વ્યર્થશાસ્ત્રી નું અર્થશાસ્ત્ર
વ્યર્થશાસ્ત્રી નું અર્થશાસ્ત્ર


સુકો દુકાળ પડે ને ખેડૂતો સરકાર પાસે વળતર માંગે. લીલો દુષ્કાળ પડે એટલે તો વળતર માંગવાનું જ હોય. સરકાર દર વરસે એટલા પૈસા ક્યાંથી લાવે? ઉપરથી ગામડે ગામડે સર્વે કરવાનો! વગર ખેતરે ગયે સર્વે કરવામાં તલાટીની જમાતનો અમૂલ્ય સમય વેડફાય. વિચાર્યા વિના કોમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી કરવા ઓછાંમાં ઓછી 10-20 સેકન્ડ તો લાગે જ. એટલો સમય શેર બઝારમાં વાપરે, ફેસબુક અપડેટ કરવામાં, રીલ બનાવવામાં, જોવામાં, કે ખેડૂતને રાહ જોવામાં વાપરે તો એનો બેડોપાર થઈ જાય. રાહ જોઈ થાકેલો ખેડૂત 200-500 રૂપિયા આપીને જાય. ગામ, તાલુકા, જિલ્લાના ડેટા ભેગાં કરી કોને કેટલું વળતર આપવાનું તે નક્કી કરવામાં સમય જાય, રાજકિય દબાણ સહન કરવાનું ને ઉપરથી બદનામ કરે!
વરસમાં ત્રણ વખત તો ગામે ગામ અને તાલુકાનું દુકાળના નામે માંગણું ઊભું જ હોય. ચોમાસામાં લીલો દુકાળ અને શિયાળા-ઉનાળામાં સુકો દુકાળ દર વરસે પડે. ખેડૂતો વળતર માંગે તે તો ઠીક છે પણ વળતર કેટલું મળે તે ખેડૂતે શું વાવ્યું હતું કે વાવવાના હતાં એનાં ઉપરથી નક્કી થાય. હવેનો ખેડૂત આધુનિક અને સાહસિક એટલે નવા નવા પ્રયોગો કરે, નવું નવું વાવેતર કરે. રવિ પાક અને ખરીફ પાકમાં મગફળી, કપાસ, શાકભાજી, કઠોળ, ફળ તો કોઈક ખેડૂત જ વાવે. દુકાળ પડશે એવી ભંભાલાલની આગાહી આવે એટલે ખેડૂતો ચંદન, કેસર, સોનું, ચાંદી, યુરેનિયમ તો વાવે, પણ કેટલાક તો એટીએમ મશીન વાવે. લોકલ એટીએમ હોય તો તો નુકશાની અંદાજવામાં બહું વાંધો ન આવે સીધા રૂપિયા વળતર પેટે આપી શકે પણ આધુનિક યુગમાં ખેડૂત ઇન્ટરનેશનલ હોય એટલે અમેરિકન એટીએમ હોય તો વળતર પેટે ડોલર આપવા પડે, લંડનનું હોય તો પાઉન્ડ, યુરોપનું હોય તો યુરો! જેણે યુરેનિયમ વાવ્યું હોય એનાં માટે તો CTBT અંતર્ગત અમેરિકાને પૂછવું પડે. ચંદન વાવ્યું હોય તો તો વીરપ્પનને લોકલ કોલ કરી પૂછી લઈએ.
સરકરશ્રીના ધ્યાનમાં આવ્યું કે AI ની મદદથી આ વિશાળ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલો પ્રશ્ન ઉકેલી શકાય કે કેમ? AI આવો જટિલ પ્રશ્ન તો ઉકેલી શક્યું નહીં પણ એણે સુઝાવ આપ્યો કે કોઈ વ્યર્થશાસ્ત્રી ખોળી કાઢો અને લીલા અને સુકા દુકાળની વ્યાખ્યા બદલી નાખો.
