વ્યાખ્યાની કમાલ
વ્યાખ્યાની કમાલ


વ્યાખ્યાની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. ઘઉંનાં લોટની વ્યાખ્યાની જ વાત કરો ને! વ્યાખ્યા જરૂર પડે ત્યારે backward integration કરીને ને પણ થાય અને forward integration કરીને પણ થાય. વ્યાખ્યા સીધી સટ પણ થાય અને વાંકચુંકી કે ભદ્રંભદ્રના શબ્દમાં પણ થાય.
ઘઉંનો ભુક્કો કરીને કે દળીને કે ખાંડીને બનાવવામાં આવતો ભૌતિક પદાર્થ એટલે ઘઉંનો લોટ. આ વ્યાખ્યા backward integration વાળી સીધી સાદી વ્યાખ્યા થઈ. Forward integration વાળી વ્યાખ્યા ક્યો વિદ્વાન કરે છે તેનાં ઉપર આધાર રાખે. કોઈ કહે જે સફેદ પાવડર જેવાં અનાજના પદાર્થમાંથી રોટલી બને તેને ઘઉંનો લોટ કહે છે. તો વળી કોઈ એમાંથી ભાખરી, તો કોઈ પૂરી ને ઉદ્યોગપતિ હોય તો બિસ્કીટ કે બ્રેડ બનાવવાની વાત કરે. બહું મોટાં વિદ્વાન ઘઉંનું રસાયણ વિજ્ઞાન કે ભૌતિક ગુણધર્મોનાં આધારે વ્યાખ્યા કરે.
દુઃખનું મૂળ વ્યાખ્યા છે. સુખનું મુળ પણ વ્યાખ્યા જ છે. વ્યાખ્યા દરેક ક્ષેત્રની સમસ્યા ક્ષણમાં હલ કરી શકે છે. પહેલાં પ્રતિ કલાક 10 કિલોમીટરની ઝડપે વાહન ચલાવો તો એ ઝડપી વાહન ગણાતું. અત્યારે પ્રતિ કલાક 200 કિલોમીટર ચાલતું વિમાન પણ ગોકળ ગાય જેવું ગણાય. સમય જતાં ખ્યાલ બદલાતા રહે. વિજ્ઞાન, ટેકનોલોજી, સમજ અને સમાજ બદલાય એટલે ખ્યાલ બદલાય, વ્યાખ્યા બદલાય. પહેલાંના જમાનામાં અડધું મોઢું કે માથું ખુલ્લું રહે તો પછાત અને છાકટા ગણાતા. હવે પૂરા કપડાં પહેરે તો અતિ પછાત અને ગોબા ગણાય. એટલે ખ્યાલ અને વ્યાખ્યા બદલવાથી સુખ મળે તો વ્યાખ્યા શું કામ ન બદલવી જોઇએ?
સુખ અને દુઃખ વ્યાખ્યા જ નક્કી કરે છે. અત્યારે 80-120 બીપી હોય કે 100 સુગર હોય તો વ્યક્તિ સ્વસ્થ કહેવાય. આની પાછળનું કારણ તમને ખબર છે? કારણ કે ડોક્ટરો બીપી કે ડાયાબિટીસની વ્યાખ્યા જ એમ કરે છે. કોઈ દેશમાં ડાયાબિટીસનાં બહુ કેસ હોય અને સરકારને બદનામિમાંથી બચવું હોય તો બે રસ્તા છે. પહેલો રસ્તો બહું અઘરો છે, બધાં દરદીને ખોળી કાઢો, ચેક કરો, દવા આપો અને સતત નિરંતર કાળજી રાખો. આમાં મહેનત અને પૈસા બેઉ જોઈએ. બીજો રસ્તો સહેલો છે. સુગર 500-700 સુધી નોર્મલ કહેવાય એ રીતે નવી વ્યાખ્યા બનાવી દયો. નવી વ્યાખ્યા ગેઝેટમાં પ્રસિદ્ધ થાય ને દેશનો ડાયાબિટીસ રેકોર્ડ સન્માનજનક થઈ જાય.
