Vrajlal Sapovadia

Classics Inspirational Children

4  

Vrajlal Sapovadia

Classics Inspirational Children

ભાર વગરનું ભણતર

ભાર વગરનું ભણતર

10 mins
558


પાંચેક વર્ષની ઉંમરે મને અને મારા મોટા ભાઈને વીસમી જૂન ઓગણીસો બાસઠ અષાઢી બીજના દિવસે ફળિયાનાં છોકરાઓ જોડે મારા બાએ અમને નિશાળે પ્રવેશ માટે મોકલ્યાં. નાનડિયાની તાલુકા શાળાના આચાર્ય શ્રી મનસુખ જોશી જેને બધાં ચોટી સાહેબ તરીકે ઓળખતા, તેમણે અમારા વારાફરતી નામ પૂછ્યા અને અમારી માપ સાઈઝ જોઈને બંને ભાઈની જન્મ તારીખ લખી શાળામાં પ્રથમ વર્ષમાં દાખલ કર્યા. સાચી જન્મ તારીખ કોલેજના બીજા વર્ષમાં હતો ત્યારે ઓગણીસો તોતેરમાં બાપુજીએ ભગવદ્દ ગીતાના પુસ્તકમાં સાચવેલ કાગળ બતાવ્યો ત્યારે ખબર પડી. એ ચિઠ્ઠીમાં બધા ભાઈ બહેનના જન્મ સમય, મિતિ, તિથિ, સંવત વર્ષ અને તારીખ વાર લખેલા હતાં. રાશી વગેરેમાં મને બિલકુલ શ્રદ્ધા નહીં પણ બાપુજીની અને મારુ નામ પડેલ તે કાબા બાપા જાનીની કસોટી કરવા ઓગણીસો નેવ્માંયાસી પહેલું કોમ્પ્યુટર લીધું તેના ઉપયોગથી અમારા બધા ભાઈ બહેનના નામ, રાશી અને જન્મ તારીખની સાથે સરખાવ્યું ત્યારે ખબર પડી કે પાંચેય ભાઈ બહેનના નામ કાબા બાપાએ વગર કોમ્પ્યુટર વાપર્યે કોમ્પ્યુટર જેટલા જ ચોક્કસાઈથી પડેલ છે અને બાપુજીએ રેકોર્ડ બિલકૂલ સાચો રાખેલ છે. 

નાનડિયાની પ્રાથમિક શાળા જે ગામનાં ઝાંપામાં દાખલ થતાં પંચાયતના મકાનની સામે આવેલા બ્રિટિશ સમયમાં બાંધેલ મકાનમાં હતી. આ જ શાળામાં મારા દાદાએ 1900 આસપાસ બીજા ધોરણ સુધી અને મારા પિતાએ પાંચ ધોરણ સુધી 1931 થી 1936 સુધી અભ્યાસ કરેલો. નંદલાલ જાની પહેલા ધોરણના શિક્ષક. ક્યારેય ભણાવ્યું હોય એવું યાદ નથી. પણ છોકરાઓ એનાથી જરા પણ ડરતા નહીં. બે ચાર મહિનામાં શાળાનું નવું મકાન ડાયારામ આશ્રમની નજીક તૈયાર થતાં મારો વર્ગ નવા મકાનમાં સ્થળાંતર થયો. અહીં ઠીક ઠીક મોટું મેદાન હતું અને ફરતે મેંદીની વાડ હતી. ત્યારે રોજેરોજ નહાવાનો રિવાજ નહોતો અને પાણીની અતિશય તંગી હતી. બા અમને રોજ માથામાં કોપરેલ તેલ અચૂક નાખી વાળ ઓળી આપતાં. કોઈ કોઈ શિક્ષક પગમાં સ્લીપર, ચપ્પલ કે પગરખાં પહેરતાં. બાકી બધા ઉઘાડે પગે જ આવતાં. 'ઈશનું રાજ છે આખું' પ્રાર્થનાથી દિવસની શરૂઆત થતી. ઘોંઘાટમાં પ્રાર્થના કે વર્ગનું શિક્ષણ કાર્ય ભાગ્યે જ સંભળાતું. વિદ્યાર્થીઓ દફતર હાથમાં લઇ મારામારી કરવાના દ્રશ્ય સામાન્ય હતા. વર્ગમાં 40-50 છોકરા અને 7-8 છોકરી ભણતી એવું યાદ છે. કપડાંની થેલી, સ્લેટ અને સ્લેટ-પેન ને પાટી સાફ કરવા પાણીની શીશી એટલે દફતર. ખિસ્સામાં મગફળી હોય તે રિસેસમાં ખાવાની. લેશન અને પરીક્ષા વખતે બે વિદ્યાર્થી એકબીજાની પીઠ અડકાડી ઉલ્ટા મો રાખી બેસતાં. 