અંતે ઘણી મહેનત અને ઓળખાણ પછી વ્યર્થશાસ્ત્રી મળી ગયાં. સરકારે ન્યુઝ પેપરમાં જાહેરાત આપી. સિલેક્શન કમિટી બનાવી. હજારો ઉમેદવારોએ અરજી કરી. AI ની મદદ લઇ ઉમેદવારોનું શોર્ટ લિસ્ટિંગ થયું. ઇન્ટરવ્યૂમાં કઈં પૂછવાનું નહોતું, ઉમેદવારનું વજન ઓછામાં ઓછું હોય અને બેગનું વજન વધુમાં વધુ હોય એવા ઉમેદવારને પસં
દ કરવાનો હતો. અને ૪૫ વર્ષના ૨૦ કિલો વજન ધરાવતા ઉમેદવાર જેની પાસે ૭૦૦ કિલો બીટકોઈન ભરેલી બેગ હતી તેમની સર્વાનુમતે પસંદગી થઇએણે ભાષામાં ગ્રેજ્યુએશન, ગણિતમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું, લોજીકમાં ડિપ્લોમા અને રાજકારણમાં PHD કરેલું હતું. એનો શોધ નિબંધ "જૂઠ આત્મસાત કરવા માટે સહસ્ત્ર પ્રયોગ" ઉપર હતો જે નોબેલ પ્રાઈઝ માટે વિચારણાધીન હતો.
વ્યર્થશાસ્ત્રી પોતાની ફરજ માટે પ્રતિબદ્ધ હતાં. એણે દેશભરમાં પ્રવાસ કર્યો, અગાઉના વરસોનાં દુષ્કાળનો અભ્યાસ કર્યો. અથાગ પરિશ્રમ કરી એક ફોર્મ્યુલા ઘડી કાઢી. પરંપરાગત તો કોઈ સર્વસંમત ઉકેલ હાથવગો હતો નહીં, એણે out of box વિચારી દુકાળની વ્યાખ્યા જ બદલી નાખી. એ વ્યાખ્યામાં આવતાં ખેડૂતોને નુકશાન પેઠે 200% વળતર આપવાનું કહ્યું.
કોઈ પણ વિસ્તારમાં જો ઝીરો એટલે કે શૂન્ય ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો હોય તો તે વિસ્તારના ગામોમાં સુકો દુષ્કાળ પડ્યો છે તેમ ઠેરવવામાં આવશે. અને કોઈ વિસ્તારના ગામોમાં જો એક દિવસમાં હજાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો હોય તો લીલો દુષ્કાળ પડ્યો છે તેમ ઠેરવવામાં આવશે. આખો પ્રોજેક્ટ ઓટોમેટિક હતો. હવામાન વિભાગના ડેટા બઈઝમાં ખેડૂતે શેનો પાક વાવ્યો હતો કે ખાલી વાવવાનો પ્લાન હતો એટલું લખે એટલે ખેડૂતના બેંક એકાઉન્ટમાં વળતર પેટે આપવાની રકમ જમા થઈ જાય. દરેક બેંકને પાણીનાં કનેક્શન જોડે એક મેઈન સેન્ટ્રલ કનેક્શન આપેલું જે દેશનાં નાણાં મંત્રાલયમાં થઈ ટંકશાળ જોડે જોડેલું હતું.
વ્યર્થશાસ્ત્રીની સલાહ પ્રમાણે નવી દુષ્કાળ વળતરની નીતિ જાહેર થઈ પછી જ્યારે જ્યારે દુકાળ પડ્યો હતો ત્યારે ચાલું વરસાદે જ લીલા દુકાળની રાહત મળી જાય અને સુકા દુકાળમાં તો વાત જ પૂછો નહીં, ભંભાલાલ આગાહી કરે કે આજે શૂન્ય ઇંચ કરતાં ઓછો વરસાદ પડશે એટલે ખેડૂતોને બખ્ખા પાકી જાય, એડવાન્સમાં વળતર પેટે પૈસા મળી જાય!
આ પોસ્ટ-PHD શોધ નિબંધ અને બોલ્ટ ફ્રોમ થી બ્લ્યુ સેવા કાર્ય માટે વ્યર્થશાસ્ત્રીને વ્યર્થમાં નોબેલ પ્રાઈઝ વિજેતા જાહેર કરવામાં આવ્યા!! નોબેલ ઇનામ લેવાં માટે વ્યર્થ શાસ્ત્રીને ગામને છેડે આવેલા સ્ટોક-હોમ બોલાવવામાં આવ્યા જ્યાં ઘણાં બધા જર્જરિત હોમનો સ્ટોક હતો. અન્ય નો-બેલ વિજેતા લોકો હાજર હતા જેમની પાસે બળદ નહોતા એટલે તેઓ નો-બેલ હતા. વ્યર્થશાસ્ત્રીને એક કોરો સફેદ કાગળ આપ્યો જેના ઉપર મોટામોટા સાંઢ દોરેલા હતા અને ફૂટનોટમાં લખેલું હતું કે આ બળદ નથી (નો-બેલ),પણ સાંઢ છે.