પરીક્ષા નહીં લેવાનાં ફાયદા
પરીક્ષા નહીં લેવાનાં ફાયદા


પરીક્ષા એટલે માથાનો દુઃખાવો. વિદ્યાર્થી બિચારા આખું વરસ મહેનત કરે ફેલ થવા માટે અને ખાલી પેપરમાં બધું ખાલી રાખે તો પણ પાસ થઈ જાય અને પરિણામ આવે એટલે તેને આશ્ચર્ય તો થાય પરંતુ એનાં કરતાં દુઃખ વધું થાય. કુદરતને ત્યાં ન્યાય નથી એવી લાગણી બંધાય જાય. કોલેજો પેપરમાં પૂરતાં વિકલ્પ આપે, 10માં થી 5 જ પ્રશ્ન લખવાના હોય, આચાર્ય દયાળુ હોય એટલે પ્રોફેસરોને કીધું હોય કે પ્રશ્નો સહેલાં કાઢજો. અઘરા પ્રશ્ન હોય ને વિદ્યાર્થી વિરોધ કરે તો કોલેજની બદનામી થાય. એવાં પ્રોફેસરોને છૂટા કરવા પડે, એનાં પૂતળાં તો બળે પણ આચાર્યના પૂતળાં પણ વગર વાંકે બળે. એનાં કરતાં સહેલું પેપર કાઢવું બધાં લોકો માટે સારું. ઘરે આવી છોકરાં કહે મારું પેપર સારું ગયું તો મા બાપ કેટલાં ખુશ થાય? વિદ્યાર્થીને એમ થાય કે શિક્ષક બહું સારા છે. ભણાવવામાં પોતાને શ્રમ પડે નહીં અને વિદ્યાર્થીને પણ મુશ્કેલી પડે નહીં. કોલેજનું રેન્કિંગ પણ ઊંચું આવે, આગલા વર્ષે બહું જ બધાં એડમિશન થાય તો બધાનો ધંધો ચાલે.
પ્રોફેસરે પણ ઉદારતા રાખી most important પ્રશ્નો આપ્યાં હોય, મોડેલ સોલ્યુશન પણ આપ્યાં હોય. આખું વરસ ભલે ક્લાસ ના ભર્યાં હોય, વાંચ્યું ના હોય પણ પરીક્ષા પહેલાં ચિઠ્ઠીઓ તૈયાર કરી હોય. પરસેવે રેબઝેબ થઈ જાય પણ ઉદ્યમ પરાયણતા અને કઠોર પરિશ્રમ કરી, ઝીણાં ઝીણાં અક્ષરથી આંખો ખેંચી ચિઠ્ઠી લખી હોય. ચિઠ્ઠી સંતાડવા કપડામાં લપેટીને અને શરીરમાં ખોસી હોય. અને વાત એટલેથી થોડી પતી જાય! કયા પ્રશ્નનો જવાબ ક્યાં સંતાડ્યો એ યાદ નહીં રાખવાનું? એ કંઈ સુપરવાઈઝર થોડાં યાદ રાખે! બહું બહું તો ચાલું પરીક્ષામાં સુપરવાઈઝર આંખ આડા કાન કરે.
મમ્મીએ ગોળ ધાણા ખવડાવી પરીક્ષા દેવા મોકલ્યાં હોય એટલે શુકન સાચવવાની જવાબદારી તો કોલેજોએ નિભાવવી પડે. સરકાર પણ દયાહીન હોય ને ક્યાંક ક્યાંક ફલાયિંગ સ્કવોડ મોકલે. આમ તો આગોતરી જાણકારી મળી જાય એની વ્યવસ્થા ગોઠવી દીધી હોય એટલે બધાંને ખબર પડી જાય કે મર્યા! આમ તો નસીબ વાંકા હોય તો જ ફલાયિંગ સ્કવોડ આવે. અને આ તો ખરેખર સ્કવોડ આવી! 10-20 મિનિટ પેપરમાં ચોરી કરવાં નહીં મળે એની ચિંતામાં વિદ્યાર્થી અડધાં થઈ ગયા.
પેપર પૂરા થાય એટલે કોડિંગ કરે એટલે કોઈ પરિણામમાં ચંચુપાત કરી શકે નહીં. પેપર જોવાના શરૂ થાય ત્યારે પ્રોફેસરોને નાસ્તા જમવાની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવે. લાલ લીલી પેન આપવામાં આવે. યુનિવર્સિટીનો સર્ક્યુલર આવે કે ગયાં વરસે અમુક વિદ્યાર્થી, વાલી અને પરીક્ષકોને કડક પરિણામને કારણે ખુદકુશી કરવી પડી હતી, માટે પેપર તપાસવામાં ઉદારતા રાખવી. વિદ્યાર્થી પ્રશ્નનો જવાબ સાચો અને પૂરો લખે એવી અપેક્ષા નથી રાખવાની. એકાદ વાક્ય લખ્યું હોય તો પૂરા માર્કસ આપવાના, એક શબ્દ લખ્યો હોય તો 90 ટકા અને પ્રશ્ન નંબર લખ્યો હોય તો 60 ટકા.
