Prashant Subhashchandra Salunke

Abstract Drama Inspirational

4.5  

Prashant Subhashchandra Salunke

Abstract Drama Inspirational

ગૃહ પ્રવેશ

ગૃહ પ્રવેશ

2 mins
274


    આજે ઉર્મિલાના લગ્ન કપિલ જોડે થવાના હતા. કપિલ સુખી ઘરનો છોકરો હતો. કપિલના ઘરમાં માત્ર તેના માતાપિતા રહેતા હતા. કપિલની બહેન રશ્મિ થોડાક મહિના પહેલા જ લગ્ન કરીને વિદેશ જતી રહી હતી. ટૂંકમાં લગ્નબાદ સસુરાલમાં ઉર્મિલાને ખાસ કોઈ તકલીફ પડવાની નહોતી. છતાંયે ઉર્મિલાનું મન વ્યથિત હતું. કારણ માતાપિતાના જે ઘરમાં ૨૧ વર્ષ સુધી રહી મોજ કરી હતી આજે તે છોડીને તે નવા ઘરમાં જવાની હતી. જુના સબંધોથી અળગા થઈને નવા સબંધો સાથે તે જોડાવાની હતી. બે પરિવારોને જોડવાની જવાબદારી હવે ઉર્મિલાના શિરે હતી. લગ્નના દિવસે જેમ દરેક કન્યાના મનમાં મૂંઝવણ હોય છે તેમ ઉર્મિલાના મનમાં પણ થતું હતું કે, “પતિનું ઘર કેવું હશે ? તેના સાસુ સસરા તેને સાચવી તો લેશે ને ? તેનો પતિ કપિલ સ્વભાવે કેવો હશે.” કોઈપણ યુવતી માટે લગ્નનો આ એક દિવસ ખૂબ જ મહત્વનો હોય છે. કારણ તે એક દિવસ મહાદ્વિભાજક દિન બની યુવતીના જિંદગીમાં સંપૂર્ણ બદલાવ લાવી દેતો હોય છે. લગ્ન બાદ કન્યાની માત્ર અટક જ નહીં પરંતુ તેની સંપૂર્ણ ઓળખ બદલાઈ જતી હોય છે.

    લગ્નવિધિ પૂર્ણ થઈ આખરે આવી એ દુઃખદ વિદાયની વેળા. ત્યાં હાજર સહુ આપ્તજનોના આશિર્વાદ લઈ ઉર્મિલા કારમાં બેઠી. સહુએ અશ્રુભીની આંખે તેને વિદાય આપી. આખા રસ્તે તેના મનમાં બસ એક જ મૂંઝવણ હતી. “હવે આગળ તેની જિંદગી કેવી જશે ? નવું ઘર, નવા લોકો. શું બધા તેને સાચવશે !” અગણિત વિચારો વંટોળ બની, તેના મનમાં ખળબળાટ મચાવી રહ્યા હતાં. ઉર્મિલા પરસેવે રેબઝેબ થઈ રહી હતી. જોકે તે પરસેવો ચિંતાને કારણે હતો કે બહાર પડી રહેલા ધોમધખતા તાપને કારણે તે નક્કી કરવું મુશ્કેલ હતું. કારણ મનમાં ડર હોવા છતાંયે ઉર્મિલાના મુખ પર કુત્રિમ હાસ્ય તરવરી રહ્યું હતું. પોતાની ચિંતા દેખાડી તે બીજાઓને દુઃખ પહોંચાડવા માંગતી નહોતી. લગ્ન થતા જ યુવતીઓ સમજદાર થઈ જતી હોય છે. અચાનક એક અલ્લડ યુવતી મટી તે ગૃહણી બની જતી હોય છે.

    આખરે તેનું સસુરાલ આવ્યું. ઉર્મિલાએ ગૃહપ્રવેશ માટે પોતાના પગ ઉપાડ્યા. તેની આંખોમાં નવા નવા સપના સજી રહ્યા હતાં જયારે મન અવનવા વિચારોથી ગભરાઈ રહ્યું હતું. ધબકતે હૈયે ઉર્મિલાએ કળશને પગનો અંગૂઠો અડાડ્યો...

    આ જોઈ તેની સાસુમા બોલ્યા, “મારી એક દીકરી રશ્મી લગ્ન કરીને આ ઘરમાંથી ગઈ. જયારે બીજી લગ્ન કરીને આ ઘરમાં મારી દીકરી બનીને પાછી આવી. આવ વહુ બેટા. ઘરમાં આવ.”

    સાસુમાએ કહેલા પ્રેમાળ વાક્યથી ઉર્મિલાના મનનો વંટોળ ઓચિંતો શમી ગયો. બહાર વરસાદના અમી છાંટણા શરૂ થતા વાતાવરણમાં ટાઢક પ્રસરી ગઈ. સહુ શંકા ત્યાગી ઉર્મિલાએ તેના પતિના ઘરમાં હર્ષભેર કર્યો ગૃહ પ્રવેશ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract