અનીતિ ઉપર સરકારની નીતિ
અનીતિ ઉપર સરકારની નીતિ


સરકાર ઉદ્યોગ માટે નીતિ બનાવે, ઉદ્યોગ માટે જમીન ભાડાપટ્ટે મેળવવા અંગે નીતિ બનાવે, ઉદ્યોગને નાણાં મળી રહે તે હેતુથી બેંકો માટે નીતિ બનાવે, ખેડૂતો માટે નીતિ બનાવે, સિંચાઇ માટે નીતિ બનાવે, પાક વીમા યોજના માટે નીતિ બનાવે, નવી શિક્ષણ નીતિ બનાવે ને સાચું પૂછો તો જાત જાતની નીતિઓ બનાવે.
કેટલી નીતિઓ બનાવવી, ક્યારે બનાવવી, કોના માટે નીતિ બનાવવી, કોને અને કઈ રીતે બનાવવા અને નીતિ કેવી બનાવવી એનાં માટે નીતિ આયોગ બનાવ્યું. આ નીતિ આયોગ ઓલ્યા NITI આયોગથી અલગ જે આયોજન પંચને નેસ્ત નાબુદ કરી બનાવ્યું.
નીતિ આયોગનો મુળ હેતું તો કોઈ ક્ષેત્રના લોકો નીતિ અનીતિનો ભેદ સમજી સરકારની જે તે બાબતમાં શું નીતિ છે તે સમજી શકે અને તે મુજબ કામ કાજ કરે. સરકાર નીતિ અંગે પણ ચોખવટ કરે કે નીતિ અંગે સરકારની શું વ્યાખ્યા છે અને અનીતિ અંગે પણ.
નીતિ આયોગ બનાવ્યું તો ખરું જેથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ મુદ્દા અંગે નીતિ બનાવી શકાય, પણ હજું સુધી સરકારે અનીતિ અંગે કોઈ નીતિ બનાવી નથી.
નીતિથી કામ કરો તો તમારો ધંધો સીમિત થઈ જાય. અનીતિ ને કોઈ મર્યાદા નથી નડતી. નીતિ અનીતિ વચ્ચે પાતળી રેખા છે. તો સરકારે આ રેખા બે ચાર ફૂટ દૂર ખસેડી દેવાની ની
તિ અપનાવવી જોઈએ જેથી ધંધા રોજગાર વધે. દર વરસે 2-4 ફૂટ વધારે તો કોઈને આંચકો લાગે નહીં ને જોત જોતાંમાં GDP ડબલ થઇ જાય.
એક જમાનામાં અફીણ ગાંજો ચરસ ખાવું સામાન્ય અને કાયદેસર હતું. તપ કરવા માટે આ તો આવશ્યક હતું! તો એ જમાનામાં અફીણ ખાવું અનીતિ નહોતું. એવી તો ઘણી બધી બાબતો સમાજમાં ચાલતી હોય અને તે અંગે કોઈ કાયદો કાનૂન નિયમ ના હોય, ત્યાં સુધી નીતિ મુજબ જ હતું. સમાજ અને સરકાર વ્યાખ્યા કે નિયમ બદલે એટલે ઘણી બધી બાબતો નીતિમાં થી અનીતિ અને અનીતિમાં થી નીતિ બની જાય. એટલે ટુંકમાં આ બધો મનનો ખ્યાલ છે. સરકાર ને સમાજ સમજી શકે તો ધરમૂળથી પરિવર્તન લાવી શકાય. બધું જ જે અત્યારે અનીતિ વાળું ગણાય છે તે નીતિમય બની જાય અને ઘણી ઝંઝટ ખતમ થઈ જાય.
સરકાર અનીતિ ઉપર એની નીતિ જાહેર કરે અને જથ્થાબંધ છૂટછાટો જાહેર કરે તો દેશ પ્રવૃત્તિથી ધમધમવા લાગે. સરકારના કેટલાં ખાતા, કર્મચારી, સાધનો નીતિ અંગે નીતિ અમલ કરવા રોકાયેલ છે તે મુક્ત થઈ જાય અને તેમને બીજાં રચનાત્મક એવાં કાર્યમાં લગાડી શકાય. અનીતિ અંગે ઉદાર નીતિ હોય તો મોટાભાગની પ્રવૃત્તિ નીતિમય બની જાય અને બેકાર સહિતની વસ્તી કામમાં એકાગ્રતા કેળવે, ઉત્પાદન વધે અને બેકારી ઘટે, મોંઘવારી વધે તો પણ કોઈને નડે નહીં.