પેપર જોવાય જાય પછી પરિણા
મ જોતાં ખબર પડે કે 95% નાપાસ થયાં છે એટલે કુલપતિ તરફથી બધાં વિદ્યાર્થીને દરેક વિષયમાં 10 માર્ક ગ્રેસ આપવાનો સંદેશ આવે. અઠવાડિયા પછી ખબર પડે કે હજું 60% વિદ્યાર્થી નાપાસ થયા છે એટલે ઉપકુલપતિ 5 માર્ક ગ્રેસ આપે. છતાંય હજું અડધો અડધ વિદ્યાર્થી નાપાસ હોય એટલે પરીક્ષા નિયામક બીજાં 5 માર્કસ ગ્રેસ આપે. એ પછી પણ ત્રીસ ટકા વિદ્યાર્થી નાપાસ થયા હોય એટલે કોર્ડીનેટર હજું 5 માર્કસ અપાવે. હજી પણ વીસ ટકા નાપાસ! આચાર્ય કહે 5 માર્કસ મારા તરફથી આપી દયો ને પછી પરિણામ ચેક કરો. હવે ફકત 10% જ નાપાસ હતાં. છેલ્લે પરિક્ષકને સત્તા આપવામાં આવી કે 5 માર્કસ તો તમે પણ આપી શકો છો. પાસ થવાનું કંઈ સહેલું નથી. ઓછામાં ઓછાં 100માં થી 35 માર્કસ લાવવા પડે નહીં તો રી-ટેસ્ટ આપવી પડે. હજું 2-4 ટકા વિદ્યાર્થી અભાગ્યા હોય જેણે પોતાનો રોલ નંબર જ ખોટો લખ્યો હોય. આવાં નિર્દોષ વિદ્યાર્થીના નિશ્વાસ ના લાગે એટલે પેપર ખોલાવી ચેક કરવાની જોગવાઈ તો હોય જ. અને નસીબ તો પણ સાથ ન આપે તો પ્રમોશન માટે અરજી કરવી પડે. આવાં વિદ્યાર્થીઓએ કાંઈ નાપાસ થવા ઓછી મહેનત નથી કરી હોતી. બિચારા સહાધ્યાયીનાં મહેણાંટોણાં, મા બાપ નો ઠપકો અને ગર્લ ફ્રેન્ડ કરતાં પાછળ રહી જાય એનું દુઃખ!
રાજ્ય બહું પ્રગતિશીલ, ઉદારવાદી અને આધુનિક. વિદ્યાર્થીઓને વિકલ્પ આપવામાં આવ્યો. પહેલું, ઝીરો બેઝડ બજેટની જેમ ઝીરો બેઝડ પરિણામની પદ્ધતિ અપનાવી. ઝીરો માર્કસ આવ્યા એટલે પાસ. બીજું, વિકલ્પે વિદ્યાર્થીને બાલમંદિરથી Ph.D. સુધી પરીક્ષામાંથી મુક્તિ.
વિદ્યાર્થી તો ચિંતા મુક્ત થઈ ગયા પણ પરિક્ષકોનું શું? બિચારા આખું વરસ પગાર મેળવે અને અમથાં અમથાં પેપર કાઢવાના, ક્યારેક વળી તપાસવાના. એટલે પછી એક સંશોધન પ્રમાણે એવું પ્રતિપાદિત કર્યું કે પરીક્ષા લો કે પછી ના લ્યો, વિદ્યાર્થીને કોઈ જ ફરક નથી પડતો. પરીક્ષા નહીં લેવાનાં ફાયદા કેટલાં? કાગળ બચે, વીજળી, ઈન્ટરનેટ અને AI નો ઉપયોગ શેર બઝાર થી માંડી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, લિંકડીન, રીલ બનાવવામાં, યુ ટ્યુબ જોવામાં કરી શકાય. અઘરા પ્રશ્ન પૂછવાની બદનામીમાંથી પરીક્ષક બચી જાય, નાસ્તા પાણીના પૈસા બચે! વિદ્યાર્થી તો આમેય પરીક્ષાના આગલા દિવસે જ મહેનત કરે, પણ વાલી, મા બાપ આખું વરસ ચિંતા મુક્ત થઈ જાય. જોકે ડોકટરને ધંધામાં ફટકો પડે. ખોટાં મેડિકલ સર્ટિફિકેટ બનાવવાનો ધંધો મોળો પડે, રક્ત દબાવ નાં દર્દી ઓછા મળે. પેપર ફોડવા વાળા તો ભૂખે મરી જાય. પોલીસને પણ પેપર ફોડવા વાળા પકડવાની સેવાનો લાભ મળે નહીં. ખૂદકુશી થાય એનાં ઉપર નભતાં લોકો મંદીનો શિકાર બને. જો કે સરકાર ધારે તો એવાં વ્યવસાયી માટે સ્ટીમ્યુલસ નું પેકેજ જાહેર કરી શકે. આમ પરીક્ષા નહીં લેવાનાં ફાયદા કેટલાં બધાં લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે. આખી દુનિયા પરીક્ષા લેતી હોય છે, તમે કંઈ નવું કરો તો તમારું નામ થાય એ તો લટકામાં!