બીજા ધોરણમાં કાંતિભાઈ ધારેક અને ચોથા ધોરણમાં રાણાભાઇ બારોટ મારા વર્ગ શિક્ષક. બંને વર્ગમાં શરૂથી અંતઃ સુધી કોઈ એક વિષયનો પાઠ વાંચી જાય. થાકે એટલે એકાદ વિદ્યાર્થીને ઉભો કરી વંચાવે. ક્યારેક વળી આખેઆખો પાઠ પાટીમાં લખવાનું કહી પોતે ખુરશી ઉપર બેસી જાય. વિદ્યાર્થી ધમાલ બોલાવે, ધીંગામસ્તી ને મારામારી કરે ને બે ચારને સાહેબના હાથના ભાઠા પણ પડે. નિશાળમાં મુતરડી કે પીવાના પાણીની વ્યવસ્થા હોય તેનું સ્મરણ નથી પણ અમે એક આંગળી ઊંચી કરી પેશાબ, બે આંગળી ઊંચી કરી સંડાસ અને પંજો ઊંચો કરી અંગૂઠો દબાવી ઘરે જમવા જવાની રજા માંગતા. સંડાસ પેશાબ માટે મઢી પાસે નાનો અવેડો હતો ત્યાંથી પાણી ભરી ખૂલ્લા ખેતરમાં દોટ મૂકતા. 

એકાદ બે વર્ષમાં મનસુખભાઈની આચાર્ય તરીકે બદલી થઇ અને અમૃતલાલ નાગજી ભાડલા અમારી શાળાના આચાર્ય બન્યાં. અમુભાઈ અમારા પાડોશી પણ ખરા. એમના એક મોટાભાઈ આંખે દિવ્યાંગ હતા અને એમને સંડાસ જવું હોય તો મારા નામની બૂમ પાડતા આવે ને ખુલ્લા ખેતરમાં ઝાડે ફરવા જવું છે અને મને એમનો હાથ પકડવા અને રસ્તો બતાવવા જોડે લઇ જાય. રસ્તે ઘડિયા બોલાવતા જાય ને એ રીતે મારા ઘડિયા પાકા થઇ ગયા. એમના એક ભાઈ હેમંતભાઈ મેડીકલમાં ભણે, વેકેશનમાં આવે એટલે અમારું મફતમાં ટ્યૂશન કરે. 

બાપુજી પાંચ ચોપડી ભણેલા પણ ગણિતમાં પાક્કા. અમને નિશાળમાં ઘડિયા કરાવે તે ઉપરાંત પા, અર્ધા, પોણા, સવા, દોઢ, પોણા બે અને સાડા ત્રણ જેને ઉઠા કહેવાય તેના ઘડિયા કડકડાટ બોલે એ બોલાવે. બા અને મોટા બહેન અભણ પણ અમારા એક સમયના પાડોશી ભુરાબાપા બારોટના દીકરી પ્રૌઢ શિક્ષણના વર્ગ ચલાવતા તેમાં, લખતા વાંચતા શીખેલ તેના સહારે બા અમને નાનું મોટું લેશન કરાવે. 