ગરીબ દેશ માટે તો આ સલાહ બહુ મહત્વની છે. ગરીબી કંઈ અનાજ, ઘર, કમાણી કે બીજી પાયાની સગવડોને કારણે થોડી છે? ગરીબીની વ્યાખ્યા અનેક છે. વિશ્વ બેંક પ્રતિ દિન 2.15 અમેરિકન ડોલરની નીચે આવક પર જીવતાં લોકોને ગરીબ ગણે છે. હવે આમાં ફકત ડોલરની જગ્યાએ પૈસા લખી વ્યાખ્યા બદલી નાખો એટલે ગરીબી દૂર. કોઈ વળી ગરીબી રેખા માટે જીવવા જરૂરી સગવડો પ્રાપ્ત કરી શકે તેટલાં પૈસા કમાય એવી લચીલી વ્યાખ્યા કરે છે. જરૂરી સગવડો ગામ અને શહેરમાં અલગ હોય, એક ખંડ કે દેશ માટે વિમાન પણ જરૂરી સગવડ હોય અને કોઈ દેશમાં અનાજ, ઘર, પાણી, કપડાં કે વળી હવા પણ જરૂરી નથી ગણાતી. આ વ્યાખ્યામાં તો ગરીબીની વ્યાખ્યા બદલવાની પણ જરૂર નથી, ફકત જરૂરી સગવડમાં શું ગણાય એનું નોટીફિકેશન બહાર પાડો એટલે કામ પત્યું. ગરીબી હટાવવા નીતિ બહાર પાડો, ખર્ચ કરો, મહેનત કરો અને વરસે માંડ 2-5 ટકા ગરીબી હટે એનાં કરતાં વ્યાખ્યા બદલવા ફકત નિષ્ણાતોની કમિટી બને, રિસર્ચ પ્રમાણે વ્યાખ્યા બદલો અને ગરીબી દૂર!
ફુગ
ાવાનું પણ એવું જ છે. દર મહિને જાતજાતની ચીજ વસ્તુઓનાં ભાવ જાણવાના, ગણતરી કરવાની અને મોંઘવારીના દર જાહેર કરવા માટે કેટલો ખર્ચ કરવાનો! મોંઘવારી વધે તો પાછી કર્મચારીને પગાર વધારો આપવાનો. ભાવનો તો સ્વભાવ જ છે વધવાનો, ઉપર જવાનો. એમ તો પતંગ પણ ઉપર જાય છે, ઉંમર પણ કાયમ વધે જ છે? કોઈની ઉંમર ઘટી હોય એવું સાંભળ્યું છે તમે કોઈ દહાડો? તો એમાં તો આપણે નથી માપતા પતંગની ઊંચાઈ કે વધતી ઉંમર, તો મોંઘવારી ઉપર જાય એમાં માપવાની જરૂર જ ક્યાં છે? અને થોડી ઘણી શબ્દોની માન મર્યાદા પણ રાખવી જોઈએ ને? ફુગાવા શબ્દમાં ફુગ્ગો સમાયેલો છે, તો ફુગાવાની વ્યાખ્યા પ્રમાણે કામ લેવું જોઈએ. ફુગાવો માપવા માટે ફુગ્ગો ઉડાડવાનો અને જો ફુગ્ગો 31 માર્ચ સુધી હવામાં સતત ઉપર ઉડે તો એટલી ઊંચાઈ જેટલો ફુગાવો વધ્યો ગણાય. બાકી જો ફુગ્ગો ફૂટી જાય અને તે આખો કે ટુકડાં નીચે પડે તો ફુગાવો ઘટ્યો કહેવાય.
