છેતરપિંડીનું રાષ્ટ્રીયકરણ
છેતરપિંડીનું રાષ્ટ્રીયકરણ


આજકાલ છેતરપિંડી બહું વધી ગઈ છે. સંખ્યામાં, ગુણવત્તામાં તો અનહદ વધી અને વિવિધતાની તો ભરમાર. રોજ છાપું વાંચતા જ બે ચાર ડઝન જેટલા સમાચાર તો છેતરપિંડી અંગે જ હોય. એક બીજાને ટક્કર મારે એવા કેસ. કરોડ બે કરોડ રૂપિયાની છેતરપિંડીમાં તો ખીસકતરું ચોર પણ હાથ નથી નાખતાં. એટલી મામુલી છેતરપિંડી કરીને શું હાથમાં આવે? યુ ટ્યુબમાં જોઈને શીખવાના ખર્ચા, પોલીસનો ભાગ ને કોર્ટ કચેરી ને વકીલોની ફી! એટલી મહેનત કરી હોય અને આપણે શું કમાવાનું? અને ઉપરથી આબરૂ ગુમાવવાની? ગેરસમજણ ના થાય એટલે કહી દઉં, પકડવાની કે પોલીસ કેસ થાય છાપે ચડીએ એ આબરૂની વાત નથી, પણ આ ધંધાના હરીફો આપણી મઝાક કરે કે આવા છૂટપટીયા લોકો આવી નાની રકમની છેતરપિંડી કરી આવા કમાણીના જોરદાર સેક્ટરની આબરૂ બગાડે છે. એટલે 10 - 20 હજાર કરોડ સિવાય હાથ નહીં નાખવાનો!
ઓરીજીનલ અદાલતમાં ફૈક વોરંટ, ફૈક્ કોર્ટ ઊભી કરી ગાંધીનગરમાં 5 વરસ કાયદેસર જમીનને ગેરકાયદેસર વેચવી, ડુપ્લીકેટ ED અધિકારી બની કોઈ ધનવાનને ત્યાં રેઇડ પાડી ચોરી કરી ઓરિજીનલ ED ને જાણ કરી તોડ કાઢવો, ડુપ્લીકેટ IAS ઓફિસર બની તોડ કરવો, ડુપ્લીકેટ PMO અધિકારી બની ઓરીજનલ Z plus સિક્યોરિટી મેળવી બીજાને અસલામત બનાવી ખીસા ખંખેરવા, ફેક ડોકટર બની પ્રેક્ટિસ તો ઠીક પણ ફેક્ મેડિકલ ડિગ્રી વેચવી, ઓરિજનલ ડોકટર બની બિલ્ડર જોડે મળી હોસ્પિટલ ખોલી ફેઇક હાર્ટ સર્જરી કરી દર્દીનાં નામે સરકારને ખંખેરવા, એકના ડબલનાં નામે લોભી લોકોને જાળમાં ફસાવી બિટકોઇન માં રોકાણ કરી ફરાર થઈ જવું, અસ્તિત્વમાં ન હોય એવી જમીન વેચવી, ડિજિટલ એરેસ્ટ કરી પૈસા પડાવવા જેવા કિસ્સા આવે એટલે માથું ચકરાવે ચડી જાય.
આમાં ગભરાવાની જરૂર નથી. ન તો સરકારે ન પ્રજાએ. આમાં પોઝિટિવ જોવાની જરૂર છે. કેટલાં લોકોને રોજી રોટી મળે? ED અધિકારી બનવા તાલીમ લેવી પડે, કપડાં ED ઓફિસર જેવાં સિવડવવા પડે, ખોટાં ID બનાવવા પડે, લાલ લાઈટ વાળી ગાડી તૈયાર કરવી પડે, ને શું નું શું ના કરવું પડે?
આંખની તકલીફ હોય એનું હૃદય ચિરવું કંઈ સહેલું થોડું છે? હોસ્પિટલનાં માલિક અને ડોકટરનું હૃદય મજબૂત કરવું પડે, મરઘાં કે પછી દર્દી પકડવા કેમ્પ કરવાં પડે, સરપંચ જેવા આગેવાનોને પૈસા દઈ સાચવવા પડે, ખોટી લેબોરેટરી ઊભી કરવી પડે. કેટલી રોજગારી ઊભી થાય?
આમ દરેક છેતરપિંડી કેટલી મૌલિકતા ધરાવે? રોજ છાપામાં આવે તો છાપા વેંચાય, તંત્રીએ બીજાં સમાચાર શોધવાં ના પડે, લોકો કંઈ મૂરખ થોડાં છે?