ત્રીજા અને પાંચમા ધોરણમાં મૂળૂ ભાઈ બારોટ અમારા વર્ગ શિક્ષક. પગે સાથળમાં ચીંટિયા ભરવાથી અને સીસમની લાકડી મારવાથી જ વિદ્યાર્થી ભણે એવી એમની માન્યતા તો ગણિતમાં ઘડિયા આવડે એટલે બધું આવડે એવી એની દ્રઢ માન્યતા. છઠ્ઠા ધોરણ સુધી તાસ કે પિરિયડ જેવી કોઈ પદ્ધતિ નહીં. સવારથી બપોર કે બપોરથી સાંજ સુધી એક જ શિક્ષક અને એક જ વિષય. મૂળૂ ભાઈ મારા પિતાના સહાધ્યાયી. શિસ્તના પાકા. એમના મારથી હું અને છોકરીઓ જ બચી જતી. 

1966 જુન મહિનામાં હું ચોથું ધોરણ પાસ કરી પાંચમા ધોરણમાં દાખલ થયો. વર્ગમાં ઉંમરમા સૌથી નાનો ને શરીરમાં ખૂબ દૂબળો. મુળુબાપા બારોટ વર્ગ શિક્ષક. સ્વભાવે બહુ કડક ને હાથમાં સીસમની સોટી રાખે. ઝીણી કાંકરી લઈ લેશન ના કર્યું હોય કે પ્રશ્નનો જવાબ ના આવડે તો, વિદ્યાર્થીઓને સાથળ ઉપર અંગૂઠા આંગળી વચ્ચે કાંકરી જોરથી દબાવે. તોફાન કરે એને સોટીથી ફટકારે.

સાહેબ ગામની શેરીમાં સામા મળે તો પણ વિદ્યાથી ડરે ને સંતાય જાય.

પોતે શાળાંત પાસ એટલે કે સાત ધોરણ જ ભણેલ. પાઠ વાંચી જાય એટલે ભણાવવાનું પુરુ. લેશનમા પાઠ લખવાના ને લેશન જુવે કલાસ મોનીટર. તોફાન કરતા આવડે એ મોનીટર થાય કેમકે એ બીજાને તોફાન કરતા રોકી શકે ને એને તોફાન કરતા શરમ નડે. મારા મોટા ભાઈ મારા જ વર્ગમાં અને તે મોનીટર એટલે મારુ લેશન એ તપાસે. ઘરે એનું લેશન પણ હું લખું ને એનું એકનુ લેશન મુળુ સાહેબ તપાસે. મારે વર્ગમાં સાહેબથી ને ઘરે ભાઈથી ડરવાનું. ઘરે એના ભાગનું કામ પણ કરવાનું ને લેશન પણ. અંશે અંશે ફાયદો એ થયો કે મને લેશન વધારે પાકું થાય.

સાહેબ કલાસમા વારાવારી રમાડે. અમારે રોલ નંબર મુજબ લાઇનમાં બેસવાનું. મારો નંબર લગભગ છેલ્લે એટલે છેક પાછળ બેસવાનું આવે. રમતમાં છેલ્લે બેઠેલ વિદ્યાર્થીએ કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન પૂછવાનો જો તે જવાબ ના આપી શકે તો એની જગ્યાએ પ્રશ્ન પુછનારે બેસવાનું. દરેક વિદ્યાર્થીનો વારો આવે એટલે આગળ બેઠા હોય તેને પ્રશ્ન પુછે. આગળના વિદ્યાર્થી ને જવાબ આવડી જાય તો પુછનારે ત્યાં જ બેસવાનું. મારો રોલ નંબર છેલ્લે એટલે મારો પ્રશ્ન પૂછવાનો વારો શરૂઆતમાં આવે. હું પ્રથમ બેઠેલ વિદ્યાર્થીને પ્રશ્ન પુછુ ને એને જવાબ ન આવડે એટલે મારે પ્રથમ નંબરે બેસવાનું. બસ, પછી આખો વર્ગ મને જ પુછે ને મને દરેક પ્રશ્ન ના જવાબ આવડી જાય. આવુ રોજ ચાલે એટલે અમુભાઈ હેડ માસ્તરને ખબર પડી. એમણે પોતે બે ત્રણ વખત હાજરી આપી ખરાઈ કરી લીધી.