જે દેશમાં નોબેલ પારિતોષિક પ્રાપ્ત થતા નથી એમણે નોબેલ પારિતોષિક વિજેતાનો રાફડો ફાડી શકાય, ફકત વ્યાખ્યા બદલવાથી. નોબેલ એટલે નો-બેલ, જેની પાસે બળદ નથી તેવી વ્યક્તિ. પણ આપણે કંઈ બેઈમાની નથી કરવાની. જેની પાસે બળદ હોય તેને ગમે તેટલી લાગવગ હોય પણ નો-બેલ પારિતોષિક નહીં આપવાનું. પારિતોષિક જોઈએ તો છાનોમાનો પણ બળદ રાખી શકાય નહીં. નિયમ એટલે નિયમ. સાચું ખોટું કામ કરીને દુનિયામાં ડંકો વગાડ્યો હોય તો એ શું કામનું?
સાક્ષરતા દર અંગે પણ તમે દુનિયાની ટોચ ઉપર પહોંચી શકો. નિશાળે જવાથી જ થોડાં સાક્ષર થવાય છે? આમેય શાળા કોલેજો ભણાવે જ એવું પણ ક્યાં હોય છે. ઘણી શાળામાં ભણવા અંગે કે ભણાવવા અંગે ખ્યાલ હોતો જ નથી. શિક્ષકો હોય નહીં, બ્લેક બોર્ડ ના હોય, પુસ્તકો ના હોય, શિક્ષકો હોય તો ભણાવતા ના હોય, વગર પરીક્ષાએ આગલા વરસમાં ચડાવતા હોય, પેપર ફૂટી જાય, ડુપ્લીકેટ માર્કશીટ મળતી હોય વગેરે વગેરે. એનાં કરતાં તો સાક્ષરતાની વ્યાખ્યા જ બદલી દયો! દુનિયામાં સાક્ષરતાની ઢગલાં બંધ વ્યાખ્યા છે. એક વ્યાખ્યા આપણે વધારી દઈએ તો આભ ફાટી પડવાનું નથી. આપણે સાક્ષરતાની કોઈ વ્યાખ્યા બદલવાની જરૂર નથી. દુનિયા આખી માટે આપણો પડકાર છે, તમે દુનિયાની કોઈ પણ નહીં બધી જ વ્યાખ્યા લઇ લો. આપણે ખાલી વ્યાખ્યામાં ઉમેરો કરવાનો છે. ઉમેરો તો સુધારો કહેવાય. સુધારો તો કાયમ સારો જ હોય. આપણે સાક્ષરતાની વ્યાખ્યામાં ઉમેરી દેવાનું કે જે આ વ્યાખ્યા પ્રમાણે સાક્ષર નથી તે નિરક્ષર ગણાશે અને બધાં જ નિરક્ષર સાક્ષર ગણાશે. 100% સાક્ષરતા! દુનિયાના કોઇ પણ દેશ કરતાં વધારે સાક્ષરતા!
વ્યાખ્યાનું વિજ્ઞાન સમજી લઈએ. આજ સુધીમાં પદાર્થના ચાર પ્રકાર જાણવા મળે છે: પ્રવાહી, ઘન, વાયુ અને પ્લાઝ્મા. વ્યાખ્યા પાંચમો પ્રકાર છે. વ્યાખ્યા અલગ અલગ જગ્યાએ, અલઅલગ સમયે, અલઅલગ વ્યક્તિ માટે અલગઅલગ તો રહેશે જ પણ તે ઉપરના ચાર પ્રકારમાં ગમે ત્યારે પરિવર્તિત થઈ શકે.
છેલ્લે વ્યાખ્યાની વ્યાખ્યા બદલી દેવી જોઇએ કે જે અમે કરીએ તે વ્યાખ્યા, બાકી બધું ભ્રામક! તમારી કોઈ પણ વ્યાખ્યા અમને સ્વીકાર્ય નથી. સર્વભોમત્વની સાચી વ્યાખ્યા જ આ છે. આપણે પારદર્શક વહીવટ કરવો જોઈએ એટલે ઠેર ઠેર શિલાલેખ કોતરી લખવું જોઈએ કે અમારી દરેક વ્યાખ્યા લોકો માટે, લોકો વડે અને લોકોથી વ્યાખ્યાયિત કરવામાં આવી છે. કોઈ પણ વ્યાખ્યા ગમે ત્યારે બદલી શકાશે.