એક ને એક બીબાઢાળ છેતરપિંડી કરે તો થોડાં કોઈ જાળમાં ફસાય? નિષ્ણાતોએ રોજ નવા નુસ્ખા અપનાવવા તાલિમ લીધી હોય, નવા તુક્કા લડાવી છેતરપિંડીના નવા મોડેલ બનાવવા પડે, કાર અને મોટર સાયકલની જેમ કે પછી મોબાઇલ અને સોફ્ટવેરની જેમ નવા વર્ઝન. ટૂંકમાં છેતરપિંડીનાં ધંધામાં સ્કોપ તો બહું છે, રોજગારી મળે છે અસંખ્ય લોકોને!
સરકારે આમાં કમાણીની તક જોવી જોઈએ અને છેતરપિંડીનાં ધંધાને માત્ર ધંધા કે ઇન્ડસ્ટ્રી તરીકે જોવું જોઇએ. છેતરપિંડી તો એક ભ્રમ છે. નાની મોટી છેતરપિંડી તો વળી કહેવાતા વેપારી ક્યાં નથી કરતા? થોડું મોટું દિલ રાખી આ મર્યાદા ઉઠાવી લેવી જોઈએ. પહેલો ફાયદો તો એ થાય કે કેટલાં બધાં લોકો બિચારા ગુનેગારની બદનામીથી બચી જાય! શબ્દકોષ અને કાયદામાંથી છેતરપિંડી શબ્દ કાઢી નાખી 'અતિ મૂલ્ય વર્ધિક સેવા' શબ્દનો ઉમેરો કરવો જોઈએ. બીજાં ધંધા વાળા મર્યાદિત મૂલ્ય સેવા આપે અને પૈસા કમાય, છેતરપિંડી વાળા 3-4 ગણું કરવાની લાલચે તો મરઘાં ઉર્ફે ગ્રાહક પકડે છે, તો સવાલ તો ફકત મર્યાદાનો જ છે.
બીજો ફાયદો આ ધંધાને કાયદેસર રીતે ચાલું કરવાથી ઘણી કંપની આમાં ઝંપલાવશે, રોકાણ આવશે, ફોરેનની કંપનીઓ આવશે, ઇન્ટરનેશનલ R & D આવશે, નવું infrastructure ઊભું થશે, કદાચ નવી કોલેજો કે યુનિવર્સિટી ઉભી થઈ જાય જે ફકત છેતરપિંડી ઉપર જ ફોકસ કરે, છેતરપિંડી ઉપર સેમિનાર ને કોન્ફરન્સ થાય, જ્ઞાન આદાન પ્રદાનના કાર્યક્રમ થાય, સરકારને ટેક્સ મળે, GST તો ખરો પણ આવક વેરો, મિલકત વેરો, એસ્ટેટ વેરો અને સેસ તો લટકામાં, જોકે સરકારે સેસ ઉપયોગ ઈમાનદારીથી છેતરપિંડીના વિકાસ માટે જ વાપરવો જોઈએ. બજેટમાં જેમ જેન્ડર બજેટ હોય તેમ અલગ છેતરપિંડી બજેટ અલોકેટ કરી આદર્શ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ.
છેતરપિંડી કરવાંના ધંધા માટે નોંધણી કરવા એક પોર્ટલ ઊભું કરવું જોઈએ. કઈ કેટેગરીમાં નોંધણી કરાવવી તે પહેલેથી જ નક્કી કરી અલગ રેન્જ આપવી જોઈએ, કોટેજ ઇન્ડસ્ટ્રી 5 કરોડ સુધી છેતરપિંડી કરી શકે, માઇક્રો ઇન્ડસ્ટ્રી 25 કરોડ સુધી, સ્મોલ ઇન્ડસ્ટ્રી 100 કરોડ સુધી, મધ્યમ કદના ઉધોગો 1000 કરોડ સુધી અને કોર્પોરેટ કંપનીઓ કોઈ પણ પ્રકારની અને કોઈ પણ રકમની છેતરપિંડી કરી શકે તે માટે લાયસન્સ આપવા જોઈએ.
સરકારે આમાં પોતાનું પ્રદાન ઉમદા બને, અને એય કંઇ છેતરપિંડીના ઓછા નિષ્ણાત નથી તે સાબિત કરવા માટે આ બધાં નોંધાયેલ ધંધાનું 1 વરસ પછી રાષ્ટ્રીયકરણ કરી ગુનેગારોને પકડી લેવાં જોઈએ.