પણ 1966માં તેઓ જાણી લાવ્યા કે ગાંધીજીએ નાના હતા ત્યારે 3-4 ધોરણ એક વરસમાં કર્યું હતું અને મને કહ્યું કે તું મહેનત કરે તો તને પણ એક વરસમાં બે ધોરણ કરાવીએ. મેં બીડું ઝડપી લીધું ને એક જ વરસમાં 5-6 ધોરણ પાસ કરી દીધા. ગામના બીજા ત્રણ છોકરા પણ આવી રીતે એક વરસમાં બે ધોરણ કરવામાં સફળ રહ્યા, બાપુજીએ અમુભાઈને બે ધોરણ સાથે કરવાની વાત કરી. 

1966 સપ્ટેમ્બર મા કેળવણી નિરીક્ષક ઈન્સપેક્શન કરવા આવ્યા. અમુભાઈ ખુદ પણ સાત ધોરણ ભણેલ હતા, પણ શિક્ષક પિતા નાગજીભાઈનુ ચાલુ નોકરીએ અવસાન થતા સરકારી રહેમરાહે નાની ઉંમરે શિક્ષક બનેલ. પોતે કુશળ વહીવટકર્તા હતા. કેળવણી નિરીક્ષકને પોતાની શાળાનું પ્રદર્શન બતાવવા અમુભાઈએ અમારા વર્ગની વારાવારી બતાવવાનું નક્કી કર્યું.

પાંયમા ધોરણની વારાવારીમા હું વિજેતા રહ્યો. નિરીક્ષકે ચોથા અને પાંચમા ધોરણની વારાવારી રખાવી ને એમા પણ હું વિજેતા રહ્યો. નિરીક્ષકે પાંચમા અને છઠ્ઠા ધોરણની વારાવારી સાથે રાખવા ફરમાન કર્યું. એક બાજુ રામ ને બીજી બાજુ ઘાટ જેવો માહોલ ઘડાયો. મોટા ભાગના વિદ્યાર્થીઓનું ટારગેટ હું જ રહ્યો ને હું બધા પ્રશ્ન ના સાચા જવાબ આપી વિજેતા બન્યો. નિરીક્ષક અને અમુભાઈએ મને બોલાવી કહ્યું કે તને દિવાળી પછી સીધો છઠ્ઠા ધોરણમાં લઇ લઈશું પણ જો નાપાસ થઈશ તો ફરીથી પાંચમા ધોરણમાં જવું પડશે અને એક વર્ષ બગડશે. 

છઠ્ઠા ધોરણમાં લક્ષમણભાઇ ચાવડા વર્ગ શિક્ષક હતાં. પાંચમા ધોરણના દિવાળીના વેકેશન પછી મને સીધો છઠ્ઠા ધોરણમાં પ્રવેશ મળ્યો. દિવાળીની રજાઓ પછી છઠ્ઠા ધોરણમાં ગયો તો બધું અજબગજબ લાગે. મારાથી ઉમર, કદ, વજન અને ભણવામાં એક વર્ષ આગળ હતા તેવા વિદ્યાર્થી જોડે બેસવાનું હતું. વાર્ષિક પરીક્ષા માટે 4-5 મહિનાનો જ સમય હતો ને એમ કરતા પરીક્ષા આવી ગઈ. વર્ગમાં હું પ્રથમ આવ્યો ને સીધો સાતમા ધોરણમાં બેસવાનું આવ્યું. 

