રેજી સાંભળવાની બહુ મઝા આવતી.  


1974-75માં જૂનું એસ.એસ.સી. બંધ થયું એટલે પ્રિ સાયન્સ અને પ્રિ મેડિકલ પણ બંધ થયું. કોલેજની શાન અને શાખ ઘટતી ગઈ. કોમર્સ કોલેજ પણ ચાલુ થઇ અને સરકારનો હસ્તક્ષેપ વધી ગયો. ખબર નહિ હવે ગુજરાત કોલેજની ભવ્યતા કેવી હશે !


Rate this content
Log in

Similar gujarati story from Classics