રેવડી કલ્ચર અને લિકવીડ કરન્સી
રેવડી કલ્ચર અને લિકવીડ કરન્સી


ચૂંટણીઓ જાહેર કરવામાં આવી અને વચનોની લ્હાણી કરવા હોડ જામી. જાપ પાર્ટીએ જાહેર કર્યું અમે મહિલાઓને દર મહિને 2000 રૂપિયા સીધા બેંક એકાઉન્ટમાં જમા કરાવી દઈશું. જપો જાપ પાર્ટી કહે અમે દર મહિને મહિલાને 2500 રૂપિયા અને મહિલા ના હોય તેને 5000 રૂપિયા ઘરે જઈ રોકડા પહોંચાડીશું. તપો અને તાપો પાર્ટી એનાંથી એક કદમ આગળ વધી. તેમણે દરેક મહિલાને રૂપિયા 3000, મહિલા ના હોય તેને 10,000 રૂપિયા અને જે આવતાં સાડા નવ મહિનામાં જન્મવાના હોય તેને 11000 રૂપિયા નળ દ્વારા ઘરે પહોંચાડીશું.
તપો અને તાપો પાર્ટી ઉપર બીજાં પક્ષોએ આક્ષેપ કર્યો કે નળ દ્વારા મની ઘરે કેવી રીતે પહોંચે, આ તો ખાલી જુમલબાજ પાર્ટી છે. જવાબમાં પાર્ટીના પ્રમુખે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે અમે કરન્સી ઉપર રિસર્ચ કર્યું છે કાંઈ એમ ને વાતો નથી કરતાં. હાર્ડ કરન્સીમાં નોટો સડી જાય, ડિજિટલ કરન્સી માર્કેટમાં ફ્રોડ, ક્રીપ્ટો કરન્સી વોલેટાઇલ હોય એટલે અમે કરન્સી લિકવીડ એટલે કે પ્રવાહી બનાવી દરેકનાં ઘરે નળ દ્વારા પંહોચાડશું. નળમાં પાણી આવે કે ન આવે પણ ફ્રી રેવડી પહોંચે તે માટે નીતિ બનાવીશું. કોઈ મહિનામાં સરકારને પૈસાની તંગી હોય તો ફકત ટેમ્પેરેચર ઘટાડો એટલે પ્રવાહી થીજી જાય અને વળતર બંધ!
કોઈ પાર્ટી વળી કહે અમે દરેક બેકારને દર મહિને રૂપિયા 25000 આપીશું તો બીજી પાર્ટી કહે અમે બેકાર હોય તેને તો દર મહિને 30000 રૂપિયા આપીશું પણ જે લોકો કામ કરતા હોય તેને પણ કર્મશીલ ભથ્થું દર મહિને 40000 રૂપિયા આપીશું.
એક પાર્ટીએ ગેસ ફકત 500 રૂપિયામાં સિલિન્ડર આપવાનું વચન આપ્યું, તો વિરોધી પાર્ટીએ ગેસ મફત આપવાનું, સગડી વાપરે તો દર મહિને 1000 રૂપિયા, પ્રાયમસ વાપરે તો 2000 રૂપિયા, ચૂલો વાપરે તો 3000 રૂપિયા અને આખો મહિનો ઉપવાસ કરે તો દર મહીને 5000 રૂપિયા!
મહિલાઓ માટે બસમાં મુસાફરી મફત કરનાર પક્ષને ટક્કર આપવા બીજાં પક્ષે કહ્યું અમે દરેક નાગરિકને એક એક બસ અને પેટ્રોલ ફ્રી આપીશું. ત્રીજા પક્ષે એમાં ઉમેરો કર્યો કે અને ડ્રાઈવર પણ ફ્રી આપીશું અને બસમાં જમવાનું પણ કોમ્પ્લીમેટ્રી ફ્રી.
ખેડૂતોને દર મહિને રૂપિયા 5000 આપવાની એક પક્ષે જાહેરાત કરી ત્યાં બીજાં પક્ષે કહ્યું અમે ખેડૂતને દર મહિને 10000 રૂપિયા, મજૂરને 15000 રૂપિયા આપીશું. ત્ર8જ પક્ષે જાહેરાત કરી કે અમે આ ઉપરાંત દરેક ચાસ દીઠ રૂપિયા 1000 સબસિડી અને ખેતર કોરું ધાકોર રાખનાર ખેડૂતને દર મહિને રૂપિયા 50000 આપવાની જાહેરાત કરી દીધી.