1967-68માં સાતમા ધોરણમાં કનક ભાઈ ભટ્ટ વર્ગ શિક્ષક. એમની આ પહેલી નોકરી હતી અને નાનડિયા પ્રથમ પોસ્ટિંગ મળ્યું. અગતરાય પી. ટી. સી. કરેલું, હા એ વખતે અગતરાયમાં પી. ટી. સી. કોલેજ હતી. કનક ભાઈ વર્ગમાં તાસ કે પિરિયડ પદ્ધતિ લાવ્યાં. દરેક વિષય માટે અલગ અલગ સમય ફાળવ્યા. નિશાળમાં યુનિફોર્મ ડ્રેસ પહેરવાની પદ્ધતિ દાખલ કરી. દરેક વર્ગની શરૂઆત એકાદ મનોરંજક જોક્સથી કરે. પોતે પણ સુઘડ કપડાં પહેરે અને અમને પણ એનો આગ્રહ કરે. ઈસ્ત્રી કેમ કરવી તે શીખવાડે. રાષ્ટ્રીય તહેવાર ઉજવવા, સમાચાર વાંચવા, ગીત અને રમત ગમતની હરીફાઈ ગોઠવવી અને ઈતર પ્રવૃત્તિથી અભ્યાસમાં વિવિધતા લાવ્યા. અત્યાર સુધી મોનિટર વજન અને કદ ઉપર નક્કી થતાં, કનકભાઈએ મને જવાબદારી આપી, પ્રાર્થના પછી સમાચાર પણ મારે વાંચવાના. આમ તો એમની પાસે એક જ વર્ષ ભણવાનું થયું. એમની પણ વારંવાર બદલી થઇ. હું પણ નાનડિયા, રાજકોટ, અમદાવાદ અને અમેરિકા રહ્યો. આજ સુધી કાગળ, પત્ર, ચિઠ્ઠી, ફોન દ્વારા મારા સંપર્કમાં રહ્યાં. ગુરુ પૂર્ણિમાને દિવસે ઉલ્ટી ગંગા વહે. વહેલી સવારે એમનો મારા ઉપર ફોન આવે! પ્રોત્સાહિત કરે ખબર અંતર પૂછે ને ક્યારેય કોઈ અપેક્ષા નહીં. એમના અક્ષર મોતીના દાણાં જેવા મરોડદાર, શુદ્ધ ભાષા અને વ્યાકરણના આગ્રહી. મારી દીકરીના લગ્ન વખતે કનકભાઈએ આશીર્વચનની ચિઠ્ઠી લખી એક સંબંધી જોડે મોકલી, મારા બાળકો કહે આ તો પપ્પા તમારાં અક્ષર હોય એવું જ લાગે છે! 

1968માં સાતમું ધોરણ પાસ કર્યું ને નાનડિયામાં હાઇસ્કુલની સ્થાપના થઇ. ગ્રામ પંચાયતના મકાનમાં (જેને અમે ઉતારો) એક રૂમમાં આઠમું ધોરણ બેસે અને એક ઓરડામાં ઓફિસ. એ જ મકાનમાં પંચાયત, એટલે સરપંચ અને તલાટી ત્યાં બેસે એમ સહકારી મંડળી પણ ત્યાં જ. ત્યાં જ રેશનિંગની ખાંડ કે કેરોસીન મળે ને 1969 માં ગામમાં વીજળી આવી પછી ત્યાં જ લાઈટ બિલ ભરાય. ગામનાં જ બે યુવાન ગ્રેજ્યુટ એવા છગનભાઇ પરસાણીયા (સી.કે.) અને જમનાદાસ સુખાનંદી (જે.ડી.) આચાર્ય અને શિક્ષક બન્યા. અમે નવમા ધોરણમાં આવ્યા ને ગામના જ વધુ એક નવ યુવાન ગોવિંદભાઇ મકવાણા શિક્ષક નિમાયા. 

ઘણું બધું અમને નવું નવું લાગે. અમે હવે હાઈસ્કૂલમાં આવ્યા એટલે દફતર નહીં લાવવાનું, હાથમાં ચોપડા ને બેસવા માટે બાંકડા. અહીં પણ હવે તાસ કે પિરિયડ. ચોવીસેક વિદ્યાર્થી જેમાં ત્રણ બહેનો હતી. પાછળ આંબલીના બે ત્રણ મોટા ઝાડ ને બે પિરિયડ પછી નાની ને ચાર પિરિયડ પછી મોટી રીસેસ પડે. રમત ગમત માટે અલગ પિરિયડ. રમતમાં મોટા ભાગે બધા કબડ્ડી પસંદ કરે. છએક ફુટ ઊંચા ગોપાલ કરશન ભાલોડીયા અને જગદીશ મનાતર કબડ્ડી ટીમના કેપ્ટન. કિંગ ક્રોસના બદલે ઠીકરું લઇ, એક બાજુ થૂંકી મે-ઉનાળો કરે, ને જીતનાર ટિમ માટે પહેલો ખેલાડી માંગે. ગમે તે ટીમ ટોસ જીતે, પણ મને છેલ્લો માંગવામાં આવે, ને જેના ભાગમાં હું આવું એનું મોઢું ઉતરી જાય. બે વર્ષમાં મને કબડ્ડીની લાઈન ક્યાં દોરેલી છે ને મારે ક્યાં અડકીને પાછા આવવાનું તે ક્યારેય ખબર ના પડી. મેં ક્યારેય કોઈ ખેલાડી આઉટ નહીં કરેલ. આ યાદને અમે જગદીશના દુઃખદ અવસાન પહેલા 2019માં ફોન ઉપર વાતથી તાજી કરેલ.   

આઠ અને નવ ધોરણ હું નવયુગ વિદ્યામંદિર નાનડિયા ભણ્યો. એ સમયે કોઈ શિક્ષક બી.એડ. નહોતા. એકંદરે એક થી નવ ધોરણના કોઈ શિક્ષક વિદ્વાન નહોતા, પણ લાગણીશીલ જરૂર હતા. શિક્ષક પ્રત્યે માન પણ હતું અને ડરતાં પણ ખરા. નવમા ધોરણમાં અમને પ્રવાસે લઇ ગયેલા. 1969 એટલે ગાંધીજીનું શતાબ્દી વર્ષ એટલે સ્પેશ્યલ ટ્રેન નીકળેલ. પાંચ રૂપિયામાં અમને પહેલા દિવસે જૂનાગઢ, બીજા દિવસે ચોરવાડ અને ત્રીજા દિવસે સોમનાથ લઇ ગયેલ. ગિરનાર, અશોકના શિલાલેખ, શારદાગ્રામ અને સોમનાથ મંદિર બતાવેલ. ત્રણે જગ્યાએ થિએટરમાં સિનેમા અને ધર્મશાળામાં રહેવાનું. બસમાં મુસાફરી અને વેરાવળ પાસે સ્પેશ્યલ ટ્રેન અને અંદર પ્રદર્શન. પાછા આવ્યા ને બે માઠા સમાચાર સાંભળ્યા. એક તો પ્રવાસના બજેટમાં ખાધ આવી, દરેકને વધારાના 40 પૈસા આપવાના આવ્યાં. બાને વાત કરી. બંને ભાઈના 80 પૈસા આપવાના થાય. બા કહે તારા બાપુજીને કહેતા નહીં, હું વ્યવસ્થા કરી દઈશ. બીજું, અમારી ભેંસને હડકવાનો રોગ થયો, જોકે ભેંસ સરવાળે બચી ગઈ અને 1980 સુધી જીવી. 