વિદ્યાર્થીને ભણે તો
દર મહિને રૂપિયા 5000 અને કોઈ પણ પ્રકારની ફી ભરવાની પ્રક્રિયામાં મુક્તિ આપવાની એક પક્ષે જાહેરાત કરી દીધી તો બીજાં પક્ષે કહ્યું જે વિદ્યાર્થી એડમિશન લેવા માટે જાય જ નહીં તો દર મહિને રૂપિયા 10000 અને જો કોઈ વિદ્યાર્થી એડમિશન મળે પછી ભણવા જ ન જાય તો રૂપિયા 25000 આપવાની જાહેરાત કરી. કોઈ વિદ્યાર્થી પાસ થતાં જ તેનાં ખાતામાં 50000 રૂપિયા જમા થઈ જશે. કોઈ વિદ્યાર્થી નાપાસ થાય તો આશ્વાસન રૂપે રૂપિયા 1 લાખ આપવામાં આવશે.
શિક્ષકો માટે પણ આકર્ષક સ્કીમ હેઠળ જો ભણાવે તો દર મહિને રૂપિયા એક લાખ ભણાવવાનું ભથ્થું, નહીં ભણાવવાનું બે લાખ રૂપિયા અને નિશાળ કે કોલેજ ઉપર આવે જ નહીં તો ત્રણ લાખ રૂપિયા ગેરહાજર રહેવા માટે ભથ્થું આપવાનું વચન આપ્યું.
મહિલા જો ઘરે રસોઈ બનાવે તો કદર રૂપે મહિને રૂપિયા 5000 અને રસોઈ બનાવે જ નહીં તો પ્રદૂષણ નિયંત્રણ માટે રૂપિયા 10000!
એક પક્ષ વળી ખૂબ વિચારશીલ નીકળ્યો. એનાં વચન જુવો,
વાહન ચલાવો એટલે તમે પ્રદૂષણ ભલે ફેલાવો, પણ ઠંડી ઓછી કરો છો તો એના માટે વાહન ચાલકો માટે મહિને રૂપિયા 25000 અને ચાલતાં ચાલતાં ઓફિસ જાઓ તો રૂપિયા 50000 માસિક આપવાનું વચન આપ્યું.
બીજાં એક પક્ષે કુટુંબ નિયોજન ઉપર વચનો આપી લહાણી કરી. દરેક બાળકના જન્મ દીઠ બાળકને માસિક 5000 હજાર, માતાને 10000 અને પિતાને 15000. કુટુંબ નિયોજન ઉપર રૂપિયા 1 લાખનું સાલિયાણું અને કુંવારા રહ્યા તો દર મહિને રૂપિયા 2 લાખનું સાલિયાણું. વિરોધ પક્ષના પ્રચાર માટે નવો મસાલો મળી ગ્યો, કે આમાં તો છોકરાં છોકરી લગ્ન જ નહીં કરે, કુંવારા રહેશે, એનાં 2 લાખ અને મૈત્રી કરાર કરી જોડે રહેશે.
એટલા બધાં લોકો માટે કેટલી જાતની રેવડી સ્કીમ! બેંકો વાળાએ માસિક પેમેન્ટ માટે હાથ ઊંચા કરી દીધા હતાં એટલે દેશનાં પાટનગરમાં લીકવિડ કરન્સીનો ટાંકો બનાવ્યો અને ઘર દીઠ પાણીનાં નળ દ્વારા કનેક્શન આપી દરેકને સમયસર વળતર મળી જાય એની વ્યવસ્થા કરવામાં આવી. રદ્દી નોટો, બેંક ફ્રોડ અને ચેક રિટર્ન જેવાં પ્રોબ્લેમ થતાં બંધ થઈ ગયા.
ચૂટણી પૂરી થઈ ગઈ અને ત્રણે પક્ષને સરખી સીટ મળી. સંપીને ત્રણેય પક્ષે સરકાર બનાવી. ત્રણ મુખ્ય મંત્રી, દરેક પક્ષનો એક, એમ નાણાં પ્રધાન પણ ત્રણ! રોજ ત્રણ શિફ્ટ, દરેક આઠ કલાક ફરજ બજાવતા, ટેબલ પણ એક, નીચેનું ખાનું જાપ પક્ષનું, વચ્ચેનું ખાનું તાપ પક્ષનું અને ઉપરનું ખાનું તપો અને તાપો પક્ષનું. વિરોધ પક્ષ જ નહીં તો પછી વિરોધ કેવો ને વાત કેવી?