ભણતરનો કોઈ ભાર નહોતો કેમકે અમે એ સિવાય એટલો ભાર વેંઠતા. સવારે 4 વાગે ઉઠવાનું, 4-5 ઘરે અંધારામાં છાશ લેવા જવાનું, 5 વાગે માથે સૂંડો ઉપાડી છાણ મેરવવા નાનડિયાથી બાંટવા બાપુના ઓરડા સુધી જવાનું. હાથ પગ ધોઈ જો બપોરની નિશાળ હોય તો ગાગર, હાંડો ને સીંચણ લઇ પાણી ભરવા જવાનું, ને નહીંતર નિશાળે જવાનું. બપોરે નિશાળેથી આવી ખેતરે જવાનું ને સાંજે પાણી ભરી ને દીવાને અજવાળે વાંચવાનું કે લેશન કરવાનું. વેઢા જેટલી માટીની પેન થઇ જાય ને હાથમાં પકડવી મુશ્કેલ બની જાય ત્યારે નવી પેન લેવાની. ઉઘડતા વેકેશને આગળ વર્ષના જુના ચોપડા કોઈને વેંચવાના ને આગળ વર્ષના જુના ચોપડા ખરીદવાના. નવા પુસ્તક તો કોર્સ બદલાય ત્યારે જ લેવાના. નોટમાં પેન્સિલથી લખવાનું ને સાહેબ લેશન તપાસી લ્યે એટલે કોઈકના સ્લીપરના રબ્બરથી નોટ ભૂંસી નાખી ફરી વાપરવાની. ને અમને એનો ક્યારેય વસવસો નહોતો. કૈક ખૂટે છે એવું ક્યારેય મહેસૂસ થયું એવું યાદ નથી. અને ભણતરનો મોટામાં મોટો પાઠ તો આ જ હતો જેણે અમને પીછેહઠ કાર્ય સિવાય ઝઝૂમવાની તાકાત આપી, આત્મ વિશ્વાસ આપ્યો ને કઈં અશક્ય નથી તેવી ભાવના મજબૂત બનાવી. ઊંચું લક્ષ, હાર ના માનવી અને સતત ખંત કરતો રહેવો એ સ્વભાવનો ભાગ બની ગયો. નવું કરવું ને ઉપયોગી બનવું એ જીવન મંત્ર બન્યો. નિશાળ અને સગવડો તો નિમિત્ત બની શકે પણ તમારું તકદીર તમારે જ ઘડવું પડે અને તે સતત પ્રયત્નથી જ થાય, એનો કોઈ ટૂંકો રસ્તો નથી. 


1970ના મે મહિનાની 22 તારીખે લિવિંગ સર્ટિફિકેટ કઢાવી બીજા દિવસે મેં રાજકોટ વધુ અભ્યાસ માટે પ્રયાણ કર્યું. મારા મોટાભાઈ જેમની ઉમર 20 વર્ષની હતી તે મને લઇ નાનડિયાથી બાંટવા સુધી ત્રિકમબાપાની છકડો રિક્ષામાં ભાઈના આઠ આના ભાડું ને મારુ ચાર આના ભાડું ને બાંટવાથી ટેક્ષીમાં જૂનાગઢ બબ્બે બબ્બે રૂપિયામાં લઇ ગયા ને વૈશાખ મહિનાના બળબળતા તાપમાં મારા ઉઘાડા પગ સામુ જોઈ ચમક્યા, જૂનાગઢથી પાંચ રૂપિયાના સ્લીપર લઇ આપી બીજી ટેક્ષીમાં રાજકોટ રવાના થયા. આ રીતે 1962થી ચાલુ થયેલ મારી નાનડિયાની અભ્યાસ સાધના 1970માં પૂરી થઇ. દશમાં ધોરણમાં મેં રાજકોટ પ્રવેશ મેળવ્યો ને પછી તો અભ્યાસ સાધના માટે અમદાવાદ, દિલ્હી, અમેરિકા, યુરોપ સહિત કેટલા સ્થળે જવાનું બન્યું!


Rate this content
Log in

Similar gujarati story from Classics